- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જીવનમાં દરેક વાત યોગ્ય સમયે જ સમજાય એ જરૂરી નથી, ક્યારેક યોગ્ય સમય હાથમાંથી સરી જાય છે અને મુઠ્ઠીમાં અફસોસ મુકતો જાય છે. વ્યક્તિઓ અને લાગણીઓની કિંમતનું પણ એવું જ છે
આ પણા દેશમાં ઓગસ્ટના તહેવારોથી દિવાળી સુધીનો સમય ફ્રી, સેલ, ડિસ્કાઉન્ટ, બોનસ, એકસ્ટ્રા, લૂંટ, મહાબચત વગેરે શબ્દોથી ભરમાતી રહેતી પ્રજાને સંમોહિત કરવાનો સમય છે. આપણે ચર્ચા પૂરતા આ બધા જ શબ્દોને એક પેકેજમાં મૂકીએ અને તેને નામ આપીએ 'મફત' ! આમ જોવા જઇએ તો, આજના ડિજિટલ યુગમાં 'મફત'ની ભૂરકી નાખીને તમારા મગજને વશમાં કરવાની પ્રવૃત્તિ ચારેકોર અને આખું વર્ષ ચાલે છે. 'મફત' એક મહામંત્ર છે. જાણકારો 'નો લંચ ઇઝ ફ્રી' એવું સમજાવતા ફરે છે પરંતુ 'મફત'ના આ પેકેજની મજા અને માનસિક સંતોષ એવો છે કે 'નો લંચ ઇઝ ફ્રી' એક ફિલસૂફી તરીકે જ રહી જાય છે. મફતમાં સબસ્ક્રિપ્શન આપીને ડેટા કે જાહેરાતોમાંથી કમાણી કરતી સેવાઓમાં લોકોની મફતની ડિજિટલ મઝા અને ધંધાદારીઓની પાછલા બારણેથી ડિજિટલ એડ-ડેટા કમાણી બંને સમાંતર ચાલે છે ! વાત જ્યારે પણ સમજાય ત્યારે એટલી જ સમજાવી જોઇએ કે મફતમાં કશું મળતું નથી, દરેક વસ્તુ બાબતની દેખીતી અથવા ચૂપી કિંમત હોય છે. અને, મફત મળવું પણ શા માટે જોઇએ ? અહીં બધા જ કોઇને કોઈ હેતુ કે અપેક્ષા લઇને જીવે છે અને એને મૂળમાં રાખીને પોતાની પ્રવૃત્તિઓ આદરે છે. પૈસાની દ્રષ્ટિએ 'મફત' પણ વ્યવહારમાં મફત નથી હોતું એટલું ના સમજી શક્યા હોય એ જ છેતરાયાની બૂમો પાડે છે, બાકીના તો સમજી જ જાય છે કે કિંમત માત્ર પૈસામાં જ ચુકવવાની નથી હોતી, વ્યવહારમાં કિંમત અનેક પ્રકારે ચૂકવાતી હોય છે, કૅશ ઓર કાઈન્ડ !
લાગણીઓ અને સંબંધો પણ આ બાબતમાં બાકાત નથી ! કોવિડના સમય દરમ્યાન સંબંધોમાં લાગણીઓના વિનિમયનું ગણિત ઘણાને સમજાઈ ગયું હતું, સારી અને ખરાબ બંને રીતે ! અત્યાર સુધી મફતમાં મળેલા લાગતા લાગણીઓ અને સંબંધોનું પણ કોઈ મૂલ્ય છે તે વાત મોડી-વહેલી સમજાઈ ગઇ હતી. સ્વીકારવામાં વધુ આકરી લાગે એવી બાબત તો એ છે કે ગમે તેટલા ગાઢ સંબંધમાં પણ કોઈ મૂલ્ય છે તે વાત મોડી-વહેલી સમજાઈ ગઇ હતી. સ્વીકારવામાં વધુ આકરી લાગે એવી બાબત તો એ છે કે ગમે તેટલા ગાઢ સંબંધમાં પણ લાગણીઓ મફતમાં નથી વહેતી ! લાગણીઓના આ વિનિમયમાં લાગણીઓ, આદર, કદર, મહત્વ, સંભાળ અને બીજા અનેક ઇચ્છીત વ્યવહારોની ભારોભાર અપેક્ષાઓ રહેલી છે. નિ:સ્વાર્થ લાગતા સંબંધોમાં પણ લાગણીઓ સાવ મફતમાં નથી, અપેક્ષાઓનો આ વિનિમય તો અધ્યાહાર રહેલો છે જ ! જેમ કોઈ પણ સર્વિસીસના નિયમો અને શરતો આપણે વાંચ્યા, જાણ્યા કે સમજ્યા વગર સંમત થઇને બેસીએ છીએ તેમ વ્યવહારમાં પણ અનેક નિયમો અને શરતો આપણે સ્વીકારીને બેસવું પડે છે. સંબંધોમાં લાગણીઓનો વિનિમય પ્રસંગોપાત આપણી સામે આવતો રહે છે, જેને એ સમજાય છે તે એ દિશામાં વિચારતા થાય છે બાકીના આખી વાત અવગણીને જે કરતા હતા તે કર્યે જ જાય છે.
જીવનમાં દરેક વાત યોગ્ય સમયે જ સમજાય એ જરૂરી નથી, ક્યારેક યોગ્ય સમય હાથમાંથી સરી જાય છે અને મુઠ્ઠીમાં અફસોસ મુકતો જાય છે. વ્યક્તિઓ અને લાગણીઓની કિંમતનું પણ એવું જ છે, જ્યારે વ્યક્તિ કે તેની લાગણીનું સાચું મૂલ્ય આપણને સમજાય ત્યાં સુધીમાં તે આપણને ઉપલબ્ધ ના રહી હોય તેમ પણ બને ! 'સાહેબ આ કોરોના મારી પત્નીને લઇ ગયો' અડસઠ વર્ષના એક મુરબ્બી આટલું બોલતા ધુ્રસકે ધુ્રસકે રડી પડયા 'એ જીવતી હતી ત્યારે એની દરેક મન-મરજી પર હું એને ટોકતો રહ્યો, એ બિચારી મારી ખુશી માટે એના મનને મારતી રહી. હું છેલ્લા ચાર વર્ષથી એકલતામાં મારી જાત પર ધિક્કાર વરસાવતો રહુ છું કે એના જીવતા એની સાચી કિંમત હું ના કરી શક્યો. મને આત્મહત્યાના વિચારો આવે છે પણ હિંમત નથી ચાલતી કે ઉપર જઇને હું તેનો સામનો કેવી રીતે કરી શકીશ !' વડીલના અફસોસની સાથે સાથે મને મારા પ્રોફેશનલ અનુભવ દરમ્યાન નોંધેલી એક બાબત તાજી થઇ આવી. મેં મારી પ્રેક્ટિસના ત્રણ દાયકામાં એવા અનેક પુરુષો જોયા છે કે જેમણે પત્નીના અવસાન પછી પત્નીને પોતાની મરજી પ્રમાણે જીવવા ના દીધા અંગે અફસોસ વ્યક્ત કર્યો હોય પરંતુ આ જ સુધી એવી પત્ની નથી જોઈ કે જેણે આવા પ્રકારનો કોઈ અફસોસ કર્યો હોય ! પત્નીનું મૂલ્ય તેના ગયા પછી સમજાતું હોય એવા પુરુષો તમને ડગલે ને પગલે મળશે,
પરંતુ પતિનું મૂલ્ય તેના ગયા પછી સમજાયું હોય તેવી પત્ની તમને ભાગ્યે જ મળશે ! અલબત્ત, જીવનસાથી ગુમાવાનું દુ:ખ, એકલતા, નિસહાયતા વગેરે અલગ વાત છે પરંતુ, તેના જીવનમાં પતિનું શું મૂલ્ય છે, મૂલ્યવાન કે મૂલ્યહીન, તે પ્રત્યે એ અજાણ નથી હોતી. તમને મારી આ વાત સ્ત્રી તરફી લગતી હોય તો ભલે, પણ દિવા જેવી સ્પષ્ટ વાત એ છે કે વ્યક્તિ કે સંબંધોનું મૂલ્ય જે સ્ત્રી સમજી શકે છે તે પુરુષો નથી સમજી શક્તા ! કિંમત આંકવાની, કરવાની અને સમજવાની સ્ત્રીઓની આવડત નૈસર્ગીક છે. વ્યક્તિ હોય કે વસ્તુ, કોને કેટલો ભાવ અપાય તેની પાક્કી ગણતરી સ્ત્રીના મનમાં ના હોય એવું ભાગ્યે જ બને ! આજની વાતનો ઉપસંહાર એટલો જ કે વેબ, વર્ચ્યઅલ, વ્યાપાર કે વ્યવહાર કશું'ય મફત નથી.દરેકની કિંમત છે, સીધી-આડકતરી, જાહેર-છુપી, રોકડ-ઉધાર, ડાઉન પેમેન્ટ-હપ્તેથી, કેશ-કાઇન્ડ-બસ, સમજાય તો એક જ વાત છે કે વ્યવહારમાં વસૂલીના અનેક પ્રકાર હોય છે પરંતુ મફત કંઇ હોતું નથી. વ્યક્તિઓ, લાગણીઓ, સંબંધો વગેરેને પણ પોતપોતાનું મૂલ્ય હોય છે અને ધ્યાન રાખઝો એ મફતમાં મળતું નથી રહેતું, એનું યોગ્ય મૂલ્ય ના ચૂકવી શકો તો એ ટકતું પણ નથી !
પૂર્ણવિરામ
મફતનું * મૂલ્ય એની માથે રહેલી ફુદડીમાં છે, ક્યારેક આ ફૂદડી અદ્રશ્ય હોય છે પણ હોય છે જરૂર !


