Get The App

જિંદગીથી ઉત્તમ શિક્ષક બીજો કોઈ નથી

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
જિંદગીથી ઉત્તમ શિક્ષક બીજો કોઈ નથી 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- વ્યવહારિક ઉપયોગ વગરનું વધુ પડતું ચિંતન મનમાં અજંપો ઊભો કરે છે અને ચિંતન વગરનું વ્યવહારિક જ્ઞાન ખોખલાપણું સર્જે છે ! બંનેનું સંતુલન જ જીવનમાં અર્થ પેદા કરે છે.

'હું જે જીવી રહ્યો છું, તેમાંથી જ હું શીખી રહ્યો છું', દિવાળીની સાફસૂફીમાં મારા હાથે ચઢેલી, કોલેજકાળની એક ડાયરીના પાનાં ફંફોસતા, ઝાંખી શાહી અને ભુલાઈ ગયેલા લખાણો વચ્ચે, મને આ લીટી વાંચવા મળી. જાણે અનુભવ અને સમજણ વચ્ચે એક હળવો આંતરિક સંવાદ ! મારા ચહેરા પર એક સહજ સ્માઈલ આવ્યું. બહુ માથું ખંજવાળ્યું પણ યાદ ન આવ્યું કે આ મેં લખ્યું હશે કે ક્યાંકથી ટપકાવ્યું હશે ?! પરંતુ એક વસ્તુ નક્કી છે કે આ ચિંતનશીલ વિચાર મારા વાંચન કે કોઈ ઘટનાના વિશ્લેષણમાંથી જન્મ્યો હશે. એ સમયે તો ખાલી ચિંતનશીલ વિચાર તરીકે ડાયરીમાં ટપકાવ્યો હશે પરંતુ આજે તો એ અફર સત્ય પણ સમજાઈ ગયું છે કે જિંદગીથી ઉત્તમ શિક્ષક બીજો કોઈ નથી, જો તેમાંથી શીખવાની દાનત અને આવડત બંને હોય તો ! જીવનના અનુભવોમાંથી શીખવા માટે તમારે 'ચિંતનશીલ વિચારસરણી' - 'રિફ્લેકિટવ થિંકિંગ' ને કામે લગાડવું પડે છે.

મારી કારકિર્દીમાં મેં અનેક લોકો એવા જોયા છે કે જે અતિ-વ્યસ્ત રહેતા હોય અને ઝડપી પ્રગતિ કરતા હોય, ભાગ્યે જ એમની પાસે ઘડીભર રોકાઈને ચિંતન કરવાનો સમય હોય ! પરંતુ, જ્યારે તમે જીવનના રોજિંદા અનુભવો પર ચિંતન નથી કરતા ત્યારે તમારા અનુભવો પુનરાવર્તિત થયા કરે છે અને તેમાંથી તમે કંઈ શીખતા નથી. બીજો કોઈ ચિંતનશીલ માણસ તમારા આ અનુભવમાંથી શીખી જાય છે, તેને તમારો અનુભવ કામ લાગે છે પરંતુ એ જ અનુભવ તમારા કામે લાગતો નથી ! આ 'ચિંતનશીલ વિચારસરણી' એટલે ચિંતા કરવી કે પોતાની દયા ખાવી એવું નહીં, પરંતુ પોતાની જાત સાથેની સૌમ્ય વાતચીત - 'આ અનુભવે મને શું શીખવ્યું ?!' 'હું અલગ રીતે શું કરી શક્યો હોત ?!' 'હું કઈ દિશામાં જઈ રહ્યો છું ?!' વગેરે. ચિંતન વગર જીવન માહિતી-ઘટનાઓનો ઢગલો માત્ર છે પરંતુ ચિંતન થકી એ અંત:દ્રષ્ટિમાં બદલાઈ જાય છે, આ મારી વાત તમારા મનમાં લખી રાખજો. અનુભવોનો નિચોડ કાઢતું આ 'રિફ્લેકિટવ થિંકિંગ' વિકસિત કરવા જીવનની ઝડપમાંથી સમય કાઢીને અને વિચારોની ગતિને ધીમી પાડીને ચિંતન કરવાની આવડત કેળવવી પડે. જીવનના માઠા અનુભવો, દુર્ઘટનાઓ કે આનંદની ક્ષણો આપણા શિક્ષક ત્યારે જ બની શકે જ્યારે તમે એની પાસે શાંત ચિત્તે બેસી શકો. આ તબક્કે મૌન જ તમારો ક્લાસ-રૂમ બની જાય છે.

હવે માની લો કે ચિંતન તો તમે કર્યું, અનુભવનો નિચોડ પણ કાઢ્યો પરંતુ આ સમજણ, ડાહપણ ઉપયોગમાં ના લઈ શકો તો બધું વ્યર્થ ! શીખ્યા તો ખરા, હવે એને જીવનમાં ઉતારવું કેવી રીતે, ઉપયોગમાં લેવું કેવી રીતે ?! મન જ્યારે આ બાબતો વિચારવા માંડે ત્યારે 'વ્યવહારુ વિચાર' - 'પ્રેકિટકલ થિંકિંગ' કાર્યરત થવા માંડે. 'પ્રેકિટકલ થિંકિંગ' વિચારોને અને લાગણીઓને વ્યવહારમાં મૂકવાની - વ્યક્ત કરવાની કળા છે. મેં ઘણી વ્યક્તિઓ એવી જોઈ છે કે જેની પાસે ચિંતન આખા ગામનું હોય પરંતુ તેમના વ્યવહારમાં તેનો કોઈ ઉપયોગ જણાતો ના હોય. વાસ્તવમાં આ બાબતે એ સમજવું જરૂરી બની જાય છે કે 'રિફ્લેકિટવ થિંકિંગ' તમારામાં સમજણ પેદા કરે છે અને 'પ્રેકિટકલ થિંકિંગ' તમારી એ સમજણને ગતિ આપે છે, વ્યવહારમાં ઉતારે છે.

રોજિંદા જીવનમાં 'રિફ્લેકિટવ થિંકિંગ' અને 'પ્રેકિટકલ થિંકિંગ' એકબીજાની સાથે મળીને કામ કરે છે. 'રિફ્લેકિટવ થિંકિંગ' નદી કિનારે બેઠેલો ફિલસૂફ છે - વિચારક છે, જ્યારે 'પ્રેકિટકલ થિંકિંગ' એ જ વિચારોને ગતિ આપીને, નદી પર પુલ બાંધવાની વ્યવહારિક ઉપયોગિતા વિચારતી વિચારસરણી છે. ચિંતન આપણને સમજુ બનાવે છે જ્યારે વ્યવહારિકતા એ જ સમજને ઉપયોગમાં લાવે છે. વ્યવહારિક ઉપયોગ વગરનું વધુ પડતું ચિંતન મનમાં અજંપો ઊભો કરે છે અને ચિંતન વગરનું વ્યવહારિક જ્ઞાન ખોખલાપણું સર્જે છે ! બંનેનું સંતુલન જ જીવનમાં અર્થ પેદા કરે છે. વર્ષો પછી એકવાર મારી કોલેજમાં 'કોગ્નિટિવ એક્સેલન્સ' વિષયમાં બોલવા જવાનું થયું હતું ત્યારે મારા એક પ્રોફેસરે વક્તવ્ય પછીની વાતચીત દરમ્યાન કહ્યું હતું, 'દરેક ક્લાસ પછી હું દસ મિનિટ ક્લાસરૂમમાં બેઠો રહેતો અને વિચારતો કે શું સારું રહ્યું અને શું નહીં ?! અને પછી હું આગામી ક્લાસમાં જરૂરી એવા ફેરફારની નોંધ કરું, તેના અમલ માટેના નક્કર પગલાં લઉં' તેમનું આ સરળ રૂટિન 'રિફલેકશન' અને 'પ્રેકિટકાલિટી'ની વાત હતી. આપણા ઉપનિષદો અને અન્ય ગ્રંથોમાં પણ ચિંતનાત્મક વિચારો અને વ્યવહારમાં તેની ઉપયોગિતા વિશેનું બેસુમાર જ્ઞાન સચવાયેલું પડયું છે, કમનસીબે આપણી પાસે એ બધા માટેનો સમય નથી ! એક રીતે, ચિંતન અને વ્યવહારિક વિચારસરણી એક જ મનના બે હાથ છે. એક શીખવા માટે અંદર તરફ વળે છે, બીજો કાર્ય કરવા માટે બહાર તરફ પહોંચે છે. આંતરિક હાથ વિના, આપણે અર્થ ગુમાવીએ છીએ અને બાહ્ય હાથ વિના, આપણે ગતિ ગુમાવીએ છીએ. જીવન આપણને સુમેળ અને સહજતા સાથે બંનેનો ઉપયોગ કરવાનું કહે છે.

જો તમે ચિંતનશીલ વિચારસરણી વિકસાવવા માંગતા હો, તો દરરોજ રાત્રે પોતાને પાંચ મિનિટ આપીને શરૂઆત કરો. દિવસમાં ઘટેલી ક્ષણોનું ચિંતન કરો, તેમાંથી મળેલા અનુભવો-શીખ તારવવાનો અને તેને કેન્દ્રમાં રાખી ડાયરી લખવાનો રોજિંદો મહાવરો કેળવો. તમારા રૂટિનને રેકોર્ડ કરવા માટે નહીં, પરંતુ તેને સમજવા માટે થોડું પણ લખો. વ્યવહારુ વિચારસરણી વિકસાવવા માટે, તમારી સવારની શરૂઆત એક સરળ કાર્યથી-બદલાવથી કરો, વિલંબ કર્યા વિના અમલમાં મૂકાયેલ એક નાનો નિર્ણય. જેમ ચિંતન દિવસનો અંત લાવે છે, તેમ વ્યવહારિકતા તેની શરૂઆત કરે છે. સાથે મળીને, તેઓ વિચારશીલ જીવનની લય બનાવે છે. એક પગલું અંદર તરફ, એક પગલું આગળ...

પૂર્ણ વિરામ

કેટલાક લોકો આખો દિવસ વિચારતા રહે છે, કેટલાક વિચાર્યા વગર આખો દિવસ દોડતા રહે છે, જ્ઞાની લોકો વિચારીને દોડે છે અને સમયસર ઘરે પહોંચે છે !