Get The App

લોકોના ઉચાટ-હતાશા પાછળ મોટી કે જટિલ સમસ્યાઓ કરતા તેમની અસ્પષ્ટ વિચારસરણી વધુ જવાબદાર હોય છે

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
લોકોના ઉચાટ-હતાશા પાછળ મોટી કે જટિલ સમસ્યાઓ કરતા તેમની અસ્પષ્ટ વિચારસરણી વધુ જવાબદાર હોય છે 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- એનાલિટીકલ થિંકિંગ વિભાજિત કે વર્ગીકૃત કરીને સમસ્યાનું વિશ્લેષણ કરે છે અને ક્રિટિકલ થિંકિંગ પ્રશ્નો પૂછીને તેની સત્યતાનું મૂલ્યાંકન કરે છે. વાસ્તવમાં આ બંને વિચારસરણીઓ એકબીજાની સાથે રહીને તમારી નિર્ણય શક્તિ ઘડે છે.

એક મનોચિકિત્સક તરીકે મેં હંમેશાં અનુભવ્યું છે કે, લોકોના ઉચાટ-હતાશા પાછળ મોટી કે જટિલ સમસ્યાઓ કરતા તેમની અસ્પષ્ટ વિચારસરણી વધુ જવાબદાર હોય છે અને માટે જ, એક સરખા પરિબળો સાથે, એક સરખી સમસ્યાઓનો સામનો કરતા લોકો પર તેની માનસિક અસરો અલગ અલગ હોય છે. ઘણી વ્યક્તિઓ મારી સામે પોતાના પ્રશ્નોથી ઘેરાઈને બેઠી હોય છે 'ડોક્ટર મગજ જ બહેર મારી ગયું છે, બધું એટલું મેસડ અપ થઇ ગયું છે કે સૂઝતું જ નથી !' પરંતુ જ્યારે તમે એના પ્રશ્નોની મુદ્દાસર ચર્ચા કરવા બેસો ત્યારે મેસડ્ અપ લાગતું આ બધું જ ચાર-પાંચ ક્ષેત્રોમાં વહેંચાઈ જાય છે અને એ વહેંચતા જ બધું જાણે મેનેજેબલ લાગવા માંડે છે ! બસ, આ જ કમાલ છે એનાલિટીકલ કે વિશ્લેષણાત્મક વિચારસરણીનો !

મરાઠી ભાષામાં એક કહેવત છે  मोढं काम तुकडयांनी उरकावं મોટા કાર્યોને ટુકડાઓમાં વિભાજિત કરીને પૂર્ણ કરવામાં આવે છે. મારા મહારાષ્ટ્રીય દર્દીઓને મેં અવારનવાર આ કહેવત કહી છે, ખાસ કરીને એવી વ્યક્તિઓને જે પોતાને અગણિત સમસ્યાઓના ભાર હેઠળ લદાયેલી અનુભવતી હોય. વાસ્તવમાં જીવનને જ્યારે સમસ્યાઓના પહાડ રૂપે જોવામાં આવે ત્યારે તે બહુ કઠિન લાગે છે પરંતુ એ જ પહાડને નાના ટુકડાઓમાં વિભાજિત કરી દઇએ તો તેને સર કરવા માટેની સરળ સીડી બની જાય ! આ નાનકડી વાત સમજાઈ જશે તો એનાલિટીકલ થિંકિંગ સમજમાં આવી જશે.

* * *

'મારી એક એક સમસ્યાઓ રાવણના એક એક માથા જેવી છે' પોતાની સમસ્યાઓને રાવણના માથા સાથે સરખાવતી વ્યક્તિ મને જીવનમાં પહેલીવાર મળી ! 'લોનના હપ્તાનું ભારણ, પત્ની સાથે રોજના ઝગડાઓ, મમ્મી-પપ્પાના સ્વાસ્થ્યની ચિંતાઓ, ધંધામાં વધતી જતી સ્પર્ધા, સરકારના હજાર લફરા, કેટકેટલા માથા ગણાઉં ?!' ખરેખર એક લડવૈયાની જેમ એ જિંદગીની સમસ્યાઓ સામે જાણે લડી રહ્યો હતો. 'ચાલો તમારી સમસ્યાઓની એક યાદી બનાવીએ' મેં કહ્યું. મેં એક વાત મારા વર્ષોના અનુભવમાં નોંધી છે કે લોકો કોઈપણ બાબતની યાદી બનાવવા પ્રત્યે હંમેશા નીરસ હોય છે. કંઇપણ લખવાનું કહીએ તો મજા ના આવે ! એણે મારી વાતમાં ખાસ ઉત્સાહ ના બતાવ્યો પરંતુ મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો 'યાદી તો બનાવવી પડશે, પ્રાથમિકતા નક્કી કરવી પડશે અને પછી આગળ વધવું પડશે કારણ કે બધે મોરચે એક સમયે ના લડી શકાય.' વાસ્તવમાં આ અભિગમ એનાલિટીકલ થિંકિંગનો છે, જીવનની ગૂંચને એક પછી એક દોરો પકડીને ઉકેલવાની વાત છે. આ પ્રકારની વિચારશૈલી તમારા મગજમાં કોઈપણ બાબત પ્રત્યે સ્પષ્ટતા ઊભી કરે છે અને તેને લીધે ચિંતાઓનું પ્રમાણ ઘટે છે. જે એક સમયે ગૂંચવણ લાગતી હતી તે હવે ઉકેલાવા માંડે છે. આ ઉપરાંત જ્યારે તમે કોઈપણ બાબતનું યોગ્ય વિશ્લેષણ કરવાની વૈચારિક ક્ષમતા વિકસાવો છો ત્યારે તમારી આવેગશીલતા આપોઆપ કાબૂમાં આવવા માંડે છે. કોઈપણ સમસ્યાના ઉકેલમાં આ કારગત નીવડે છે કારણ કે એક વાર કોઈપણ પ્રશ્ન કે પ્રોબ્લેમ નાના નાના ભાગોમાં વહેંચાઈ જાય પછી ઉકેલો કુદરતી રીતે દેખાવા માંડે છે. વાસ્તવમાં મારી વાત ધ્યાનથી વાંચશો તો સમજાશે કે આ ડિટેક્ટિવની વિચારશૈલી છે, એ પહેલા મોટા રહસ્યને નાના નાના ભાગમા વિચારે છે અને પછી એ જ નાના ટુકડાઓને જોડીને મોટા રહસ્યને ઉકેલે છે. ઘણીવાર એનાાલિટીકલ થિકિંગથી સમસ્યાઓ પાછળના છુપા કારણો પણ તમારા ધ્યાનમાં આવે છે અને તેના કારણે તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વિકસિત થાય છે.

હવે ઉપયોગી પ્રશ્ન : 'એનાલિટીકલ થિંકિંગ' વિકસાવી શકાય ?! ઓફ કોર્સ વિકસાવી શકાય, મેં ગયા સપ્તાહે પણ કહ્યું હતું કે વિચારવાની પદ્ધતિઓનો મહાવરો કરીને વિચારશૈલીઓ વિકસાવી શકાય છે. 'એનાલિટીકલ થિંકિંગ'ને મજબૂત બનાવવા પ્રશ્નોને નાના નાના ભાગમા વિભાજિત કરતા શીખવું પડશે. જેમ દાખલાઓ ગણવાનો મહાવરો કરીને ગણિતમાં પારંગત થવાય તેમ મુદ્દાસર વિચારીને, આકૃતિઓ ટેબલ ફ્લો ચાર્ટસ બનાવીને એનાલિટીકલ સ્કિલ્સ વિકસાવી શકાય. કોઈપણ બાબતને ઉપરછલ્લી રીતે વિચારવાને બદલે ઊંડાણપૂર્વક વિચારવાનો મહાવરો કરતા રહો. જ્યાં દેખીતું એક જ કારણ હોય ત્યાં પણ અન્ય શક્ય કારણો તપાસવાનો મહાવરો કરતા રહો. જાસૂસની જેમ વિચારવાથી તમારી વિશ્લેષણાત્મક શક્તિ વિકસતી હોય છે. 

સૌથી અગત્યનું એનાલિટીકલ થિંકિંગ હંમેશા પેપર-પેન્સિલ લઇને જ કરો અર્થાત્ લખીને કરો કારણ કે ઘણીવાર મનોમન થતું એનાલિટીકલ થિંકિંગ અજાણતા જ ઓવર-થિંકિંગમાં બદલાઈ જતું હોય છે. અલબત્ત, ઓવરથિંકિંગમાં એકના એક વિચારો મગજમાં લાંબો સમય ફર્યા કરતા હોય છે જ્યારે એનાલિટીકલ થિંકિંગમાં એક જ વિચાર સાથે સંકળાયેલા મુદ્દાઓ અને તેમની વચ્ચેના જોડાણનું ચિંતન થાય કરતું હોય છે.

આ તબક્કે તમને કદાચ એવો પણ પ્રશ્ન થાય કે 'ક્રિટિકલ થિંકિંગ' અને 'એનાલિટીકલ થિંકિંગ'માં શું ફેર ?! તમારી પાસે એક કેરી હોય એ સંજોગોમાં 

ક્રિટિકલ થિંકિંગ તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે આ કેરીની જાત કઇ છે ? એ કાચી છે કે પાકી ? એની અંદર જીવાત હશે કે નહીં ? તે કુદરતી રીતે પાકી છે કે કાર્બાઇડ દ્વારા પકવવામાં આવી છે ? હું એને ખાઈ શકું કે નહીં ? વગેરે. જ્યારે, એનાલિટીકલ થિંકિંગ તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે આ કેરીને કઇ રીતે ખાઈ શકાય, કાપીને, રસ કાઢીને, બાફલો બનાવીને, અથાણું બનાવીને કે આંબોળિયા બનાવીને ? કેવી રીતે તેના કટકા કરી શકાય ? એ ખાઈ લીધા પછી એના ગોટલા-છોતરાંનું શું કરી શકાય ? ગોટલીનો મુખવાસ બનાવવા શું કરવું પડશે ? વગેરે ક્રિટિકલ થિંકિંગ પ્રશ્નો પૂછીને ઉકેલ શોધો અને એનાાલિટીકલ થિંકિંગ વિભાજિત કે વર્ગીકૃત કરીને ઉકેલ શોધો છે. વાસ્તવમાં આ બંને વિચારસરણીઓ એકબીજાની સાથે રહીને તમારી નિર્ણય શક્તિ ઘડે છે, એક 'ચિઝલ' છે અને બીજી 'હેમર'. એક પથ્થર તોડી નાખે છે, બીજો નક્કી કરે છે કે કયો ભાગ રાખવા યોગ્ય છે. એનાલિટીકલ થિંકિંગ સમસ્યાનું વિશ્લેષણ કરે છે; ક્રિટિકલ થિંકિંગ તેની સત્યતાનું મૂલ્યાંકન કરે છે. એક તમને સ્પષ્ટતા આપે છે, બીજો તમને ચોકસાઈ આપે છે. આપણે તો બાર વિચારશૈલીઓની વાત કરવાની છે, સ્ટે કનેક્ટેડ...

પૂર્ણવિરામ : ઓવરથિંકિંગ વિચારોની ચ્યુઇંગ-ગમ છે જ્યારે એનાલિટીકલ થિંકિંગ વિચારોની સ્લાઇસ છે !