Get The App

તમારું અસ્તિત્વ પળે પળે બદલાઈ રહ્યું છે .

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
તમારું અસ્તિત્વ પળે પળે બદલાઈ રહ્યું છે                               . 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- અવિરત પરિવર્તન જ સંસારનો નિયમ હોય અને અસ્તિત્વનું રહસ્ય હોય તો વિચારો, પૂર્વગ્રહો, માન્યતાઓ, પસંદગીઓ, યાદો વગેરેને આપણે શા માટે જડતાપૂર્વક પકડી રાખીએ છીએ?! શું આ જડતા જ આપણી અશાંતિનું મૂળ નથી?!

પ્રા ચીન ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસનો એક પ્રખ્યાત ક્વોટ-અવતરણ છે 'તમે એક જ નદીમાં બે વાર પ્રવેશ કરી શકતા નથી.' નદીનું વહેતું પાણી સતત ગતિમાં હોય છે. દરેક પસાર થતી ક્ષણ સાથે તે આગળ ધસતું અને બદલાતું રહે છે, સ્વાભાવિક છે જે નદીમાં તમે અત્યારે ઉતર્યા છો તેનું પાણી, થોડા સમય પહેલા ઉતર્યા હતા તે નથી, તે પાણી તો ક્યારનું આગળ વધી ગયુ ! વહેણથી રેતી-કાંકરા કે તળિયું બદલાઈ ગયું હોય એમ પણ બને ! આ તાર્કિક નિરીક્ષણ આમ સાવ સરળ રીતે સમજમાં આવે એવું છે પરંતુ ચિંતન કરીએ તો જીવનનું એક ઊંડું સત્ય ઉજાગર થાય છે. એવું નથી કે પસાર થઈ ગયેલી ક્ષણો સાથે માત્ર નદી જ બદલાઈ છે, તેમાં બીજીવાર પગ મૂકનારા તમે પણ એ જ નથી, તમે પણ બદલાયેલા છો ! આપણી આસપાસની દુનિયા અને સ્વના બેવડા પરિવર્તનની આ વાત છે, અને એનાથી એક ડગલું આગળ, સંસારમાં બધું ગતિશીલ અને પરિવર્તનશીલ છે તેની આ વાત છે.

આ વિચારના મૂળમાં આપણી ભૌતિક રચનાની આશ્ચર્યજનક વાસ્તવિકતા રહેલી છે. માનવ શરીર આશરે ૩૭ ટ્રિલિયન (૩૭,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) કોષોથી સર્જાયેલી એક જટિલ રચના છે. આ કોષો આપણા શરીરના મૂળભૂત ઘટકો છે, જે વિવિધ પેશીઓ અને અવયવો બનાવે છે. જીવનના આ સૂક્ષ્મ એકમો સતત પરિવર્તની સ્થિતિમાં છે. દરરોજ, આશરે ૩૩૦ અબજ કોષો, કુલ કોષોના લગભગ એક ટકા, શરીરની નવરચનાની અવિરત પ્રક્રિયાના ભાગ રૂપે બદલાય છે. ત્વચા કોષો હોય, લોહીના કોષો હોય, અવયવોના કોષો હોય કે હાંડકાંના કોષો હોય, શરીરના તમામ કોષો જુદા જુદા સમયાંતરે બદલાતા રહે છે. કોષોમાં અવિરત ચાલી રહેલો આ બદલાવ સૂક્ષ્મ અને અદ્રશ્ય સ્તરે શરીરને પ્રત્યેક ક્ષણ બદલતો રહે છે. એનો અર્થ એ થયો કે ભૌતિક રીતે તમે એક ક્ષણથી બીજી ક્ષણ સુધી ક્યારેય સમાન નથી. પરિવર્તન આટલેથી અટકતું નથી હજુ પણ ઊંડાણમાં ચાલે છે. સેલ્યુલર સ્તરથી આગળ ઝૂમ કરો, અને તમે તે કોષો બનાવતા અણુઓ સુધી પહોંચો છો. તમારા શરીરમાં લગભગ સાત ઓક્ટીલિયન અણુઓ છે. એટલે કે સાત પછી ૨૭ મીંડા ! આ અણુઓમાંથી લગભગ ૯૮ % દર વર્ષે બદલાય છે. આજે તમારા શરીરને બનાવતા કાર્બન, ઓક્સિજન, હાઈડ્રોજન અને અન્ય તત્વો એક સમયે તમારા ખોરાક, પાણી અને હવાનો ભાગ હતા. તેઓ પર્યાવરણ દ્વારા રિસાયકલ કરવામાં આવ્યા છે અને તમારા સતત વિકસિત માળખાનો ભાગ બન્યા છે. લિટરલ સેન્સ એટલે કે શાબ્દિક અર્થમાં કહું તો તમે ફક્ત તમારી પસંદગીઓનું ઉત્પાદન નથી પરંતુ તમે જે વિશ્વમાં રહો છો તેનું પરિણામ પણ છો, 'તમે એટલે બ્રહ્માંડના બધા પદાર્થોના પરસ્પર જોડાણનો હાલતો-ચાલતો, શ્વાસ લેતો પુરાવો !!'

આ તો ખાલી શારીરિક કે ભૌતિક બદલાવની વાત કરી, પણ આટલેથી અટકાય એવું ક્યાં છે ?! સતત બદલાતા રહેતા વિચારો, સંજોગો, સમજણ, ડાહપણ, પર્યાવરણ વગેરે બધું જ પરિવર્તનશીલ છે એમાં સ્વાભાવિક રીતે જ સમજાઈ જાય કે માત્ર નદી જ નહીં, તેમાં ઊતરતો માણસ પણ એ જ નથી, બીજો છે ! તમે એક સ્થિર અસ્તિત્વ નથી, એક સતત ચાલતી રહેતી જૈવિક પ્રક્રિયા છો. એવી પ્રક્રિયા જે જીવનના વિવિધ તબક્કે કરેલી પસંદગીઓ, સંજોગો અને અનુભવો, વાતાવરણ વગેરે અનેક પરિબળોથી પ્રભાવિત છે.

તમને થશે કે આ આખી કથાનો મર્મ શું ?! સાર શું ?! માનસિક શાંતિ ઝંખતી દરેક વ્યક્તિએ આ વાતનો મર્મ સમજવો જરૂરી છે. જો અવિરત પરિવર્તન જ સંસારનો નિયમ હોય અને અસ્તિત્વનું રહસ્ય હોય તો વિચારો, પૂર્વગ્રહો, માન્યતાઓ, પસંદગીઓ, યાદો વગેરેને આપણે શા માટે જડતાપૂર્વક પકડી રાખીએ છીએ ?! શું આ જડતા જ આપણી અશાંતિનું મૂળ નથી ?! આ જડતા બદલાવનો વિરોધ કરે છે, તેના કુદરતી પ્રવાહને અવરોધે છે અને સરવાળે વ્યક્તિઓ વિવિધ તબક્કે અટવાયેલી રહે છે. જો જીવનમાં ઉંમર સહજ પરિપક્વતા અને સમજણ કેળવવામાં તમે નિષ્ફળ જાવ તો આ જડતા તમારા અસ્તિત્વને અવરોધીને બેસી રહેશે અને જો એ કેળવતા જશો તો વ્યક્તિ તરીકે વિકસતા જશો. જીવનમાં આ પરિપકવતા અને સમજણ સમયસર આવશે કે નહીં તેનો આધાર તમારા વિચાર, વાંચન, શ્રવણ, ચિંતન, મનન, ધ્યાન વગેરે પર નિર્ભર છે. અહીં પ્રશ્ન એ નથી કે તમે બદલાશો કે નહીં, પ્રશ્ન એ છે કે કેવી રીતે બદલાશો !

આ પરિવર્તનશીલતાની સૌથી પોઝિટિવ સમજ એ છે કે તમે હંમેશા બદલાતા રહો છો એટલે તમારી પાસે આવતીકાલ માટે એક અલગ 'તમે' પસંદ કરવાની સ્વતંત્રતા છે. તમે ઇચ્છો ત્યારથી, તમે ઇચ્છો એ બાબતમાં બદલાવ લાવવા કટિબદ્ધ થઈ શકો છો. તમારી ગઈકાલની ભૂલો તમારી આજને સુધારવામાં અવરોધક નહીં બની રહે, સિવાય કે તમે એને છોડવા 

કે તેમાંથી શીખવા તૈયાર ના હોવ. હું એવું નથી કહેવા માંગતો કે આ બદલાવ સરળ કે તાત્કાલિક હોય છે. જીવનની લય મુજબ તેનું સંચાલન થયા કરે છે. વ્યક્તિગત પરિવર્તન માટે ઘણીવાર ધીરજ, ઇરાદા અને દ્રઢતાની જરૂર પડે છે. મહત્ત્વની વાત એ છે કે તમે એક ગતિશીલ અસ્તિત્વ છો જે દરેક ક્ષણે કોઈકના કોઈક સ્તરે બદલાવની પ્રક્રિયામાં છે. માત્ર તમે જ નહીં, તમારા મિત્રો, પરિવારજનો કે અન્ય બધા બદલાવની પ્રક્રિયામાં છે. દરેક વ્યક્તિ પોત પોતાની રીતે બદલાઈ રહી છે એટલી સમજ તમારામાં સહિષ્ણુતા, સહાનુભૂતિ અને ધીરજ પેદા કરવા માટે પૂરતી હોઇ શકે છે.

આખરે, તમે એક જ નદીમાં બે વાર પ્રવેશ કરી શકતા નથી તે સત્ય શક્યતાનો ઉત્સવ છે. તે આપણને યાદ અપાવે છે કે પરિવર્તન ડરવાની વાત નથી પરંતુ અસ્તિત્વનું મૂળભૂત પાસું છે. તમારું શરીર, તેના સાડત્રીસ ટ્રિલિયન કોષો અને સાત ઓક્ટીલિયન પરમાણુઓ સાથે, બ્રહ્માંડની નવીનીકરણ ક્ષમતાનો પુરાવો છે તેમ, તમારી પસંદગીઓની અભિન્ન ગણતરી દ્વારા આકાર પામેલો તમારો સ્વ, વિકાસ માટેની તમારી ક્ષમતાનો પુરાવો છે. તો, નદીમાં ઉતરો. તેના પ્રવાહને સ્વીકારો. જાણો કે તે બદલાશે, અને તમે પણ બદલાશો. અને આ બદલાવમાં જ સ્વની સાચી ઓળખ અને સ્વ-પરિવર્તનની અગણિત શક્યતાઓની સ્વતંત્રતા રહેલી છે.

પૂર્ણવિરામ 

દરેક ક્ષણમાં 'સ્વ'ને બદલવાની શક્યતા છે, માત્ર તમારે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનું છે !