Get The App

વિકલ્પ પસંદ કરવામાં અવઢવના કારણે ઘણાં અટવાયેલા રહેતા હોય છે

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
વિકલ્પ પસંદ કરવામાં અવઢવના કારણે ઘણાં અટવાયેલા રહેતા હોય છે 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- વિચારોની યાદી બનાવ્યા વગર વિચારો વિકસિત કરવા, બદલવા કે તપાસવા અશક્ય હોય છે. કોઈપણ વિચારશૈલી વિકસિત કરવા માટે તમારા મનમાં જીવનના ધ્યેય, અપેક્ષાઓ હેતુ વગેરે અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે

'સ ર, મને કોઈ માનસિક બીમારી નથી પરંતુ હું બીજી એક વાત માટે આપની મદદ ઇચ્છું છું, એક નિર્ણય અંગે મારું મન મૂંઝવણમાં છે અને અંતિમ નિર્ણય લેવા માટે તમારી સાથે ચર્ચા ઇચ્છું છું' ઓગણત્રીસ વર્ષીય મેનેજમેન્ટ વિદ્યાર્થી મને કહી રહ્યો હતો. તેની પાસે કામ કરવા માટેની ત્રણ ઓફર હતી - એક, ઉત્તેજનાની સાથે અસુરક્ષા હતી એવું સ્ટાર્ટ-અપ, બીજી, સ્થિરતા વધુ પરંતુ સર્જનાત્મકતાની તકો ઓછી એવી બહુરાષ્ટ્રીય કંપની, અને ત્રીજી, પોતાના કાકાનો વ્યવસાય, જેમાં સ્થિરતા-હળવાશ મહત્તમ પરંતુ વૃદ્ધિની શક્યતાઓ સીમિત. દર વખતે જ્યારે તે નિર્ણય લેવાનો પ્રયાસ કરતો, ત્યારે તેનું માથું ફરતું. 'જો સુરક્ષા પસંદ કરું તો નવું કરવાની તક ગુમાવી દઉં, હળવાશ પસંદ કરું તો પ્રગતિની તકો અટકી જાય ! જો મને મારી પસંદગી માટે પાછળથી પસ્તાવો થાય તો શું ? જો હું નિષ્ફળ જાઉં તો શું ?' એનું મન ચાર રસ્તાની વચ્ચે લકવાગ્રસ્ત થઇને ઊભું હતું. વિચારો અનેક પરંતુ એક પણ પગલું ભરવામાં અસમર્થ !

વાસ્તવમાં એણે આ મૂંઝવણના ઉકેલ માટે દરેક ઓફરના ફાયદા-ગેરફાયદાની યાદી બનાવી, જીવનના પોતાના ધ્યેય સાથે કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે મેળ ખાય છે તે દિશામાં ચિંતન કરવાની જરૂર હતી. પોતાના જીવનને હેતુ આપવા માટે ટ્રેડ-ઓફ (મહત્ત્વની વસ્તુ મેળવવા, ઓછા મહત્ત્વની વસ્તુ જતી કરવાની માનસિકતા) ને કામે લગાડવાની જરૂર હતી. પરંતુ, આ ત્યારે જ શક્ય બને જ્યારે તે આ બાબતોને કેન્દ્રમાં રાખીને મનનું ધ્યાન કેન્દ્રિત કરે. વિચારોને સમન્વિત કરીને એક નિર્ણય પર આવે. અનેક શક્યતાઓને ફિલ્ટર કરીને એક સ્પષ્ટ નિર્ણય પર પહોંચાડવા માટે જરૂરી વિચારશૈલીનું નામ છે, સમન્વયિત વિચારશૈલી (કન્વર્જન્ટ થિંકિંગ). મન પાસે જ્યારે એક કરતા વધુ વિકલ્પો હોય ત્યારે તે અચૂક મૂંઝાય છે અને આ મૂંઝવણને દૂર કરતું મનનું શસ્ત્ર આ કન્વર્જન્ટ થિંકિંગ છે.

મહાભારતનો એક પ્રસંગ છે, જેમાં ગુરુ દ્રોણ શિષ્યોની પરીક્ષા લેવા માટે દૂર વૃક્ષ પર રાખેલા લાકડાના પક્ષીની આંખ વીંધવા માટે તીરનું નિશાન સાધવા કહે છે. શિષ્ય નિશાન સાધવા આવે ત્યારે ગુરુ દ્રોણ પૂછે કે તને શું દેખાય છે ?! ભીમને વૃક્ષ, ડાળીઓ, પાંદડા, પક્ષી વગેરે દેખાય છે. નકુલને આકાશ, પવનથી હલતા પર્ણો, ડાળી પર ગોઠવેલું પક્ષી વગેરે દેખાય છે. પરંતુ, અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાય છે. બધા જ વિક્ષેપ-ડિસ્ટ્રેક્શન્સને અવગણીને એક જ લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ ક્ષમતા કન્વર્જન્ટ-સમન્વયિત વિચારશૈલીનું પરિણામ છે. એવી વિચારશૈલી કે જે અનેક વિકલ્પો કે બાબતોમાંથી એક મુદ્દા-ધ્યાન-નિર્ણય પર આવવામાં મદદ કરે.

કન્વર્જન્ટ થિંકિંગ એટલે મન પાસે ઉપલબ્ધ બધા જ વિકલ્પોના ફાયદા-ગેરફાયદાની તાર્કિક મૂલવણી કરીને જે તે સમય માટે ઉત્તમ એવા નિર્ણય પર આવવામાં મદદ કરતી વિચારસરણી વિકલ્પોને ખુલ્લા રાખવાને બદલે એક વિકલ્પ પસંદ કરીને આગળ વધવાની આ વાત છે. ચાર ઘોડા પર એક સાથે સવારી કરવાને બદલે તેમાંથી એક શ્રેષ્ઠ ઘોડો પસંદ કરીને સવારી કરવાની આ વિચારશૈલી છે. વાસ્તવમાં જોઇએ તો આ એક પસંદગીની કળા છે, જે વ્યક્તિની આ વિચારશૈલી મજબૂત હોય તે ઝડપી નિર્ણયો કે પસંદગીઓ કરવામાં નિપુણ હોય છે. જ્યારે વિકલ્પો તમારી નિર્ણયશક્તિ ચક્કાજામ કરી દેતા હોય ત્યારે ગતિશીલતા પ્રાપ્ત કરવા સમન્વયિત વિચારો કામ આવે છે. કન્વર્જન્ટ થિંકિંગ વિચારોનું એ લેસર બીમ છે જે વિચારમંથન-બ્રેઇનસ્ટોર્મિંગને ચીરીને એક લક્ષ્ય પર પહોંચે છે. અસરકારક સમન્વયિત વિચારશૈલી વગર તમારા વિકલ્પો દિવાસ્વપ્ન જ રહે છે, વિચારોના કન્વર્જન્સના લીધે જ તેમાંથી ક્રિયા શક્ય બને છે.

મેં એવી અનેક વ્યક્તિઓ જોઈ છે કે જે વિકલ્પોની અછતને કારણે નહીં પરંતુ તેમાંથી યોગ્ય પસંદગી નહીં કરી શકવાના કારણે અટવાઈ ગઇ હોય ! જો પસંદગીનો આ પેરેલિસિસ અટકાવવો હોય તો મનની, બિલ્લોરી કાચમાંથી સૂર્યપ્રકાશને અગ્નિમાં ફેરવે એવી, સમન્વયિત વિચારશૈલી વિકસિત કરવી પડશે. પથ્થરમાંથી વધારાના ભાગને દૂર કરીને મૂર્તિ કંડારવાની આ વિચાર કળા વિકસાવવા વિકલ્પોને કાગળ પર લખવાની આદત પાડવી પડશે, તેના લાભાલાભ નોંધીને તુલના કરવાની ટેવ વિકસાવવી પડશે.

ગુજરાતીમાં આ બાબત માટે બહુ મઝાનો શબ્દ છે, સાધક-બાધક વિચારણા ! 

અને આ બાબતને લખીને વિકસાવવી એટલા માટે કહું છું કે લોકોને જ્યારે લખવાનું કહીએ ત્યારે તેમના મોતિયા મરી જતા હોય છે પરંતુ વિચારોની યાદી બનાવ્યા વગર વિચારો વિકસિત કરવા, બદલવા કે તપાસવા અશક્ય હોય છે. આ વિચારશૈલી વિકસિત કરવા માટે તમારા મનમાં જીવનના ધ્યેય, અપેક્ષાઓ, હેતુ વગેરે અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે કારણ કે વિચારોને કન્વર્જ કરવા તેની ઘણી જરૂર પડશે. આ ઉપરાંત સમયની મર્યાદા બાંધીને નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી પડશે કારણ કે અમર્યાદિત સમય સમન્વયનો દુશ્મન છે. આપણે નથી કહેતા કે વિલંબથી મળેલો ન્યાય વાસ્તવમાં ન્યાય ન મળવા બરાબર છે ?!

યાદ રાખો, કન્વર્જન્ટ થિંકિંગ મનની સંકુચિતતા નથી પરંતુ એકાગ્રતા છે. કોઈપણ બાબતના ગુણદોષ વિચાર્યા પછી હિંમતથી એક રસ્તો પસંદ કરવાની આ વાત છે. જુદી જુદી વિચારશૈલીઓ વિશે વાત કરતી આ લેખમાળા ચાલુ રાખીશું, સ્ટે કનેક્ટેડ...

પૂર્ણ વિરામ 

વિચારોની સ્પષ્ટતા તીક્ષ્ણ હોય ત્યારે બધા વિકલ્પો-વિક્ષેપો ઓગળી જતા હોય છે.