- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- તમે સંમત ના હોવ એવા વિચારો અને અભિપ્રાયવાળા વ્યક્તિને મનથી, વ્યવહારથી સ્વીકારવા માટે માનસિક તાકાતની જરૂર પડે છે. તમે સાચા હોવા છતાં તમારા અભિપ્રાયો અન્ય પર નહીં ઠોકી બેસાડવા માટે માનસિક ક્ષમતા કેળવવી પડે છે.
ચા લો એક રમૂજથી આજની વાત શરુ કરીએ. એક યુગલ મેરેજ રજિસ્ટ્રીની ઓફિસમાં દાખલ થયું. ત્યાં અધિકારીના ટેબલ પર નોંધણીનું કાગળ મુકતા કહ્યું 'અમે છુટા પડવાનું નક્કી કર્યું છે, અમારે આ લગ્નની નોંધણી રદ કરાવવી છે'
'અરે, તમે તો એ જ છોને કે જે હમણાં અડધો કલાક પહેલા જ અહીંથી નોંધણી કરાવીને બહાર નીકળ્યા?!' અધિકારીએ નજીકના ચશ્મા ઉતારીને તેમની સામે જોતા કહ્યું.
'હા સાહેબ એ જ છીએ અને છેલ્લા અડધો કલાકથી બહાર ઝગડી જ રહ્યા છીએ, હજી પુરા પગથિયાં પણ ઉતર્યા નથી' જાણે કોઈ મોટો જંગ હારીને નાસીપાસ થયો હોય એવા ટોનમાં યુવકે કહ્યું.
'ઘર પહોંચવા સુધી તો રાહ જોવી હતી! જિંદગી ક્યાં નાસી જવાની હતી?!' અધિકારીના પ્રશ્નમાં કટાક્ષ સ્પષ્ટ વર્તાતો હતો.
'એ તો પૂછો આને, હું તો બહુ ઇગોઇસ્ટિક મોન્સ્ટર છુ' યુવકે આંગળીઓથી ઉચ્ચારણની સાઈન કરતા કહ્યું.
ગલોફામાં ગુટખા દબાઈને વાત કરતા અધિકારી હવે થૂંક્યા વગર મોઢું ખોલી શકે એમ નહતા એટલે એમણે ઇશારાથી જ યુવતીને પૂછી કાઢયું.
'સાહેબ તમે જ રજીસ્ટર ખોલીને જુઓ અને પછી કહો' યુવતીની આંખમાં પાણી હતા અને અધિકારીની આંખમાં પ્રશ્ન, શું જોંઉ?! જુઓ મેં કેટલા નાના અક્ષરમાં સહી કરી છે અને એણે?! કેટલા મોટા ફાફડા જેવા અક્ષરમાં સહી કરી છે, મને તો બહાર નીકળતા જ થયું કે આવા ઇગોઇસ્ટિક માણસ સાથે ના રહેવાય.'
'તે માણસ નથી કહ્યું મોન્સ્ટર કહ્યું છે, સાહેબ સામે તારી ભાષા જેવી છે એવી જ બોલ' યુવકે ગુસ્સામાં કહ્યું. અનુભવી સાહેબને અણસાર આવી ગયો કે હમણાં કચેરીમાં યુદ્ધ ફાટી નીકળશે એટલે તરત બંનેને હાથથી શાંત રહેવાનો ઈશારો કરતા કરતા થૂંકવા ચાલ્યા ગયા.
આવું તે કઈં બનતું હશે?! એવું તમે વિચારતા હોવ તો હું તમને કહી દઉં કે ના બને, આ તો નાની નાની બાબતોનો ઇસ્યુ બનાવીને ઝગડતા રહેતા યુગલો પર એક કટાક્ષ છે. મને હંમેશા એમ થાય કે માત્ર યુગલો જ શું કામ, દરેક વ્યક્તિ નાની નાની બાબતોમાં ટસલ પર આવી જતી જોવા મળે છે, મૂળે તો બધી જ પેઢીની સહનશક્તિમાં થયેલા ઘટાડાની વાત છે. જે પેઢીમાં સહનશક્તિ હતી તેનામાં હવે રહી નથી, તે પેઢીએ પોતાનાથી પાછળની પેઢીને આ બાબતે જોઈએ એવી કેળવણી આપી નથી. મીડિયા, રાજકારણ, ધર્મ, સમાજ વગેરે પોતપોતાની રીતે બળતામાં ઘી હોમતા જાય છે અને પોતાના રોટલા શેકતા જાય છે. સરવાળે, અસહિષ્ણુતા ચારેકોર, કોણ કોને શીખવે અને કોણ કોને સહન કરે?! સાથે રહેવામાં પ્રશ્નો ના થાય તો જ નવાઈ, લુપ્ત થઇ ગયેલા સયુંકત કુટુંબો આનું સૌથી વરવું ઉદાહરણ છે.
મોટાભાગની વ્યક્તિઓને તો સહન કરવું અને સહનશક્તિ હોવી એ બે વચ્ચેનો ભેદ જ નથી સમજાતો. સહન કરવું એ એક લાચારી જેવું છે. તમારી પાસે બીજો કોઈ રસ્તો, ઉપાય કે છૂટકો નથી એટલે તમે ચલાવી રહ્યા છો. એમાં તમારી પાસે પસંદગીના કોઈ વિકલ્પ નથી અથવા છે તો તમે એ પસંદ કરી શકો એમ નથી. લોનના મોટા હપ્તાઓ લઈને બેઠેલી વ્યક્તિ, અનુકૂળ ના આવતા મેનેજમેન્ટની વચ્ચે નોકરી કર્યે જતી હોય તો એમાં માત્ર સહન કરવાનું છે, સહનશક્તિ જેવું કઈં નથી! હા, તમે એને શક્તિનું નામ જ આપી શકો પરંતુ તમારા હપ્તાઓને આંચ નહીં આવે એવી તક મળતાની સાથે જ બધી શક્તિ ગઈ તેલ લેવા, આપણે આ લાચારીમાંથી છૂટો!
સહનશક્તિ, સહિષ્ણુતા કે ટોલરન્સ સાવ જુદી જ વાત છે. એ મજબૂરી કે લાચારી નથી, તાકાત છે. તમારી પાસે સ્વતંત્રતા છે તેમ છતાં અન્યની તમને દરકાર છે. સહનશક્તિ એટલે તમારાથી જુદા વિચારો, માન્યતાઓ, અભિપ્રાયો કે અભિગમ ધરાવતા વ્યક્તિઓ સાથે રહેવાની કે કામ પાર પાડવાની તાકાત. તમે સંમત ના હોવ એવા વિચારો અને અભિપ્રાયવાળા વ્યક્તિને મનથી, વ્યવહારથી સ્વીકારવા માટે માનસિક તાકાતની જરૂર પડે છે. તમે સાચા હોવા છતાં તમારા અભિપ્રાયો અન્ય પર નહીં ઠોકી બેસાડવા માટે માનસિક ક્ષમતા કેળવવી પડે છે. અન્યના વિચારો અને લાગણીઓને સન્માન આપવાની આવડત માનસિક તાકાત(મેન્ટલ સ્ટ્રેન્થ) નથી તો બીજું શું છે?! આ બધા જ સરવાળે સહનશક્તિના ઘટકો છે. આ મેન્ટલ સ્ટ્રેન્થ વડે તમે તમારાથી જુદા વિચારો, માન્યતાઓ, અભિપ્રાયો કે અભિગમ ધરાવતા વ્યક્તિઓ સાથે રહેવાની કે કામ પાર પાડવાની તાકાત કે આવડત વિકસાવી શકો છો. સુખી-શાંતિભર્યા સહજીવનનો આ મહામંત્ર છે. સહનશક્તિ માત્ર શાંતિપૂર્વક જીવવા પૂરતી મદદરૂપ નથી એ વ્યક્તિ તરીકે તમારા વિકાસમાં સહભાગી છે. આ સહનશક્તિમાંથી જ જીવનના ચઢાવ-ઉતારમાં અત્યંત જરૂરી એવી સ્થિતિસ્થાપકતા (રેઝિલિયન્સ) પેદા થાય છે. લોકોને અને સમાજને સમજવામાં આ માનસિક ક્ષમતા મદદ કરે છે અને વ્યક્તિ તરીકે તમે ઉમદા બનતા જાવ છો. ઉછેર દરમ્યાન તમે જો બાળકોને સંસ્કાર તરીકે કોઈ કિંમતી ભેટ આપવા માંગતા હોવ તો તેમને સહિષ્ણુતાની કેળવણી આપો. સહિષ્ણુતા કે સહનશક્તિ એમના વ્યક્તિત્વમાં નકારાત્મક લાગણીઓને વિકસતી અટકાવશે. તેમના વિચાર, વર્તન અને વ્યવહારમાં ધૃણા-નફરત, ઈર્ષ્યા, આક્રોશ-ગુસ્સો, શંકાશીલતા વગેરે જેવી પોતાની જાતને અને પોતાના સંબંધોને નુકસાન કરતી લાગણીઓ સીમિત રહેશે. એમનામાં મજબૂત મનોબળનો પાયો નાખવા માટે એ જીવનપર્યંત આપના આભારી રહેશે.
પૂર્ણવિરામ
સહિષ્ણુતા મનની દુર્બળતા નથી, સામર્થ્ય છે. ઘણા લોકો એને નબળાઈ સમજવાની ભૂલ કરી બેસતા હોય છે ત્યારે તેમને એની તાકાતનો સીધો કે આડકતરો પરચો મળ્યા વગર રહેતો નથી.


