ખોરાક તમારા વિચારો અને મૂડને આકાર આપી શકે છે!
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઈન્ડ ખાંડ તમારા મનને રોલર-કોસ્ટરની સેર કરાવે છે, જીભના ચટાકા અને ઊર્જાનો સ્પાઈક અને પછી તમારા મૂડનું ક્રેશ લેન્ડિંગ આ ક્રેશ લેન્ડિંગ એટલે ચીડિયાપણું, ઉદાસી, ગભરાટ, અજંપો વગેરે
૨૦ ૨૩ના સપ્ટેમ્બર મહિનામાં મેલબર્નના બોયડ કોમ્યુનિટી સેન્ટરમાં જિયાનને હું મળ્યો હતો. બત્રીસ વર્ષની આ લાઈબ્રેરિયનની ચમક ડિપ્રેશનના ભાર હેઠળ ઝાંખી પડી ગઈ હતી. તે ધીમે ધીમે વાત કરતી હતી અને આંખો જાણે લાંબી બીમારીથી ઊંડી ઉતરી ગઈ હતી. સારવાર તેની નિરાશા ઉપર કાબૂ રાખતી હતી પરંતુ તેના મૂડ સ્વિંગ્સને સંપૂર્ણ નાબૂદ નહતી કરી શકી. વાતો વાતોમાં એણે મારી સલાહ માંગી 'કસરત હું નિયમિત કરું છું અને દવાઓ મારે વધારવી નથી, તો હું મારા મૂડને સારો કરવા માટે બીજું કંઈ કરી શકું ?! એ વિષયમાં થોડી ઘણી વાતો પછી અમે છૂટા પડયા અને બીજા દિવસે તો હું પાછો અમદાવાદ આવી ગયો. પછી તો કોઈ સંપર્ક થાય તેવી શક્યતા નહતી કારણકે એ તો જસ્ટ એક કેઝ્યુઅલ મુલાકાત હતી સંપર્કના કોઈ સરનામાની આપ-લેની શક્યતા જ નહતી. હમણાં એપ્રિલની શરૂઆતમાં મારે ફરી મેલબર્ન જવાનું થયું. નવરાસના સમયમાં બોયડ કોમ્યુનિટી સેન્ટરમાં હું આંટો અચૂક મારું, આ વખતે પણ એ કોમ્યુનિટી સેન્ટરમાં જવાનું થયું ત્યારે મને જિયાન યાદ હતી પરંતુ એ ત્યાં હશે કે નહીં તેની ખાતરી નહતી. દાખલ થતાની સાથે જ મારા સુખદ આશ્ચર્ય વચ્ચે મેં જિયાનને લાયબ્રેરી ડેસ્ક ઉપર જોઈ. તેના ચહેરા પર તાજગી અને ચમક હતી. જાણે હુ મળ્યો હતો એના કરતા તેના વાઈબ્સ અલગ જ અનુભવાતા હતા. તેનું ડિપ્રેશન સંપૂર્ણપણે કાબૂમાં આવી ગયું લાગે છે ' મેં મનોમન વિચાર્યું. મારો અનુભવ છે કે માનસિક રીતે હતાશ લોકોને તમે તેમનો મૂડ સરખો કરવામાં મદદ કરી હોય તો એ તમને ભૂલતા નથી હોતા, હા, સ્વભાવથી જ નગુણા વ્યક્તિઓની વાત અલગ છે. જિયાનને હું બરાબર યાદ હતો, એણે મને જોતા જ કહ્યું 'હેલો..વેલકમ બેક'
'હું તને યાદ છું ?!' ખબર હતી છતાં શિષ્ટાચારના ભાગરૂપે મેં એને પૂછ્યું. 'ઓફ-કોર્સ ડોક, મુખ્યત્વે હું મારું જમવાનું બનાવું ત્યારે તમને ઘણીવાર યાદ કરતી હોઉં છું. અડધો કલાક પછી મારે લંચ-બ્રેક છે, તમે અહીં જ હોવ તો વાત કરીએ' મેં હાવ-ભાવથી હકાર ભણ્યો અને એ પુસ્તકો લઈને ગોઠવવા ગઈ.
'તારું ડિપ્રેશન કેવું છે ?!' કોમ્યુનિટી સેન્ટરની બહાર એક ડેસ્ક ઉપર અમે કોફી લઈને બેઠા હતા.
'ઓહ આઈએમ ગુડ, ઓન સિંગલ મેડ્સ. એન્ડ યુ નો વ્હોટ, આઈ લૂઝડ્ વેઇટ બેઝ વેલ' એના અવાજમાં એક પોઝિટિવ ટોન સ્પષ્ટ જણાતો હતો. એણે પોતાની હેન્ડ-બેગમાંથી લંચ-બોક્સ કાઢતા કહ્યું 'થેન્ક્સ ટુ માય લંચ-બોક્સ એન્ડ ઓફ-કોર્સ બીગર થેન્ક્સ ટુ યુ. આપણે આજે મળ્યા એ સારું થયું બાકી તો તમારો આભાર હું મારી ગ્રેટિટયુડ ડાયરીમાં જ માની શકી હોત. સાચું કહું તો એ વખતે હું તમારી વાત સાથે સંમત નહતી પણ પછી થયું કે આમ પણ હું બધું જ કરી જ રહી છું તો તમારી વાતને પણ ટ્રાય આપવાથી કંઈ ખોટું તો થવાનું જ નથી. આમ પણ દવાઓથી હું એટલી તો સારી હતી જ કે આ પ્રયત્ન કરી શકું. છેલ્લા સાત મહિનાથી હું ઘરે બનાવેલો જ ખોરાક ખાઉં છું અને સુગર તો બિલકુલ બંધ કરી દીધી છે. પરિણામ તમારી સામે છે. આજે મારા માટે આ સફળતા નથી પરંતુ આશ્ચર્ય છે કે ખોરાક પણ મૂડ પર અસર કરી શકે છે !'
મને યાદ છે એનો પહેલી મુલાકાતનો પ્રશ્ન કસરત હું નિયમિત કરું છું અને દવાઓ મારે વધારવી નથી, તો હું મારા મૂડને સારો કરવા માટે બીજું કંઈ કરી શકું ?! સારવારના બે મહત્વના રસ્તા તો એણે અપનાવેલા જ હતા અને સાથે અવાર-નવાર કોમ્યુનિટી કાઉન્સેલર સાથે વાત પણ કરતી, એ સંજોગોમાં મેં એની ઇટિંગ પેટર્ન જાણીએ સમયે એનું લંચ એટલે ડ્રાઈવ-થુ્ર બર્ગર, ફ્રાઈઝ્ અને એકસ્ટ્રા સુગર કોફી. એ ભાગ્યે જ રાંધતી, ફાસ્ટ-ફૂડ અને રેડી ટુ ઇટ ઉપર જ એ નભતી. ચોકલેટ, બિસ્કિટ કે એનર્જી ડ્રિન્ક તો જ્યારે થોડું લો લાગે કે લઈ લે ! એ વખતે મેં એને તેની ખાવા-પીવાની રીત બદલવા વિશે કહ્યું હતું. તે સમયે એના હાવ-ભાવ એવા હતા કે મારી આ ઇટિંગ પેટર્નને અને ડિપ્રેશનને શું લેવા-દેવા ?! આજે એનું પરિણામ જોઈને મને પણ સુખદ આશ્ચર્ય થયું. સમજાય તો વાત બહુ સરળ છે, જીભે મીઠું બોલનારા બધા, મનમાં તમારું શુભ ઇચ્છે એ જરૂરી નથી એમ, જીભને વ્હાલા લાગતા બધા ખોરાક મનના મિત્ર નથી હોતા ! જેમ કે, પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઈન્ડ ખાંડ તમારા મનને રોલર-કોસ્ટરની સર કરાવે છે. જીભના ચટાકા અને ઊર્જાનો સ્પાઈક અને પછી, તમારા મનને રોલર-કોસ્ટરની સેર કરાવે છે. જીભના ચટાકા અને ઊર્જાનો સ્પાઈક અને પછી, તમારા મૂડનું ક્રેશ લેન્ડિંગ ! આ ક્રેશ લેન્ડિંગ એટલે ચીડિયાપણું, ઉદાસી, ગભરાટ, અજંપો વગેરે, હું એવા અનેક જિમ કરતા કે હેલ્થ કોન્શિયસ લોકોને ઓળખું છું કે જે બ્લેક કોફી અથવા એનર્જી ડ્રિંક તરીકે કેફીનનો અતિરેક કરવાના કારણે એંગ્ઝાઈટીથી પીડાતા હોય અને માત્ર પોતાના આ પીણા બંધ કરવાથી સારા થઈ ગયા હોય. આ ઉપરાંત, મોડી રાત્રે કે કસમયે ખાનારાઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર તેની ખરાબ અસર પડતી હોય છે. આવી અનિયમિતતાના કારણે સ્ટ્રેસ-હોર્મોન કોર્ટિઝલના લેવલ પર અસર
પડતી હોય છે જે સરવાળે માનસિક અસ્વસ્થતા પેદા કરી શકે છે. તમારા શરીરના કુલ વજનના બે ટકાથી પણ ઓછું વજન ધરાવતા તમારા મગજને તમારા શરીરની વીસ ટકાથી વધુ ઊર્જાની જરૂરિયાત રહે છે એ સંજોગોમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત એવા ખોરાકને અવગણી તો ના શકાય. અલબત્ત તમે મોટાભાગે ઘરનું જ રાંધેલુ, સાત્વિક અને સમતોલ ખોરાક લેતા હોવ તો એની તમારા મૂડ પર નગણ્ય અસર હોય બાકીના સંજોગોમાં તમારે તમારી ઇટિંગ પેટર્ન પર ધ્યાન રાખવું જ જોઈએ. એ માટે તમારા મૂડ અને ખોરાકની એક રોજિંદી ડાયરી તમને ખૂબ મદદરૂપ થઈ શકે. યાદ રાખો, ખોરાક ફક્ત શરીરને જ નહીં, મનને પણ સાજુ કરી શકે છે. તમે શું ખાવ છો અને તમને શું ખાય છે (ચિંતાઓ) એ બંને ખૂબ અગત્યની બાબતો છે.
પૂર્ણવિરામ
શું ખાવું જોઈએ તેના કરતા શું ના ખાવું જોઈએ તેની સમજણ સ્વાસ્થ્યની જાળવણીમાં વધુ મદદરૂપ થાય છે.