Get The App

એક સમયે સપોર્ટ સિસ્ટમ ગણાતા સંબંધો આજે ભારરૂપ અને માનસિક રીતે થકવી નાખનારા બનતા જાય છે!

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
એક સમયે સપોર્ટ સિસ્ટમ ગણાતા સંબંધો આજે ભારરૂપ અને માનસિક રીતે થકવી નાખનારા બનતા જાય છે! 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- 'તેણે 2:03 વાગ્યે મેસેજ વાંચ્યો, અત્યારે 2:15 થઈ તો'ય રિપ્લાય નથી! શું તે મને ઇગ્નોર કરે છે?! તેનો મારામાં રસ ઘટી રહ્યો છે ?!'

ઘ ણીવાર એવું બનતું હોય છે કે આજની વાતોને વાગોળતા, તમને તેની સાથે સરખામણી કરી શકાય એવી ભૂતકાળની વાતો પણ યાદ આવી જતી હોય છે અને તમને જો ચિંતન કરવાની ટેવ હોય તો તમારું મન પરિસ્થિતિઓના બદલાવની નોંધ લઈ શકવા સમર્થ હોય છે. મને આજે નેવુંના દાયકાની મારા ક્લિનિકની એક બપોર યાદ આવી છે. પચાસની ઉંમટ વટાવી ચૂકેલું એક યુગલ મારી સામે બેઠું હતું. તેઓ આર્થિક ભીંસ અને બાળકો મોટા થઈને પરદેશ ગયા પછીના ખાલીપામાંથી પસાર થઈ રહ્યા હતા. લાંબો સમય મારી સામે શાંત બેસી રહ્યા પછી જ્યારે પતિની આંખમાંથી આંસુ સરી પડયા, ત્યારે પત્નીએ કોઈ સલાહ કે ખોટા આશ્વાસન ન આપ્યા, તેણે બસ ધીમેથી પતિના ઘૂંટણ પર હાથ મૂક્યો. માનસિક રીતે તેઓ થાકેલા હતા. હા, પણ તેઓ 'સાથે' થાકેલા હતા. તેમનો સંબંધ એક માત્ર એવું આશ્રયસ્થાન હતું જ્યાં આ થાકને આરામ મળતો હતો.

હવે ચાલો ફાસ્ટ ફોરવર્ડ કરીને ગઈકાલની વાત કરીએ, જેના કારણે મને ઉપરની વાત યાદ આવી. અત્યારના જમાનાનું, ત્રીસની અંદરનું યુવાન કપલ મારી સામે બેઠું હતું. તેઓ પૈસા કે બાળકો માટે નહોતા ઝઘડતા, તેમનો મુદ્દો હતો 'એનર્જી-ઊર્જા' ! યુવાને લમણે હાથ દઈને કહ્યું, 'સાહેબ, મને બસ થાક લાગે છે. મને એવું લાગે છે કે ઓફિસ પતાવીને ઘરે જાઉં એટલે મારી 'બીજી નોકરી' શરૂ થાય છે. મારે ઘરે જઈને એક પરફેક્ટ પાર્ટનર હોવાનું 'પરફોર્મન્સ' આપવું પડે છે.' તેની પાર્ટનર પણ એટલી જ હારેલી લાગતી હતી. તેણે કહ્યું, 'બીજી નોકરી ?! મને એવું લાગે છે કે હું ખાલી દિવાલો અને ફર્નિચર સાથે રહું છું. અમે વાતો તો કરીએ છીએ, પણ અમારી વચ્ચે કોઈ 'કનેક્શન' નથી. મારામાં તો હવે માથાકૂટ કરવાની શક્તિ જ નથી રહી.'

મનોચિકિત્સક તરીકેના મારા ચાલીસ વર્ષના અનુભવમાં મેં સંબંધોની વ્યાખ્યા બદલાતી જોઈ છે. સંબંધો, જે પહેલા 'સપોર્ટ સિસ્ટમ' ગણાતા, જ્યાં માણસ રિચાર્જ થતો, તે હવે માનસિક રીતે ભારરૂપ (Cognitive Load) બની ગયા છે. જે જોડાણ-કનેક્શન આપણને તારવા માટે હતું, તે જ હવે આપણને ડુબાડવા માટે હોય તેવું કેમ લાગે છે ?!

મારી દ્રષ્ટિએ આધુનિક સંબંધોને ભારરૂપ બનાવતા અનેક પરિબળો છે.

આ બદલાવનું પહેલું કારણ આપણી 'સતત ઉપલબ્ધિ' છે, ઓલ્વેઝ અવેલેબલ' ! સ્માર્ટફોનને કારણે આપણે ૨૪ કલાક 'ઓન' રહીએ છીએ. આપણે ઓફિસ, સમાજ, આખી દુનિયા અને સૌની અપેક્ષાઓ ખિસ્સામાં લઈને ફરીએ છીએ. દાયકાઓ પહેલાં, જ્યારે માણસ ઓફિસથી નીકળતો ત્યારે તે દુનિયાને ત્યાં જ છોડી દેતો અને ઘરના ઉંબરે પહોંચે ત્યારે તે કર્મચારી મટીને પતિ કે પિતા બની જતો. આજે એ સીમારેખા ભુંસાઈ ગઈ છે. બધું સાથેને સાથે. કશાયથી ડિસ્કનેક્ટ નહીં થવાનું-નહીં રહેવાનું ! આપણે બધા માટે 'ઉપલબ્ધ' હોઈએ છીએ, પણ કોઈના માટે 'હાજર' ભાગ્યે જ હોઈએ છીએ. વાસ્તવમાં આપણે 'સંપર્ક' અને 'સંબંધ' વચ્ચેનો ભેદ જ ભૂલી ગયા છીએ. સતત જોડાયેલા રહેવાને આપણે સંબંધ માની બેસીએ છીએ ! સંબંધમાં વ્યક્તિઓને હાઈપર બનાવવા માટે વૉટ્સએપની એક બ્લુ-ટિક કાફી છે. 'તેણે ૨:૦૩ વાગ્યે મેસેજ વાંચ્યો, અત્યારે ૨:૧૫ થઈ તો'ય રિપ્લાય નથી ! શું તે મને ઇગ્નોર કરે છે ?! તેનો મારામાં રસ ઘટી રહ્યો છે ?!' સતત કનેક્ટેડ રહેવાને પણ માનસિક થાક હોય છે. આપણું મગજ કાયમ પ્રતિકાર આપવાની સ્થિતિમાં ન હોય પરંતુ જ્યારે સંબંધને તમારા ત્વરિત પ્રતિભાવથી તોળવામાં આવતો હોય ત્યારે થકવી નાંખનારું દબાણ પેદા થયા કરતું હોય છે. તમારો સંબંધ જાણે સતત સર્વેલન્સમાં જ હોય છે. આ સંજોગોમાં માનસિક થાક ના લાગે તો બીજું શું થાય ?!

મોબાઈલને કારણે સતત ઉપલબ્ધ રહેવાનું દબાણ જાણે ઓછું હતું તો વળી સોશિયલ મીડિયાને કારણે સતત 'પરફોર્મ' કરવાનું દબાણ પેદા થયું. સોશિયલ મીડિયાએ પ્રેમને 'અનુભવવાની' વસ્તુ મટીને 'બતાવવાની' વસ્તુ બનાવી દીધી છે. મારા વેઇટિંગ રૂમમાં મેં એવા યુગલો જોયા છે જેઓ એકબીજા સામે જોવા પણ તૈયાર ના હોય અને દસ મિનિટ પછી તેમના જ સોશિયલ મીડિયા પર ફોટો આવે. મારા ક્લિનિકમાં હસતા ચહેરે પાડેલા સેલ્ફી સાથે કેપ્શન હોય - 'Working on us ! #Soulmates' !  કમનસીબે આજે આપણે બીજાના 'પરફેક્ટ' ફોટા જોઈને આપણી વાસ્તવિકતાને મૂલવીએ છીએ. આપણે તેમના હાઈલાઈટ્સ જોઈએ છીએ - વેકેશન, ડેટ્સ, ગિફ્ટ્સ... પરંતુ આપણે તેમના મૂડ-સ્વિંગ્સ કે નાના-મોટા ઝઘડાઓ નથી જોતા. પરિણામે, આપણને આપણું જીવન ફિક્કું લાગે છે. વાસ્તવમાં દરેક સંબંધ ઇન્સ્ટાગ્રામેબલ બતાવવામાં આવે છે પરંતુ એ હોતો નથી. હકીકતમાં દરેક સંબંધની એક લય હોય છે. આ લય આવર્તનથી બનતી હોય છે અને આવર્તન ચઢાવ-ઉતારથી બને છે. સંબંધમાં મૌન, સંઘર્ષ, અણગમો, કંટાળો વગેર ેપણ હોય છે પરંતુ એ યુગલોની વૉલ કે ફીડમાં ના જોવા મળે - એફિલ ટાવર નીચે કોફી પીતા હોય તેવી સ્ટોરી હોય પરંતુ એ જ કોફી પાછળ થયેલા ખર્ચ અંગેની ચડભડની સ્ટોરી થોડી હોય ?! 

સતત સરખામણી કરવા ઉત્તેજિત કરતી સ્ટોરીઓ કે રીલ્સ વ્યક્તિને પોતાના સંબંધોની નાની નાની સમસ્યાઓને પણ મોટી નિષ્ફળતા તરીકે જોવાનું શીખવે છે. યુગલો એવું માનવા માંડે છે કે પ્રેમ હંમેશા એક્સાઈટિંગ અને ઇન્સ્ટાગ્રામેબલ જ હોવો જોઈએ ! સોશિયલ મિડીયા ઉપર પબ્લિક રિલેશન્સ કેમ્પેઈનના ભાગરૂપે પોતાની અંગત લાઈફનું પ્રદર્શન કરતા રહેવું એ રોમાન્સકે પ્રેમ નથી, મજૂરી છે અને જેમ દરેક મજૂરીનો થાક લાગે તેમ આ બધાનો પણ થાક લાગે છે અને તે સંબંધમાં જ વર્તાય છે. ખરેખર તો આ બહારના દબાણને કારણે આપણી માનસિકતા પણ હવે 'હિસાબ-કિતાબ' વાળી થઈ ગઈ છે. હમણાં એક યુવાને મને પૂછ્યું, 'ડૉક્ટર, મેં આ સંબંધમાં ત્રણ મહિનાનું 'રોકાણ' કર્યું. પણ મને જોઈએ તેવું 'વળતર' નથી મળતું. શું મારે ખોટ ખાઈને નીકળી જવું જોઈએ ?' તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગયો. રોકાણ, વળતર, ખોટ ? આપણે અજાણતા જ સંબંધોને નફા-નુકસાનના ત્રાજવે તોલતા થઈ ગયા છીએ. આપણો મંત્ર બની ગયો છે 'આમાં મને શું મળશે ?'

સંબંધો માનસિક રીતે ભારરૂપ કેમ બનતા જાય છે તે વાત હજી લાંબી ચાલે એવી છે, આવતા અઠવાડિયે, સ્ટે કનેક્ટેડ...

પૂર્ણવિરામ :

 એકબીજાની અપૂર્ણતા સહન કરી શકે તેવા યુગલોનો પ્રેમ એક મજૂરી કે મહેનત નથી પરંતુ એકબીજાનો મજબૂત આધાર હોય છે.