તમારી આજ આવી કેમ છે, જાણવું છે? .
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જ્યારે તમને પોતાની સૂઝ, સમજણ, સામર્થ્ય, સંવેદનાઓ, સંસ્કૃતિ કે એમ કહોને, અસ્તિત્વમાં સંદેહ હોય તો તમારી સાચી ઓળખ ફેંકીને ચાલવા માંડો અને એથી'ય એક ડગલું આગળ, બીજાએ ઓઢાડેલી ઓળખ લઈને જીવવા માંડો !!
ચા લો પંચતંત્રની એક કથાથી આજની વાત શરુ કરીએ. એક નાનકડા ગામમાં મિત્ર શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. ધાર્મિક વિધિઓ કરીને એ પોતાનું ગુજરાન ચલાવતો હતો. મિત્ર શર્મા એક દિવસ એને દક્ષિણમાં મળેલી બકરી ખભે લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એને ત્રણ ઠગની ટોળકી મળી. આ ત્રણે ઠગે તેની બકરી પડાવી લેવાનું ષડયંત્ર ઘડયું. ત્રણે'ય ઠગ જુદા જુદા અંતરે ગોઠવાઈ ગયા. પહેલા ઠગે બ્રાહ્મણને રસ્તામાં આંતરીને પૂછ્યું 'અરે બ્રહ્મદેવતા સવાર સવારમાં આ કૂતરું ખભે નાખીને ક્યાંથી આવો છો ?!'
બ્રાહ્મણે જવાબ આપ્યો 'ભાઈ તારી ભૂલ થાય છે, આ કૂતરું નહીં પણ મને દક્ષિણામાં મળેલી બકરી છે.'
ઠગે ચાલાકીથી જવાબ આપ્યો 'માફ કરજો મેં તો જે હકીકત છે એ કહી, તમને એને બકરી માનતા હોવ તો ભલે'
થોડે આગળ બીજા ઠગે બ્રાહ્મણને આંતરીને પૂછ્યું 'દેવ તમારા ખભે વાછરડું અને એ પણ મરેલું ?!'
'અલ્યા તું દેખતો નથી કે શું ?! જીવતી જાગતી બકરી અને મરેલા વાછરડામાં તને કોઈ ભેદ નથી દેખાતો ?!' બ્રાહ્મણ અકળાયો અને ઝડપભેર આગળ ચાલવા માંડયો.
ત્યાં તેને ત્રીજો ઠગ મળ્યો 'માફ કરજો મહારાજ પરંતુ તમારા પવિત્ર ખભે આ ખોલકું શોભતું નથી'
હવે બ્રાહ્મણના મનમાં સંદેહ પેદા થયો બકરી, કૂતરું, વાછરડું, ખોલકું ?! કોઈ રૂપ બદલતું ભુતડું તો હું મારા ખભે મૂકીને નથી ચાલી રહ્યો ને ?! બકરી ફેંકીને એણે એવી દોટ મૂકી કે પાછું વાળીને જોયું પણ નહીં. ત્રણે ઠગ બ્રાહ્મણની મૂર્ખાઈની મઝા લેતા અને પોતે કરેલી ચાલાકીથી પોરસાતા, બકરી ઉઠાવીને ચાલવા માંડયા.
વાર્તામાં બકરી તો રૂપક છે પરંતુ મૂળ વાત તો એ છે કે જ્યારે તમને પોતાની સૂઝ, સમજણ, સામર્થ્ય, સંવેદનાઓ, સંસ્કૃતિ કે એમ કહોને, અસ્તિત્વમાં સંદેહ હોય તો તમારી સાચી ઓળખ ફેંકીને ચાલવા માંડો અને એથી'ય એક ડગલું આગળ, આવા ઠગોએ ઓઢાડેલી ઓળખ લઈને જીવવા માંડો !!
બે દિવસ પછી આપણે આઝાદીના સિત્યોતેર વર્ષ પૂરા કરીને ઇઠયોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવીશું ('ઉજવીશું' ની જગ્યાએ 'રજા ભોગવીશું' એવું કહેવું વધારે યોગ્ય કહેવાશે !) સ્વતંત્રતાની પોણી સદી વટાવી દીધા પછી, આજે પણ આપણે અંગ્રેજો-પશ્ચિમીઓએ મચડેલી માનસિકતા અને ઓળખ લઈને જીવી રહ્યા છીએ. આપણી સંસ્કૃતિ, ધર્મ, વેદો-ઉપનિષદો, ચિકિત્સા પદ્ધતિ, જીવનશૈલી વગેરેમાં સંદેહ પેદા કરી, મજાક ઉડાવીને એ બધું ઉઠાવી ગયા અને સમય સમય પર એને અપનાવી, પેટન્ટ કરાવી કે મસ્ત પેકેજીંગ કરીને આપણને પાછા પધરાવતા ગયા. આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાને વૈજ્ઞાાનિક આધાર વગરની ગણાવતા ગયા અને પાછલે બારણે લીમડો, હળદર, તજ વગેરેની પેટન્ટ કરાવતા ગયા. યોગનું યોગા કરીને પાવર યોગા, પિલેટ્સ, એરિયલ યોગા વગેરે પધરાવતા ગયા. તરબૂચ, ટેટી વગેરેના બીજ તડકે સૂકવીને બાળકોના ખિસ્સામાં ભરી આપતી પ્રજાની મજાક ઉડાવીને આજે એ જ બીયા બાટલીમાં ભરીને સીડ્સના નામે કોણ વેચી રહ્યું છે ?! વિપશ્યનાને માઈન્ડફુલનેસ જેવું નામ આપીને દરેક બાબતમાં કોણ ઘુસેડી રહ્યું છે ?! હળદરના દૂધને સ્ટારબક્સ ગોલ્ડન દૂધના નામે અને બીજા 'ટર્મરિક લાતે'ના નામે વિશ્વને પીવડાવી રહ્યા છે અને, બબુચક જેવા આપણે પોતાની અસલી ઓળખ ભૂલીને પશ્ચિમીઓને આજની તારીખે પણ અનુસરી રહ્યા છીએ. ઉદાહરણો તો હું આવી ચાર-પાંચ પૂર્તિઓ ભરાઈ જાય એટલા આપી શકું છું પરંતુ આજની વાત સમજાશે તો પછી એક પણ ઉદાહરણની જરૂર નહીં રહે એની મને ખાતરી છે.
જેમના રવાડે ચઢીને આપણે સયુંકત કુટુંબની ઘોર ખાદી નાખી એ પશ્ચિમીઓને તાજેતરમાં એવું જ્ઞાાન લાધ્યું છે કે વિભક્ત કુટુંબની સરખામણીએ સંયુક્ત કુટુંબ વધુ ખુશી આપનારું છે. દાદા-દાદીની છાયામાં ઉછરેલા બાળકો વધુ શિક્ષિત અને તંદુરસ્ત વ્યક્તિત્વ ધરાવનારા હોય છે. પેકેજીંગ અને નામકરણમાં ઉસ્તાદ એવા પશ્ચિમીઓએ સયુંક્ત કુટુંબને નામ આપ્યું 'સેન્ડવીચ ફેમિલી' અને એમાં વચ્ચેની પેઢીને 'સેન્ડવીચ જનરેશન !' આજકાલ અમેરિકન સમાજમાં આ સેન્ડવીચ જનરેશન વધી રહ્યું છે. હજી તો આ સંતાનો, માતા-પિતા અને દાદી-દાદી પૂરતી આ વાત છે પણ ભવિષ્યમાં કાકા-કાકી અને પિતરાઈ ભાઈ-બહેનો, એટલે કે આપણી સંસ્કૃતિનું અસ્સલ સંયુક્ત કુટુંબ, ઉમેરાય તો નવાઈ નહીં.
અમેરિકામાં સયુંકત પરિવારોની સંખ્યા વધી રહી છે અને આપણે ત્યાં ?! જે બાબતોથી પીડાઈને પશ્ચિમી પેઢીઓ પૂર્વની મૂળ ફિલસુફી અને જીવનશૈલી તરફ વળી રહી છે તે જ બાબતોના મોહમાં આપણે અંધ થતા જઈએ છીએ. સ્વતંત્રતા-પ્રાઈવસીના નામે કુટુંબ અને સમાજથી વિખુટા પડીને
એમણે ભોગવી લીધું, આપણે હવે ભોગવીશું. આજે આપણે ત્યાં વયસ્ક થઈ રહેલા માતા-પિતાને જ ડસ્ટબીન ગણતા યુગલોના સંતાનોને આવનારા સમયમાં દાદા-દાદી ક્યાંથી મળવાના છે ?! એમના છોકરા તો એકલતા, મોબાઈલ, ડ્રગ્સ, પોર્ન વગેરેના રવાડે ચઢીને વિવિધ મનોસમસ્યાઓ કે મનોરોગોથી ના પીડાય તો જ નવાઈ. સમાજમાં વધતી જતી માનસિક સમસ્યાઓનો દોષ માત્ર કોવીડને કે કેમિકલ લોચાને જ થોડો દઈ શકાય, તૂટતી જતી સમાજ વ્યવસ્થા, નબળા સંબંધો, વધતી ગુનાખોરી, બેફામ અકસ્માતો, વિવિધ વ્યસનો અને આદતો વગેરે ઘણું બધું જવાબદાર છે. મનોચિકિત્સકોની સામે બેસીને પોતાની કે પોતાના અંગતની માનસિક સમસ્યા કે રોગનું કારણ પૂછનારાઓને કોઈ એક વાક્યમાં એનો જવાબ જોઈએ છીએ પરંતુ જીવનશૈલી કે કુટુંબ-સમાજના વાતાવરણ સાથે સંકળાયેલી બાબતો વિશેના કારણોમાં તેમને રસ નથી. મારુ તો સ્પષ્ટ માનવું છે કે તમારું આજનું જીવન તમારા બધાજ વીતેલા દિવસોનું સરવૈયું છે. તમારી બધી જ ગઈકાલ અને એમાં તમે કરેલી પસંદગીઓને ઝીણવટથી તપાસોને તો આજનો તાળો મળી જાય. પરંતુ, મોટાભાગના આવું કરવાથી દૂર ભાગે છે કારણકે એમાં તો બધી જવાબદારી પોતાના શિરે લેવાની થાય, જ્યારે વાસ્તવમાં એમને તો દોષ અન્ય વ્યક્તિ કે બાબતો પર ઢોળવો હોય છે ! મારુ મેં બગાડયું એવું કહેવું કે સાચા અર્થમાં સ્વીકારવું તેના કરતા અન્ય વ્યક્તિ, પરિસ્થિતિ પર ઢોળવું વધુ સહેલું અને ઓછો ઉચાટ કરાવનારું છે.
જો આ બધું સમજાતું હોય તો હજી પણ મોડું થયું નથી. આપણી સંસ્કૃતિ, ધર્મ, જીવનશૈલી, સંસ્કારો, સમાજ, સંબંધો, ગ્રંથો-સાહિત્યનો અભ્યાસ કરો, સમજો અને આપણા મૂળિયાં મજબૂત કરો. જો તમારા મૂળ મજબૂત હશે તો કોઈ તણાવ, ડિપ્રેશન કે ચિંતા તમને હલાવી નહિ શકે. યાદ રાખો કે મજબૂત મૂળિયાંવાળું વૃક્ષ માત્ર ટકી જ નથી રહેતું અન્યને છાયંડો અને ફળ-ફૂલ પણ આપે છે. એક વ્યક્તિ તરીકેની તમારી સ્વસ્થતા તમને ખુદને, તમારા કુટુંબને તમારા સમાજને અને તમારા દેશને લાભદાયી અને મજબૂતી આપનારી છે.
પૂર્ણવિરામ
દુ:ખના મૂળિયાં ભૂતકાળમાં હોય છે પરંતુ આપણે પાણી તો એને વર્તમાનમાં જ પીવડાવતા હોઈએ છીએ !