Get The App

ઘણીવાર મન સમજે એ પહેલા હૃદય તે બાબત જાણતું હોય છે!

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
ઘણીવાર મન સમજે એ પહેલા હૃદય તે બાબત જાણતું હોય છે! 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- જ્યારે કોઈપણ નિર્ણયમાં મુંઝાવ ત્યારે ફક્ત તર્કથી ખણખોદ કરીને મનને એટલું જ ના પૂછતાં કે 'તને શું સમજાય છે?!' એમ પણ પૂછજો કે 'તને શું યોગ્ય લાગે છે ?!' તો આપોઆપ અંતર્જ્ઞાન કાર્યરત થઇ જશે

જી વનમાં ક્યારેક, મન સમજે તે પહેલા હૃદય એ બાબત જાણતું હોય છે, સમજતું હોય છે! મને ખાતરી છે કે તમારી સાથે જીવનમાં એવું અનેકવાર બન્યું હશે કે, જ્યારે તમે કોઈ વ્યક્તિને જીવનમાં પહેલી જ વાર મળતા હોવ અને તમે એકદમ આરામદાયક કમ્ફર્ટેબલ અનુભવવા માંડો, એ વ્યક્તિ વિશે કંઇપણ જાણતા ના હોવ છતાં તે વ્યક્તિ સારી છે એવું અનુભવવા માંડો. અને ક્યારેક, કોઈપણ કારણ કે પુરાવા વગર કંઇક ખોટું છે એવું પણ અનુભવવા માંડો. પછી, તર્ક આવે અને તમે જે ફિલ કરતા હતા, અનુભવતા હતા તેની ઉપર મંજૂરીનો સિક્કો મારે. આ અંતર્જ્ઞાન છે, મારી દ્રષ્ટિએ શાંત મનનું આ શાણપણ, સાહજિક વિચારસરણી ઇન્ટયુટિવ થિંકિંગ છે જે દલીલોમાં - તર્કમાં નહીં પરંતુ મનની શાંત અવસ્થામાં તમારા ભીતરના અવાજરૂપે પ્રગટ થાય છે. આ અંતર્જ્ઞાન કે અંત:પ્રેરણા આંતરિક હોકાયંત્ર છે જે આપણને એક દિશા સૂચવે છે પરંતુ એ તરફ ગતિ કરવા માટે આપણને લાગણીઓના ઇંધણની જરૂર પડે છે. અંત:પ્રેરણા હોય પરંતુ જુસ્સો ના હોય તો તે સહેલાઇથી અવગણી જવાય, આ જુસ્સો ભાવનાત્મક વિચારસરણી ઇમોશનલ થિંકિંગથી પેદા થાય છે. ભાવનાત્મક વિચારસરણી એ હૂંફ છે જે આપણા નિર્ણયોને માનવીય રાખે છે. ભાવનાત્મક વિચારસરણી આપણને સહાનુભૂતિથી પ્રતિભાવ આપવા દે છે, ફક્ત તર્કથી નહીં હું એવા તેજસ્વી વિચારકોને મળ્યો છું જેમના જીવન સંપૂર્ણ તર્કથી ભરેલા હોય પરંતુ હૃદયથી તે સાવ ખાલીખમ હોય કારણ કે તેમનામાં ઇમોશનલ થિંકિંગ વિકસિત જ ના થયું હોય અથવા લાગણીઓને કોઈ પ્રાથમિકતા જ ના હોય !

હમણાં બે દિવસ પહેલાની જ વાત કરું. એક યુવા ઉદ્યોગ સાહસિકે મને કહ્યું 'ડોક્ટર, મેં એક એવો નિર્ણય લીધો જેનો કાગળ પર કોઈ અર્થ નહોતો, પરંતુ કોઇક રીતે, તે ફક્ત યોગ્ય લાગ્યું અને આજે તે મારા દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો. માત્ર તેના આધારે આજે મેં એક સામ્રાજ્ય ઊભું કરી દીધું છે' તેણે તેના મૂલ્યો સાથે સુસંગત એક નાનો વ્યવસાય શરૂ કરવા માટે સારી કમાણીવાળી નોકરી છોડી દીધી હતી. કોઈ ડેટા નહોતો, કોઈ ગેરંટી નહોતી. કોઈ સંપૂર્ણ યોજના નહોતી. ફક્ત એક ઊંડો આંતરિક અવાજ 'હા'. આ સૌમ્ય અવાજ, જે અવાજ વિના બોલે છે, તે સાહજિક વિચારસરણીનો અવાજ છે. તે અતાર્કિક (ઇરેશનલ) નથી; તે પૂર્વ-તર્કસંગત (પ્રિરેશનલ) છે, વિચારોની એક પેટર્ન જેને મન, બુદ્ધિ સમજાવે તે પહેલાં, ઓળખે છે. સમસ્યા એ છે કે આપણું આધુનિક વિશ્વ વિશ્લેષણને એટલું બધું મહત્વ આપે છે કે આપણે અંત:પ્રેરણાને સાવ અવગણી જઇએ છીએ.

'મને ખબર નથી મેં એને કેમ માફ કરી દીધો, કદાચ હું ઇમોશનલી વીક છું' સંબંધમાં છેતરાયેલી એક યુવતીએ મને કહ્યું.

મેં હસીને કહ્યું 'ના, કદાચ તમે બદલો લેવા કરવા શાંતિ પસંદ કરી શકો એટલા મજબૂત છો !' વાસ્તવમાં તેની ક્ષમા પાછળ કોઈ તર્ક નહીં પણ ભાવનાત્મક શાણપણ હતું. મન બદલાના સમીકરણો માંડે તે પહેલા ભાવનાત્મક વિચારસરણીએ નિર્ણય કરી લીધો. આ એક વૈચારિક સમૃદ્ધિ છે.

જો તમે નજીકથી અવલોકન કરશો તો તમને સમજાશે કે સાહજિક અને ભાવનાત્મક વિચારસરણી ઘણીવાર સાથે કામ કરે છે. બંને મૌન છે, બંને તર્કને બાજુ પર રાખીને અનુભવાય છે, અને જ્યારે વિશ્લેષણ નિષ્ફળ જાય છે ત્યારે બંને તમને દિશા સૂચવે છે. શબ્દો બોલાય તે પહેલાં જ માતા તેના બાળકની તકલીફ અનુભવે છે. સંગીતકારને સૂઝે છે કે હવે પછીનો સૂર કયો છે. લક્ષણોને પાર અને રિપોર્ટસના પરિણામ વગર કેટલાક તબીબોને સારવાર સૂઝી આવે છે. આ બધા કંઇ ચમત્કારો નથી, મનનું સૂક્ષ્મ વિજ્ઞાન છે. ઇન્ટયુટિવ-ઇમોશનલ થિંકિંગની જોડીનું પરિણામ છે.

આ બંને વિચારસરણીમાં એક ચેતવણી-રેડ ફ્લેગ પણ છે. તર્કની ગેરહાજરી કે મોડી એન્ટ્રીને કારણે ઘણીવાર અંતર્જ્ઞાન અંધશ્રદ્ધા બનીને ગેરમાર્ગે દોરે છે અને લાગણીઓ તર્ક પર કાબુ મેળવીને આંધળી થઇ જાય છે. આ બંને સંજોગોમાં તમારી નિર્ણયશક્તિ પર અવળી અસર પડી શકે છે. સરવાળે, તમારે સંતુલન જાળવવાનું છે, તર્કને સાવ તિલાંજલિ નથી આપવાની પરંતુ તેને સમ્યક પ્રમાણમાં જાળવી રાખવાનો છે. વેદાંતમાં આ વાત ખૂબ માર્મિક રીતે કહેવાઇ છે અને આ સંતુલન માટે 'પ્રજ્ઞા' શબ્દ વપરાયો છે, મનની એવી સ્થિતિ જ્યાં બુદ્ધિ અને અંતર્જ્ઞાનનો સમન્વય થાય છે. ભક્તિમાર્ગ પણ સંપૂર્ણ ભાવનાત્મક નથી,

 તેનું પોતાનું પણ એક આગવું લોજિક છે. આ બંને વિચારસરણીઓ વિકસિત કરવા માટે ધ્યાન-મૌનનો મહાવરો કરવો પડે છે. કુદરતની પ્રક્રિયામાં વિશ્વાસ પેદા કરવો પડે છે. મનની શાંત દશામાં જ આ વિચારસરણીઓ ખીલે છે, મજબૂત થાય છે. જે લોકો તેમના અંતર્જ્ઞાન અને તેમની ભાવનાઓ બંનેને સાંભળે છે, તેઓ એક પ્રકારના શાંત આત્મવિશ્વાસ સાથે જીવે છે. તેઓ બધા જવાબો જાણતા નથી, પરંતુ તેમની વૈચારિક યાત્રા પર વિશ્વાસ કરે છે. તેઓ કાર્ય કરતા પહેલા મન અને હૃદય બંનેનો સંપર્ક કરે છે. વિચારોની અસ્પષ્ટતામાં તેઓ અંત:સ્ફુરણાનો સહારો લે છે. તેમની લાગણીઓ જ્યારે આવેગજન્ય બની જાય ત્યારે બુદ્ધિથી તેને સ્થિર કરે છે. આ રીતે એક પરિપકવ મન શ્વાસ લે છે, અંદર અને બહાર, તર્ક અને લાગણી વિશ્લેષણ અને જાગૃતિ...

તો હવે પછી જ્યારે કોઈપણ નિર્ણયમાં મુંઝાવ ત્યારે ફક્ત તર્કથી ખણખોદ કરીને મનને એટલું જ ના પૂછતાં કે 'તને શું સમજાય છે ?!' એમ પણ પૂછજો કે 'તને શું યોગ્ય લાગે છે ?!' તો આપોઆપ અંતર્જ્ઞાન કાર્યરત થઇ જશે. યાદ રાખજો કે જીવનની શ્રેષ્ઠ પસંદગીઓ ના તો સંપૂર્ણપણે તાર્કિક હોય છે કે ના ભાવનાત્મક, એ તો સંતુલિત વિચારસરણીનું જ પરિણામ હોય છે.

પૂર્ણવિરામ : 

જ્યારે બુદ્ધિ (તર્ક) અને લાગણી હાથ મિલાવીને કામ લાગે છે ત્યારે વિચારોમાં પરિપકવતા અને વ્યવહારમાં ડહાપણ આવે છે.

Tags :