Get The App

જીવનસાથી સાથેના તનાવગ્રસ્ત સંબંધો સાથે જોડાયેલું એક કડવું સત્ય

તારી અને મારી વાત - હંસલ ભચેચ

Updated: Feb 11th, 2020

GS TEAM

Google News
Google News
જીવનસાથી સાથેના તનાવગ્રસ્ત સંબંધો સાથે જોડાયેલું એક કડવું સત્ય 1 - image


જીવનસાથી સાથેના તનાવગ્રસ્ત સંબંધો સાથે જોડાયેલું એક કડવું સત્ય એ છે કે તમારા જીવનનો સુવર્ણકાળ એકબીજા સાથેની આ માથાકુટમાં નીકળી જાય છે ! જ્યારે બંનેમાં જોર હોય, ઉત્સાહ હોય અને જીવનને ભરપુર માણવાની તક હોય ત્યારે એ સમય લાગણીઓના સંઘર્ષમાં વિતાવવો કેવી રીતે પોષાય ?! પરંતુ બેમાંથી એક પાત્ર પણ, આ સમજવા તૈયાર ના થાય તો, એ જ જોર એકબીજાને જુદી જુદી રીતે બતાવી દેવામાં વાપરી કાઢે !

'તારે સુધરવાની જરૂર છે, તું જા એમની પાસે !' મારા માટે આ ચવાઈ ગયેલો ડાયલોગ છે કારણ કે સંબંધોના પ્રશ્નો માટે સલાહ લેવા આવતી ઘણી વ્યક્તિઓ કે તેમના સાથીઓનો આ ડાયલોગ છે. પહેલાં તો ઝઘડવામાં વર્ષો કાઢી નાખે, પછી કોને મને બતાવવાની કે મારી સલાહની જરૂર છે એ મુદ્દે બીજા કેટલાંક વર્ષો ખર્ચી કાઢે, પરંતુ આ યુગલો એક સાદી-સરળ સમજ કેળવી ના શકે કે ''જરૂર તને કે મને નહીં પણ આપણા સંબંધને છે !'' બસ, ખોટી હુંસા-તુંસીમાં સમય વીતતો જાય અને સંબંધમાં કડવાશ વધતી જાય.

કમનસીબે સંબંધોમાં બેહદ કડવાશ આવી જાય ત્યાં સુધી મદદ ના લે અને પછી એક તબક્કો એવો પણ આવે કે તેમને કોઈ ઇચ્છીને પણ મદદ ના કરી શકે ! જીવનસાથી સાથેના તનાવગ્રસ્ત સંબંધો સાથે જોડાયેલું એક કડવું સત્ય એ છે કે તમારા જીવનનો સુવર્ણકાળ એકબીજા સાથેની માથાકુટમાં નીકળી જાય છે ! જ્યારે બંનેમાં જોર હોય, ઉત્સાહ હોય અને જીવનને ભરપુર માણવાની તક હોય ત્યારે એ સમય લાગણીઓના સંઘર્ષમાં વિતાવવો કેવી રીતે પોષાય ?! પરંતુ બેમાંથી એક પાત્ર પણ, આ સમજવા તૈયાર ના થાય તો, એ જ જોર એકબીજાને જુદી જુદી રીતે બતાવી દેવામાં વાપરી કાઢે !

સરવાળે થાય એવું કે અવાર-નવારની માથાફોડી વચ્ચે યુગલો થાકીને એકબીજાને સહન કરતા શીખી જાય અને સમાધાનના પોટલામાં અફસોસની નાની ગઠરી ઠોસીને સહજીવન ખેંચી કાઢે. યુગલોમાંનું એક પણ આકરે પાણી હોય તો 'છુટ્ટા !!' એમાં'ય આજકાલ આ 'છુટ્ટા'નું ચલણ વધતું જાય છે, પરંતુ છુટા પડતા પહેલાં આ સંઘર્ષની કેટલીક વાતો એવી છે કે જે સાથીઓ વિચારવાનું ચુકી જાય છે અથવા એટલા આક્રોશમાં હોય છે કે તેને સાવ અવગણી જાય છે. આ સંદર્ભમાં આપણે અગાઉ પણ વાત કરી છે પરંતુ ઘણી વાત અવાર-નવાર કરવી જરૂરી હોય છે કારણ કે સહજીવનને સુખી બનાવવા અમુક સમજ ઠોકી ઠોકીને મગજમાં ઉતારવી પડતી હોય છે !

સૌથી પહેલી વાત તો એ છે કે દરેક તૂટેલો લાગણીઓનો સંબંધ તમારા મન પર એક ઊંડી અસર છોડી જાય છે અને તમારા દરેક સંબંધો ઉપર તેની સીધી કે આડકતરી અસર થાય છે. લાગણીઓના મુદ્દે તમારી અપેક્ષાઓ વધી જાય છે અને તમારી ઘવાયેલી લાગણીઓનો ભાર બીજા સંબંધોએ ઉઠાવવો પડે છે. અન્ય વ્યક્તિઓ ઉપર વિશ્વાસ મુકવામાં કે સાચી વ્યક્તિઓને ઓળખવામાં તમે થાપ ખાવા માંડો છો. કોઇપણ નવો લાગણીઓનો સંબંધ કેળવવાની સહજતા તમે ગુમાવી દો છો અને ના જોઈતા વિશ્લેષણમાં અટવાયેલ રહો છો. ઘણી વ્યક્તિઓની માનસિકતા ઉપર એટલી બધી અસર થાય છે કે સંબંધોમાં ભૂલોની પરંપરા સર્જાઇ જાય છે અને જીવનભર એક સાચા લાગણીઓના સંબંધ માટે તે તરસતા રહે છે. અલબત્ત, તેમની આ તરસનો ક્ષણિક લાભ લેનારા ભમરાની જેમ આસપાસ મંડરાતા રહે છે, લાગ આવે પોતાનો રસ ચૂસીને રફુચક્કર અને સરવાળે વધુ એક આઘાત !

લગ્નજીવનના તમારા દરેક સંઘર્ષનું તમારું સંતાન સાક્ષી છે. તમે માનો છો તેના કરતાં તમારું સંતાન ઘણું વધારે જોતું, સમજતું અને અનુભવતું હોય છે. તમારા લાગણીઓના સંબંધના ડખાઓના છાંટા જ નહિ વરસાદ એના ભવિષ્યના સંબંધો પર પડે છે. સંબંધોમાં વિશ્વાસ, સન્માન, સંભાળ, લગાવ, પ્રેમ વગેરે વ્યક્તિ હંમેશા પોતાના કુટુંબીઓના સંબંધોમાંથી જ શીખે છે અને હવે તો આપણે વિભક્ત કુટુંબોમાં રહેતા થઈ ગયા છીએ એટલે માતા-પિતાના સંબંધોમાંથી જ શીખશે. જેમકે માતાને સન્માન આપતા પિતા અજાણતા જ પુત્રમાં સ્ત્રી-સન્માનના ગુણો સીંચે છે અને પુત્રીમાં પુરુષ પરત્વે આદરભાવ જન્માવે છે. જ્યારે માતાને શારીરિક-માનસિક ત્રાસ આપતો પિતા અનાયાસે પુત્રને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવાનું અને પુત્રીને પુરુષ-જાતને ધિક્કારવાનું શીખવે છે. છુટા પડવાની વાત તો બહુ આગળની છે. માતા-પિતા વચ્ચેના તણાવની અસરો પણ માનીએ એના કરતા ઘણી વધુ ગંભીર હોય છે અને એ તેમના વ્યક્તિત્વથી શરૂ કરીને દરેક વ્યવહારમાં વત્તી-ઓછી દેખાય છે !

ત્રીજી વખત ગમે તેટલી કડવી લાગે પણ હકીકત છે, આપણી માનસિકતામાં તો છે જ. દરેક વ્યક્તિ છૂટી પડેલી સ્ત્રીને શંકાથી, કડવાશથી, બોજ તરીકે અથવા ગમે ત્યારે ઉપલબ્ધ એવી માનસિકતાથી જુએ છે. આ પરિસ્થિતિમાં રહેતી દરેક સ્ત્રીને મોડો-વહેલો અને વત્તો-ઓછો આ અનુભવ થઇ જાય છે અને તેમાંથી મુક્ત થવા એ નવો સંબંધ બાંધવા રઘવાયી થાય છે. સરવાળે પહેલા વાત કરી એવી, નવો સંબંધ બાંધવામાં ભૂલોની પરંપરા ચાલુ !

આ તો ટ્રેલર છે, છુટા પડયા પછીના પ્રશ્નો પણ ઓછા નથી હોતા તેનો ખાલી અણસાર આપ્યો. સાવ બારીકાઇથી વિચારશો તો એટલું જરૂર સમજાશે કે ંસબંધોની સતત માવજત કરતા રહેવું અને દરેક તબક્કે મજબૂતાઈ સીંચતા રહેવું એ વધુ ડહાપણભર્યું છે. ઘણીવાર મનથી સંબંધો એટલા વણસી ચૂક્યા હોય છે કે સાથીઓ કોઇપણ બદલાવ લાવવાના પ્રયત્ન જ કરવા નથી માંગતા અથવા નાનો સરખો પણ પ્રયત્ન સરવાળે નવો ઝગડો કરાવી દેતા હોય છે.

આ સંજોગોમાં ત્રીજી તટસ્થ વ્યવસાયિક વ્યક્તિની મદદ લેવી યોગ્ય છે. ખાસ કરીને જ્યારે બંને વચ્ચે ખૂબ કડવાશ આવી ગઈ હોય, દરેક નાની વાત ઝગડામાં પરિણમતી હોય. નૈતિક્તા (મોરલ્સ)-વિશ્વસનીયતા-વફાદારી-અભિગમ-જીવનની ફિલસુફી વગેરેના પ્રશ્નો હોય (કારણ કે આ પ્રશ્નો ગંભીર અને આસાનીથી ઉકલે તેવા નથી હોતા), એકની એક વાત ઉપર ચર્ચાઓ અટકી જતી હોય. ચર્ચામાં એકબીજાનો દ્રષ્ટિકોણ ગળે ના જ ઉતરતો હોય, સમસ્યા ખૂબ સંવેદનશીલ હ ોય, જાતે કે અન્યો દ્વારા ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ સંબંધો મજબૂત ના બની શક્યા હોય વગેરે સંજોગોમાં તો વ્યવસાયિક મદદ લેવી જ જોઈએ.

પૂર્ણવિરામ
પહેલા પ્રેમ-સંબંધમાં સાથીઓનું મન જેટલું નિર્મળ હોય છે તેટલું તે પછીના કોઇપણ પ્રેમ-સંબંધોમાં નથી હોતું અને તેથી જ કદાચ પ્રથમ પ્રેમને ભૂલવો અઘરો પડે છે !

Tags :