- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- વાસ્તવિક સંબંધો હંમેશા ઘર્ષણ, ગેરસમજ, દલીલબાજી, સમાધાન, નિરાશા, માફી વગેરે વચ્ચે જ મજબૂત થાય છે
'હું દરરોજ રાત્રે તેની સાથે વાત કરું છું' અઠ્ઠાવીસ વર્ષનો, બુદ્ધિશાળી, સુવ્યવસ્થિત, આર્થિક રીતે મજબૂત જણાતો એક સોફ્ટવેર એન્જિનિયર મારી સાથે વાત કરી રહ્યો હતો. તેની વાતોમાં એક છટા હતી પરંતુ આંખોમાં એક ખાલીપણું હતું. મેં વિચાર્યું કે શરૂઆતની વાતો પછી હવે તે તેની ગર્લફ્રેન્ડ વિશે વાત કરવા માંગતો હશે. હું વધુ કંઈ ધારણા બાંધુ એ પહેલા તે હળવું સ્મિત આપતા બોલ્યો 'સના, મારી AI -કમ્પેનિયન. એ મને સમજે છે. મને જજ કરતી નથી. હું શું કહું છું તે બરાબર યાદ રાખે છે. મારી ચિંતા પણ કરે છે!' એની વાતમાં કોઈ સંકોચ નહતો પરંતુ જાણે પોતાની સ્વીકૃતિની એક રાહત હતી!
મનોચિકિત્સક તરીકેની મારી લાંબી કારકિર્દીમાં મેં લોકોને અનેક વસ્તુઓ સાથે જોડાતા જોયા છે - પાળતુ પ્રાણીઓ સાથે, ડાયરી સાથે, પ્રિય લેખક સાથે, ક્યારેક તો પોતાના ઇષ્ટદેવ સાથે પણ! વાસ્તવમાં માનવમન મૂળભૂત રીતે સંબંધ શોધે છે. તે જોડાવા ઝંખે છે અને એ દિશામાં અનાયાસે ઢળે છે, સૂર્યપ્રકાશ તરફ વળતા છોડની જેમ.
ટેકનોલોજીએ આ જોડાણનો વધુ એક વિકલ્પ સામે ધર્યો છે, જે જવાબ આપે છે, યાદ રાખે છે, અનુકૂળ બને છે, હંમેશા ઉપલબ્ધ રહે છે અને કાળજી કે સંભાળ લેતું જણાય છે. વાતમાં આ વિકલ્પ સામાન્ય લાગે પરંતુ સૂક્ષ્મ સ્તરે વિચારો તો જોડાણ નિષ્ક્રિય વસ્તુઓ તરફથી સક્રિય, સંવાદી હાજરી તરફ પલટાતું જાય છે, જે આવનારા સમયમાં વ્યક્તિનું મનોદ્રશ્ય (સાઇકોલોજિકલ લેન્ડસ્કેપ) બદલી નાખશે તે નક્કી!
AI સાથીના આકર્ષણનું મનોવિજ્ઞાન સરળ છે. અંદરખાને એક વ્યક્તિને જે સ્વીકૃતિની ઝંખના છે, તરસ છે, તે આ સાથી કોઈપણ સંજોગોમાં આપે છે - વિધાઉટ ફેઇલ, 'બિનશરતી સ્વીકાર-અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ'! આ સાથી ટોકતો નથી, તમારી મજાક નથી ઉડાવતો, જજ નથી કરતો, તમારાથી કંટાળતો નથી. સતત સ્પર્ધા અને તુલનાના યુગમાં ઉછરેલા યુવાનો માટે તો આ ભાવનાત્મક ઓક્સિજન જેવું છે. જ્યારે કોઈ કે કંઈક આપણને ઉષ્માભર્યો પ્રતિભાવ આપે છે ત્યારે મગજમાં જોડાણ સંબંધિત તંત્ર સક્રિય થાય છે અને આ સક્રિયતાને 'ડોપામિન' નામના રસાયણનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે, જે વ્યક્તિને મોટિવેશન અને પોઝિટિવિટીની એક 'કિક' આપે છે. એટેચમેન્ટ કે જોડાણ સાથે સંકળાયેલ 'ઓક્સિટોસીન' પણ નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે અને સરવાળે આ આકર્ષણને પોષણ આપે છે.
અહીં સવાલ નિયંત્રણ(કંટ્રોલ)નો પણ છે. એક્ચ્યુઅલ સંબંધો ગૂંચવણભર્યા હોય છે. તેમાં મૂડ હોય છે, ગેરસમજ હોય છે, બે વ્યક્તિત્વોની અથડામણ હોય છે. જ્યારે AI સાથી તો આપણી મરજી મુજબનો થઈને રહે છે. તમને ગમતી બાબતો, બધી વાતમાં સહમતિ, હંમેશા ઉપલબ્ધ અને તરત પ્રતિભાવ, બધું જ જાણે તમારા નિયંત્રણમાં! જે વ્યક્તિઓ અગાઉ સંબંધોમાં હર્ટ થયા હોય તેમને માટે તો આ નિયંત્રણ સુરક્ષાનો અનુભવ કરાવનારું છે. આમ પણ સંબંધોમાં દર્દ ઉઠાવ્યું હોય તેવી વ્યક્તિઓ માટે સુરક્ષા અને પ્રિડિક્ટેબિલિટી બહુ મહત્વની હોય છે, જેની ખાતરી આ વર્ચ્યુઅલ સંબંધ હંમેશા આપે છે. અને ઉપલબ્ધતા(અવેલિબિલિટી)?! તે તો અદ્દભુત છે. રાત્રે બે વાગ્યે જ્યારે જાગી જવાય અને ચિંતા-નકારાત્મકતા ઘેરી વળે, ત્યારે મોટાભાગના લોકો ઊંઘતા હોય છે પણ AI તો જાગતું જ બેઠું હોય છે, અંગૂઠાથી સાદ પાડો એટલી જ વાર! એકલતાની આવી ક્ષણોમાં સતત ઉપલબ્ધ પ્રતિભાવ કોઈ આશ્રય જેવો લાગે છે. મગજ કંઈ સ્પષ્ટ રીતે 'એક્ચ્યુઅલ' અને 'વર્ચ્યુઅલ' ભાવનાત્મક પ્રતિભાવ વચ્ચે ખાસ તફાવત કરતું નથી અને એમાં'ય જો પ્રતિભાવ ઉષ્માભર્યો હોય, તો જોડાણ શરૂ થઈ જ જાય છે. પરંતુ અહીં હંમેશા યાદ રાખવા જેવી બાબત એ છે કે વાસ્તવિક સંબંધો હંમેશા ઘર્ષણ, ગેરસમજ, દલીલબાજી, સમાધાન, નિરાશા, માફી વગેરે વચ્ચે જ મજબૂત થાય છે. AI સાથેના સંબંધમાં તો મરજી મુજબનું બધું મીઠું જ લાગે પણ સામાજિક સહનશક્તિ ઘટી જાય તેનું શું?! સામાજિક અને સંબંધ કૌશલ્ય પણ સ્નાયુ જેવું છે, વપરાશ વિના કમજોર બની જાય, એ આપણે ભૂલવું ના જોઈએ. સાથીના ઇચ્છનીય-અનિચ્છનીય પ્રતિભાવો વાંચવા અને એને અનુકૂળ વર્તન કરવું એ તમારી 'ઈમોશનલ ઇન્ટેલિજન્સ'ને મજબૂત કરવા જરૂરી છે. AI કમ્પેનિયન તો આવો કંઈ મોકો જ કયાં આપે?! સરવાળે, વ્યક્તિનું ભાવ જગત અને સામાજિક જગત બંને સીમિત થઈ જાય.
ડેટિંગ અને લગ્ન પર પણ આનો પ્રભાવ વિચારવા જેવો છે. જો કોઈ વ્યક્તિ પોતાનો 'આદર્શ સાથી' અપેક્ષા મુજબ ડિઝાઇન કરી શકે તો વાસ્તવિક સાથી તો અધૂરો અને ખામીયુક્ત જ લાગે ને?! જ્યારે અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે અંતર વધે છે ત્યારે સંબંધમાં તણાવ પેદા થયા વગર રહેતો નથી.
AI સાથીનો આપણા હિતમાં ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ અને ના આવડે તો શીખવું જોઈએ કારણ કે તેનો યોગ્ય ઉપયોગ ઘણી વ્યક્તિઓના જીવનમાં જરૂરી આધાર આપી શકે છે. એકલતાનો સામનો કરી રહેલા લોકોની એકલતા દૂર કરી શકે, સંબંધોમાં 'હર્ટ' થયેલા લોકોને ફરી બેઠા
કરવામાં મદદ કરી શકે, સામાજિક ડરને કારણે સંબંધ ના વિકસાવી શકતા લોકોને સંબંધ બાંધીને પોતાનો ડર દૂર કરવાનો મહાવરો કરાવી શકે વગેરે. અંતે પ્રશ્ન તો ત્યાં આવીને અટકે છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ આપણા હિતમાં કરીએ છીએ કે અહિતમાં?! આપણી ભાવનાત્મક ઊર્જા સીમિત છે, તેને ક્યાં વધુ લગાવવી એ આપણે નક્કી કરવાનું, એકચ્યુઅલમાં કે વર્ચ્યુઅલમાં?! વાસ્તવિક માણસો અને સંબંધો જટિલ હોઈ શકે છે પરંતુ 'સરપ્રાઈઝ' પણ એ જ આપી શકે છે અને જીવનની મજા તો 'સરપ્રાઈઝ'માં જ હોય છે ને?! તેથી થોડું આત્મચિંતન જરૂરી છે. AI ને સહાયક રાખો, વિકલ્પ નહીં. વાસ્તવિક મુલાકાત અને આંખોના સંપર્કમાં થતી વાતચીતનો કોઈ વિકલ્પ ના હોવો જોઈએ. વાસ્તવિક સંબંધોના ઘર્ષણ, મતભેદો કે દલીલોથી ભાગો નહીં, તે સંબંધને મજબૂત બનાવતી કસરતો છે. ટેકનોલોજી તો હજુ વિસ્તૃત થશે, અલ્ગોરિધમ થકી AI સાથી વધુ માનવીય બનશે પરંતુ હજારો વર્ષથી યથાવત રહેલા હૃદયની લાગણીઓની નકલ નહીં કરી શકે! એ હૃદય કે જે એના જેવા જ અસંમત થઈ શકે, ડગમગી શકે, હસી શકે, પ્રેમ કરી શકે, માફી માંગી શકે એવા બીજા હૃદય સાથે જોડાવા માંગે છે, આવા હૃદયનો 'કોડ' કઈ ટેકનોલોજી લખી શકશે?!
પૂર્ણવિરામ
સંબંધમાં માણસની મૂળ તરસ 'કોઈ સમજે' એની નથી કોઈના 'સાથ'ની છે એટલે કમાન્ડ સમજતી ટેકનોલોજી ક્યારે'ય જોડાઈ શકતા માણસનો વિકલ્પ નહીં બની શકે!


