Get The App

નકારાત્મક વિચારસરણી એટલે શું? .

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
નકારાત્મક વિચારસરણી એટલે શું?                     . 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- ઘણી વ્યક્તિઓને લાગણીઓનો કચરો ભેગો કરવાની આદત હોય છે. પોતાની સાથે બનેલી દરેક નકારાત્મક બાબતોનો તે હિસાબ રાખતી હોય છે અને સારી બાબતોને જાણે-અજાણે અવગણી જતી હોય છે

ક્યારે'ય તમારી સાથે એવું બન્યું છે કે બાલ્કની, ટેરેસ કે ગાર્ડનમાં મસ્ત મજાનો, સવારનો તડકો માણી રહ્યા હોવ અને અચાનક સૂરજની સામે એક નાનકડી વાદળી આવી જાય, અને તમારી મજા મરી જાય ?! એક નાનકડી બાબત તમારું આખું આંતરિક વાતાવરણ બદલી નાખે ?! એક ટચુકડી નકારાત્મક ક્ષણ તમારી લાગણીઓના લેન્ડસ્કેપને બાનમાં લઈ તમારા મૂડની પથારી ફેરવી શકે કે ક્ષણ પહેલાનું હાસ્ય ઉદાસીનતામાં ફેરવી શકે તો વાંક એ ક્ષણનો ઓછો અને તમારા દ્રષ્ટિકોણનો વધુ છે ! મનોચિકિત્સક તરીકેની ચાર દાયકાની સફરમાં અગણિત લોકોને સાંભળ્યા પછી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મોટાભાગનું આપણું દુ:ખ કે પીડા, જીવનની આવી ક્ષણોની ઘટમાળમાંથી ઓછી અને તેના પ્રત્યેના આપણા અભિગમ (એપ્રોચ) કે દ્રષ્ટિકોણ (એટિટયુડ)માંથી વધારે આવે છે. આ જ કારણોસર મેં કેન્સરના દર્દી કરતા સામાન્ય ટીબીના દર્દીને માનસિક રીતે વધુ પીડાતા જોયા છે. મનની મજાને કે સુખને તમારા ખિસ્સામાંથી સેરવી જતા આવા ખિસ્સાકાતરુ જેવા અભિગમ-દ્રષ્ટિકોણને મોર્ડન સાયકોલોજી 'કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ' કહે છે. આપણા ઉપનિષદોમાં તેનો ઉલ્લેખ 'અવિદ્યા' તરીકે થયેલો છે. આ 'અવિદ્યા' એટલે આપણી એવી ધારણાઓ કે અભિગમ જે સત્યને ઢાંકી દે છે. સ્વાભાવિક છે, તમને પ્રશ્ન થાય કે એવું કેમ બને કે ટીબીનો દર્દી, કેન્સરના દર્દી કરતા વધુ માનસિક પીડા અનુભવે છે ?! આનું સરળ કારણ છે કેન્સરના દર્દીની હકારાત્મક વિચારશૈલી અને ટીબીના દર્દીની નકારાત્મક વિચારશૈલી, જે સરવાળે તેમના રોગ પ્રત્યેના અભિગમ અને સ્વીકૃતિને નક્કી કરતી હોય છે.

વિચારશૈલી કેવી હોવી જોઈએ ?! કોઈપણ વ્યક્તિને તમે આ પ્રશ્ન પૂછો તો તરત જ જવાબ મળશે 'પોઝિટિવ' અને આશ્ચર્યજનક વાત એ છે કે મોટાભાગના પાસે એ હોતી નથી ! જરૂરી નથી કે નકારાત્મક વિચારસરણી એટલે માત્ર નકારાત્મક વિચારો. આવા વિચારો ઉપરાંત 'કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ' કે 'અવિદ્યા' પણ નકારાત્મક વિચારસરણીનો ભાગ હોય છે. આ સમજવા માટે વિચારોની અમુક પેટર્ન આપણે સમજવી પડશે. સૌથી પહેલી વાત આપણે 'સિલેક્ટિવ બ્લાઈન્ડનેસ'ની કરીએ. ઘણી વ્યક્તિઓને લાગણીઓનો કચરો ભેગો કરવાની આદત હોય છે. પોતાની સાથે બનેલી દરેક નકારાત્મક બાબતોનો તે હિસાબ રાખતી હોય છે અને તેની સાથે સંકળાયેલી દુ:ખદ કે પીડાજનક લાગણીઓને તે અવારનવાર અનુભવતી રહેતી હોય છે. હંમેશા પોતાને થયેલી નુકસાનીની ગણતરીમાં રહેતા આ લોકો પોતાના નફાનો હિસાબ માંડવાનું અવગણી જતા હોય છે. તેમની આ આદતને કારણે તે પોતાની સાથે બનેલી નકારાત્મક બાબતો કે પોતાના પ્રશ્નોને હંમેશા વાગોળતા રહેતા હોય છે અને સારી બાબતોને જાણે-અજાણે અવગણી જતા હોય છે. અને માટે જ ઘણીવાર લોકોને યાદ દેવડાવવું પડતું હોય છે કે 'કાઉન્ટ યોર બ્લેસિંગ્સ', ક્યારેય કોઈને એવું કહેવું પડે છે કે કાઉન્ટ યોર પ્રોબ્લેમ્સ ?! હમણાં પોતાની કોઈ ગણના નથી કરતું એવી ફરિયાદ કરતા વ્યક્તિને મેં પૂછ્યું કે તમારી આ માન્યતાને સપોર્ટ કરે એવી કોઈ વાત કહો. તો એણે તે દિવસે બધાની વચ્ચે તેના કૉ-વર્કરે કરેલી તેની મજાકની વાત કરી. મેં કહ્યું ચાલો આજનો આખો દિવસ તપાસીએ કે આજે તમારી સાથે બીજું શું શું બન્યું ?! તેણે સવારથી એનો દિવસ યાદ કરવા માંડયો ત્યારે તેણે યાદ કર્યું કે સવારે તેણે હીંચકે બેસીને પત્ની સાથે હળવી ક્ષણો વિતાવી, ચા પીધી, દીકરીને શાળાએ મૂકવા ગયા અને એક પ્રેમાળ હગ આપીને દીકરી વર્ગમાં ગઈ. કામ પર જતા જ બોસે ગઈકાલે કરેલા કામ માટે શાબાશી આપી. હવે આ બધું જ અવગણીને એક નકારાત્મક કહી શકાય એવી ઘટના તેના વિચારોમાં ટોચ પર હતી ! હકીકતમાં આવી વ્યક્તિઓ પોતાની સાથે બનતી નકારાત્મક બાબતો પ્રત્યે એટલી સંવેદનશીલ હોય છે કે એના ચક્કરમાં પોતાના જીવનમાં બની રહેલી સારી ઘટનાઓ પ્રત્યે બેધ્યાન રહેતી હોય છે અને સરવાળે હંમેશા નકારાત્મકતા તરફ મોઢું રાખીને ઉભેલા આ લોકો નેગેટિવ થિંકર્સ હોય છે, તેમની વિચારસરણી નકારાત્મક હોય છે. હકારાત્મકતા તરફ અંધ એવા આ લોકોએ પોતાનો દ્રષ્ટિકોણ બદલવા માટે રોજ રાત્રે ડાયરી-જર્નલ લખવી જોઈએ અને તેમાં ત્રણ બાબતો જરૂર લખવી - આજે મારી સાથે શું સારું બન્યું - શું યોગ્ય બન્યું ? કોણે મારા પ્રત્યે કરુણા બતાવી ? મેં આજે શું સારું કર્યું ? રોજે-રોજ આ બાબતો તપાસવાથી વિચારોમાં એક સકારાત્મક કન્ડિશનિંગ થશે અને 'સિલેક્ટિવ બ્લાઇન્ડનેસ'નું ડિસ્ટોર્શન દૂર થશે.

પંચતંત્રમાં બીકણ સસલીની વાર્તા સાંભળી છે ?! ખોરાકની શોખમાં રખડતા રખડતા તેના માથે એક મોટું બોર પડે છે અને તે 'આભ પડયું-આભ પડયું' એવી બૂમો પાડતી દોટ મૂકે છે, આખા જંગલને માથે લે છે ! ઘણા લોકોને આવી વૈચારિક ટેવ હોય છે, તે જાણે-અજાણે નાની અમથી બાબતોને ખૂબ મોટુ ંસ્વરૂપ આપી બેસતા હોય છે અને પછી ચિંતાગ્રસ્ત કે ભયગ્રસ્ત રહેતા હોય છે. આ 'રજનું ગજ' કે 'કાગનો વાઘ' કરવાની ટેવ વાસ્તવમાં એક પ્રકારનું 'કોગ્નિટિવ ડિસ્ટોર્શન' છે જેને મનોવિજ્ઞાાન 'કેટેસ્ટ્રોફાઈઝિંગ' કહે છે. આ વ્યક્તિઓ કોઈપણ બાબતને મોટું સ્વરૂપ આપીને વિચારવાની ટેવ ધરાવતા હોય છે - 'મેં એક ભૂલ કરી... હવે મારી કારકિર્દી ખતમ થઈ જશે', 'એણે મારા મેસેજીસનો જવાબ નથી આપ્યો... સંબંધ પૂરો થઈ જશે' વગેરે. આ પ્રકારની વિચાર પદ્ધતિ સરવાળે તો નકારાત્મક વિચારોને જ જન્મ આપે છે ! ખાબોચિયાને દરિયો માની બેસતા આવા લોકો એ પોતાની જાતને એ પ્રશ્ન પૂછવાની ટેવ પાડવી પડશે કે હું વિચારું છું તે બાબત ખરેખર એટલી મોટી છે કે મારું મન એને ના જોઈતી મોટી કરી રહ્યું છે !

નકારાત્મક વિચારસરણી માત્ર નકારાત્મક વિચારો નથી, વિચારોની ઘણી આદતો પણ એનો ભાગ છે. પોઝિટિવ થિંકિંગ કરવાની ઇચ્છા ધરાવતા દરેકે આ બધી આદતોને બરાબર સમજવી પડશે. 'સિલેક્ટિવ બ્લાઈન્ડનેસ' અને 'કેટેસ્ટ્રોફાઈઝિંગ' સિવાય પણ ઘણી બાબતો છે, તેની ચર્ચા આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ...

પૂર્ણવિરામ : ઘણીવાર તમે જીવન નથી બદલી શકતા પરંતુ તેને જોવાનો દ્રષ્ટિકોણ ચોક્કસ બદલી શકો છો.