Get The App

વિચારવું એ એક કળા છે, જે આપણે જાત અનુભવથી જ શીખવી પડે છે

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
વિચારવું એ એક કળા છે, જે આપણે જાત અનુભવથી જ શીખવી પડે છે 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- એક જ સમસ્યાને લોકો જુદી જુદી રીતે વિચારતા હોય છે.  આ વાત માત્ર જુદા-જુદા વ્યકિતત્વની નથી, જુદી-જુદી વિચારશૈલીની પણ છે

આ પણે ત્યાં એક જૂની કહેવત છે કે, 'વિચાર બદલો, ભાગ્ય બદલાઈ જશે'. વિચારસરણી બદલાતા, તમારું ભાગ્ય બદલાઈ જાય છે ! મનોચિકિત્સકની મારી લાંબી કારકિર્દીમાં આ વાત મેં મારા કન્સલ્ટિંગ રૂમમાં અનેક લોકોને કહી હશે કારણ કે આ વાતમાં કેટલું તથ્ય છે તે મને આ વર્ષો દરમ્યાન રોજ સમજાયું છે. મારી પાસે લોકો માત્ર સમસ્યાઓ જ લઈને નથી આવતા, સાથે તેમની વિચારશૈલીઓ પણ લઈને આવે છે. એક જ સમસ્યાને લોકો જુદી જુદી રીતે વિચારતા હોય છે. એક માટે મૂંઝવણ કે કોયડો હોય તે બીજાને માટે જવાબદારી કે ખરાબ નસીબ અને ત્રીજા માટે તક કે પડકાર હોઈ શકે છે ! આ વાત માત્ર જુદા-જુદા વ્યકિતત્વની નથી, જુદી-જુદી વિચારશૈલીની પણ છે. જીવનની શતરંજમાં વિચારો તમારી ચાલ છે અને દરેક પગલે તે અલગ હોઈ શકે છે. કોઈ એક જ પ્રકારની રમત-શૈલીથી શતરંજ જીતી ના શકાય તેમ એક જ પ્રકારની વિચારશૈલીથી જીવનના પડકારોને પહોંચી ના વળાય. લોકો જે રીતે વિચારે છે તે રીતે તેમના જીવનની દિશા નક્કી થતી હોય છે. કમનસીબે મોટાભાગની વ્યક્તિઓ એક જ સ્ટાઇલથી-શૈલીથી જીવનમાં વિચારતી હોય છે અને છતાં જુદા પરિણામોની આશા રાખતી હોય છે ! હું મારા દર્દીઓને હંમેશા કહેતો હોઉં છું 'તમારું મગજ હથોડી નથી કે બધી સમસ્યાઓ એક જ રીતે ઠોકી-બેસાડીને ઠીક કરવાની હોય, તમારું મગજ એક સંપૂર્ણ ટૂલ-બોક્સ છે, વિચારશૈલીઓનું ટૂલ-બોક્સ. દરેક વખતે યોગ્ય સમાધાન માટે ટૂલ-બોક્સમાંથી યોગ્ય સાધનનો ઉપયોગ કરવો પડે, સમસ્યાઓને જુદી-જુદી રીતે વિચારવી પડે !

ચાલો એક મઝાનું ઉદાહરણ આપું. આ દુનિયાનું કોઈપણ સંગીત જુદી જુદી તીવ્રતા-સ્કેલના બાર સૂરોના આરોહ-અવરોહથી બનેલું છે. ઘણાને થશે કે સંગીતમાં તો સાત સૂર હોય છે ?! ના, બાર સ્વર, સાત શુદ્ધ સ્વર, ચાર કોમળ સ્વર અને એક તીવ્ર સ્વર. આ સ્વરોની ચોક્કસ પસંદગી અને ગોઠવણીથી સંગીતની રાગરાગિણીઓ જન્મે છે. વાસ્તવમાં, બધા જ કર્ણપ્રિય સંગીત યોગ્ય સ્વરોની યોગ્ય ગોઠવણીમાંથી જન્મે છે. જો યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય સ્વર ના વપરાય તો સંગીત બેસૂરું, કર્કશ અને ઘોંઘાટ બનીને રહી જાય છે. મનના સંગીતનું પણ એવું જ છે. મન પાસે પણ બાર પ્રકારની વિચારશૈલી છે. જીવનના પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા અને વૈચારિક સમૃદ્ધિ કેળવવા માટે વિચારવાની આ પદ્ધતિઓનો સંગીતના સૂરોની જેમ ઉપયોગ કરવો પડે. જરૂરિયાત મુજબ વિચારશૈલીઓને કામે લગાડવી પડે. હકીકતમાં વિચારવું એ એક કળા છે, જે આપણને શીખવવામાં નથી આવતી, આપણે જાત અનુભવથી જ કેળવવી પડે છે પરંતુ તેની શરૂઆત વિચારશૈલીઓને સમજવાથી કરવી પડે છે.

***

'મારી હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ છે અને મને ગમે ત્યારે એટેક આવી જશે' એક યુવાને મારી સામે બેસતા મને કહ્યું. પહેલા ગૂગલ અને હવે એઆઈની કૃપાથી ડૉક્ટરો પાસે પોતાની બીમારીઓનું જાતે જ નિદાન કરીને આવનારા લોકોનો પાર નથી.

'તમને કેવી રીતે ખબર પડી?!' મેં પૂછયું.

'મારા લક્ષણો મેં ગૂગલમાં નાખ્યા તો એ કહે છે મને હૃદયરોગની બીમારી છે' તેમની બોડી લેંગ્વેજમાં જબરો ગભરાટ હતો.

'ગૂગલે કહ્યું અને તમે માની લીધું ?! તેની ખરાઈ કરવા અંગે કંઈ વિચાર્યું નહીં ?'

તેમને નકારમાં માથું ધુણાવ્યું. પછી ઘણી બધી ચર્ચાના અંતે નિદાન થયું કે એમને હૃદયરોગ નહીં, પેનિક એંગ્ઝાઇટી ડિસઓર્ડર છે. ભલે ગૂગલનું નિદાન ખોટું હતું પરંતુ તેણે પેદા કરેલો ભય અને ચિંતા વાસ્તવિક હતા ! જ્યારે આપણે 'ક્રિટિકલ થિંકિંગ' એટલે કે વિવેચનાત્મક વિચારસરણીનો યોગ્ય સમયે ઉપયોગ નથી કરતા ત્યારે આવું જ થાય છે. આવા સંજોગોમાં આપણે માહિતીની સત્યતા પર પ્રશ્ન ઉઠાવ્યા વિના જ તેને સ્વીકારી લઈએ છીએ અને પછી તેના માઠા પરિણામો ભોગવી છીએ. વાસ્તવમાં વ્યક્તિએ આવા સમયે 'ક્રિટિકલ થિંકિંગ'નો ઉપયોગ કરવાનો હોય છે. આ 'ક્રિટિકલ થિંકિંગ' એટલે કોઈપણ બાબત કે માહિતીની ખરાઈ ચકાસવા થતું ચિંતન, એક એવું માનસિક ફિલ્ટર કે જે વાસ્તવિકતા અને કલ્પનાને જુદા તારવે છે, અભિપ્રાય અને પુરાવા વચ્ચેનો ભેદ સમજાવે છે. આ 'ક્રિટિકલ થિંકિંગ' એક એવો આંતરિક વકીલ છે કે જે કોઈ પણ નિષ્કર્ષ પર આવતા પહેલા પ્રશ્ન પૂછતો રહે છે. માહિતીઓને સાચા અર્થમાં સમજવા પ્રત્નશીલ રહે છે. આજે 'ફેક'નો જમાનો છે, ડિજિટલ ભારતમાં, ખોટા સમાચાર વાસ્તવિક શાણપણ કરતાં વધુ ઝડપથી ફેલાય છે ત્યાં, 'ક્રિટિકલ થિંકિંગ' (વિવેચનાત્મક વિચારસરણી) વિના, આપણે અફવાઓ, જૂઠ અને અર્ધસત્યોનો આસાનીથી ભોગ બનીએ છીએ. 

તંદુરસ્ત અને મજબૂત નિર્ણયશક્તિ માટે 'ક્રિટિકલ થિંકિંગ' પાયાની જરૂરિયાત છે, તમે મનોમન પૂછેલા પ્રશ્નો તમને આવેગશીલ નિર્ણયો લેતા અટકાવે છે. સંબંધોમાં ઊભી થતી ગેરસમજો કે સમસ્યાઓના મૂળમાં મહદઅંશે 'ક્રિટિકલ થિંકિંગ'નો અભાવ જોવા મળે છે. એકબીજા સાથે દલીલો, સામસામે આક્ષેપો કરતા પહેલા એક નાનકડો વૈચારિક વિરામ, ધીરજ અને વિવેચનાત્મક ચિંતન આખી બાજી સુખદ રીતે પલટાવી દેવાની તાકાત ધરાવે છે. ઉપનિષદો કહે છે તમે જ તમારા માર્ગદર્શક બનો, બુદ્ધ કહે છે તું જ તારો દીવો થા પણ 'ક્રિટિકલ થિંકિંગ'નો યોગ્ય ઉપયોગ કર્યા વગર સ્વયં-પ્રકાશિત બનવું શક્ય નથી. 'ક્રિટિકલ થિંકિંગ' તમારી સ્વતંત્રતા અને મુક્તિનો સાચો માર્ગદર્શક છે. માટે જ વેદાંતમાં પ્રશ્ન પૂછવાની પરંપરા સર્વોપરી છે.

હવે ઉપયોગી પ્રશ્ન- 'ક્રિટિકલ થિંકિંગ' વિકસાવી શકાય ?! ઓફ કોર્સ વિકસાવી શકાય, વિચારવાની પદ્ધતિઓનો મહાવરો કરીને વિચારશૈલીઓ વિકસાવી શકાય છે. 'ક્રિટિકલ થિંકિંગ'ને મજબૂત બનાવવા પ્રશ્નો પૂછવાની કળામાં વિકસિત થવું પડશે. કોઈપણ સમાચાર કે માહિતીઓને અપનાવતા કે માનતા પહેલા તમારી પોતાની એક કસોટી તેણે પાસ કરવી પડે એવું એક ચિંતન તમને પ્રાપ્ત હોવું જોઈએ. 'ક્રિટિકલ થિંકિંગ' માટે સમયની જરૂર પડે છે. સમાચાર, દલીલો અથવા ઓફરો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે - વિરામ અપનાવો, વિચારો અને પછી નિર્ણય કરો. યાદ રાખો, વિવેચનાત્મક ચિંનત એ શાણપણનો ગર્ભ છે. જિજ્ઞાાસા કે કુતૂહલતા વાસ્તવમાં 'ક્રિટિકલ થિંકિંગ' છે, તમારામાંના બાળકને જગાડો અને જિજ્ઞાાસુ બનો.

મહત્વની વાત, 'ક્રિટિકલ થિંકિંગ'નો અર્થ નિંદા નથી. તેનો અર્થ દરેક વસ્તુ પર શંકા કરવી કે દરેક પર અવિશ્વાસ કરવો નથી. તેનો અર્થ નિખાલસ-નિષ્કપટ હોવા છતાં સાવધ, જિજ્ઞાાસુ છતાં સ્થિર રહેવું છે. 'ક્રિટિકલ થિંકિંગ' એ તમારા મનને ધીમું કરવાની કળા છે જેથી સત્યને અવાજથી અલગ કરી શકાય - એક વિરામ જે તમારા જીવનને બિનજરૂરી ભૂલોથી બચાવે છે.

બીજી વિચારશૈલીઓની વાત આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ...

પૂર્ણ વિરામ 

આપણું મન કોઈ એક વાદ્ય નથી, સંપૂર્ણ ઓર્કેસ્ટ્રા છે અને આપણે તેના બધા જ વાદ્યો વગાડતા શીખવાનું છે.