- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- તમે પરમાત્મા (ઈશ્વર, એનર્જી, ચેતના, પરમતત્વ કે જે નામ આપો તે) સાથે કઈ રીતે જોડાયેલા છો એ બાબત તમારા જીવનને હેતુ અને દિશા બંને આપે છે.
એ ક યુવાને પોતાના ઘરમાંથી ભગવાનના બધા ફોટા બહાર ફેંકી દીધા અને પોતાની જાતને નાસ્તિક જાહેર કરી દીધો ! તેના અત્યંત આસ્તિક મા-બાપ ગભરાટમાં આવી ગયા, પુત્રને આવું ના કરવા સમજાવવા માંડયા, વિનવણી કરવા માંડયા ! પુત્ર ટસનો મસ ના થયો અને ઉપરથી ભગવાનને વધુ ભાંડવા માંડયો, માતા-પિતાનો ફફડાટ ઓર વધી ગયો. હવે આ મૂંઝાયેલા માતા-પિતા મારી સામે બેઠા હતા. 'અચાનક તમારા પુત્રને ભગવાન પરથી ભરોસો કેમ ઉઠી ગયો ?!' મેં પૂછ્યું.
'છેલ્લા પાંચ વર્ષથી એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે અને એના માટે એ તનતોડ મહેનત કરે છે. રાત-દિવસ એની તૈયારી સિવાય એ બીજું કંઈ જીવ્યો જ નથી. ત્રણવાર નિષ્ફળ રહ્યા પછી આ વખતે ઓર મહેનત કરી પરંતુ ફરી નિષ્ફળતા જ હાથ લાગી. એને એમ થઈ ગયું કે મહેનતમાં મેં કોઈ કચાશ ના રાખ્યા પછી પણ ભગવાન મારું આટલું કામ પાર નથી પાડતા તો એવા ભગવાનમાં હું કેમ માનું ?!' એની મમ્મીએ જાણે એના તરફથી નિસાસો મુક્યો.
'એનો આ આક્રોશ તો મને સમજાયો પણ તમે એના આ નિર્ણયથી કેમ આટલા ગભરાટમાં આવી ગયા ?!' મેં પૂછ્યું.
મારો પ્રશ્ન સાંભળીને પતિ-પત્નીએ એકબીજાને જાણે મનોમન પૂછી કાઢ્યું કે આ તો કંઈ પૂછવા જેવો સવાલ છે ?! આસ્તિક વ્યક્તિઓને બીજા વ્યક્તિની નાસ્તિકતા ડરાવે છે અને એમાં પણ એ કુટુંબનું સભ્ય હોય તો ખાસ.
બંને ચૂપ રહ્યા એટલે મેં પૂછી કાઢ્યું 'સાચું કહેજો, તમને એવો ડર લાગે છે ને કે એના આવા વર્તનથી ભગવાન એને કે તમારા આખા કુટુંબને દંડ આપશે ! કંઈ ખોટું થશે, મુશ્કેલીઓ વધશે, તમારું સારું નહીં થાય વગેરે વિચારો મનને ઘેરીને બેઠા છે ને ?!' તે બોલ્યા તો કંઈ નહીં પણ તેમની આંખોએ હા ભણી.
ઈશ્વર ક્યાં તમારો પગારદાર નોકર છે કે તમારી દરેક ઈચ્છાઓ પુરી કરવા દોડાદોડ કરે ?! તમારી દરેક માંગણીઓ, તમને ગમે તેટલી વ્યાજબી લાગતી હોય તો પણ, પુરી કરવા એ ક્યાં બંધાયેલો છે ?! તમારી મહેનત અને ઈચ્છાપૂર્તિ વચ્ચે સીધી લીટીના સંબંધની એણે ક્યાં ખાતરી આપી છે ?! મહેનત કરનારા બધા જ લોકોને તેની મહેનતનું યોગ્ય પરિણામ આપવા ઈશ્વર બંધાયેલો હોત તો કાળઝાળ ગરમીમાં મજૂરી કરતો દરેક મજુર કરોડપતિ હોત ! યુવાન મારી સામે હોત તો એને મારે આ દલીલ કરવી'તી પણ તેની સાથે એ કેટલો સંમત થાત કે એ દિશામાં વિચારતો થાત એ વિષે કંઈપણ અનુમાન લગાવવું અઘરું છે.
માતા-પિતાનો પ્રશ્ન તો સાવ અલગ જ હતો, એ તો ઈશ્વરના કોપ અને દંડથી ભયભીત હતા. મારે એમને પૂછવું હતું કે ઈશ્વર અને ગલીના ગુંડામાં કંઈ ફેર ખરો કે નહીં ?! તમે એને સલામ ના ભરો કે એની વિરુદ્ધમાં બોલો તો એ તમારી સાથે લુખ્ખાગિરી પર ઉતરી આવશે ?! અને જો તમે ખરેખર એવું માનતા હોવ કે ઈશ્વરનું અપમાન કરવાથી કે અવગણના કરવાથી ઈશ્વર તમને દંડ આપે તો મારે તમને બે પ્રશ્નો પૂછવા પડે. એક, ઈશ્વરની વૃત્તિઓ પણ માણસ જેવી જ હોય તો માણસ અને ઈશ્વરમાં ફેર શું ?! બીજો, તમે જે ઈશ્વરમાં માનો છો તેનું વિધર્મીઓ છેડેચોક અપમાન કરે છે તો ઈશ્વર એને કેમ દંડતો નથી ?! એનું કામ માત્ર એના અનુયાયીઓને જ દંડવાનું છે ?!! પરંતુ, મેં આમાંની એક પણ દલીલ કરવાની મુનાસીબ ના માની, એ પહેલેથી ડરેલા હતા અને એમાં મારી વાતોથી હું એમને વધુ વ્યથિત કરવા નહતો માંગતો. મનોચિકિત્સક તરીકેની મારી લાંબી કારકિર્દીમાં 'ઈશ્વર દંડશે', 'પાપ કર્મ કર્યું', 'ઈશ્વર અંગે ખરાબ વિચારો આવે છે' વગેરે ડરથી પીડાતા અને તેના કારણે સતત માફીઓ માંગતા, પ્રાર્થના કરતા, પૂજા-પાઠ કરતા અનેક લોકો મેં જોયા છે. આમાંની ઘણી વ્યક્તિઓને ઓબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઓર્ડર તરીકે વર્ગીકૃત કરી શકાય. હું આ દર્દીઓને એક પ્રશ્ન કાયમ પૂછું છું કે મને ખબર છે કે તમને આ બીમારી છે, તમને ખબર છે કે તમને આ બીમારી છે તો, ઈશ્વર તો અંતર્યામી છે એને નહીં ખબર હોય કે તમે ઓસીડીથી પીડાવ છો, તમારા વિચારો તમારી બીમારીને કારણે છે તો એ તમને માફ નહીં કરે ?!
આ બધી વાતો સમજાશે કે નહીં તેનો આધાર તમારી સમજદારી અને ઈશ્વર સાથેના તમારા સંબંધો કેટલા સ્વસ્થ છે તેની ઉપર આધારિત છે. જેમ દરેક માણસના સંબંધો બીજા માણસો સાથે કે પોતાની જાત સાથે એક સરખા નથી હોતા તેમ, ઈશ્વર સાથે પણ એકસરખા નથી હોતા. જેમ માણસને માણસ સામે વાંધા હોય છે, પોતાની જાત સામે વાંધા હોય છે તેમ ક્યારેક ઈશ્વર સામે'ય વાંધા હોય છે. પ્રકૃતિ આપણને આપણી અદ્દલ કે હૂબહૂ કોપી કરીને આપે તો પણ એ વ્યક્તિ સાથે આપણને વાંધા પડે ! સ્વસ્થ સંબંધોમાં પણ વાંધા-વચકા ક્યાં નથી હોતા ?! એવું બિલકુલ માનવાની જરૂર નથી કે આસ્તિક માણસના
ઈશ્વર સાથેના સંબંધો તંદુરસ્ત જ હોય છે. તેમના ઈશ્વર સાથેના સંબંધો જડતાભર્યા, મૂઢતાભર્યા, ઝનૂની કે જરૂરિયાત (ભિક્ષાવૃત્તિવાળા) હોઈ શકે છે. તેનાથી બિલકુલ વિરુદ્ધ, નાસ્તિક વ્યક્તિના ઈશ્વર સાથે તંદુરસ્ત સંબંધ હોઈ શકે છે. ઈશ્વર સનાતન પ્રેમનું સ્વરૂપ છે એવું માનનારા ઘણા હશે પરંતુ અંદરખાને એ જ એનાથી ડરતા પણ હશે. ઈશ્વરમાં માનવું કે ના માનવું એ અંગત પસંદગીની વાત છે, પરંતુ તમે જે માનો છો એની પાછળની સમજ સ્પષ્ટ હોવી જોઈએ. તમારી માનસિક સ્વસ્થતા, સ્વભાવ, વ્યવહાર વગેરે પાછળ તમારા ઈશ્વર સાથેના સંબંધો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ઉપરછલ્લી રીતે મારી આ વાત અગત્યની ના પણ લાગે પરંતુ જેમ જેમ તમે વ્યક્તિના સ્વભાવ, વ્યવહાર કે માનસિકતામાં ઊંડા ઉતરતા જાવ તેમ તેમ સમજાતું જાય. સ્વયંના અસ્તિત્વને સમજવાની સાથે તમારા ઈશ્વર સાથેના સ્વસ્થ સંબંધની શરૂઆત થાય છે. જ્યાં સુધી તમે જ તમને નથી ઓળખતા ત્યાં સુધી પરમાત્માની તો વાત જ થાય એમ નથી. વાસ્તવમાં તમે પરમાત્મા (ઈશ્વર, એનર્જી, ચેતના, પરમતત્વ કે જે નામ આપો તે) સાથે કઈ રીતે જોડાયેલા છો એ બાબત તમારા જીવનને હેતુ અને દિશા બંને આપે છે. ઈશ્વર સાથે તંદુરસ્ત સંબંધ ધરાવનાર વ્યક્તિ સાચા અર્થમાં એ સમજી શકે છે પોતે પરમાત્માનો અંશ નથી, સ્વયં પરમાત્મા છે ! બૃહદારણ્યક ઉપનિષદના ટચુકડાં મહાવાક્ય 'अहं ब्रह्मास्मि' નો મર્મ પણ આ જ છે ને ?! વાત નાનકડી છે પરંતુ એને સાચા અર્થમાં સમજવામાં ઘણીવાર આખું જીવન ટૂંકું પડી જાય એમ છે.
પૂર્ણવિરામ :
'સ્વયંમાં પરમાત્માના દર્શન થાય તો અન્યમાં થાય ! સ્વયંમાં પરમાત્માના દર્શન થયા વગર અન્યમાં થતા દર્શન આભાસ માત્ર છે.'


