Get The App

'બધું છોડીને ક્યાંક ભાગી જવું છે' આવો વિચાર આવ્યો છે?

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
'બધું છોડીને ક્યાંક ભાગી જવું છે' આવો વિચાર આવ્યો છે? 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- તણાવ સામે સંઘર્ષ કરો, તણાવથી ભાગી છૂટો અથવા લાગણીઓ થીજવીને સ્થિર થઇ જાવ !

'મા રે તો આ બધું છોડીને કોઈ એક નાના ગામમાં, અજાણ્યા લોકો વચ્ચે જઇને રહેવું છે' બેંતાળીસ વર્ષના એક શિક્ષિકા બેને મારી સામે આ વાત જાણે તેમનું એક સપનું હોય તેવી રીતે રજુ કરી 'હું તેમને એમ પણ નહીં કહું કે હું એક શિક્ષિકા છું. બસ ફક્ત એવી સ્ત્રી તરીકે રહીશ કે જે ખેતરોમાં કે સામાજિક કાર્યોમાં મદદ કરે છે !' તેમની આ બીજી વાતથી મને એટલું સમજાઈ ગયું કે સપનું હોય તેવી રીતે રજુ કરેલી તેમની વાત વાસ્તવમાં રોજિંદા તણાવની ગૂંગળામણ હતી. તે કંઇ વાસ્તવમાં ગામડાનું જીવન નથી ઇચ્છી રહી, પરંતુ, ઘર, શાળા, કુટુંબ, સમાજ વગેરે પ્લેટફોર્મ્સ પર મોરચો સંભાળવામાં - સંપૂર્ણ બનવાના બોજ હેઠળ ગૂંગળાતી હતી. તેને કદરની તાળીઓ નહીં, ગુમનામીની શાંતિ જોઇતી હતી ! તેને રોજિંદી ઘરેડમાંથી એક પૉઝ, એક વિરામ જોઇતો હતો.

'બધું છોડીને ક્યાંક ભાગી જવું છે' તમને આવો વિચાર ક્યારે'ય આવ્યો છે ?! આવી અકળામણ ક્યારે'ય અનુભવી છે ?! રોજિંદા વિચારોમાં પ્રસંગોપાત, અવારનવાર આંટો મારી જાય એવો આ વિચાર છે. મનમાં જ્યારે કામ, જવાબદારીઓ, અપેક્ષાઓ, વિચારો કે લાગણીઓનો ટ્રાફિક જામ થઇ જાય ત્યારે ઉપર ઉડીને બધાથી બહાર નીકળી જવાની આ બૂમ છે. મજાની વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં ભાગવાના આ સ્થળ વિશે વ્યક્તિઓ આપણા આ શિક્ષિકાબેન જેટલી સ્પષ્ટ નથી હોતી. તમે પૂછો કે ક્યાં ભાગી જવું છે ?! તો તમને ઉડાઉ જવાબ મળે કે ક્યાં'ય પણ, પરંતુ અહીં નથી રહેવું ! મતલબ ?! મતલબ એટલો જ કે રૂટિનમાં વિરામ જોઇએ છીએ. મનને સંપર્કો, જવાબદારીઓ, કામ, સમાજ વગેરેથી દૂર માત્ર હયાતીનો શ્વાસ લેવો છે, માત્ર હોવાનો અહેસાસ કરવો છે. મારું માનો તો આ શ્વાસ, આ અહેસાસ જ પુન: શક્તિસંચાર કરનારો છે.

આ ભાગી જવાની ઇચ્છા આપણે માનીએ છીએ તેના કરતા ઘણી વધુ સામાન્ય છે, અલબત્ત સૌ સ્વીકારે એ જરૂરી નથી. વાસ્તવમાં બધુ મૂકીને ભાગી જવું છે એવું અનુભવતા આ બધા જ કો'કના કો'ક કારણોસર અંદરથી ભરેલા પડયા છે અને ક્યાં, કેવી રીતે ખાલી થવું એની તેમને ખબર નથી. બસ, કારણોથી ભાગો એટલે ખાલી થઇ જવાશે એવી ભ્રામક માન્યતા, જાણે-અજાણે, આ લોકો બાંધીને બેઠા હોય છે, ભલેને થોડા સમય પછી પાછા હતા ત્યાં ને ત્યાં ! ભાગી જવાની આ ઇચ્છા કાયરતા નથી, અપરિવકવતા નથી કે નથી તે ભાગેડુવૃત્તિ, વાસ્તવમાં તે ભીતરમાંથી ઊઠતો માનસિક થાકનો અવાજ છે 'મને વિરામની જરૂર છે !' જવાબદારીઓ, પરિસ્થિતિઓ, સમસ્યાઓ, રોજિંદા જીવનની ભાગદોડ, અનંત અપેક્ષાઓ વગેરે માણસને સતત તણાવમાં રાખે છે. લાંબાગાળાના તણાવનો સામનો કરવા મન પાસે ત્રણ વિકલ્પ છે તણાવ સામે સંઘર્ષ કરો, તણાવથી ભાગી છૂટો અથવા લાગણીઓ થીજવીને સ્થિર થઇ જાવ ! જ્યારે તણાવ બેકાબૂ બને છે ત્યારે સંઘર્ષ કરવાની તાકાત નથી રહેતી કે લાગણીશૂન્ય બનીને થીજી નથી જવાતુ, બસ બધુ જેમનું તેમ મૂકીને ભાગી જવાનું મનમાં રટણ થયા કરે છે ! આ ભાગી જવું એ હંમેશા સ્થાન કે સ્થળ બદલવા વિશે નથી હોતું, તણાવથી મુક્ત થવા વિશે હોય છે. તમે પોતે ક્યાં'ય જાવ કે ના જાવ મનના જવા વિશે છે. મનને વિરામ જોઇએ છીએ, એક પૉઝ જોઇએ છીએ.

હવે મહત્ત્વની વાત કહું, ભાગીને ક્યાં જવાનું હોય છે ?! ક્યાંય નહીં, કારણ કે જ્યાં જશો ત્યાં મનને તો સાથે લઇને જ જશો ને ?! ભાગીને હિમાલયની ગુફામાં ગોઠવાઈ ગયા પછી પણ ધ્યાન તો તમારા પ્રશ્નો, સમસ્યાઓ કે ચિંતાનું જ ધરશો ! મન નવીનતાનુ પૂજારી છે, નવીનતા એને ગમે છે પરંતુ સરવાળે એ પોતાનામાં જ પાછું ફરે છે. સ્થળ બદલાય ત્યારે મનમાં સ્થિરતા કે હળવાશનો ભ્રમ ચોક્કસ ઉત્પન્ન થાય છે પરંતુ પછી ઠેરના ઠેર ! મારી વાત સમજાતી હોય તો હકીકતમાં ભાગવાનું નથી પણ જાગવાનું છે. ભાગવાથી મન શાંત નથી થતું, જાગવાથી મન શાંત થાય છે. આ જાગવું એટલે જાગ્રત થવું. તમારા મનના વિચારો, લાગણીઓ, અનુભૂતિ, ભાવ વગેરે પ્રત્યે જાગૃત થવું. આ જાગૃતિ તમને પરિપકવતાના એ સ્તરે લઇ જાય છે જ્યાં ભાગવાની જરૂર નથી રહેતી.મન ઉજાગર થતા જ વિચારો નિયંત્રિત થવા માંડે છે, વિચારોમાં સ્થિરતા આવવા માંડે છે. વિચારો સ્થિર થાય ત્યારે ક્યાંય જવાની જરૂર નથી રહેતી, જ્યાં છીએ ત્યાં જ મન મઝામાં હોય છે. હંમેશા યાદ રાખજો કે મન બદલાતા જ આજુબાજુુુનું વિશ્વ બદલાઈ જાય છે. યોગ વિજ્ઞાન આ જ વાત જરા જુદી રીતે કહે છે. વિશ્વને બદલવા કરતા પોતાની જાતને બદલવી વધુ ઇચ્છનીય છે.

મનોચિકિત્સક તરીકેની મારી લાંબી કારકિર્દીમાં મેં અનેક વ્યક્તિઓને ફરિયાદ કરતા સાંભળ્યા છે કે મને એવું થાય છે કે બધું મૂકીને ભાગી જાઉં કે બધું 

છોડીને જતો રહું. 'ભાગીને કે છોડીને ક્યાં જવું છે ?!' એવો મારો પ્રશ્ન હંમેશા તૈયાર જ હોય પરંતુ ભાગ્યે જ કોઈ કહી શક્યા છે કે એમને ક્યાં જવું છે, બસ ભાગી જવું છે ! જ્યારે બધું છોડીને ભાગી છૂટવાનો વિચાર આવે તો ચોક્કસ ભાગી છૂટજો પરંતુ ક્યાંય બીજે નહીં, પોતાની ભીતર ! આનો અર્થ એવો ના કાઢતા કે હું પ્રવાસ કરવાની કે વેકેશન લેવાની ના પાડું છું, વાસ્તવમાં એ ભાગવાનું નથી પરંતુ એકધારા રૂટીનમાંથી મોકળાશ મેળવવાની અને પ્રકૃતિના વૈવિધ્યને માણવાની તક છે. હું તો મારા અનુભવો પરથી એટલું સમજ્યો છું કે ભાગી જવાની જે જગ્યાની આ લોકો વાત કરી રહ્યા છે તે વાસ્તવમાં નકશા ઉપરનું કોઈ સ્થળ નથી પરંતુ પોતાની જાત સાથે જોડાઈ શકાય તેવી મન:સ્થિતિનું સ્થાન છે. એક એવી મન:સ્થિતિ જ્યાં જીવનથી ભાગવાનું નથી પરંતુ જાત સાથે જોડાવાનું છે.

પૂર્ણવિરામ : 

કંઇ કરવાની દોડ કરતાં માત્ર હોવાની અનુભૂતિ આપણને જીવનમાં વધુ શાંતિ અને પૂર્ણતાનો અનુભવ કરાવે છે.