- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જીવન ફક્ત કવિતા નથી, તે એક ચેકલિસ્ટ પણ છે. અમુક બાબતોમાં તમારે વિચારવાનું નહીં માત્ર કરવાનું હોય છે. જે ચાલે એવું ના હોય તે એકવાર તો કરી જ નાખવું પડે, પછી લાંબાગાળાના આયોજનના ભાગરૂપે અન્ય વિચારશૈલીઓને કામે લગાડો એ અલગ બાબત છે
'ડૉ ક્ટર, મારું માથું વિચારોથી ખદબદે છે, મગજ સતત દોડતું રહે છે, મને ઊંઘ નથી આવતી.' યુવતીએ એક જ વાક્યમાં જાણે આખી હિસ્ટ્રી આપી દીધી. હવે મારું કામ એનો અર્થ-વિસ્તાર કરવાનું હતું. મેં તેને તેના દિવસનું વર્ણન કરવાનું કહ્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેનું મન ઓવરલોડેડ સ્કૂલ-રિક્ષા જેવું હતું ! આખો દિવસ તેનું મન રોજિંદા કાર્યો, ચિંતાઓ, રીમાઈન્ડર્સ, ઘટનાઓ વગેરેથી ખચાખચ ભરેલું રહેતું હતું.
'હવે આગળની બધી જ ચર્ચા પછી, પહેલાં તમે બે કામ કરો, એક નાની નોટબુક બનાવો જેમાં રોજ સવારે તમારે કરવાના કામ, રીમાઈન્ડર્સ, ચિંતાઓ વગેરે લખી નાખો અને બીજી બનાવો એક ડાયરી જેમાં રોજ રાત્રે રોજનીશી લખવાની અને યાદો કે ઘટનાઓ સાથે સંકળાયેલ તમારી લાગણીઓ-તમારું ચિંતન નોંધવાનું' એમના ચહેરાના હાવ-ભાવથી મને લાગ્યું કે એ મને પૂછી રહી છે કે આનાથી શું થશે ?! 'તમે આમાં કોઈપણ તર્ક લગાવ્યા વગર કરો અને લખતી વખતે પણ કોઈ અમૂર્ત (એબ્સ્ટ્રેક્ટ) કે સર્જનાત્મક (ક્રિએટિવ) વિચારસરણી કામે લગાવવાની જરૂર નથી, બસ જેવું છે તેવું લખો, પછી જુઓ.'
બીજા અઠવાડિયે, તે સ્મિત સાથે પાછી આવી 'ડૉક્ટર, જ્યારે કાર્યો, લાગણીઓ કે ઘટનાઓ કાગળ પર હોય છે, ત્યારે તે મારા મગજમાં દોડવાનું બંધ કરે છે ! ગઈ મુલાકાતની સરખામણીએ આજે મારું મગજ ઘણું શાંત છે !'
લખવાનું આ નાનું કાર્ય વાસ્તવમાં મગજના ટૂલ-બોક્સમાંથી નક્કર વિચારશૈલી (કોંક્રિટ થિંકિંગ)ને કામે લગાડવાનું ઉદાહરણ છે. અસ્પષ્ટ વિચારોને વ્યવહારિક, પ્રત્યક્ષ સ્વરૂપમાં મૂકવાની આ રીત છે. સપના સુંદર હોય છે, પણ જીવન વિગતોમાં જીવાય છે. જીવનમાં બધું કંઈ સર્જનાત્મક-અમૂર્ત વિચારવાનું નથી હોતું કે ના વિવેચનાત્મક-વિશ્લેષણાત્મક વિચારવાનું હોય છે. જીવન ફક્ત કવિતા નથી, તે એક ચેકલિસ્ટ પણ છે. અમુક બાબતોમાં તમારે વિચારવાનું નહીં માત્ર કરવાનું હોય છે. જેમકે, બિલ-હપ્તા ભરવા, ખર્ચાઓનો હિસાબ રાખવો, કામ-ધંધે જવું, દવાઓ લેવી વગેરે. જે ચાલે એવું ના હોય તે એકવાર તો કરી જ નાખવું પડે, પછી લાંબાગાળાના આયોજનના ભાગરૂપે અન્ય વિચારશૈલીઓને કામે લગાડો એ અલગ બાબત છે.
નક્કર વિચારશૈલી કે કોંક્રિટ થિંકિંગ વાસ્તવમાં તથ્યો, વિગતો અને વિશિષ્ટતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા છે. કોંક્રિટ થિંકર, એબ્સ્ટ્રેક્ટ થિંકરની જેમ 'શું અર્થ છે ?', ક્રિએટિવ થિંકરની જેમ 'બીજી શક્યતાઓ શું છે ?' એવી બધી પળોજણમાં પડવાને બદલે 'શું કરવાનું છે અને ક્યારે કરવાનું છે ?' એટલું જ પૂછે છે ! સૂર્યાસ્ત જોઈને એબ્સ્ટ્રેક્ટ થિંકર કવિતા લખે છે, ક્રિએટિવ થિંકર એનો ફોટો લઈને યોગ્ય કેપ્શન લઈને ઉપયોગ કરે છે, ક્રિટિકલ થિંકર વિચારશે કે આ સાંજ આટલી સુંદર માત્ર સૂર્યાસ્તના કારણે જ લાગી રહી છે કે વાદળ, મારો મૂડ વગેરે પણ જવાબદાર છે, એનાલિટીકલ થિંકર જુદા જુદા સ્થળો, ઋતુઓ, સમય વગેરેના સૂર્યાસ્તનું પૃથ્થકરણ કરશે અને કોંક્રિટ થિંકર માત્ર એટલું જ વિચારશે કે સાંજ પડી ગઈ છે. તમને થશે કે આ તો જબરું 'રંગ, ગંધ, સ્વાદ વગરનું' થિંકિંગ છે ! ના સાવ એવું નથી, વિચારોની અરાજકતામાં વ્યવસ્થા લાવવાનું કામ નક્કર વિચારો કરે છે. તે ચિંતાઓને ચોક્કસ કાર્યમાં ફેરવે છે અને પરિણામે ઉચાટ ઓછો કરે છે. જ્યાં નિત્યક્રમ જાળવવાનો છે ત્યાં નક્કર વિચારશૈલી વગર જીવન ખોરવાઈ જાય-કરિયાણું, લોન્ડ્રી, બિલ્સ, ટાઈમટેબલ્સ વગેરે. સમજાયું હોય તો વાસ્તવમાં નક્કર વિચારસરણી 'કોઈ'ક દિવસ'ને 'આજ'માં ફેરવવાની કળા છે. કારણ કે જીવન ફક્ત વિચારોમાં જ નહીં, પણ વિગતોમાં જીવાય છે. ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવાની વાત હોય કે ધાર્મિક વિધિઓ-રીતિ રિવાજોની વાત હોય, આ બધું નક્કર વિચારશૈલીનું પરિણામ છે. ઉદાહરણ ભલે હું તમને સરળ આપી રહ્યો છું પરંતુ વાસ્તવમાં બધી વિચારશૈલીઓ એકબીજા સાથે સંકળાઈને વ્યક્ત થતી હોય છે. ઉપરછલ્લી રીતે જોશો તો અત્યાર સુધી આપણે ચર્ચા કરેલી બધી જ વિચારશૈલીઓ પૈકી નક્કર વિચારશૈલી સાદી અને સરળ લાગશે પરંતુ એને વિકસિત કરવી એટલી સહેલી નથી. એ સહેલી એટલા માટે નથી કે તેને વિકસાવવા તમારે સંયોજીત (ઓર્ગેનાઈઝ્ડ) થવું પડે અને તેમાં સાતત્ય પણ જાળવવું પડે. મોટાભાગની વ્યક્તિઓ માટે સંયોજીત રહેવું અઘરું હોય છે. જો તમારે તમારી નક્કર વિચારશૈલી વિકસાવવી હોય તો અમુક માનસિક કસરતો કરવી પડશે. દા.ત. દિવસમાં કરવાના બધા જ કામ સવારમાં લખવાની આદત કેળવો અને જેમ તે પૂરા થતા જાય તેમ ટિક-માર્ક કરતા જાવ.
થોડા સમય પછી તમને સમજાશે કે આ ટિક-માર્ક જ ઉચાટ-એન્ઝાઈટી ઓછી કરતી સારવાર છે ! તારીખો અને ડેડલાઈન્સ મગજમાં રાખવાને બદલે કેલેન્ડર કે ડાયરીમાં નોંધતા રહો, મગજ પરથી ભાર ઓછો થશે. અહીં એક સ્પષ્ટતા એ કરવાની કે શું યાદ રાખવું અને શું નોંધીને નિશ્ચિંત થઈ જવું એ માટે વ્યવહારુ બુદ્ધિ વાપરવી પડશે - પત્ની, બાળકો કે આપણા માટે અગત્યના ફોન નંબર મોઢે યાદ રાખીએ તો સારું પણ એડવાન્સ ટેક્સ કે વીજળીના બીલની તારીખ રીમાઈન્ડરમાં નાખીને ભૂલી જઈએ તો વાંધો નહીં ! જ્યારે પણ ઉચાટ કે તણાવ અનુભવતા હોવ ત્યારે તેની પાછળના કારણને નામ આપવાનો મહાવરો કરતા રહો. મને ટેન્શન છે એવી અનુભૂતિ કરતા મને ફલાણી વાતનું ટેન્શન છે એવી અનુભૂતિ મગજને ઓછો લોડ આપે છે અને એકવાર તેને નક્કર નામ કે કારણ આપી દીધું પછી અન્ય વિચારશૈલીઓ તેના ઉપાય માટે સતેજ થઈ જશે પરંતુ નામ કે કારણ વગરનું ટેન્શન મગજને ધક્કે ચડાવશે. એ જ રીતે નક્કર વિચારસરણી વિકસાવવા તમારા અસ્પષ્ટ ઘ્યેયોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની આદત પાડો. જેમકે, 'મારે ફિટનેસ વધારવી છે' એવા ધ્યેયને બદલે 'હું રોજ ત્રીસ મિનિટ શારીરિક કસરત કરીશ' ફિટનેસ વધારવી એ ગોળગોળ વાત છે, જ્યારે ચોક્કસ પ્રવૃત્તિ નક્કી કરવી એ નક્કર બાબત છે.
યાદ રાખો, કોંક્રિટ વિચારસરણી નીરસતા નથી, કલ્પનાઓનો અભાવ નથી. નક્કરતા એ દ્રષ્ટિના અભાવ વિશે નથી, તે અમલ વિશે છે. પુલ ફક્ત સપના પર બંધાતો નથી, પરંતુ સિમેન્ટ અને સ્ટીલના સચોટ માપ પર બને છે.
પૂર્ણવિરામ :
નક્કર અમલ વિનાના સપનાઓ માત્ર હવાઈ કિલ્લાઓ છે.


