કેફી દ્રવ્યો જ નહિ, વર્તન પણ વ્યસન હોઈ શકે!
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- વ્યસન પદાર્થનું હોય કે પ્રવૃત્તિનું, વ્યક્તિનો ખાસ્સો સમય ખાતું હોય છે. મોટાભાગના વ્યસનીઓ જ્યારે વ્યસનમુક્ત થવાનું નક્કી કરતા હોય છે ત્યારે આ સમય જ તેમના માટે વિલન બનતો હોય છે. વ્યસન મુક્યા પછીની સૌથી મોટી સમસ્યા સમય પસાર કરવાની છે, વ્યસન તો છોડયું પણ હવે એની પાછળ વપરાતો સમય ક્યાં કાઢવો?!!
વ્ય સનની સમસ્યા અને વ્યસનમુક્તિ અંગેના મારા વક્તવ્યોમાં ચીની ફિલોસોફર કન્ફ્યુશિયસના એક પ્રસંગનો ઉલ્લેખ મેં અવારનવાર કર્યો છે. કન્ફ્યુશિયસ ચીનના એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એમણે જોયું કે એક પિતા-પુત્ર કૂવામાંથી પાણી ખેંચવાના કામમાં વ્યસ્ત હતા. કન્ફ્યુશિયસને આશ્ચર્ય થયું, એમણે પિતાને ઉદ્દેશીને કહ્યું 'શું તમે જાણતા નથી કે હવે લોકો ઘોડા કે બળદ વડે પાણી ખેંચવા લાગ્યા છે અને શહેરમાં તો ઘણી જગ્યાએ પાણી ખેંચવાના મશીન પણ નંખાઈ ચૂક્યા છે !' પિતાએ કન્ફ્યુશિયસને હળવેથી કહ્યું 'ધીમે બોલો, મારો પુત્ર સાંભળી જશે તો બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ જશે, તમે થોડા મોડેથી આવજો' કન્ફ્યુશિયસને નવાઈ લાગી કે એવો તો શું પ્રશ્ન ઉભો થઈ જાય ?! કુતુહલતાવશ થોડા સમય બાદ એ ત્યાં પહોંચ્યા તો પિતા વૃક્ષ નીચે ખાટલો પાથરીને આરામ કરતા હતા. એણે કન્ફ્યુશિયસને આવકાર આપીને ખાટલે બેસવા કહ્યું અને વાત શરૂ કરી 'હું જાણુ છું કે હવે પાણી ખેંચવા ઘોડા-બળદ જોડાવા માંડયા છે અને મશીનનો પણ ઉપયોગ થવા માંડયો છે પરંતુ હું જો એનો ઉપયોગ કરવા માંડુ તો મારો પુત્ર તો સાવ નવરો જ થઈ જશે કારણ કે એની પાસે બીજું કંઈ કામ જ નથી. એની પાસે સમય બચશે પરંતુ એ સમયનો એની પાસે કોઈ ઉપયોગ નહીં હોય એટલે મારા માટે એ માહિતીનો ઉપયોગ નથી.'
આ પ્રસંગનો ઉલ્લેખ હું હંમેશા કરું છું કારણ કે વ્યસનમુક્તિના સંદર્ભમાં મારું હંમેશા માનવું રહ્યું છે કે વ્યક્તિને વ્યસનમુક્ત કરવી એટલી અઘરી નથી જેટલી એને વ્યસનમુક્ત રાખવી છે. વ્યસન મૂકવું હોય તો ઝાટકે મૂકી શકાય છે, પરંતુ એના એ જ કે કોઈ બીજા વ્યસન તરફ ફરી પાછા ના ફરવું એ મકક્મ મનોબળ અને સમય-શક્તિનો રચનાત્મક ઉપયોગ માંગી લે છે. કુળદેવી-દેવતાઓના સોગંદ ખાઈને, ગુરૂના આશીર્વાદ લઈને, પોતાના સંતાનોના માથે હાથ મૂકીને, વ્યસનમુક્તિની શિબિરોમાં પ્રતિજ્ઞાઓ લઈને કે હોસ્પિટલોમાં સારવાર કરાવીને વ્યસનો મુકનારા અસંખ્ય છે પરંતુ એ પછી વ્યસનમુક્ત જીવન જીવનારા ગણ્યા-ગાંઠયા હોય છે. આની પાછળના કારણમાં હું ગામડાના આ પિતાની વાતનો ઉલ્લેખ કરું છું. વ્યક્તિ સમય અને શક્તિનો યોગ્ય ઉપયોગ ના કરી શકે તો સરવાળે તેનું મન ખોટી દિશામાં દોડવાની અને તેની શક્તિઓ ખોટી પ્રવૃતિઓમાં જોતરાવાની શક્યતાઓ વધી જાય છે. બીજા શબ્દોમાં કહું તો વ્યસનમુક્ત થવા ઈચ્છતા દરેક વ્યક્તિ કે એના સગાએ કોઈપણ પ્રયત્ન કરતા પહેલા વ્યસનમુક્ત થયા બાદ જે સમય અને શક્તિ ઉપલબ્ધ થશે તેનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરશે તેનું આયોજન પહેલા કરવું પડશે, નહીંતર કોઈના કોઈ કારણ-બહાના હેઠળ પાછા હતા ત્યાં ને ત્યાં ! સાદી સમજની વાત એ છે કે જો માણસ સમય અને શક્તિનો યોગ્ય ઉપયોગ ના કરી શકે તો સરવાળે તેનો દુરુપયોગ કરવા પ્રેરાય છે અથવા અજાણતા જ દુરુપયોગ કરવા માંડે છે. વ્યસન દારૂનું હોય, જુગારનું હોય, ટીવી-મોબાઈલનું હોય કે અન્ય કોઈપણ હોય, વ્યક્તિનો ખાસ્સો સમય ખાતું હોય છે.
અલબત્ત, વ્યસનીને પોતાનો સમય ખવાતો હોય તેવું ક્યારેય લાગતું નથી હોતું, ઉપરથી એને તો સમય પસાર થવાની રાહત અનુભવાતી હોય છે. મોટાભાગના વ્યસનીઓ જ્યારે વ્યસનમુક્ત થવાનું નક્કી કરતા હોય છે ત્યારે આ સમય જ તેમના માટે વિલન બનતો હોય છે. વ્યસન મુક્યા પછીની વ્યસનીની સૌથી મોટી સમસ્યા સમય પસાર કરવાની છે, વ્યસન તો છોડયું પણ હવે એની પાછળ વપરાતો સમય ક્યાં કાઢવો ?!! આ સમય કેવી રીતે વિતાવવો કે એને ક્યાં ઈન્વેસ્ટ કરવો તેનો નક્કર પ્લાન ના હોય તો સરવાળે વ્યક્તિઓ પાછા એ જ વ્યસન કે અન્ય કોઈ વ્યસન તરફ વળતા હોય છે. ઘણાના વ્યસનના મૂળમાં જ 'પીડતો સમય' હોય છે. 'પીડતો સમય' એટલે સમય, યાદશક્તિ અને લાગણીઓનું ખતરનાક કોમ્બિનેશન ! દુભાયેલી લાગણીઓનો, ના ભુલાતો સમય !!! મનમાં લાગણીઓની પીડા દબાયેલી છે, ભૂલવી છે પણ ભુલાતી નથી અને એ સમય મનમાં ફરી ફરીને જીવાયે જાય છે. મનને એવું વળગણ જોઈએ છે કે જેને બાઝીને જુના સમય પર હોઈ શકાય, ઘણા માટે આ વળગણ એટલે વ્યસન !! વ્યક્તિના વળગણ સમયની સાથે - જમાનાની સાથે બદલાતા રહ્યા છે. સમય સમય પર કેટલાક વળગણ ફોરગ્રાઉન્ડમાં આવે અને કેટલાક બેકગ્રાઉન્ડમાં જતા રહે, વળી પાછા નવા સ્વરૂપે આગળ આવે, ચક્કર ચાલ્યા કરે પરંતુ વ્યસની પ્રવૃત્તિઓ તો જુદા જુદા સ્વરૂપે ચાલુ જ રહે છે. મનોવિજ્ઞાન ક્ષેત્રે મારી લાંબી કારકિર્દીમાં મેં અનેક વ્યસનીઓની સારવાર કરી છે, વ્યસન અને વ્યસનમુક્તિ અંગે અનેક વક્તવ્યો આપ્યા છે, લેખો લખ્યા છે. આ વર્ષો દરમ્યાન મારી આંખ સામે મેં નશાકારક પદાર્થો અને પ્રવૃત્તિઓમાં જબરદસ્ત બદલાવો જોયા છે. આ બાબતમાં સૌથી મોટો બદલાવ તો એ જોયો કે વિશ્વ વ્યસની પદાર્થો (એડિક્ટિંગ સબસ્ટન્સ)થી વિસ્તાર પામીને વ્યસની વર્તન (એડિક્ટિંગ બેહેવીઅર) તરફ ધસી ગયું છે.
મોબાઈલ ગેમિંગ, ગેમ્બલિંગ, સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ, ઓનલાઈન શોપિંગ, પોર્નોગ્રાફી, સેક્સટિંગ-ચેટિંગ વગેરે બધું જ એડિક્ટિંગ બિહેવીઅરમાં વર્ગીકૃત કરી શકાય અને જ્યારે એનું પ્રમાણ બેકાબૂ થઈ જાય ત્યારે બેહેવિયરલ એડિકશન- વર્તનનું વ્યસન, પ્રવૃત્તિનું વ્યસન ! લોકો કેફી દ્રવ્યોને તો ના-છૂટકે વ્યસન
તરીકે સ્વીકારે પણ ખરા પરંતુ વર્તનને વ્યસ્ત તરીકે કોણ સ્વીકારે ?! અને એમાં'ય અધૂરામાં પૂરું, તમે વ્યસની-વર્તનમાં જ લાગેલા રહો એ માટે અનેક મોટી ઈન્ડસ્ટ્રી અને સેલિબ્રિટીઓ તમારી પાછળ હડકાયા કુતરાની જેમ લાગેલી જ છે, મજાલ છે તમે થાક ખાવા બે ઘડી પણ ઊભા રહી શકો ?! વાત સામાન્ય વ્યક્તિના હાથમાંથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. 'કંટ્રોલ' કો'ક બીજાના હાથમાં જ છે ! ફેસબુક-ઈન્સ્ટા સામે અમેરિકામાં તાજેતરમાં ચાલી રહેલી ધમાલ આ વાતનું વરવું ઉદાહરણ છે.
વ્યસનીને છોડીને કુટુંબના બીજા દરેક વ્યક્તિ પાસે વ્યસનીનો સમય અને શક્તિ ક્યાં ઈન્વેસ્ટ કરવી તેના અનેક પ્લાન હોય છે પરંતુ મુખ્ય સવાલ હંમેશા વ્યસનીની દાનત, માનસિક તૈયારી અને સેલ્ફ-કંટ્રોલનો હોય છે. દાનત, સેલ્ફ-કંટ્રોલ અને વ્યસનમુક્તિ, વાત લાંબી છે... આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ...
પૂર્ણવિરામ
આદત પદાર્થની હોય કે વર્તનની, મોટાભાગના વ્યસનીની હાલત તો દુર્યોધન જેવી હોય છે जानामि धर्म न च में प्रवृत्तिः जानाम्यधर्म न च में निवृत्ति - ધર્મ જાણવા છતાં તેમાં પ્રવૃત્ત નહીં થઈ શકવાની અને અધર્મ જાણવા છતાં તેનાથી નિવૃત્ત નહીં થઈ શકવાની આ વાત વાસ્તવમાં પોતાની જાત ઉપર કાબૂ ધરાવવાની અસમર્થતાની વાત છે.