- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- તમારે તમારી શીખવાની ક્ષમતા જીવંત રાખવી હોય તો... રોજ થોડું ગુણવત્તાભર્યું વિચારતા રહેવું
હ મણાં એક કોમ્પ્યુટર એન્જીનીયર તેના એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રોજેક્ટ માટે મારી પાસે આવ્યો. સાયકોલોજી બેઝ એક એપના અલ્ગોરિધમમાં એ અટવાયેલો હતો. ત્રણેક મુલાકાતમાં એનું કામ થઇ ગયું. થોડા સમય પછી એ આભાર વ્યક્ત કરવા આવ્યો ત્યારે અમારે બીજી ઘણી આડીઅવળી વાતો થઇ. એ દરમ્યાન મને એણે એક પ્રશ્ન પૂછયો 'હું તમને કોઈનો મોબાઈલ આપું તો તેના પરથી તમે એનું વ્યક્તિત્વ જાણી શકો?!'
મનોચિકિત્સક તરીકે હું આવા ટિઝર્સથી ટેવાયેલો છું 'હા, મોબાઈલમાં રહેલી સામગ્રી પરથી થોડો ઘણો અંદાજો બાંધી શકાય પરંતુ તેને કેટલું નિર્ણયાત્મક ગણવું એ એક પ્રશ્ન ચોક્કસ બની રહે' મેં સંતુલિત લાગે એવો જવાબ આપ્યો.
'ધારો કે એ સામગ્રી ફંફોસ્યા વગર જાણવાનું હોય તો?!' મને થોડી વધુ મૂંઝવણમાં નાખવાનો ઈરાદો હોય એમ મને પૂછયું.
'હા તો પણ અંદાજો મેળવી શકું અને તે પણ તારા ફિલ્ડની એક બાબતનો ઉપયોગ કરીને'. હવે એ મૂંઝાયો!
'પણ, કેવી રીતે?!' એની કુતુહલતા જાણે ચરમસીમાએ હતી. જવાબ સાંભળવાની એની ચટપટી વધે એટલે હું થોડીવાર ચૂપ રહ્યો, પછી હળવેકથી કહ્યું 'મશીન લર્નિંગ'...
'મશીન લર્નિંગ?!' જવાબ જાણવા એ વધુ આતુર બન્યો. 'પણ કેવી રીતે?!'
'જુદા જુદા ક્ષેત્રને લગતા ફકરાઓ એના મોબાઈલ ઉપર ટાઈપ કરું અને એનું કી-બોર્ડ જે શબ્દો સજેસ્ટ કરે તેના પરથી હું અંદાજો બાંધી શકું' મેં કહ્યું.
એણે ક્યારે'ય આ દિશામાં વિચાર્યું નહીં હોય એટલે એ મારી સામે આશ્ચર્યથી જોતો રહ્યો. મેં આગળ કહ્યું 'ઉદાહરણ તરીકે કેટલાક અશ્લીલ શબ્દોના પહેલા ત્રણ અક્ષર ટાઈપ કરી જોવાના અને જો એ જ અશ્લીલ શબ્દ કી-બોર્ડ સજેસ્ટ કરે તો એ મોબાઈલનો યુઝર વધુ પડતી ગાળો બોલનાર, ઝગડાખોર, ગુસ્સાવાળો કે સેક્સટિંગ કરનારો હોય તેવો અંદાજો બાંધી શકાય.'
'જોરદાર વાત કહી, તમને આવું ક્યાંથી સૂઝયું?!' હજી એનું આશ્ચર્ય શમતું નહતું.
મેં કહ્યું 'હ્યુમન લર્નિંગ! મારો ફોન જે કંઈ મારામાંથી શીખે છે એ મેં જોયું છે અને સ્વાભાવિક રીતે જ એ અંગે ચિંતન પણ કર્યું છે, અને એટલે જ તો અત્યારે આ ક્લિક થઇ ગયું' અને પછી અમારી ચર્ચા માણસનું મગજ અને મશીન લર્નિંગ તરફ વળી ગઈ.
આધુનિક ટેકનોલોજી હવે મશીન લર્નિંગ વગર કલ્પવી મુશ્કેલ બનતી જાય છે. ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જેવા તમારા ઘરના ઉપકરણોથી માંડીને સિરી, એલેક્સા, સેલ્ફ-ડ્રાઇવિંગ કાર સુધીનું બધું જ તમારી ટેવો, રુચિ, પસંદગીઓ, આદતો વગેરેમાંથી શીખતું હોય છે અને એ પ્રમાણે બદલાતું જતું હોય છે. એના લર્નિંગ માટે દરેક ડેટા, ઇનપુટ કે યુસેજ મહત્વનો છે. દિવસેને દિવસે આ બધા મશીનો સ્માર્ટ લર્નર બનતા જાય છે અને વધુને વધુ શીખતાં જાય છે, બહેતર બનતા જાય છે.
બીજી બાજુ, જેમ મશીન સ્માર્ટ બનતા જાય છે તેમ આપણે યંત્રવત થતા જઈએ છીએ. મશીન આપણને તૈયાર ભાણું પીરસવામાં પાવરધા બનતા જાય છે, પરિણામે આપણું લર્નિંગ અને સ્કિલ્સ ઘટી રહ્યા છે. આપણે વધુને વધુ ટેકનોલોજી ઉપર નિર્ભર થતા જઈએ છીએ અને હવે એના વગર આપણું ગાડું ગબડે એમ નથી. અડધા અને પાયાના આંક મોઢે બોલતી-ગણતી પેઢીઓ લુપ્ત થઇ રહી છે અને કેલ્ક્યુલેટર વગર સાદા સરવાળા પણ ના કરી શકે એવી પ્રજા વિકસી રહી છે! આપણે એ ભૂલી રહ્યા છીએ કે મશીનને વિચારતું કરનાર આપણે છીએ, એ આપણને ટપી જાય એ વાતમાં માલ નથી પરંતુ જો આપણે શીખતાં બંધ થઇ જઈશું તો એ દિવસો આવી જશે એની પણ ના નથી.
હવે તમે વિચારો, જો આધુનિક સાધનો શીખવાની આટલી સીમિત ક્ષમતા સાથે પણ જો આપણા રોજિંદા જીવનમાં મોટા ફેરફારો લાવી રહ્યા છે તો શીખવાની અમર્યાદિત ક્ષમતા ધરાવતું મગજ શું ના કરી શકે?! આપણું મગજ પણ આપણા અને અન્યના અનુભવો, આપણો ઇતિહાસ, દરેક ઇન્દ્રિયો દ્વારા થતા ઇનપુટસ્ વગેરેમાંથી શીખતું રહે છે. આમાંથી કેટલુંક લર્નિંગ આપમેળે થતું હોય છે પરંતુ સૌથી વધુ અગત્યનું, વિચારો અને જીવનને પરિવર્તિત કરતુ લર્નિંગ ચિંતન-મનનથી થતું હોય છે. અને, આ જ ફરક છે મશીન લર્નિંગ અને હ્યુમન લર્નિંગ વચ્ચેનો! મશીન ચિંતન-મનન નથી કરતુ ફક્ત ડેટા અને અલ્ગોરિધમ આધારે શીખતું રહે છે, જયારે મનુષ્ય પાસે શીખવા માટે સતત વિકસી શકે એવી પોતાની અસીમ ઇન્ટેલિજન્સ છે. કમનસીબે, મોટાભાગના વ્યક્તિઓ આ દિશામાં વિકસિત થવા માટે મગજને શ્રમ આપવાનું ટાળે છે, ખોટો લોડ નહીં લેવાનો!! સરવાળે, ઓછી ક્ષમતાવાળું મશીન વધુ શીખે છે અને આપણે શીખતાં અટકી જઈએ છીએ. શીખી શકવાની ક્ષમતા, શીખવાની દાનત અને શીખવાની આવડત અલગ-અલગ બાબતો છે. મેડિકલ ફિલ્ડ અને ડોક્ટરોનું જ ઉદાહરણ આપીને હ્યુમન લર્નિંગ અંગેની મારી વાત થોડી વધુ સ્પષ્ટ કરું. પ્રત્યેક ડોક્ટરને તેના દરેક દર્દીની સારવારમાંથી અનુભવ મળતો હોય છે પરંતુ એ અનુભવને બધા પોતાની પ્રતિભા કે સિક્સ્થ સેન્સમાં એક સરખી રીતે બદલી શકતા નથી. આ માટે એનાલિટિકલ માઈન્ડ, દરેક દર્દી પાછળ ચિંતન-મનન કરવાની આદત, સારી સંયોજન શક્તિ, ધ્યાનનો મહાવરો, આદ્યાત્મિકતા, બિનવ્યાપારી અભિગમ વગેરે અનેક બાબતો ભાગ ભજવતી હોય છે. બીજા તબીબો જ્યાં પરિણામ ના આપી શક્યા હોય એવા કિસ્સાઓમાં ક્યારેક આવા નિષ્ણાતો પરિણામ આપી જાય છે! દરેક ક્ષેત્રમાં આવા ઢગલાબંધ ઉદાહરણો આપી શકાય એમ છે. વાત સામાન્ય અને નાની લાગે એવી છે પરંતુ જીવનમાં એની અસરો ખુબ મોટી અને મહત્વની છે. મારી દ્રષ્ટિએ ઉંમર વધવી સહજ કુદરતી છે પરંતુ પરિપક્વ થવું એ જાગૃત પ્રક્રિયા છે. વાંચન, અનુભવો, વ્યવહારો અને વિચારોમાંથી શીખતો માણસ અગત્યનો છે, તેની સાથેના સંબંધો અને વ્યવહારો તમને ઘણું આપે છે. શીખ્યા વગર ઉંમરમાં મોટા થવું એ જીવન વ્યર્થ ગયાની સૂચક છે. જીવનને ગતિશીલ અને વાઇબ્રન્ટ રાખવા માટે તમારા અને અન્યના અનુભવોનું ચિંતન કરો, એમાંથી તારવેલા ડાહપણથી પોતાની સમજ અને વિચારોને અપડેટ કરતા રહો, પછી જુઓ ઉંમરની સાથે તમારું બેટર વર્ઝન લોન્ચ થતું જ રહેશે. તમારી પ્રતિભા તો ખીલશે, સાથે સાથે તમારી સાથે જોડાયેલા અનેકને પ્રેરણા મળશે.


