બેમાંથી એકનો પક્ષ લો એટલે તમારે બીજાનો રોષ વહોરવો જ પડે!
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- સંબંધોમાં એક સાથી કે એક યુગલને 'નોર્મલ' લાગતી બાબત બીજા સાથી કે બીજા યુગલને સાવ વિચિત્ર, 'વિઅર્ડ' કે 'એબ્નોર્મલ' લાગી શકે ! એક યુગલ તરીકે તમારા માટે મહત્ત્વનું એ છે કે તમે બંને તમારી આ સમજ અંગે એકમત હોવ.
'નો ર્મલ અને એબ્નોર્મલ વચ્ચેની ભેદરેખા વાળ જેટલી પાતળી હોય છે' મનોવિજ્ઞાનના પાઠયપુસ્તકો, પ્રવચનો કે ચર્ચાઓમાં અનેકવાર ચર્ચાઇ ગયેલું આ વાક્ય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં આ વાળ પાતળો હોવાને દલે દસ ફૂટ દૂરથી દેખાય એવો હોય છે, અર્થાત એબ્નોર્માલિટી ઉડીને આંખે વળગે એવી હોય છે! વાળની સાઇઝ પાતળી હોય કે ઉડીને આંખે વળગે તેવી હોય, દુનિયામાં સામાન્ય વ્યક્તિથી માંડીને વિષય નિષ્ણાતો નોર્મલ એ એબ્નોર્મલ વચ્ચે પોતાના મતને મુઠ્ઠીમાં રાખીને મુક્કાબાજી કરતા રહ્યા છે અને કરતા રહેવાના! હા, ભેદ-રેખા જેટલી પાતળી તેટલી ચર્ચાઓ વધુ આક્રમક અને લાંબી. બહુ વેદિયાવેડામાં ના પડીએ અને લોકભોગ્ય સમજની વાત કરીએ તો બહુમતીને જે માન્ય છે તે 'નોર્મલ!' હું મારું ડોકું ત્રણસો સાઇઠ ડિગ્રી એટલે કે આખું ગોળ ફેરવી શક્તો હોઉં તો તે એબ્નોર્મલ, ઑડ કે વિચિત્ર કહેવાય. મારુ આખું કુટુંબ એ કરી શક્તું હોય તો પણ એને નોર્મલ તરીકેની સ્વીકૃતિ ના મળે, કદાચ લોકો આખા કુટુંબને એબ્નોર્મલ, ઑડ કે વિચિત્ર ગણે! પરંતુ પુરા પ્રદેશ, દેશ કે વિશ્વની વસ્તી જો તેમનું ડોકું ત્રણસો સાઇઠ ડિગ્રી ફેરવી શકે તો તે 'નોર્મલ' કહેવાય અને જેનું ના ફરતું હોય તેને 'એબ્નોર્મલ' કહેવાય. મતલબ સ્પષ્ટ છે જે તરફ બહુમતી છે તે સહજ રીતે 'નોર્મલ'માં ફેરવી શકે છે. જે આજે 'એબ્નોર્મલ', અસામાન્ય કે અસ્વીકૃત છે તે આવતીકાલે 'નોર્મલ', સામાન્ય કે સ્વીકૃત થઇ શકે! અને, જો માનવજાતના ઇતિહાસ ઉપર નજર દોડાવશો તો એવી એક બાબતો મળશે કે સમયની સાથે બહુમતીનું સમર્થન મેળવીને 'નોર્મલ'ની ટોળીમાં સામેલ થઇ ગઇ હોય. સંબંધોને જ ટાંકીને એક ઉદાહરણ આપું. રૂઢિગત રીતે જોઇએ તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધો સદીઓથી કોઈપણ સમાજ કે સંસ્કૃતિમાં સ્વીકૃત રહ્યા છે. આજે સામાજિક ઉન્નતિના પગલે એક જમાનામાં જાતીય-વિકૃતિ તરીકે વર્ગીકૃત થતા સજાતીય સંબંધો, બાયસેક્યુઅલ સંબંધો, ટ્રાન્સજેન્ડર જાતીયતા વગેરે પર સ્વીકૃતિની મહોર લાગી છે. હજી આ સ્વીકૃતિ નવી નવી છે ત્યાં 'પોલીએમરસ થ્રપલ રિલેશનશિપ' સંબંધોના ઉંબરે આવી પહોંચી છે અને પાશ્ચાત્ય દેશોમાં જે રીતે તેના તરફનું વલણ ધીમે ધીમે વધી રહ્યું છે તે જોતા થોડા સમયમાં એ સ્વીકૃતિ માટેના દ્વાર ખખડાવે તો નવાઈ નહીં! આજે ભલે તે વિવાદાસ્પદ છે અને મોટાભાગના તેને અસામાન્ય માને છે પરંતુ આવતીકાલે, મોડું કે વહેલું, વૈચારિક ઉન્નતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના બળે સમાજની સ્વીકૃતિ મહોર લાગે જ છૂટકો થવાનો! બાય ધ વે, આટલું વાંચીને આ 'થ્રપલ' એટલે શું એવી મૂંઝવણમાં પડયા હોવ તો સરળ શબ્દોમાં કહી દઉં અને ઊંડાણમાં જાણવાની ઇચ્છા હોય તો ગૂગલ કરી લેજો - જેમ 'કપલ'માં બે વ્યક્તિઓ એકમેક પ્રત્યે ઇમોશનલી કમિટેડ હોય તેમ 'થ્રપલ'માં ત્રણ વ્યક્તિઓ એકબીજા પ્રત્યે ઇમોશનલી કમિટેડ હોય છે અને તે પણ ત્રણે'યની સંમતિથી. 'કપલ'માં જોડું હોય છે, 'થ્રપલ'માં ત્રિજોડું! લગ્નેત્તર સંબંધો 'થ્રપલ'માં ના આવે કારણ કે એમાં ત્રણે'યની સંમતિ નથી, એ તો બે જણ દ્વારા ત્રીજાની છેતરપિંડી છે.
હમણાં જ આ 'થ્રપલ'ના મુદ્દે એક ભાઈનો રોષ મારે વહોરવો પડયો. ભાઈના મગજમાં 'થ્રપલ રિલેશનશિપ' અંગે ગજબની સ્વીકૃતિ હતી અને તેને સંપૂર્ણપણે 'એબ્નોર્મલ' માનતી એમની પત્નીને સમજાવવા એ મારી મદદ લેવા આવ્યા હતા. થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ ખબર પડી કે ભાઈ તો ઑલરેડી લગ્નેતર સંબંધમાં હતા અને લગ્નેતર પાત્રને પોતાના સહજીવનમાં જોડવા માંગતા હતા! મારી હાજરીનો લાભ લઇને એમણે 'થ્રપલ રિલેશનશિપ' વિષેનું જ્ઞાન એમની પત્નીને આપવા માંડયું. મારી હાજરીમા આવું અનેકવાર બનતું હોય છે, યુગલો એકબીજાને સમજાવવાનો મોકો ઝડપી લેતા હોય છે, બાકી મારી હાજરી ના હોય તો એ એકબીજાને તે મુદ્દે સાંભળવા પણ તૈયાર ના હોય! મેં એમને અધવચ્ચે અટકાવતા કહ્યું, 'પણ તમે જે ને 'થ્રપલ રિલેશનશિપ'નું રૂપ આપવા માંગો છે એ ખરેખર તો તમારો લગ્નેતર સંબંધ છે! તમારા દામ્પત્યમાં ઍડ-ઓન છે, તમારા ત્રણ વચ્ચેનો ઇમોશનલી કમિટેડ સંબંધ નથી. અહીં તો તમારે મોકળાશ કે ફ્રીડમ જોઇએ છે અને તમારી પત્ની દર્દ-આઘાતમાં છે. હું એમની ભાષા ના બોલ્યો એટલે, સ્વાભાવિક રીતે જ, એમણ રોષ ઠાલવ્યો 'ડોક્ટર તમે પણ થોડા કન્ઝર્વેટિવ લાગો છો પણ એકદમ પ્રોફેશનલ અભિપ્રાય આપો કે થ્રપલ રિલેશનશિપ એબ્નોર્મલ તો નથી જ ને ?!'
'સવાલ મને શું નોર્મલ કે એબ્નોર્મલ લાગે છે એનો નથી, એક યુગલ તરીકે તમને બંનેને એ નોર્મલ લાગે છે કે નહિ એનો છે, તમને બંનેને એ સ્વીકૃત છે કે નહીં એનો છે' મેં એમના રોષની પરવા કર્યા વગર કહ્યું. આમ પણ ગમે તેટલા તટસ્થ અને પ્રામાણિક રહેવા છતાં યુગલો સાથે કામ કરવામાં તમારે એક પાત્રનો રોષ વહોરવો પડે છે, યુગલોની લાગણીઓની સમસ્યાઓ હલ કરવાના કામની આ આડઅસર છે!
મારા જેવા મનોચિકિત્સક માટે 'સામાન્ય વિરુદ્ધ અસામાન્ય' કે નોર્મલ વર્સસ એબ્નોર્મલ રોજ ચર્ચાતો વિષય છે. એકબીજાના વિચારો, વર્તન કે વ્યવહારને અસામાન્ય કે એબ્નોર્મલ સાબિત કરવા મથતા અનેક લોકો મારા માટે રોજિંદા છે, ખાસ કરીને યુગલોના પ્રશ્નોમાં, જે પૈકી ઘણા સાવ સાચા હોય છે અને ઘણા પોતાના જૂઠાણાં સાચા ઠેરવવાના લાગમાં હોય છે! યુગલો સાથે કામ કરવાના ત્રણ દાયકાના અનુભવ પછી હું આજે એટલું ચોક્કસ કહી શકું કે સંબંધોને લગતી બાબતોમાં 'નોર્મલ' અને 'એબ્નોર્મલ' ખૂબ જ અંગત બાબત છે. એક સાથી કે એક યુગલને 'નોર્મલ' લાગતી બાબત બીજા સાથી કે બીજા યુગલને સાવ વિચિત્ર, 'વિઅર્ડ' કે 'એબ્નોર્મલ' લાગી શકે! એક યુગલ તરીકે તમારા માટે મહત્વનું એ છે કે તમે બંને તમારી આ સમજ અંગે એકમત હોવ, બાકી સહજીવન એક બીજાને સામાન્ય-અસામાન્ય સમજાવવામાં કે સાબિત કરવામાં ગોટે ચઢી જશે તે નક્કી!
પૂર્ણવિરામ :
સંબંધમાંથી જૂઠ કાઢી નાખો તો છેતરપીંડી આપોઆપ નીકળી જાય!