- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- પોતાની આ જીદમાં વ્યક્તિઓએ સમજવામાં નિષ્ફળ જતા હોય છે કે બંન્ને પોતપોતાની રીતે સાચા હોવા છતાં બંને વચ્ચેના સંવાદ, વ્યવહારો કે સમજણ ખોટા હોઈ શકે છે
तुम्हारा ये इसरार के मैं ही सही हूं
हमारे रिश्तेको तलाक कर गया...
ઉ ર્દૂ શાયર પરવીન શાકિરની આ પંક્તિ વાંચવામાં આવી અને મનમાં આજની વાતનો વિષય ઝબકી આવ્યો - સંબંધોમાં હંમેશા પોતે જ સાચા હોવાનો આગ્રહ વ્યક્તિને વ્યવહારમાં અક્કડ, જડ અને સ્વકેન્દ્રી બનાવે છે, જે સરવાળે આખા'ય સંબંધને લઇ ડૂબે છે! જીવનની સહયાત્રામાં એક કે બંને સાથીને પોતે હંમેશા સાચા હોવાની સનક હોય તો તેમનો સંબંધ નિશ્ચિતપણે રિબાય છે. દરેક વખતે પોતે સાચા ના હોઈ શકે એવી સમજ સંબંધની મજબૂતાઈ માટે અનિવાર્ય અને પાયાની છે. તમે સીસો પર ક્યારે'ય રમ્યા છો ?! સોરી કદાચ વધારે પડતું પૂછાઈ ગયું, તમે સીસો જોયું છે ખરું ?! એક લાંબુ પાટિયું જે જમીનથી બે-અઢી ફૂટ જેટલું ઊંચું અને મધ્યે એક ધરી ઉપર ફિટ હોય. બે વ્યક્તિ એના બંને છેડે, સામસામી બેસે અને ઝુલાની જેમ વારાફરતી ઉપર-નીચે થાય. બંનેને ઉપર અને નીચે જવાના આ વર્તનની મજા આવે. હવે માની લો કે બેમાંથી એક હંમેશા ઉપર જ રહેવાનો આગ્રહ રાખે તો શું થાય?! સ્વિંગ કે આ વર્તન ખતમ, ઉપર નીચે થવાની મઝા ખતમ, સીસોનો હેતુ જ ખતમ અને સતત નીચે રહેલું ફ્રસ્ટ્રેટ થાય એ વધુમાં! સંબંધમાં પોતે જ હંમેશા સાચા હોવાની માન્યતાનું આ જોખમ છે!
મારી લાંબી કારકિર્દીમાં મેં જોયું છે કે સાથીઓ પોતાના સહજીવનના પ્રશ્નો ઉકેલવામાં મહદઅંશે જ્યારે નિષ્ફળ જતા હોય છે ત્યારે બંને પક્ષે પોતે જ સાચા હોવાની જીદ જવાબદાર હોય છે. 'હું તો બરાબર છું, સુધરવાનું સામે પક્ષે છે', 'મારામાં કંઈ પ્રોબ્લેમ નથી, જે કરવાનું છે તે બીજાએ કરવાનું છે' આવી વિચારસરણી ધરાવનારાઓના પ્રશ્નોનો ક્યારે'ય અસરકારક ઉકેલ નથી મળતો. પોતાની આ જીદમાં વ્યક્તિઓ એ સમજવામાં નિષ્ફળ જતા હોય છે કે બન્ને પોતપોતાની રીત સાચા હોવા છતાં બંને વચ્ચે ના સંવાદો, વ્યવહારો કે સમજણ ખોટા હોઈ શકે છે. આવા વ્યક્તિઓ પોતાને કેન્દ્રમાં રાખીને પ્રશ્નોનો ઉકેલ શોધતા હોય છે, અન્યને કે સંબંધને કેન્દ્રમાં રાખીને નહીં ! સંબંધોની સમસ્યા સંબંધને જ કેન્દ્રમાં રાખીને શોધી શકાય, વ્યક્તિને કેન્દ્રમાં રાખીને નહીં ! પોતપોતાને શું માન્ય છે એ બાજુ પર રાખીને બંનેને શું માન્ય છે તે દિશામાં વિચારવાથી સહજીવનના પ્રશ્નો સહેલાઈથી અને ઝડપથી ઉકેલાય છે.
હંમેશા પોતે જ સાચા હોવાની માનસિકતા ધરાવતી વ્યક્તિઓનો દ્રષ્ટિકોણ ટનલ જેવો હોય છે, પોતાને સાચા સાબિત કરવાના ચક્કરમાં તે બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો ચૂકી જાય છે અને બંને સાથીઓ વચ્ચે એક દીવાલ ઉભી થતી જાય છે. અન્યના વિચારો અને લાગણીઓને એકબાજુ ધકેલી દેવાનો આ અભિગમ તેમના સંવાદ અને વ્યવહારમા ં ખામીઓ ઉભી કરે છે. તેમનું બધ ું ધ્યાન પોતાની દલીલોને સાચી ઠેરવવા ઉપર હોય છે, પોતાના સાથીને સમજવા ઉપર નથી હોતું ,પરિણામ એ આવે છે કે કદાચ દલીલોમાં તો એ પોતાનો દ્રષ્ટિકોણ સાબિત કરી નાખે ,જીતનો સંતોષ મેળવી લે, પરંતુ સાથીને સમજવાની તક ગુમાવી બેસે છે. જો બંને સાથીઓ પોતાનો કક્કો પકડી રાખવાનું વલણ ધરાવતા હોય તો સમસ્યા વધુ જટિલ બને છે, બંને જણ એકબીજાના ખોટા હોવાનો સ્કોર રાખવા માંડે છે અને પોતાને સાચા સાબિત કરવામાં મનફાવે તેમ એનો ઉપયોગ કરે છે. સમાજમાં આવા અનેક 'સ્કોરબોર્ડસિન્ડ્રોમ' સંબંધો તમને જોવા મળશે, એના મૂળમા ં પોતે હંમેશા સાચા હોવાની સનક છુપાયેલી હોય છે.
'હંમેશા સાચા હોવાની સનક અસંસ્કારી મનની નિશાની છે' નાની વયે નોબેલ પારિતોષિક જીતનાર ફ્રેંચ લેખક-ફિલસૂફ આલ્બર્ટ કામુનું આ કથન છે. કડવું લાગે એવું આ તથ્ય છે કારણ કે હંમેશા પોતે જ સાચા હોવાનું માનસિક વળગણ વ્યક્તિને ગમે ત્યારે સાદો શિષ્ટાચાર પણ ભુલાવી દે છે. મહાભારતના યુદ્ધ પછી વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે કે કુરુક્ષેત્રમાં લોહિયાળ જંગ માત્ર કૌરવોને જ કારણે જ થયો એમ ના કહી શકાય, પોતે સાચા હોવાનો આગ્રહ તો પાંડવોનો પણ હતો, તેમને પણ ક્યા ં પોતાની નબળાઈઓ કે ભૂલો સ્વીકાર્ય હતી ?! બંને પક્ષને પોતે સાચા હોવાની સનક હોય ત્યાં તો યુદ્ધ ના થાય તો નવાઈ, એ પછી મહાયુદ્ધ હોય કે સંબંધમાં રોજિંદી બની ગયેલી નાની-મોટી ટસલ! મજબૂત સંબંધો માટે એક પાયાની સમજ એ છે કે પોતે સાચા હોઈએ તે સંજોગોમાં પણ પોતે ખોટા હોઈ શકે છે એમ માનીને એકવાર સાથીનો વ્યૂ-પોઈન્ટ સમજવાની ઉદારી અને ધીરજ રાખવી પડે. તમે સાચા હોવ તો પણ સત્યની તલવાર લઈને ચર્ચામાં કૂદી પડવાના બદલે સામેનાનો દ્રષ્ટિકોણને ધ્યાનપૂર્વક સાંભળો, સમજો. કોઈનો દ્રષ્ટિકોણ સમજવાથી તમને વધુ સ્પષ્ટતા અને
સામેનાને પોતાની રજૂઆતનો સંતોષ મળી શકે છે, એક મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભું થાય છે. સંબંધોમાં મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થતીઓ ચર્ચાઓમાં સાચું કોણ છે એ બાબત ભૂલાઈ જાય છે અને મજબૂતાઈ વધતી જાય છે. સહજીવનમાં બનતી ઘટનાઓમાં લાગણીઓની નિકટતા, ખુશી, સાહચર્યનો અનુભવ, પરસ્પરની સમજ વગેરે મહત્વનું છે, હાર-જીત નહીં! આ વાત સાચા અર્થમાં સમજાય તો હંમેશા પોતે જ સાચા હોવાનું ઓબ્સેશન જરૂર દૂર થતું જાય. સંબંધમાં મજબૂત જોડાણ, અસરકારક કોમ્યુનિકેશન, સંતુષ્ટિ કે ખુશી માટે સાથીઓનું દરેક બાબતમાં સાચા હોવું જરૂરી નથી પરંતુ તે એકબીજાના દ્રષ્ટિકોણને ઉદારતાપૂર્વક ખુલ્લા મને સમજે અને સ્વીકારે એ જરૂરી છે!
પૂર્ણવિરામ :
तुम अपनी शर्तो पे खेल खेलो, मैं जैसे चाहे लगाउं बाजी
अगर मैं जीता तो तुम हो मेरे, अगर मैं हारा तो मैं तुम्हारा


