Get The App

માનસિક સ્વાસ્થ્ય તમારી ટાઈમપાસ પ્રવૃત્તિ પર આધારિત છે

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
માનસિક સ્વાસ્થ્ય તમારી ટાઈમપાસ પ્રવૃત્તિ પર આધારિત છે 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- ટાઈમપાસ કરીને કંટાળી જતા અનેક લોકોને મેં જોયા છે, ખાસ કરીને યુવાનો! સરવાળે બને છે એવું કે ટાઈમપાસ માટેની પ્રવૃત્તિઓ બદલાતી રહે છે અને એમાં વળી આજે તો વિકલ્પોની ક્યાં કમી છે?!

'તા રા માતા-પિતા કહે છે કે તુ આખો દિવસ મોબાઈલમાં ડૂબેલો રહે છે, તો તુ આખો દિવસ મોબાઇલમાં શું કરતો હોય છે?!' કન્સલ્ટેશન દરમ્યાન એક કિશોરને મેં પૂછયું. 

'ટાઈમપાસ' એણે તરત જ જવાબ આપ્યો. મને એનો ત્વરિત અને નિખાલસ જવાબ ગમ્યો કારણ કે આજકાલ અમારા કન્સલ્ટિંગ રૂમમાં આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેવાની ફરિયાદ સામાન્ય થઈ પડી છે અને આ પ્રશ્ન મારે અનેકને પૂછવાનો થાય છે. મોટાભાગના, આ પ્રશ્નના જવાબમાં, 'મોટીવેશનલ વીડિયોઝ જોઉં છું', 'ટેડ ટોકસ્ સાંભળું છું', 'ક્લાસીસ કે ભણવાના વિષયોના લેક્ચર સાંભળીને અભ્યાસ કરું છુ'વગેરે ગોળગોળ વાતો કરે, પરંતુ હું જો એમાં ઊંડો ઊતરું તો સરવાળે 'ટાઈમપાસ' જ નીકળે, અહીં આ કિશોરની સીધી જ કબૂલાત મને ગમી. મોબાઈલમાં તમે એવી અનેક પ્રવૃત્તિઓ કરી શકો છો જે ફળદાયી(પ્રોડક્ટિવ) કે અર્થપૂર્ણ (મિનિંગફૂલ) નથી પરંતુ એને કરવામાં તમારો સમય પસાર થઈ જાય. બીજા શબ્દોમાં કહું તો 'ટાઈમપાસ' એટલે સમય પસાર કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃતિઓ અને એ દ્રષ્ટીએ જોઈએ તો 'ટાઈમપાસ' પ્રવૃત્તિ નથી, હેતુ છે. પ્રવૃત્તિ કોઈપણ હોય પરંતુ હેતુ માત્ર સમય પસાર કરવાનો છે. 

'ટાઈમપાસ કેમ કરવો પડે?! અભ્યાસ કરો, કસરત કરો, ઘરના કામમાં મદદ કરો..' કિશોરના બાપુજી તો ટાઈમપાસ શબ્દ સાંભળતાં જ ઊછળી પડયા. 

મેં એમને ઠંડા પાડતા કહ્યું 'વ્યક્તિઓ ટાઈમપાસ માત્ર નવરા હોય ત્યારે જ કરે એ જરૂરી નથી, કંટાળતા હોય, રસ ના હોય, હળવા થવા માંગતા હોય વગેરે સંજોગોમાં પણ કરે.''એક્ઝેટલી સર, હું બોર થતો હોઉં, કંટાળતો હોઉં તો થોડો ફ્રેશ થવા ઈન્સ્ટા-રિલ્સ જોતો હોઉં અને એમાં આ લોકો બઢાઈ-ચઢાઈને આખો દિવસ મોબાઈલમાં રહે છે એવું ગાતા ફરે છે' કિશોરે પણ વળતો આક્રોશ ઠાલવ્યો. એની આક્રમક ભાષા પરથી એવું લાગ્યું કે આ વિષયમાં ઘરમાં ઘણા ધીંગાણા ખેલાઈ ગયા હશે. પછી તો એકબીજા ઉપર દોષારોપણમાં બીજા અનેક મુદ્દાઓ ચર્ચામાં આવ્યા પણ 'ટાઈમપાસ'નો મુદ્દો મને વિગતે વાત કરવા જેવો લાગ્યો. 

ઘણા સમય પહેલા કોઇ લેખમાં વાંચેલું યાદ આવે છે કે, 'ટાઈમપાસ' એ ભારતીયોની સૌથી મનપસંદ પ્રવૃત્તિ છે. વાત કંઈક અંશે સંમત થઈ શકાય એવી છે, આપણા દેશમાં લોકો ગમે ત્યાં, ગમે ત્યારે ટાઈમપાસ કરતા જોવા મળે છે, નવરાશના સમયમાં અને કામના સમયમાં પણ! આપણે ત્યાં જરૂરી નથી કે ટાઈમપાસ કરતી વ્યક્તિ નવરી જ હોય, કામના જબરદસ્ત બોજ વચ્ચે પણ ટાઈમપાસ પ્રવૃત્તિઓ કરતો એક મોટો વર્ગ છે. હા, એક વાત જરૂર છે કે તેમાંથી મોટાભાગના આ બાબત સ્વીકારશે નહીં અને જો સ્વીકારશે તો અનેક જસ્ટિફિકેશન આપશે પરંતુ કામના સમયે આવી પ્રવૃતિઓમાં પોતાનો અને અન્યનો સમય બગડે છે એવું તો ક્યારેય નહીં માને! કામ સિવાયના સમયમાં તો ટાઈમપાસ પ્રવૃત્તિઓ જન્મસિદ્ધ અધિકાર છે અને એ બાબતે તો કોઈપણ સલાહ, દખલ કે ટિપ્પણી સીધે સીધો ઉશ્કેરાટ કે બળવાખોરીને જ જન્મ આપી દે છે. આ મુદ્દે અનેક ઘરમાં નાના-મોટા ઘર્ષણો અવિરત ચાલુ જ રહે છે. 

જમાના પ્રમાણે ટાઈમપાસની પ્રવૃત્તિઓ બદલાતી રહી છે પરંતુ હેતુ એનો એ જ રહ્યો છે, સમય પસાર કરવાનો, જવાબદારીથી ભાગવાનો, માનસિક તણાવથી ધ્યાન ભટકાવવાનો કે હળવાશ અનુભવવાનો - રિલેક્સ થવાનો... પરંતુ, રસપ્રદ વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં સમય પસાર થાય છે પરંતુ હળવાશ નથી અનુભવાતી! ટાઈમપાસ કરીને કંટાળી જતા અનેક લોકોને મેં જોયા છે, ખાસ કરીને યુવાનો! સરવાળે બને છે એવું કે ટાઈમપાસ માટેની પ્રવૃત્તિઓ બદલાતી રહે છે. આજે તો વિકલ્પોની ક્યાં કમી છે?! મોબાઈલમાં ગેમ રમીને થાકેલો યુ-ટયૂબ મોટિવેશન પર ચઢે, બે-ચાર ડોઝ લઈને ધરાઇ જાય એટલે ઈન્સ્ટા-રિલ્સ, એમાંથી થાક્યા એટલે ઓટીટીને વળગ્યા અને સરવાળે ફરિયાદ તો ઉભી 'બોર થઉં છું! એક જમાનામાં ગામના પાદરે, ઘરના ઓટલે, સોસાયટીના બાંકડે કે પાનના ગલ્લે લોકો ગપ્પાં મારીને સમય પસાર કરતા. પછી આવ્યા ટીવી અને ધીમે ધીમે ચેનલોનો રાફડો ફાટયો, લોકો ઘરમાં ભરાતા થયા. સમય જતા ટીવીમાં રીમોટ આવવાથી ચેનલો બદલાતા રહીને ટાઈમપાસ વકર્યો. પછી આવ્યું ઈન્ટરનેટ અને તેની સાથે સંલગ્ન મોબાઈલ ટેકનોલોજી. જ્યારથી સ્માર્ટ ફોન આવ્યા ત્યારથી તો 'ટાઈમપાસ' પ્રવૃત્તિઓ સાવ બદલાઈ ગઈ, આકર્ષક, રસપ્રદ અને અંગત. એકવાર વળગ્યા એટલે એવો સમય પસાર થાય કે ઘડિયાળ તો શું તારીખો બદલાઈ જાય! નાના-મોટા સૌ મચી પડયા છે, બીજો સમય હોય કે ના હોય, મોબાઈલ પર ટાઈમપાસ તો જાણે-અજાણે થતો જ રહે છે. હાથવગું સાધન અને એમાં'ય સોશિયલ મીડિયા, ઓટીટી, એપ્સ જેવી સવલતો, સમય પસાર કરવાના બેસુમાર વિકલ્પો! 

જો આ વાતાવરણ સમજાયુ હોય તો મૂળ અને ગંભીર વાત પર આવીએ. શું ટાઈમપાસ નિર્દોષ અને હળવાશ આપતી પ્રવૃત્તિ છે? તમારી માનસિક સ્વસ્થતા સાથે તેને કોઇ લેવા-દેવા છે?! પહેલા પ્રશ્નનો જવાબ છે 'ના' અને બીજા પ્રશ્નનો જવાબ છે 'હા'! મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિ ટાઈમપાસ માટે જે પ્રવૃત્તિઓ કરતી હોય છે તેનું તેને વ્યસન થઈ જવાની શક્યતા રહે છે, આ વાતના ઢગલો ઉદાહરણો હું તમને આપી શકું એમ છું. શરૂઆતમાં ટાઈમપાસ માટે ડ્રીમ ઇલેવન પર મફતમાં ટીમ બનાવીને રમતા અનેક લોકોએ તેના બંધાણી થઈને લાખો ગુમાવ્યાના દાખલાઓ છે. કેન્ડી ક્રશ રમતા રમતા કે સ્ટાર મેકર્સ પર ગીત ગાતા ગાતા ત્યાં જ લટકેલા રહેનારા અનેક છે. ઓટીટી પર બિન્જ વોચિંગ કરતા લોકો પણ વત્તે-ઓછે અંશે આ જ નાવમાં સવાર છે. હાથમાં વ્હીસ્કીનો ગ્લાસ લઈને સાંજ પસાર કરતા અનેક તેના વગર સાંજ ના પસાર કરી શકે. સ્વાભાવિક છે આ બધી વાત સાથે સંમત થવાતું હશે તો બીજા જવાબ સાથે સંમત થઈ શકાશે કે ટાઈમપાસ અને માનસિક સ્વસ્થતા એકબીજા સાથે સંકળાયેલા છે. તમારી માનસિક સ્વસ્થતા અને માનસિકતા બંને ઉપર તમારી ટાઈમપાસ પ્રવૃત્તિઓનો પ્રભાવ પડે છે. શું પ્રભાવ પડે છે એ વાત આવતા સપ્તાહે કહું છું, સ્ટે કનેક્ટેડ...

પૂર્ણવિરામ 

પોતાના અસ્તિત્વને 'ટાઈમપાસ' બનાવીને બેઠેલા અનેક લોકો છે, જે કોઈપણ ચોક્કસ હેતુ વગર, બસ એમ જ સમય પસાર કરી રહ્યા છે!