- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- વ્યક્તિઓની નિર્ણયશક્તિ નબળી, ખામીયુક્ત અને મૂંઝવણ પેદા કરનારી થતી જાય છે. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ ડિજિટલ ઇકો ચેમ્બરમાં કેદ આપણી વિચારસરણી છે
આ પણે હવે એક એવા સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં માહિતીઓના ખડકલા નીચે આપણી સામાન્ય બુદ્ધિ (કોમન સેન્સ), સમજણ અને સતર્કતા દબાતી જાય છે. જરૂરી અને મહદઅંશે બિનજરૂરી એવી માહિતી વિપુલ માત્રામાં આપણા મનમાં ઠલવાતી જાય છે. મગજ આ દરેક વિગતોનું વિશ્લેષણ કરી શકે એ પરિસ્થિતિ તો ક્યારની આપણે વટાવી ચૂક્યા છીએ એટલે મગજ આ માહિતી વિસ્ફોટને સંભાળવામાં હેંગ થઈ જતું હોય એવો અનુભવ સામાન્ય બનતો જાય છે. આ સંજોગોમાં, માહિતીને પ્રાથમિકતા આપવા અને તેનું અર્થઘટન કેવી રીતે કરવું તે નક્કી કરવા મગજ એક માનસિક શોર્ટકટ અપનાવે છે, જેથી તે સુસંગત માહિતીઓનું ઝડપથી વિશ્લેષણ કરે. મનોવિજ્ઞાને આ માનસિક શોર્ટકટને 'પર્સેપ્ચ્યુઅલ સેટ' એવું નામ આપ્યું છે જે તમારા ભૂતકાળના અનુભવો, માન્યતાઓ, લાગણીઓ, અપેક્ષાઓ, સંસ્કૃતિ અથવા સંદર્ભના આધારે વિશ્લેષણની પ્રક્રિયા ઝડપી બનાવે છે. આમ જોવા જઈએ તો આ મગજની કાર્યક્ષમતા વધારનાર વિચારસરણી છે પરંતુ સાથે સાથે તે આપણને વૈકલ્પિક દ્રષ્ટિકોણ (ઓલ્ટરનેટિવ પર્સ્પેક્ટિવ)થી દૂર લઈ જાય છે, જેને કારણે આપણી નિર્ણયશક્તિ ઉપર નકારાત્મક અસર પડે છે.
આટલું ઓછું હોય તેમ, 'પર્સેપ્ચ્યુઅલ સેટ' એટલે કે આપણા આ ગ્રહણશક્તિ સમૂહનો એક જોડિયો ભાઈ છે, આ બંને ભાઈઓ ભેગા થઈને નિર્ણયશક્તિની બેન્ડ બજાવે છે ! આ ભાઈનું નામ છે 'કન્ફર્મેશન બાયસ', એક એવી વિચારસરણી જે પોતાની માન્યતાઓને મજબૂત કરે તેવી માહિતી શોધવાની, અર્થઘટન કરવાની અને યાદ રાખવાની પ્રવૃત્તિમાં આપણી જાણ-બહાર લાગેલી રહેતી હોય ! તમને જાણીને આશ્ચર્ય થશે કે સંશોધનોએ સિદ્ધ કર્યું છે કે આપણે જે કંઈ જોઈએ છીએ, એટલે કે આપણી દ્રષ્ટિમાં માત્ર વીસ ટકા ભાગ દ્રશ્યનો છે, એંશી ટકા ભાગ તો દ્રષ્ટિકોણનો છે ! બહાર દ્રશ્યનું પડ અને અંદર દ્રષ્ટિકોણનો મસાલો ! બીજા અર્થમાં કહું તો, વીસ ટકા ભાગ જ આંખને જે દેખાય છે તેનો છે, બાકી એંશી ટકા ભાગ મગજ જે જોવા ઇચ્છે છે તે 'કન્ફર્મેશન બાયસ' અને 'પર્સેપ્ચ્યુઅલ સેટ'નો છે !! આ બે ભાઈઓ ભેગા થઈને એક ફીડબેક લૂપ બનાવે છે જેમાં શરૂઆત ચોક્કસ રીતના દ્રષ્ટિકોણ - 'પર્સેપ્ચ્યુઅલ સેટ'થી થાય છે અને પછી એ જ દ્રષ્ટિકોણને પુષ્ટિ આપતી માહિતીઓ - 'કન્ફર્મેશન બાયસ' ચકરડું ફેરવે જાય છે ! આ ચક્કરમાં એકવાર ફસાઈએ તો આપણે ખોટા કે અયોગ્ય નિર્ણયોની પરંપરામાંથી બહાર જ ના નીકળી શકીએ. જ્યારે આપણી વિચારસરણી વધુ પડતી અપેક્ષાઓ, લાગણીઓ, ભૂતકાળ કે સંદર્ભોથી ઘેરાયેલી હોય ત્યારે બે ભાઈઓનું આ ચકરડું જોરથી ફરવા માંડે છે !
આજ કાલ, 'કન્ફર્મેશન બાયસ' અને 'પર્સેપ્ચ્યુઅલ સેટ' પરીકથાની રાજકુમારીની જેમ વધતા જાય છે, જેને કારણે વ્યક્તિઓની નિર્ણયશક્તિ નબળી, ખામીયુક્ત અને મૂંઝવણ પેદા કરનારી થતી જાય છે. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ ડિજિટલ ઇકો ચેમ્બરમાં કેદ આપણી વિચારસરણી છે. આ એક એવું વાતાવરણ છે કે જ્યાં વ્યક્તિ ફક્ત એવી માહિતી અને મંતવ્યો મેળવે કે જે તેની હાલની માન્યતાઓને મજબૂત બનાવે અને દ્રષ્ટિકોણને દ્રઢ કરે. આ ડિજિટલ ઇકો ચેમ્બર આપણી સ્ક્રોલિંગની આદત અને સોશિયલ મીડિયામાં ક્રિયાપ્રતિક્રિયાઓ અનુસાર મનગમતી સામગ્રી પ્રદાન કરે જાય છે, જે સરવાળે 'કન્ફર્મેશન બાયસ'ને મજબૂત બનાવે છે, આપણા દ્રષ્ટિકોણને સંકુચિત કરે છે સરવાળે, એક ખામીયુક્ત, અસહિષ્ણુ અને જડતાભરી વિચારસરણી ઉત્પન્ન થાય જે તમારા તમામ નિર્ણયો અને પસંદગીઓને પ્રભાવિત કરે !
તમારી નિર્ણયશક્તિને પૂર્વગ્રહોથી સ્વતંત્ર રાખીને મજબૂત બનાવવા, દ્રષ્ટિકોણને વ્યાપક અને બહોળો રાખવા, પૂર્વગ્રહોના હાનિકારક પરિણામો ટાળવા, વધુ સારી અને અસરકારક પસંદગીઓ કરવા તથા એક વ્યક્તિ તરીકે વિકસવા 'કન્ફર્મેશન બાયસ' અને 'પર્સેપ્ચ્યુઅલ સેટ'ની પકડમાંથી બહાર નીકળવું મહત્વપૂર્ણ છે. નહીંતર, ક્યારે આપણે વાસ્તવિકતા અંગેની આપણી સમજ વિકૃત કરીને નિર્ણય લેવાની ક્ષમતાને મર્યાદિત કરી બેસીશું તેનો ખ્યાલ નહીં રહે !
તો હવે પ્રશ્ન એ બચ્યો કે આ પકડમાંથી બહાર કેવી રીતે નીકળવું ? ડીપીમાં આકર્ષક અને સુંદર દેખાતા લોકોના ફોટોમાં ફિલ્ટર દૂર કરતા કે ફિલ્ટર-એડિટિંગને ધ્યાનમાં રાખીને વિચારતા તેનું અસલી રૂપ અલગ હોઈ શકે છે એવું ધ્યાનમાં આવે છે તેમ, વિચાર પદ્ધતિની આ બે વિશેષતાઓ અંગે જાગૃતિ કેળવવાથી આપણી વિચારસરણી, પસંદગીઓ કે નિર્ણયો પર ધારણા અને માન્યતાઓના ફિલ્ટર હોય છે એવી સમજ આવે છે. 'કન્ફર્મેશન બાયસ' અને 'પર્સેપ્ચ્યુઅલ સેટ'ની પકડમાંથી બહાર નીકળવાની શરૂઆત આ સમજથી જ થાય છે. આ સમજાય કે તરત જ પોતાના દ્રષ્ટિકોણ સિવાય અન્ય દ્રષ્ટિકોણો તરફ ધ્યાન આપી શકાય છે, એક જ વાતને વિવિધ રીતે વિચારવાની ક્ષમતા કેળવવા માંડે છે. સામેની વ્યક્તિના પર્સપેક્ટિવ અંગે તમે સંવેદનશીલ બનો છો અને તમારા પૂર્વગ્રહો ઘટાડી શકો છો ? લેખો, પુસ્તકો, લોકો, સંસ્કૃતિ, વિવિધ માન્યતાઓ વગેરેનો અભ્યાસ તમારા વિચારોને સમૃદ્ધ બનાવે છે જે સરવાળે તમને ઇકો ચેમ્બર્સમાં કેદ થતા અટકાવે છે. તમારા મનને વિચારોનું માઇન્ડફુલ અવલોકન કરવાની તાલીમ આપતા રહો, એ માટે ચિંતન, મનન અને ધ્યાન જરૂરી છે. વાસ્તવમાં આપણું મન એક વાર્તાકાર છે જે આપણી ધારણાઓ, સંવેદનાઓ, માન્યતાઓ વગેરેના દોરા લઈને પોતાની વાર્તા ગૂંથ્યા કરે છે. આ ગૂંથણીમાં 'કન્ફર્મેશન બાયસ' અને 'પર્સેપ્ચ્યુઅલ સેટ' પોતાની ભાત-ડિઝાઇન આપણી જાણબહાર વણી કાઢે છે. યાદ એટલું જ રાખવાનું કે, અનંત દ્રષ્ટિકોણની દુનિયામાં, શાણપણ એક લેન્સ (દ્રષ્ટિકોણ)ને વળગી રહેવામાં નથી, પરંતુ ઘણા લેન્સ સાથે પ્રયાસ કરવાની હિંમત કરવામાં છે. આપણે ફક્ત આપણી અપેક્ષા મુજબનું જ નથી જોવાનું, ખરેખર સાચું શું છે તે પણ જોવાનું છે !!
પૂર્ણવિરામ
તમે વિશ્વને તે જેવું છે તેવું નથી જોતા, તમે વિશ્વને તમે જેવા છો તેવું જુઓ છો !


