- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- ભિન્ન રીતે આપેલા એ જ જવાબને આપણે ખોટો ગણીને માર્ક કાપી લઇએ છીએ ! સરવાળે, બાળક પોતાની કુતુહલતા દાબીને ભિન્ન રીતે વિચારવાનું છોડી દે છે. આપણી એજ્યુકેશન સિસ્ટમની આ મોટામાં મોટી ખામી છે
દિ વાળીના બે પ્રાસંગિક લેખો બાદ આપણે પાછા વિચારસરણીઓની વાત ઉપર આવીએ. આપણે અત્યાર સુધી 'ક્રિટિકલ થિકિંગ', 'એનાલિટીકલ થિંકિંગ', 'એબસ્ટ્રેક્ટ થિંકિંગ', 'ક્રિએટિવ થિંકિંગ', 'કોંક્રિટ થિંકિંગ' અને 'કન્વર્જન્ટ થિંકિંગ'ની વાત કરી. હવે વિચારશૈલીઓના ટૂલ-બોક્સમાંથી એક નવું સાધન કાઢીએ.
મારી સાથે હંમેશા એવું બનતું આવ્યું છે કે લખવા માટે જે કોઈ વિષય મારા મનમાં રમતો હોય તેને અનુરૂપ ઘટનાઓ મારી આજુબાજુમાં ઘટતી જ હોય છે ! હમણાં દિવાળીમાં એક રિસોર્ટની લોનમાં હું અને મારી પત્ની બેઠા હતા. લગભગ બાજુમાં જ કહી શકાય એટલા અંતરે એક બાળક એની કલરિંગ બુકમાં રંગો પુરી રહ્યું હતું. ગોળ, ચોરસ, ત્રિકોણ વગેરે આકારોમાં એ રંગ પૂરતું હતું અને અચાનક તેણે બાજુમાં બેઠેલા પપ્પાને પૂછ્યું 'પપ્પા આ ત્રિકોણને ત્રણ બાજુઓ જ કેમ હોવી જોઇએ ?! શું તેને ચાર બાજુઓ ના હોઈ શકે ?!'
તેના પપ્પા હસ્યા અને તેને પ્યારથી ટપલી મારતા કહ્યું 'તો એને ચોરસ કહેવાય' આટલી નાનકીડ વાત મારા મનમાં રમતા વિષય માટે પૂરતી હતી. પિતાને ભલે બાળકની વાત હસવા જેવી લાગી પરંતુ મને થયું કે આ બાળકની વિચારસરણીમાં વૈજ્ઞાનિક કે કવિનું બીજ છે. કારણ કે તે નિર્દોષ પ્રશ્ન પાછળ એક શક્તિશાળી ક્ષમતા છુપાયેલી છે, ભિન્ન રીતે વિચારવાની ક્ષમતા. માત્ર લક્ષ્યને જ કેન્દ્રમાં રાખીને વિચારતી કન્વર્જન્ટ વિચારશૈલીથી બિલકુલ વિપરીત એવી તમામ શક્યતાઓ વિશે વિચારવાની ક્ષમતા એટલે આ ભિન્ન-ડાઈવર્જન્ટ વિચારશૈલી. આ વિચારશૈલી થકી મન પાસે એ સ્વતંત્રતા છે કે પ્રશ્નનો એક જવાબ શોધે તેના કરતા એકથી વધુ શક્ય જવાબો વિશે વિચારે. વાસ્તવમાં બાળકો પાસે આ વિચારશૈલી કુદરતી હોય છે પરંતુ ભણતર દરમ્યાન આપણે એને માટે અંશે નષ્ટ કરી દઈએ છીએ. સાચા જવાબને પુસ્તકમાંના જવાબને જ આપણે માર્ક્સ આપીએ છીએ પરંતુ ભિન્ન રીતે આપેલા એ જ જવાબને આપણે ખોટો ગણીને માર્ક કાપી લઈએ છીએ ! શિક્ષકો, માતા-પિતા પુસ્તકનું જ લખવાની સૂચનાઓ આપતા રહે છે અને સરવાળે બાળક પોતાની કુતુહલતા દાબીને ભિન્ન રીતે વિચારવાનું છોડી દે છે. આપણી એજ્યુકેશન સિસ્ટમની આ મોટામાં મોટી ખામી છે.
હમણાં એક નિવૃત્ત બેંક મેનેજર મને કહે 'ડોક્ટર, મારું આખું જીવન દિનચર્યાઓ, બેલેન્સ શીટ્સ, સહીઓ, લેજર્સ, રિપોર્ટસ વગેરેમાં ડૂબેલું હતું. હવે મારે કંઇ જ કરવાનું નથી. બસ એક ખાલીપણું લઇને જીવી રહ્યો છું !'
મેં કહ્યું 'જે જીવી લીધું છે તે બાજુ પર રાખો અને અત્યારે શું કરી શકો છો તે શક્યતાઓ વિશે વિચારવાનું શરૂ કરો, કદાચ ખાલીપણાને ભરવાનો કોઈ રસ્તો જડશે'. બીજી મુલાકાતમાં એ એક સ્કેચબુક લઇને આવ્યા જેમાં એમણે થોડા ચિત્રો દોર્યા હતા. 'ડોક્ટર તમારી સાથે વાત પછી મેં શક્યતાઓ પર વિચાર્યું અને જીવનની ઘટમાળમાં કોરાણે મુકાઈ ગયેલો બાળપણનો આ શોખ યાદ આવી ગયો'.
'મગજમાંથી ચેકબુક ગઇ અને સ્કેચબુક ગોઠવાઈ ગઈ, ખાલી જગ્યા ભરાઈ ગઈ !' મેં હસતા હસતા કહ્યું. વાસ્તવમાં આ પરિસ્થિતિને જુદી જ રીતે વિચારવાનું એટલે કે ડાઈવર્જન્ટ થિંકિંગનું પરિણામ હતું.
ભિન્ન રીતે વિચારવાની ક્ષમતા એટલે કે ડાઈવર્જન્ટ થિંકિંગ તમારા મનોજગતમાં શક્યતાઓની બારીઓ ખોલી કાઢે છે. આ જગતની મોટાભાગની શોધો આવી શક્યતાઓમાંથી જ જન્મી છે. ડાઈવર્જન્ટ થિંકિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને અક્કડ, કઠોર કે રિજિડ બનતા અટકાવે છે, તમારું મન શક્યતાઓ માટે ખુલ્લું રહે છે, તમે એક જ બાબતના ઘણા દ્રષ્ટિકોણ વિચારી કે સ્વીકારી શકો છો. સૌથી રસપ્રદ વાત તો મારે તમને એ કહેવી છે કે ડાઈવર્જન્ટ થિંકિંગ તમને યુવાન રાખે છે, આપણે જાણીએ જ છીએ કે ઉંમરની સાથે લોકો અક્કડ બનતા જતા હોય છે અને બીજાના દ્રષ્ટિકોણ ઝડપથી સ્વીકારી નથી શક્તા.
આ ડાઈવર્જન્ટ થિંકિંગ કેવી રીતે વિકસાવવું ? દરેક બાબતમાં શક્યતાઓ વિચારો. ગમે તેટલી હાસ્યાસ્પદ કે વિચિત્ર લાગે એવી શક્યતાઓ વિશે પણ વિચારવું. દરેક પ્રશ્નના ઉકેલ માટે દસ શક્યતાઓ લખવાનો મહાવરો કરો, ઉકેલ મનમાં આવી જાય તો પણ માનસિક કસરતના ભાગરૂપે લખવાનું જ. મનને નવીનતા આપતા રહો, ના જાણતા હોવ તેવા વિષયોને વાંચો. ઉદ્દેશ વગર પ્રવાસ કરતા રહો (જેને અમે રખડપટ્ટી કહેતા હતા, આજના યુગમાં ઉદ્દેશ વગર ભટકવાની આ પ્રવૃત્તિ ભાગ્યે જ જોવા મળે છે !)
જુદા જુદા વ્યક્તિઓને મળતા રહો, તેમના દ્રષ્ટિકોણ સમજવાનો અને તે અંગે વિચારવાનો મહાવરો કરતા રહો. દિવાસ્વપ્નો જોવા, કોયડાઓ ઉકેલવા, એક જ વિષય પર અલગ અલગ મંતવ્યો વાંચવા-સાંભળવા-જાણવા વગેરે પણ ડાઈવર્જન્ટ થિંકિંગને વિકસિત કરવામાં ભાગ ભજવે છે. આપણા ઉપનિષદો, ગ્રંથો, ભગવદ્ ગીતા વગેરે તમને ડાઈવર્જન્ટ થિંકિંગ કરવા પ્રેરે છે અને માટે જ એક શ્લોકના ઘણા બધા અર્થઘટન આપણને ઉપલબ્ધ છે. વેદાંત, બૌદ્ધ, ઝેન વગેરે બધી જ પ્રણાલીઓમાં પ્રશ્નો પૂછવાની પરંપરા પણ સરવાળે તો આ જ વિચારસરણીને પ્રોત્સાહન આપે છે.
આ 'ડાઈવર્જન્ટ થિંકિંગ' એટલે વિચારોનું કોઈ એક નિર્ણય પર આવતા પહેલા શક્યતાઓની વચ્ચે ભટકવું. તમે 'બ્રેઇન સ્ટોર્મિંગ' શબ્દ જરૂર સાંભળ્યો હશે, એના માટે ગુજરાતીમાં એક સરસ શબ્દ છે - 'મંથન'. આ મંથન એટલે એક કરતા વધુ માણસો ભેગા થઇને એક મુદ્દા ઉપર પોતાના આગવા વિચારો રજૂ કરે, જુદી જુદી શક્યતાઓ વિચારે અને પછી ચર્ચા કરીને એક નિષ્કર્ષ પર આવે. પરંતુ જ્યારે આ જ પ્રક્રિયા અન્ય વ્યક્તિઓના બદલે પોતાની જાત સાથે જ કરવી હોય તો ડાઈવર્જન્ટ થિંકિંગની જરૂર પડે. આ મનમાં થતું 'બ્રેઇન સ્ટોર્મિંગ' કે 'મનોમંથન' છે. સામાન્ય રીતે 'ડાઈવર્જન્ટ થિંકિંગ' અને 'કન્વર્જન્ટ થિંકિંગ' જોડીમાં કામ કરે છે, પહેલા શક્યતાઓ વિચારવાની અને પછી તેમાંથી ઉત્તમ શક્યતા ઉપર કેન્દ્રિત થવાનું. એક મુદ્દે અનેક શક્યતાઓ તપાસવાની અને અનેક શક્યતાઓ પરથી એક નિર્ણય પર આવવાનું ! વાસ્તવમાં કોઈપણ સર્જન માટે ક્રિએટિવ, ડાઈવર્જન્ટ, કન્વર્જન્ટ થિંકિંગનો સમન્વય ખૂબ અગત્યનો છે.
પૂર્ણ વિરામ:
મનમાં વિચારોની અવર-જવર શ્વાસ જેવી હોય છે. પરિપકવ મનને ક્યાં કેટલું રોકાવું અને શું સંગ્રહિત કરવું - શું વિસર્જિત કરવું તેની પાક્કી સમજ હોય છે.


