- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- બાળકો, અરે બાળકો જ શું કામ મોટેરાઓ પણ, જોઇને જેટલું શીખે કે અનુસરે છે તેનાથી પા ભાગનું પણ સૂચનોથી નથી શીખતા
આ પણે ત્યાં એક કહેવત છે 'વહેતી ગંગામાં હાથ ધોવા' અર્થાત્ કોઈ સારી તકનો લાભ ઉઠાવી લેવો. જ્યારે કોઈ પરિસ્થિતિ અનુકૂળ હોય અથવા કોઈ કામ સહેલાઇથી થઇ રહ્યું હોય, ત્યારે તેનો ફાયદો ઉઠાવવો. આપણે ત્યાં કમનસીબે દુર્ઘટનાઓ 'વહેતી ગંગા' જેવી છે ! જેવી કોઈ દુર્ઘટના ઘટે કે મીડિયા, રાજકારણીઓ, વિરોધીઓ, ઇન્ફ્લુએન્સરો કે પછી, એ ઘટનામાંથી પોતપોતાની રીતે લાભ શોધી લેનારા વગેરે તરત જ હરકતમાં આવી જાય અને ચારે બાજુ બૂમ-બરાડા ચાલુ થઇ જાય. બે - ચાર દિવસ જાય એટલે બધું ચૂપ ! અચાનક જ જાણે આ બધાનો રસ ઊડી જાય અને દુર્ઘટના પોતે જ દુર્ઘટનાગ્રસ્ત થઇને પબ્લિકના મનમાંથી ગુમ થઇ જાય. મને ખાતરી છે કે તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં સેવન્થ ડે સ્કૂલની દુર્ઘટના પણ માનસપટ પરથી ભુસાવા માંડી હશે. આ સેવન્થ કે સ્કૂલની દુર્ઘટના ઉપેક્ષિત અંગારાથી જંગલમાં લાગતી આગ જેવી હતી. ચિનગારી બે હતી, અધિકૃત વ્યક્તિઓ દ્વારા ઝડપી સારવાર માટેનું ઉદાસીન વલણ (ક્રિમનલ નેગ્લિજન્સ) અને ગુનેગાર કિશોરનો બેકાબૂ-ઝનૂની ગુસ્સો (ક્રિમનલ ઓફેન્સ) ! દરેક કિસ્સાઓમાં બને છે એમ દુર્ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા અને જેમ હંમેશા બને છે એમ બધા જ પ્રશ્નો ઉકેલ વગર જ વિખરાઈ ગયા ! મારી દ્રષ્ટીએ એ દુર્ઘટનામાંથી કિશોરોમાં વધતી જતી ગુનાખોરી અને આક્રમકતા ઊંડો વિચાર અને લાંબા ગાળાના સુધારાત્મક પગલાંઓ (કરેક્ટિવ સ્ટેપ્સ) માંગી લે તેવી બાબત છે. કમનસીબે બધું અભરાઈએ ચઢી જશે પરંતુ એક મનોચિકિત્સક તરીકે હું એની ચર્ચા કર્યા વગર રહી શકું એમ નથી !
બાળકોમાં આક્રમકતા એ કોઈ અણધારી ઘટના નથી. તે છુપાયેલી આગમાંથી નીકળતો ધુમાડો છે. બાળક પાસે હંમેશા તેની લાગણીઓ, ખાસ કરીને નકારાત્મક લાગણીઓ, વ્યક્ત કરવા માટે શબ્દો નથી હોતા કે 'મને દુ:ખ થયું છે, હું મૂંઝવણમાં છું, મારી ઉપર કોઈ ધ્યાન આપતું નથી' તેના બદલે, તેની આ લાગણીઓ મુઠ્ઠીઓ, ચીસો, આંસુઓ અને પછડાતાં દરવાજાના રૂપમાં બહાર આવે છે. બાળકોનું આ રિએકશન છે, જેને કઇ રીતે વ્યક્ત કરવું એ બાળક જોઇને શીખતું હોય છે. આમ પણ બાળકો, અરે બાળકો જ શું કામ મોટેરાઓ પણ, જોઇને જેટલું શીખે કે અનુસરે છે તેનાથી પા ભાગનું પણ સૂચનોથી નથી શીખતા. જાતે જ વિચારીને કહો કે, 'લાઈનમાં આવો' એ સૂચનાને આપણે અનુસરીએ છીએ કે ત્યાં લાઈન વગર જ ઘૂસવા માટે ધક્કા-મુક્કી કરતા સમૂહ ને ?! એક વાહન રોંગ સાઇડ પર જતું હોય તો 'વન-વે'નું બોર્ડ કોણ અનુસરે છે ?! બાળકોના રિેકશનમાં આક્રમક કે હિંસક વર્તન કરવું એ મહ્દઅંશે શીખેલું વર્તન (લર્નડ બિહેવિયર) હોય છે. ગુસ્સામાં મોબાઈલ ફેંકતા પિતા કે હતાશામાં જેમ ફાવે તેમ ઝગડતી રહેતી માતા અનાયાસે બાળકને આક્રમકતાની ભાષા શીખવે છે. બાળક તેને તણાવગ્રસ્ત માતા-પિતાના ઝગડાઓ. ઘરનું કંકાસમય વાતાવરણ, કૌટુંબિક ઝગડાઓ, ઘરના અન્ય સભ્યોની વર્તણૂક વગેરે બધું જ બાળકના વર્તનને આકાર આપે છે. કિશોરાવસ્થામાં પહોંચતા સુધીમાં તો જોઇને શીખવાનું તેનું ક્ષેત્ર કાબૂ બહાર જતું રહ્યું હોય છે. મોબાઈલ ગેમ્સ, ઓટીટી-ફિલ્મો, ઘરથી આગળ વધીને શાળા-સમાજની વર્તણૂક અને વાતાવરણ, વ્યસનોની ઉપલબ્ધિ બધું જ પોતપોતાની રીતે ઘણું બધું સાચું-ખોટું શીખવે જાય છે. શાળાઓનું વાતાવરણ અને શૈક્ષણિક સિસ્ટમમાં અનુભવાત ગૂંગળામણ ફરિયાદ સ્વરૂપે નહિં પણ સહાધ્યાયીને ધક્કા કે મુક્કા તરીકે બહાર આવવાની શક્યતાઓ વધારે રહે છે. સમાજમાં હિંસા કે આક્રમકતા તાત્કાલિક અસરથી દંડાતી નથી, ન્યાય આવે ત્યાં સુધીમાં ઘટનાઓ ભુલાઈ જાય છે અને ઘટનાના બે-ચાર દિવસ પછી ગુનો-ગુનેગાર બંને વિસરાઇ જાય છે, તેની ચર્ચા પણ આટોપાઇ જાય છે એવા સામાજિક વાતાવરણની અસરો પણ ઓછી આંકી શકાય તેમ નથી. મોબાઈલ, ગેમિંગ કોન્સોલ અને ઓનલાઈન ગેમ્સમાં પણ હિંસા આક્રમકતા, ઉત્તેજના કે ઝનૂન સિવાયની કોઈ વાત નથી. સ્ક્રીન લાઇફ અને વાસ્તવિક લાઈફનો ફરક ભૂલી જવાય એટલી હદે ગેમિંગમાં ચોંટી રહેતા કિશોરોના વર્તનમાં હિંસા, આક્રમકતા વગેરે ના ઉતરી આવે તો નવાઈ ! આટલું ઓછું હોય એમ ઓટીટી અને ફિલ્મોની સામગ્રી પણ એકશન કે થ્રિલરના નામે જે આક્રમકતા ફેલાવે છે તેની વાત કરવા બેસીએ તો આખું આ પેપર ભરાઈ જાય ! આ ઉપરાંત કિશોરાવસ્થામાં બદલાતા અંત:સ્ત્રાવો અને બાળકનો સ્વભાવ પણ પોતાનો ભાગ ભજવ્યા વગર રહેતા નથી.
કેટલાક બાળકો અતિશય ઉર્જા અને તીવ્રતા સાથે જ જન્મ્યા હોય છે. આ તેમનો વાંક નથી; તે ફક્ત તેમનું બંધારણ છે. જો તેમની ઊર્જા યોગ્ય રીતે ના વળે તો તેને આક્રમકતા કે હિંસામાં પરિણમતા વાર ના લાગે. આટલું ઓછું હોય એમ, ચરસ-ગાંજો-એમડી કે આલ્કોહોલ જેવા વ્યસનો આગમાં પેટ્રોલ રેડે છે અને આક્રમકતા કે હિંસાને એક જુદા જ સ્ટાર પર પહોંચાડી દે છે ! એક બાજુ આવું ભયાનક બેકગ્રાઉન્ડ હોય અને બીજી બાજુ બાળકની પ્રેમ, ધ્યાન, આદર, સ્વતંત્રતા
જેવી જરૂરિયાતો પૂરી ના થાય ત્યારે તે હતાશ અને નાસીપાસ થતો જાય, ભીતરનો ગુસ્સો વર્તનમાં ઉતરવા માંડે અને બાળક આક્રમક બનવા માંડે.
કરવાનું શું ?! જ્યાં જમીનની ગુણવત્તા સામે જ પ્રશ્નાર્થ હોય ત્યાં સારો પાક કેવી રીતે ઉગાડી કે લણી શકાય ?! સૌથી મોટો પ્રશ્ન તો દાનતનો છે, કોને બાળકોમાં વકરતી જતી આક્રમકતા કે હિંસાની પડી છે ?! બધાને પોતાની જવાબદારી બીજાને પહેરાવવી છે, નક્કર કશું કરવું નથી. મારી વાત કડવી લાગે તો ભલે પરંતુ આ જ આપણી કમનસીબ વાસ્તવિક્તા છે. દુર્ઘટનાઓ ઘટે ત્યારે ચર્ચાઓ કરવાની અને પછી પાછા હતા ત્યાંને ત્યાં !
યાદ રાખજો, સમજદાર માળી તોફાનોને ગાળો દેતો નથી પરંતુ તેની સામે છોડ તૂટે નહીં તે માટે ટેકો બનાવે છે. તેવી જ રીતે માતા-પિતા, શિક્ષકો અને સમાજે ઉગતી પેઢીની ઊર્જાને રચનાત્મકતામાં વાળવાના ઉપાયોમાં સતત કાર્યરત રહેવું પડશે. મોબાઈલમાં કુંઠિત થઇને રહી ગયેલી પેઢીને રમતગમત, નૃત્ય, ગીત-સંગીત, કલા-કવિતા તરફ વાળવાના દરેક નાના-મોટા પ્રયત્નો કરવા પડશે. આ દરેક બાબત મનના ઉત્પાતને અભિવ્યક્તિમાં ફેરવે છે. આપણો ધ્યેય આગને ગૂંગળાવાનો નથી પરંતુ તેની જ્યોતને દીવામાં ફેરવવાનો છે. વધુમાં એ યાદ રાખજો કે શિસ્ત અને નૈતિકતાની મજબૂત સીમાઓ બાળકના ઘડતરના દરેક તબક્કે જરૂરી છે.
પૂર્ણ વિરામ
તમારું બાળક તમારો પડછાયો નથી, તમારું પ્રતિબિંબ છે !


