Get The App

ઓવરથિંકિંગ .

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઓવરથિંકિંગ                                                        . 1 - image

- એવી વિચારશૈલી છે કે જ્યાં મન ગતિ તો કરે છે પરંતુ પ્રગતિ નથી કરતું

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- વધુ પડતું વિચારવું-ઓવરથિંકિંગ એ માનવ ચેતનાની વર્ષો જૂની બેચેનીનું આધુનિક નામ છે. ઓવરથિંકિંગ એ વિચારોની સમસ્યા નથી, જાગૃતિની સમસ્યા છે. 

'સ ર, મારું મન બગડેલા રેગ્યુલેટરના સીલિંગ-ફેન જેવું ચાલે છે, જેની સ્પીડ ફૂલથી ઓછી થતી જ નથી અને અધૂરામાં પૂરું, સ્વિચ-ઓફ પણ થતું નથી, ફૂલ સ્પીડમાં ફરે જ જાય છે!' મનોચિકિત્સક તરીકેની મારી ચાર દાયકાની સફરમાં મેં મારા કન્સલ્ટિંગરૂમમાં મન વિશે, વિચારો વિશે, અસંખ્ય ઉપમાઓ સાંભળી છે, પરંતુ મનને પંખા જોડે સરખાવીને વાત કરતી વ્યક્તિને હું પહેલીવાર મળ્યો! 

'એ સિલીંગ-ફેન તમારું ઓવરથિંકિંગ કરતું મન છે' મેં કહ્યું. 

'પણ, સર થાકી જવાય છે, એના કરતા શારીરિક શ્રમ અનેકગણો સારો!' જાણે હાંફી ગયા હોય એવી રીતે એ બોલ્યા. 

વર્ષોથી એક વાત મને વિચિત્ર લાગતી આવી છે, લોકો પોતાની સમસ્યાઓ માટે અન્ય વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, ઘટનાઓ, તણાવ, ભાગ્ય વગેરેને દોષ આપતા હોય છે પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે પોતાની વિચારસરણીને દોષ આપે! વાસ્તવમાં તમારી વિચારશૈલી તમે માનો છો તેના કરતા વધુ સમસ્યાઓ પેદા કરી શકતી હોય છે અને ક્યારેક તો એ પોતે જ એક સમસ્યા હોય છે, જેમ કે વધુ પડતું વિચારવું - ઓવરથિંકિંગ! વધુ પડતું વિચારવું એ પરિસ્થિતિ નથી, તે વિચારવાની એક શૈલી છે, એક પેટર્ન, જ્યાં વિચારો લાઇનમાં ચાલવાને બદલે વર્તુળમાં ફર્યે જાય. મનની એક આદત, જ્યાં વિચારો નિયમન વગરના ટ્રાફિકની જેમ વર્તે છે! કો'ક રોંગ સાઇડ પરથી ઘૂસે, કો'ક રેલિંગ કૂદી જાય, કો'ક ફ્રી-લેન બ્લોક કરીને ઊભું રહી જાય, કો'ક તમારા વાહનને ઘસી જાય, કો'ક ડાબે સિગ્નલ આપીને જમણે વળી જાય તો કો'ક વળી સિગ્નલ વગર જ ! સરવાળે, ટ્રાફિક જામ, ખસવાનું એક ઇંચ પણ નહીં અને ઇંધણનો બગાડ! આ એવી વિચાર શૈલી છે કે જ્યાં મન ગતિ તો કરે છે પરંતુ પ્રગતિ નથી કરતું .એક રૂમમાં માણસ ફર્યે જાય અને વિચારે, કે જાણે એ દુનિયાની સફર પર હોય! મનને લાગે કે એ વિચારો થકી કંઈક ઉકેલી રહ્ય ું છે પરંત ુવાસ્તવમાં એ પોતાને જ થકવી રહ્યું હોય છે. 

ઓવરથિંકિંગથી પીડાતી વ્યક્તિઓ એકના એક વિચારો ચ્યુઇંગ-ગમની જેમ ચગળે જતી હોય છે અથવા એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ વિચારોને એક લૂપમા ં ફેરવે જતી હોય છે. અનિદ્રાથી પીડાતી એક યુવતી મને કહ ે 'ડોક્ટર દરરોજ રાત્રે મારા મગજમાં આખા દિવસનું  પુનરાવર્તન થાય છે અને સાથે સાથે તેનું એનાલિસિસ પણ ચાલે છે. જેમ ગાય એનો ખોરાક વાગોળે છે એમ હું મારી દિવસની ઘટનાઓ અને તેનું વિશ્લેષણ મારા મનમા ં ચગળ્યા કરુ ંછું . સરવાળે, મને મોડે સુધી ઊંઘ નથી આવતી. ક્યારેક તો મને  એવું લાગે છે કે સૂતી વખતે વિચારો ના આવતા હોય તો જાણે હું બેચેન થઈને, હાથે કરીને વિચારો કરુ ંછું' યુવતીએ એક મહત્વની કબૂલાત કરી અને  તે એ કે ઓવરથિંકિંગની આદત પડી જતી હોય છે, તમે એના વગર એક બેચેની અનુભવતા હોવ એવું પણ બને ! એકલતા, મૌન, અનિશ્ચિતતા, રાહ જોવામાં કે રાતમાં મન વધુ પડતું વિચારતું હોય છે. જ્યારે મન પાસે જવાબો કરતા સવાલો વધુ હોય છે ત્યારે ઓવરથિંકિંગ હંમેશા વધી જતું હોય છે. મનની લાગણીઓ વ્યક્ત ના થઈ શકે, ભયનો સ્વીકાર ના કરી શકાય કે નિર્ણયો મુલતવી રાખવામાં આવતા હોય ત્યારે પણ વ્યક્તિઓમાં આ વિચારશૈલી પ્રભાવી થઈ જતી હોય છે. અને આશ્ચર્ય તો એ વાતનું થશે  કે ઓવરથિંકિંગને કાબૂમાં રાખવા મન જેટલું મથે છે તેટલું ઓવરથિંકિંગ બેકાબૂ બનતું જાય છે. મનને વિચારો ના કરવા કહેવું એ સમુદ્રને મોજા ઉત્પન્ન ના કરવા કહેવા બરાબર છે. 

સાયકોલોજીમાં ઓવરથિંકિંગ વ્યાખ્યાયિત થયું તેના ઘણા પહેલા ભગવદ્ ગીતામાં મનને ચંચળ અને  ઉચ્છૃંખલ કહેવાયું છે. બુદ્ધે તો કાબૂ બહારના વિચારો કરતા મનને વીંછી કરડેલા વાંદરા સાથે  સરખાવ્યું  છે ! વાસ્તવમાં વધુ પડતું વિચારવું-ઓવરથિંકિંગ એ માનવ ચેતનાની વર્ષો જૂની બેચેનીનું આધુનિક નામ છે. હ ું મારા સમજી શકે એવા ઘણા દર્દીઓને કહેતો હોઉં છું કે ઓવરથિંકિંગ એ વિચારોની સમસ્યા નથી, જાગૃતિની  સમસ્યા છે. તમે તમારા વિચારો પ્રત્યે જાગૃતિ કેળવવા માંડો તો મનના વિચારોની ઝડપ ઘટે છે, મન શાંત થવા માંડે છે. વાસ્તવમાં વિચારોની સંખ્યા આપણને હેરાન નથી કરતી પરંતુ એક ડગલું પાછળ ખસીને આપણે એ વિચારોના ઝુંડને સાક્ષીભાવે જોઈ નથી શકતા એ બાબત આપણી પરેશાનીનું કારણ હોય છે. આટલું જો સમજાતુ હોય તો તમને એ પણ સમજાઈ જશે કે જે વિચારશૈલીની ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી તે મેટાકોગ્નિટિવ થિંકિગ ઓવરથિંકિંગનો રામબાણ ઈલાજ છે. જે ક્ષણે તમે એ જોઈ શકો કે તમારું મન ઓવરથિંકિંગ કરી રહ્યું છે તે જ ક્ષણે તમે અડધું યુદ્ધ તો જીતી જાવ છો. આ ક્ષણે તમે વિચારો સામે લડતા યોદ્ધા મટીને સાક્ષી બની જાવ છો. વિચારો ભલે ત્યાંના ત્યાં હોય પરંતુ એની પકડ ઢીલી પડવા માંડે છે! 

મન શાંત થવા માંડે છે કારણ કે કોઈ જવાબદારીપૂર્વક એને જોઈ રહ્યું છે. ખાલી સીસી-ટીવી કેમેરાની હાજરીથી લોકોનું વર્તન નથી બદલાઈ જતું?! 

ઘણા લોકોના ઓવરથિંકિંગ પાછળ તેમની નિર્ણય લેવાની નબળી ક્ષમતા કારણભૂત હોય છે. તેઓ નક્કર પગલાં લેવા માંગતા નથી હોતા. દા.ત. તમે નોકરી છોડવા અંગે નિર્ણય ના લઈ શકતા હોવ તો સહજ રીતે એ બાબતમાં વિચારો કર્યે જ જતા હોવ છો! નિર્ણય લેવો એ તો હિંમત અને જવાબદારીનું કામ છે, જ્યારે તેની સરખામણીએ ખાલી વિચારોમાં જ અટવાયેલા રહેવું તો સલામત બાબત છે! પરિણામે, નિર્ણય લેતા ડર લાગે અને મન માત્ર વિચારોમાં અટવાયેલું રહે. અને યાદ રાખજો, જીવન ક્રિયાઓથી આગળ વધે છે, નક્કર કાર્ય કે પગલાં વગર માત્ર વિચારો પર અટકી જવું એ તો એક પિંજરામાં પુરાઈને રહેવાની વાત છે! 

ઓવરથિંકિંગ અટકાવવા માટે એક નાનકડી કસરત હું હંમેશા શીખવાડતો હોઉં છું - તમારા વિચારોની ડાયરી બનાવો, ડાયરી બનાવતા જ વિચારો પ્રત્યેની જાગૃતિ શરૂ થઈ જાય છે. તમારા એક સરખા કે એકબીજા સાથે જોડાયેલા વિચારોને સમૂહમાં મૂકી તેમને નામ આપો. જેમ કે 'ભવિષ્યનો ભય', 'જૂના વિચારોની રેકોર્ડ', 'કાલ્પનિક હોનારત' વગેરે. જ્યારે તમે ઓવરથિંકિંગને નામ આપો છો ત્યારે વિચારોને સમૂહમાં જોવા અને તેના અંગે સ્પષ્ટતા કેળવવી સરળ બની જાય છે. આ ઉપરાંત માઇન્ડફુલનેસ-વર્તમાનમાં રહેવાની આવડત અને તેનો રોજિંદો મહાવરો મનને શાંત કરવાનો અકસીર ઉપાય છે. વિચારોને જોતા રહેવાનો મહાવરો તમારા ઓવરથિંકિંગનો અકસીર ઉપાય છે. 

પૂર્ણવિરામ 

મનના વિચારોને શાંત કરવાની જરૂર નથી હોતી, માત્ર તેને જોવાની આવડત કેળવવાની હોય છે. સાક્ષીની હાજરીમાં વિચારો તો આપમેળે જ શાંત થઈ જતા હોય છે!