Get The App

વધતી વય અને એકલતાથી ભય વધે, આત્મવિશ્વાસ ઘટે

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
વધતી વય અને એકલતાથી ભય વધે, આત્મવિશ્વાસ ઘટે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- નકારાત્મક ટિપ્પણીઓથી વડીલોનો કોન્ફિડન્સ ઓછો થતો જશે, એ તમારા પર વધુ અવલંબિત થતા જશે, જીવનમાંથી એમનો રસ ઓછો થતો જશે અને સરવાળે, તમારી જવાબદારીઓમાં વધારો થશે

મે લબર્નના યારા રિવરફ્રન્ટનો સાઉથબેંક એકદમ હેપનિંગ પ્લેસ છે, રહેવાસીઓ અને પ્રવાસીઓ બંનેથી ધમધમતું રહેતું સ્થળ છે. ત્યાં બેઠા હોવ તો સમય ક્યાં સરકી જાય એ ખબર ના પડે. મેં ઘણી સાંજ ત્યાં વોક કરવામાં અને બેસવામાં ગાળી છે. એક સાંજે હું ત્યાં બેન્ચ ઉપર બેઠો હતો ત્યારે બાજુમાં એક યુવતી જોગિંગ કરીને બેન્ચના બીજા છેડે બેઠી, પરસેવો લૂછતા લૂછતા એણે પોતાની વોટર-બોટલ મોઢે માંડી. હું એને જોઈ રહ્યો હતો, મને એ ભારતીય લાગી. મારી નજર એની પર હતી એવી ખબર હોય તેમ એણે બોટલ બાજુમાં મૂકીને મારી સામે સ્માઇલ આપ્યું.

'આજે ગરમી છે, નહીં ?' મેં સામે સ્માઇલ આપતા કહ્યું.

'હા, અહીંની ગરમી ઈન્ડિયાની ગરમી કરતા જુદી અનુભવાય' એણે પણ મને ભારતીય તરીકે ઓળખી લીધો. હું હજી વાત આગળ વધારવા જાઉં એ પહેલા જ એણે મને કહ્યું, 'જસ્ટ અ સેક, હું મારા મમ્મી માટે મોરિંગા ટેબ્લેટસ ઓર્ડર કરી દઉં નહીંતર પાછું ધ્યાન બહાર જતું રહેશે' એણે બે-ત્રણ મિનિટમાં એનું કામ પતાવ્યું અને ફરી મારી સાથે વાતચીતમાં જોડાઈ 'સોરી, અહીં બધું જાતે કરવાનું હોય છે એમાં કામ યાદ આવે તો હું પતાવી જ દઉં કારણ કે પછી બીજા કામે ચઢી જઈએ તો ભુલાઈ જાય.'

'ઇઝી' તમે પ્રવાસી હોવ છતાં ઘણીવાર લોકલ શબ્દો તમારી વાતચીતમાં અનાયાસે આવી જતા હોય છે. એણે મારા ત્યાં પ્રચલિત એવા શબ્દના પ્રયોગ માટે હાવભાવથી આશ્ચર્ય પ્રગટ કર્યું. અમે દસ-પંદર મિનિટ વાત કરી એમાં મને ખબર પડી કે તે દસેક વર્ષથી મેલબર્નમાં રહે છે અને તેના બાસઠ-ત્રેસઠ વર્ષના માતા-પિતા ચંદીગઢમાં.

વાત વાતમાં તેણે એ પણ કહ્યું કે તે પોતે આઈટી એન્જિનિયર છે અને માતા-પિતાને તકલીફ ના પડે તે માટે બધું ઓનલાઇન મેનેજ કરે છે. ઘર પણ 'એલેક્સા' સાથે જોડી દીધું છે એટલે લાઇટ-પંખા માટે પણ 'એલેક્સા' સેવામાં હાજર રહે, માતા-પિતાને કોઈ તકલીફ ના પડે ! તેની વાતોથી એવું લાગ્યું કે માતા-પિતાના જીવનમાં તે સદેહે હાજર નથી પરંતુ ટેકનોલોજી સ્વરૂપે સદા સાથે છે ! યુવતીના આ અભિગમ સાથે હું સંમત નહતો, આવી છૂટક મુલાકાતમાં ચર્ચામાં ઉતરી આવવું એ મારા સ્વભાવમાં નથી એટલે હું તેની વાત સાંભળતો રહ્યો. થોડીવાર વાતો કર્યા પછી તે ઉઠીને ચાલી ગઈ અને મારી પાસે સમય હતો એટલે હું સાઉથ બેંક ઉપર મારા વિચારો સાથે લટાર માંડવા ઉપડયો.

સ્વાભાવિક છે કે આ નાનકડો પ્રસંગ વાંચીને ઘણા વાચકોને થશે કે છોકરી કેટલી કેરિંગ કહેવાય ! મારી દ્રષ્ટીએ એ કેરિંગ કહેવાય એની ના નહીં પરંતુ તેની આ પ્રકારની સંભાળ માં-બાપને પરવશ બનાવનારી છે. જેમ વ્યક્તિ ઉંમરલાયક થતી જાય કે એકલી પડતી જાય તેમ તેનો રોજિંદા જીવનમાં આત્મવિશ્વાસ ઘટતો જાય અને ભય વધતો જાય. આ સંજોગોમાં તેનું બધું મેનેજ કરી આપવાથી તેનો આત્મવિશ્વાસ વધવાને બદલે ઓર ઘટતો જાય છે અને તે તમારા ઉપર વધુ અવલંબિત-ડિપેન્ડન્ટ થવા માંડે છે ! આ યુવતીના માતા-પિતા એટલા વૃદ્ધ નહતા કે તેણે આવી રીતે સહાય કરવી પડે, વાસ્તવમાં તો એ તેમને વધુ નબળા બનાવી રહી છે. હરી-ફરી શકે એવી ઉંમરમાં 'એલેક્સા' તમારી સેવામાં રહેશે તો અવસ્થા થતા પહેલા તમારા હાથ-પગ રિટાયર્ડ થઈ જશે ! શરીરનું તો એવું છે કે 'યુઝ ઇટ ઓર લૂઝ ઇટ', શરીરની જે ક્ષમતા નહીં વાપરો તે ક્ષમતા ઘટતી જશે અને સરવાળે ગુમ થઈ જશે. જેમ કે, મોબાઈલના આવવાથી ફોન નંબર મોઢે રાખવાની ક્ષમતા ! દરેક યુવાન કે મધ્યમ વયની વ્યક્તિને મારી સલાહ છે કે તમારા ઉંમરલાયક થઈ રહેલા માતા-પિતાને ક્યારેય 'તમને નહીં આવડે', 'તમને નહીં સમજાય', 'તમને ખબર નહીં પડે', 'તમારાથી ના થાય' વગેરે વાક્યો બોલીને હતોત્સાહ ના કરશો. આ પોતાના પગ પર કુહાડો મારવા જેવી વાત છે, તમારી આવી નકારાત્મક ટિપ્પણીઓથી એમનો કોન્ફિડન્સ ઓછો થતો જશે, એ તમારા પર વધુ અવલંબિત થતા જશે, જીવનમાંથી એમનો રસ ઓછો થતો જશે અને સરવાળે, તમારી જવાબદારીઓમાં વધારો થશે. માં-બાપ ભલે ઉંમરલાયક થતા જાય, એમની ક્ષમતાઓ ભલે ઘટતી જાય પરંતુ તમારું પ્રોત્સાહન ઓછું ના થાય તે જોજો. તમારું કામ એમની હિંમત વધારવાનું છે, એમની હિંમત તોડવાનું નહીં. એમને મદદ અચૂક કરવાની છે પરંતુ પરવશ નથી બનાવવાના એ બાબત તમારી કોમન-સેન્સથી સમજવાની છે. ટેકનોલોજીથી બધું કરી આપવાને બદલે તેમને ટેકનોલોજીનો ઉપયોગ 

કરતા શીખવો, માનસિક રીતે તે વધુ સશક્ત બનશે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે તે હરતા-ફરતા રહે તે જરૂરી છે, બને એટલો રિમોટ કંટ્રોલ દૂર રાખો. તેમને પ્રવૃત્તિમાં રાખવાના છે, નિવૃત્ત નથી કરી દેવાના નહીંતર તેમનામાં અને ઘરના ફર્નિચરમાં ભેદ નહીં રહે !

જીવનનો અફર ક્રમ છે, દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે ભૂમિકાઓ બદલાવા લાગે છે. જે હાથ તમને એક સમયે સ્થિર રાખતા હતા તે ધૂ્રજવા લાગે છે. જે આંખો એક સમયે તમારી ખોવાયેલી સ્કૂલબેગ શોધતી હતી તે હવે તેમના ખોવાયેલા ચશ્મા માટે તમારી તરફ જુએ છે. આ એક નાજુક, ભાવનાત્મક અને ઘણીવાર મુંઝવણભર્યું પણ એક નિશ્ચિત પરિવર્તન છે. આપણામાંથી ઘણા પ્રેમ અને અપરાધભાવનાથી વધુ પડતી ચિંતા કરવા લાગે છે અને વધુ પડતી સંભાળ લેવાના ચક્કરમાં તેમને વધુ નિસહાય બનાવી દે છે !

સમજાય તો મારી આ વાત વૃદ્ધોના સશક્તિકરણની છે. તેમને રૂટિનમાં સક્રિય રાખો અને નાના કામ જાતે કરવા દો. નાના કાર્યો તેમને સાતત્ય અને ઉપયોગીતાની ભાવના આપે છે. તેમની પસંદગીનો આદર કરો, તમે અસંમત હોવ ત્યારે પણ, તેમનો આત્મ-વિશ્વાસ વધશે. તેમને શીખવામાં મદદ કરો, અવલંબિત રહેવામાં નહીં. જો તેઓ મોબાઇલ ફોન કે એટીએમ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે ભૂલી જાય - તો તેમના માટે તે ન કરો. ધીરજથી શીખવો, ભલે તમે તેને દસ વાર પુનરાવર્તન કરો. ઘરના રોજિંદા કાર્યોમાં તેમની ભૂમિકા અને ઓળખ જાળવી રાખો. ઘરની બાબતોમાં તેમને સામેલ રાખો, સાઇડલાઇન ના કરો. જ્યારે તમારું ધ્યાન તેમના માટે કરવાને બદલે તેમને સક્ષમ કરવા તરફ હશે ત્યારે તેમની અવસ્થા તેમના અને તમારા માટે બોજ બનીને નહીં રહી જાય...

પૂર્ણવિરામ:

તમારી સાચી ક્ષમતા અગવડમાં વ્યક્ત થાય છે, સગવડમાં નહીં !

Tags :