Get The App

લોકો તેમના સંજોગો કરતાં વધારે વિચારોની મર્યાદાઓમાં અટવાયેલા હોય છે!

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
લોકો તેમના સંજોગો કરતાં વધારે વિચારોની મર્યાદાઓમાં અટવાયેલા હોય છે! 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- વૈચારિક મર્યાદાઓ કે પરંપરાગત વૈચારિક ઢાંચામાં વિચારતા લોકોનું મન બંધ ઓરડામાં જીવતું હોય છે પરંતુ જ્યારે આ જ મનમાં કલ્પનાઓ આકાર લેવા માંડે ત્યારે બંધ ઓરડામાં જાણે અચાનક એક બારી ખુલે છે અને સર્જનાત્મકતાથી છલકાતું વૈચારિક વિશ્વ છતું થાય છે !

'સં સાધનોની કોઈ અછત નથી, કલ્પનાની અછત છે' - વિચારોના સંદર્ભમાં એક મનોવૈજ્ઞાનિક તથ્ય છે. આપણું મજગ ગજબની ફળદ્રુપતા ધરાવે છે પરંતુ કમબસીબે બહુ ઓછી વ્યક્તિઓ આ ફળદ્રુપતાનો પોતાની વૈચારિક સમૃદ્ધિ કેળવવા માટે ઉપયોગ કરી શકે છે. જેમ ફળદ્રુપ જમીનમાં પણ સારો પાક લેવા માટે યોગ્ય આયોજન અને વાવણી કરવી પડતી હોય છે તેમ મગજના કિસ્સામાં પણ કલ્પનાઓનું વાવેતર કરવું પડતું હોય છે. વાસ્તવમાં લોકો તેમના સંજોગોમાં એટલા ફસાયેલા નથી હોતા જેટલા તેમના વિચારોની મર્યાદાઓમાં અટવાયેલા હોય છે, તેવો મારો વ્યાવસાયિક અનુભવ છે. વૈચારિક મર્યાદાઓ કે પરંપરાગત વૈચારિક ઢાંચામાં વિચારતા લોકોનું મન બંધ ઓરડામાં જીવતું હોય છે પરંતુ જ્યારે આ જ મનમાં કલ્પનાઓ આકાર લેવા માંડે ત્યારે બંધ ઓરડામાં જાણે અચાનક એક બારી ખૂલે છે અને સર્જનાત્મકતાથી છલકાતું વૈચારિક વિશ્વ છતું થાય છે ! જે નહતું દેખાતું એ દેખાવા માંડે છે અને જે અશક્ય લાગતું હતું તે શક્ય બનવા માંડે છે. બસ, આ જ છે સર્જનાત્મક વિચારશૈલીનો જાદુ ! અશક્યને શક્યમાં ફેરવવાની કળા ! માત્ર એક વિચારબીજ થકી જીવન અને વિશ્વ બદલવાનો કીમિયો !!

ચાલો, વિચારસરણીઓની સરખામણીઓનું એક રસપ્રદ ઉદાહરણ આપું. એક વ્યસ્ત દિવસની શરૂઆતમાં કામ પર જતા, લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયેલી વ્યક્તિઓ જુદી જુદી રીતે કેવું વિચારતી હોય છે ?! ક્રિટિકલ થિંકરના મનમાં પ્રશ્નો પૂછાવા માંડશે. પરિસ્થિતિને સ્વીકારતા પહેલા તે સિસ્ટમ પર પ્રશ્નો ઉઠાવશે. બેદરકાર ડ્રાઈવર્સ, નિષ્કામ પોલીસ, ટ્રાફિક સેન્સ વગેરે બધું જ એના મગજમાં ચાલશે અને આક્રોશ પેદા કરશે. એનાલિટીકલ થિંકર મનમાં ગણતરીઓ માંડતો હશે કે આ જામને કારણે તે કેટલો મોડો થઈ શકે ? શું આ જામમાંથી બહાર નીકળવાના કોઈ બીજા વિકલ્પ શક્ય છે ? એકવાર નીકળી જવાય પછી મારે વૈકલ્પિક રસ્તે આગળ જવું જોઈએ ? કામ સુધી પહોંચવાની આખી સફરને નાના નાના ભાગમાં વિચારવા માંડશે. પરંતુ, સર્જનાત્મક વિચારક-ક્રિએટિવ થિંકર જામને તકમાં ફેરવે છે. એ વિચારે છે કે જામને દૂર કરવા ટ્રાફિક પોલીસ કાર્યરત છે અને એ ક્લિયર થાય ત્યાં સુધી હું ઓડિયોબુક સાંભળી શકું છું, જૂના મિત્રને ફોન કરી શકું છું અથવા મારી આસપાસના લોકોને પણ જોઈ શકું છું. કદાચ આ ટ્રાફિકમાં થીજી ગયેલી કારના અનુભવ વિશે પછીથી લખી પણ શકું છું ! અનુભવ એ જ છે, રસ્તો એ જ છે, પરંતુ મનની અંદરની સફર સંપૂર્ણપણે અલગ છે !

તમને સમજાઈ જ ગયું હશે કે સર્જનાત્મક વિચારસરણી અંગે વાત કરી રહ્યો છું. તમારા મગજની ફળદ્રુપતાનો યોગ્ય અને શક્ય તેટલો વધુ ઉપયોગ કરતી વિચારશૈલી એટલે ક્રિએટિવ થિંકિંગ. એક જ પ્રકારના સેન્સરી ઇનપુટ્સને ચિલાચાલુ રીતથી આગળ વધીને નવી જ રીતે, નવા સંદર્ભમાં, નવી શક્યતાઓ તપાસતી આ વૈચારિક કળા છે. કળા એટલા માટે કે તે બધાને નૈસર્ગિક રીતે ઉપલબ્ધ નથી હોતી, તેને વિકસાવવી પડે છે. વાસ્તવમાં આ વિચારશૈલી વિકસાવવા તર્કને નકારવાની જરૂર નથી પરંતુ તર્કના પિંજરામાં કેદ નથી થવાની અને 'નહીં તો શું ?! ઉરચા ૈક ?!દ, 'કેમ નહીં ?! ઉરઅ ર્હા?! જેવા પ્રશ્નો પૂછવાની મનની સ્વતંત્રતા કેળવવાની વાત છે. વિચારોમાં વૈવિધતા અને નવીનતા લાવવા માટે સર્જનાત્મકતા પાયાની જરૂરિયાત છે. જ્યારે આપે એક જ પ્રકારની પેટર્નમાં વિચાર્યા કરતા હોઈએ છીએ ત્યારે મગજમાં કંટાળો જન્મે છે અને જીવન એક ચોક્ઠામાં બંધાઈને રહી જાય છે પરંતુ ક્રિએટિવ થિંકિંગ તમારામાં નવી જ ઊર્જાનો સંચાર કરે છે. આ ઊર્જા નવીનતાની જનેતા છે, દુનિયાની તમામ શોધો તેનું પરિણામ છે. જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજા અનેક દરવાજા ખુલવાની શક્યતાઓનો જન્મ થાય છે - ક્રિએટિવ થિંકિંગ માટે આ બંધબેસતી વાત છે. શક્યતાઓ વિશે વિચારતી આ વિચારશૈલી તમને 'રેઝિલિયન્ટ' એટલે કે સ્થિતિસ્થાપક બનાવે છે અને તમે જીવનના તણાવોનો વિચલિત થયા વગર સામનો કરી શકવાની ક્ષમતા કેળવી શકો છો. એવું રખેને માનતા કે સર્જનાત્મક વિચારશૈલી માત્ર સર્જકો કે સંશોધકો માટે જ છે, સામાન્યમાં સામાન્ય માણસ પોતાના રૂટિનમાં સર્જનાત્મકતા લાવી શકે અને પોતાની રોજ રસપ્રદ બનાવી શકે. ઘણા કિસ્સાઓમાં સર્જનાત્મકતા નૈસર્ગિક હોય છે પરંતુ તમારા માટે વધુ મહત્વની વાત એ છે કે તેને કેળવી પણ શકાય છે. કોઈપણ વિચારસરણી કેળવવા માટે તમારે મહાવરો 

કરવો પડતો હોય છે. તો શરૂઆત કરો વસ્તુઓને જુદી રીતે વિચારવાની, રોજનો પાંચ મિનિટનો મહાવરો પણ બદલાવ લાવી શકે છે - ખુરશી વાત કરી શકતી હોત તો ?! વ્યક્તિઓ એક જ સમયે એક કરતા વધુ સ્થળ પર હાજર રહી શકતા હોત તો ?! - જેટલું વધુ યોજનાબદ્ધ વિચારશો તેટલા વધુ વિચારો તે દિશામાં વિકસિત થશે. શરૂઆતમાં તો મહાવરાના પ્રશ્નો શોધવામાં તકલીફ પડશે પરંતુ વિચારો વિકસિત થતા બધું આપોઆપ થશે, બસ સાતત્ય જળવાવું જોઈએ. મારી પાસે આવા પ્રશ્નો અને તે અંગે મેં વિચારેલા મુદ્દાઓની એક ડાયરી છે, તમે પણ એક ડાયરી બનાવો, વર્ષ પછી જુઓ શું પરિણામ મળે છે ! કોઈ પણ કળા શીખો - સંગીત, વાજિંત્ર, ચિત્રકામ, નૃત્ય, કવિતા વગેરે - સર્જનાત્મકતા ખીલશે. વિચારોની કસરત થાય તેવી કાર્ડ-ગેમ્સ, બોર્ડ-ગેમ્સ પઝલ્સ-કોયડા વગેરે પણ સર્જનાત્મક વિચારશૈલી વિકસિત કરવામાં મદદરૂપ થાય છે. યાદ રાખજો, સર્જનાત્મક રીતે વિચારવું એ કોઈ દિવાસ્વપ્ન જોવાની વાત નથી પરંતુ શક્યતાઓને તપાસવાની-શોધવાની અને ઉપયોગી શક્યતાને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાની વાત છે.

પૂર્ણવિરામ

જ્યાં તર્કનો અંત આવે છે ત્યાં સર્જનાત્મકતાની યાત્રા શરૂ થાય છે. સર્જનાત્મક વિચારશૈલી વગરનું જીવન કેવળ પુનરાવર્તન છે પરંતુ તેની સાથે, જીવન પુનર્વિચાર છે.