વિવિધા - ભવેન કચ્છી
કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ
બસ હવે એકાદ મુદત જેટલી જ વાર છે
મદ્રાસ હાઈકોર્ટે દેશમાં સૌપ્રથમ વખત કોર્ટરૃમની બહાર ટીવી સ્ક્રીન ગોઠવી કેસનું જીવંત પ્રસારણ કર્યું હતું
યુ ટયુબ પર ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કે કોર્ટની વેબસાઇટ પર કલિપિંગ્સ કે લાઈવ પ્રસારણ થઈ શકે
અમેરિકામાં ઓ જે સિમ્પસન પરથી મર્ડર યૂ ચલનું ૧૭૬ દિવસ ટીવી પ્રસારણ થયું હતું અમેરિકાની કોર્ટ આર્કાઈવ્ઝમાં ૧૯૫૫થી તમામ રેકોર્ડિંગ ઉપલબ્ધ છે
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની કાર્યપદ્ધતિ સામે સિનિયર જજોએ પ્રશ્ન ઉઠાવ્યા તેવી ઘટના વિશ્વના કોઈ ન્યાયતંત્રએ જોઈ નથી. 'પદ્માવત'ના હોબાળા હેઠળ આ અતિ ગંભીર પ્રકરણનું 'મીડિયા ડાયવર્ઝન' થઈ ગયું અને અગ્નિએ ફરી ભારેલા અગ્નિની સ્થિતિ ધારણ કરી લીધી.
બરાબર આ વિવાદના અરસામાં જ કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ થવું જોઈએ અને નાગરિકોનો પણ તેને મેળવવાનો અધિકાર હોવો જોઈએ તે ચર્ચાએ જોર પકડયું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે. ગોયલ અને યુ.યુ. લલિતની બેન્ચ સમક્ષ આ અંગેની દાદ માંગતો કેસ આવતા તેઓએ એવો અભિપ્રાય આપ્યો હતો કે સુપ્રીમ કે હાઈકોર્ટની કોઈપણ પ્રકારની ગતિવિધી ખાનગી ના હોવી જોઈએ. એડવોકેટની દલીલો, જજની ટીપ્પણી અને ચુકાદા સુધીની પ્રક્રિયા ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ થવું જ જોઈએ.
આમ તો છેલ્લાં ત્રણેક વર્ષથી આ દિશા તરફ કોર્ટ આગળ વધી જ રહી છે. ગત માર્ચથી રાજ્યની બે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કોર્ટરૃમની અંદર અને મહત્વના પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ અપાયો છે. જોકે તેમાં ઓડિયો રેકોર્ડિંગ સામેલ નથી. આરટીઆઈ હેઠળ પણ આ ફૂટેજ કોઈને ના મળે તે પ્રકારે વર્તમાન જોગવાઈ છે પણ હવે તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે.
કેન્દ્રે સરકારે પણ સમર્થન આપતા સોલિસિટર જનરલ પિન્કી આનંદે એવો રીપોર્ટ આપ્યો છે કે આ ઓડિયો વિડિયો રેકોર્ડિંગ પ્રોજેક્ટના અમલ માટેનું નેટવર્ક, નાણાંકિય જોગવાઈ વગેરે પર હવે કામ કરવામાં આવે.
હવે દેશની ૨૪ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટસ સૌપ્રથમ સીસીટીવી કેમેરાથી સજ્જ થવા માંડી છે. છત્તિસગઢ, દિલ્હી, ગુજરાત, પંજાબ, હરિયાણા, તમિલનાડુના બેથી પાંચ જિલ્લાની ટ્રાયલ કોર્ટમાં આ સીસ્ટમ અમલી છે. તે પછીના તબક્કે દેશની તમામ ટ્રિબ્યુનલ કોર્ટને આવરી લેવામાં આવશે. નીચલી કોર્ટસમાં ઓડિયો રેકોર્ડિંગથી અમલીકરણ થશે.
ભારતની ટોપ કોર્ટસની ઈ-કમિટિ કે જે ન્યાયતંત્રમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના પ્રસાર માટે કાર્યરત છે. તેઓ કોર્ટની કામગીરીના રેકોર્ડિંગની તરફેણમાં નથી પણ હવે સુપ્રીમ કોર્ટે જ હૂકમ કર્યો હોઈ તેઓનું કંઈ ચાલે તેમ નથી.
કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ થવું જોઈએ તેની ગયા વર્ષે માર્ચમાં હિલચાલને જન્મ પણ એક રસપ્રદ ઘટનાએ આપ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં છૂટાછેડાનાં એક કેસનો ચૂકાદો પતિ મહાશયની વિરૃદ્ધમાં આવ્યો અને તેને લાગ્યું કે અમુક મુદ્દતમાં તેની ગેરહાજરીમાં તેનો કેસ બગડે તેમ કોર્ટમાં દલીલો થઈ હશે. તેણે કોર્ટની કાર્યવાહીના ઓડિયો-વીડિયો રેકોર્ડિંગની માંગ કરી. સ્વાભાવિકપણે આવી કોઈ વ્યવસ્થા નહોતી તેણે કોર્ટને એમ પણ કહ્યું હતું કે હું મારા ખર્ચે કોર્ટ રૃમમાં સીસીટીવી અને રેકોર્ડિંગ સેટ અપ ગોઠવવા તૈયાર છું.
તેના પગલે આગળ જતાં વધુ એક જાહેર હિતની અરજી થઈ હતી. સીસીટીવી ફૂટેજથી શરૃ થયેલી આ જાગૃતિ હવે કોર્ટમાં ચાલતા મહત્વના અને દેશના નાગરિકોને જાણવા જરૃરી છે તેવા કેસની કાર્યવાહીનું હવે જીવંત પ્રસારણ કરી શકાય કે કેમ તે ચર્ચાની એરણ પર આવી ગયેલ મુદ્દો બન્યો છે.
સુપ્રીમ કોર્ટના સીનીયર વકીલ ઈન્દિરા જયસિંઘે આ જ પ્રકારની જાહેર હિતની અરજીની સુનવણી દરમ્યાન એવું સુચન કર્યું છે કે ઈન્ટરનેટ પર સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી જીવંત પ્રસારણ કે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગનો વિકલ્પ વિચારવો જ જોઈએ. ઈન્દિરા જયસિંઘે ટાંક્યું હતું કે ૧૯૬૭માં નવ જજોની બનેલી પેનલે સીમાચિહનરૃપ ચૂકાદો આપ્યો હતો કે કોર્ટના રૃમમાં નાગરિકોને પ્રવેશવાની છૂટ હોવી જોઈએ. તે વખતે ઓડિયો-વીડિયો નહતા પણ પેનલનો મર્મ એ જ હતો કે કોર્ટ પ્રક્રિયા જાહેર અને નાગરિકોને પ્રાપ્ય હોવી જોઈએ.
ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચ હવે એ માંગ પર વિચારણા કરી રહી છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ વેબસાઇટ પર જીવંત પ્રસારણ (લાઈવ સ્ટ્રીમિંગ)નો નિર્ણય લે ત્યાં સુધી પસંદગીના કેસોની કાર્યવાહીનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ યુ ટયુબ પર મુકી શકે કે કેમ.
જોકે કાયદાના નિષ્ણાતો એ વાત પર ખાસ ભાર મુકે છે કે રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગની પ્રથાને ન્યાયતંત્ર સામેના અવિશ્વાસની તરીકે ન જોવી જોઈએ. નાગરિકોને ન્યાયતંત્ર પરત્વે સન્માન જળવાઈ રહે અને તેઓને તટસ્થ ન્યાય મળે છે તેવી પ્રતિતી થાય તે આશય પર મુકવો જરૃર છે.
૨૦૦૩થી લોકસભા અને ૨૦૦૪થી રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે જેને લીધે નાગરિકોને લોકશાહીની પ્રણાલી પરત્વે આદર તો જન્મે જ છે પણ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિ મતવિસ્તારના કે દેશના પ્રશ્નોમાં કઈ હદે જાગૃત કે નિષ્ક્રિય છે તેનો ક્યાસ પણ નીકળી શકે છે. સાંસદોની ગેરશિસ્ત, અભદ્ર શબ્દપ્રયોગ કે તોડફોડ, મારામારી જેવી ઘટનાઓ પર પણ નિયંત્રણ આવ્યું છે. હવે વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ પણ પ્રાદેશિક ચેનલમાં નિયમિત બનાવી શકાય.
દૂરદર્શન ઉપરાંત હવે તો લોકસભા અને રાજ્યસભાની અલાયદી ટીવી ચેનલ છે. એ દિવસો દૂર નથી કે ભારતમાં કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ દર્શાવતી ટીવી ચેનલ જ હોય. યુ ટયુબ પર કલિપિંગ્સ નીહાળી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે ૧૫૦ વર્ષથી કાર્યરત મદ્રાસ હાઈકોર્ટ ૨૦૧૫માં દેશની એવી પ્રથમ કોર્ટ બની હતી કે જેણે મદુરાઈના બે એડવોકેટ સામેના કોર્ટ તિરસ્કારના કેસનું જીવંત પ્રસારણ કર્યું હતું.
જોકે તે ઘેર ઘેર ટીવીમાં બેસીને જોઈ શકાય તેવું સેટેલાઇટ પ્રસારણ ન હતું. આ કેસમાં નાગરિકો, તમિલનાડુના કાયદા જગતને એ હદે દિલચશ્પી હતી કે જ્યાં કેસ ચાલતાં હતાં તે કોર્ટનો હોલ નંબર ચાર નાનો પડતો હતો ત્યારે જજે કોર્ટરૃમની બહાર ખુલ્લા પ્લોટમાં મોટું ટીવી મૂકીને તેનું જીવંત પ્રસારણ થાય તેવી વ્યવસ્થા કરી હતી. રાજ્યના નાગરિકોએ ફરજીયાત હેલ્મેટ પહેરવા પડશે તેવા ચૂકાદાને બે એડવોકેટોએ પોતે જ હેલ્મેટ નહીં પહેરી પડકાર્યો હતો.
તેમની સામેના આ કેસની કાર્યવાહીમાં રાજ્યના નાગરિકોને ભારે રસ હોય તે સ્વાભાવિક હતું કેમકે તે હેલ્મેટ ફરજીયાત બને છે કે નહીં તે અંગેની કાર્યવાહી હતી.
ભારતમાં આ પ્રકારનો વિચાર કેમ તે પછી ૧૩ વર્ષે પ્રબળ બન્યો તે સમજાતું નથી. ખરેખર તો ભૂતકાળમાં એકપણ બેંચે તેનો વિરોધ નથી કર્યો. વિદેશમાં આ સીસ્ટમ વર્ષોથી અમલમાં છે.
અમેરિકામાં ઓ.જે. સિમ્પસન સામેના હત્યા કેસે ખળભળાટ મચાવ્યો હતો. આ કેસનું ૧૩૪ દિવસ સુધી ટીવી પ્રસારણ બતાવાયું હતું. અમેરિકાના કોઈપણ ટીવી શો કરતા આ ટ્રાયલના પ્રસારણની ટીઆરપી ટોપ પર રહી હતી. બાસ્કેટબોલ કે અમેરિકન ફૂટબોલ કરતા પણ ઓ.જે. સિમ્પસન ટ્રાયલ હોટ અને હીટ રહી હતી.
તેવી જ રીતે સાઉથ આફ્રિકામાં 'બ્લેક રનર' તરીકે જાણીતા પેરાલિમ્પિક ચેમ્પિયન ઓસ્કાર પિસ્ટોરિયસે તેની પ્રેમિકા રીવા સ્ટીનકેમ્પની હત્યા કરી તે કેસે પણ તરખાટ મચાવ્યો હતો. પ્રીટોરિયાની કોર્ટમાં ચાલેલા આ કેસની કાર્યવાહી બચાવ પક્ષના વકીલની ધમાકેદાર ફિલ્મી સ્ટાઈલની દલીલોને લીધે પ્રેમિકાના પરિવારને ન્યાય મળશે કે કેમ તેની તંગદિલી સર્જાઈ હતી. આ સમગ્ર કેસનું ટીવી પર કોર્ટ રૃમથી જીવંત પ્રસારણ થતું હતું.
અમેરિકામાં સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તમામ કેસોના બંને પક્ષકારો, જ્યુરીની દલીલોનું ઓડિયો રેકોર્ડિંગ મુકવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ તેને વેબસાઇટ પર જ સાંભળી શકે છે કે પછી ઓડિયો ડાઉનલોડ કરી શકે છે. તેને રોજેરોજ વેબસાઇટ પર નહીં મુકાતા દર શુક્રવારે અઠવાડિયાના રાઉન્ડ અપ તરીકે મુકવામાં આવે છે.
આપણે તો હજુ કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ કે લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ કે કેમ તેની ચર્ચા પ્રારંભી છે પણ અમેરિકામાં છેક ૧૯૫૫થી તમામ કેસોનું ઓડિયો રેકોર્ડિંગ આર્કાઈવ્ઝમાં સચવાયેલું છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ આ જ રીતે ઓડિયો ઉપલબ્ધ છે. વિકસિત દેશો તો ઠીક નાઈજીરીયા જેવા દેશો પણ મહત્વના કેસોને યુ ટયુબ પર મુકે છે.
બંધારણની કલમો કે નાગરિકોને સ્પર્શતા કેસોનું પ્રસારણ કરો : ઈન્દિરા જયસિંઘ
સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કે રેકોર્ડિંગ દેશના નાગરિકોને જોવા મળે તેવી પીટીશન સુપ્રીમ કોર્ટની સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંઘે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે જેને ચીફ જસ્ટિસ દિપક મિશ્રા સહિતની બેચે જેમ બને તેમ ઝડપથી હાથમાં લેવાની ખાતરી આપી છે. ઈન્દિરા જયસિંઘે દેશના નાગરિકોને પણ સોશિયલ મીડિયાથી આવો પડઘો પાડવા અપીલ કરી છે.
ઈન્દિરા તેની પીટીશનમાં જણાવે છે કે એવા કેશો કે જે બંધારણની કલમોને તેમજ દેશના નાગરિકોને સીધી રીતે સ્પર્શે છે તેનું જીવંત પ્રસારણ કે કમ સે કમ કઇ રીતે કોર્ટમાં તેની કાર્યવાહી થાય છે, ચૂકાદો અપાય છે તે જાણવા - જોવાનો અધિકાર હોવો જોઇએ. નવી પેઢીના કાયદાના વિદ્યાર્થીઓને પણ પ્રસારણ જોઇ તાલીમ મળી શકે ફોજદારી કેસો કે જેમાં સાક્ષી બનતી વ્યક્તિની ગોપનિયતા જરૃરી હોઇ તેવા કેસોને કે પછી ફેમિલી કોર્ટ પ્રકારના અંગત કેસોને જાહેરમાં મૂકવામાંથી બાકાત રાખી શકાય.
ઈન્દિરાએ જણાવ્યું કે ઉદાહરણ તરીકે આધાર કાર્ડ, સજાતિય સંબંધો ધરાવતા જનસમુદાય કે માનવ હક્કની જાળવણીના કેસોને જીવંત બતાવવા જોઇએ. તેમણે કહ્યું કે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય જ છે અને તે જ કારણે આપણે કુલભુષણ જાદવની કાર્યવાહી જોઇ શક્યા.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar