સ્વસ્થવૃત્ત- શાંતિભાઇ અગ્રાવત
બાળકોને વિશેષ સતાવતો વ્યાધિ સૂત્રકૃમિ
કૃમિધ્ન, દીપન, પાચન અને રક્ત વર્ધક ઔષધો બાળકની ઉંમર પ્રમાણે આપવા.
બાળકોને વિશેષ સતાવતા સૂત્રકૃમિ (ThreadWorms) એ પેટમાં થતાં કૃમિનો એક પ્રકાર છે.
આ કૃમિ (કરમીયા) પાતળા દોરા જેવા હોય છે. માદાકૃમિની લંબાઈ અર્ધાથી પોણા ઇંચની હોય છે. નરની લંબાઈ આશરે ૧/૪ ઇંચ હોય છે.
આ કૃમિ મોટા આંતરડાની આરોહી ભાગ (એસેન્ડીંગ કોલન) અને અવરોહી ભાગ (ડીસેન્ડીંગ કોલન)માં વાસ કરે છે. વિકાસ પામે છે. માદા હજારો ઇંડા મૂકે છે.
જે દર્દીના મળ મારફત બહાર નીકળે છે અને ચેપ ફેલાવે છે. મળ વિસર્જન કર્યા પછી ગુદાને સાફ કરવા માટે પાણીનો કે ટીસ્યુ પેપરનો હાથ વડે ઉપયોગ થાય છે.
આથી નખમાં ઇંડા ભરાઇ રહે છે. હાથ નખ સારી રીતે ધોયા વિના ઉપયોગ કરવાથી એટલે કે કંઈ ખાવાથી મોંમાં ઇંડા જાય છે. ગંદા હાથે કોઈ વસ્તુને અડવાથી એમાં અંડા આવી જાય છે એ વસ્તુ ખાવાથી ઇંડા પેટમાં જાય છે. સૂત્રકૃમિનાં દર્દીના મળમાં પુષ્કળ ઇંડા હોય છે. આ ખુલ્લા મળ પર માખી મચ્છર બેસી પછી ખાદ્ય વસ્તુ પર બેસવાથી ઇંડા એમાં આવે છે.
આ ઇંડાવાળી વસ્તુ જે ખાય છે તે સૂત્રકૃમિનો દર્દી બને છે. સામાન્ય રીતે ગંદા સંડાસ, ગંદુ પાણી ચેપ લાગેલા કાચા શાકભાજી અને ફળો ખાવાથી ઇંડા પેટમાં પહોંચે છે.
આ કૃમિની વિશેષતા એ છે કે, મોઢા મારફત હોજરીમાં જાય છે અને ઇંડા હોજરીના એન્જાઈમ્સથી ફાટે છે અને કૃમિ બહાર નીકળે છે.
મોટા આંતરડામાં વાસ કરે છે તમે વિચાર તો કરો કે, અર્ધા ઇંચની માદા પુષ્કળ ઇંડા મૂકે છે. એ ઇંડાનું કદ કેવડું હશે. સૂત્રકૃમિ બાળકોને વિશેષ થાય છે. કોઈપણ ઉંમરે સ્ત્રી અને પુરુષ બન્નેને થઈ શકે છે.
નવા જમાનામાં બાળક એક કે બે હોય છે. આધુનિક માતા એવું સમજતી હશે કે, બાળકને વધારે ટોકવાથી વિકાસ અટકે છે આવા કોઈ કારણે વધારે લાડથી રાખે છે.
જેથી ખાવાપીવા પર બાળકને કોઈ પ્રતિબંધ હોતો નથી. એને ગમતો મધુર અને અભિષ્યંદી ખોરાક વધારે ખાય છે. જેથી બાળકનું પાચનતંત્ર નબળું પડે છે અને કૃમિઓ ઉત્પન્ન થાય છે. મોઢા મારફત આવતાં ઇંડાને આંતરડામાં રહેવાની અનુકૂળતા કરી આપે છે.
આ કૃમિવ્યાધિ થવાથી ગુદામાં તીવ્ર ખુજલી આવે છે.
જેથી બાળક ગુદા આજુબાજુ ખૂબ જ ખંજોળે છે. વધારે ખંજોળવાથી સોજો થાય છે. આ કૃમિની બીજી વિશેષતા એ છે કે, બાળક સૂતુ હોય ત્યારે રાત્રે માદાકૃમિ ગુદા મારફત બહાર નીકળે છે અને તીવ્ર ખુજલી ઉત્પન્ન કરે છે. આ ખુજલીથી બાળક ત્રાસી જાય છે.
આ કૃમિથી શીળસ (Urticaria) પણ અવારનવાર સતાવે છે. આ ઉપરાંત બાળકને અરૃચિ, પાંડુ, શારીરિક વિકાસ મંદ, ક્યારેક ઝાડા તો ક્યારેક કબજિયાત વિ. તકલીફો થાય છે.
આ વ્યાધિથી કાયમી છૂટકારો મેળવવો હોય તો સ્વચ્છતાને ખૂબ જ મહત્ત્વ આપવું. લેટ્રીન સ્વચ્છ રાખવું. પાણી અને ખાવાપીવાની વસ્તુ શુદ્ધ રહે એ માટે ખાસ કાળજી રાખવી. સંડાસ જઈ આવ્યા પછી સાબુથી બાળકનાં હાથ ધોવરાવવા.
જમતા પહેલા સાબુથી હાથ ધોવા પડે. ખાંડ, ગોળવાળા અને અભિષ્યંદીપદાર્થો બંધ કરવા.
કૃમિધ્ન, દીપન, પાચન અને રક્ત વર્ધક ઔષધો બાળકની ઉંમર પ્રમાણે આપવા.વાવડીંગ, ખુરાસાની અજમો, કપીલો, પલાશબીજ અને કરંજબીજ દરેક એક તોલા લેવી.
દેશી ગોળ ૨।। તોલા લઈ એકત્ર કરી બારીકચૂર્ણ બનાવવું.
આ ચૂર્ણ ૨ રતિ ગોદંતી ૧ રતિ, પુનર્નવામંડૂર ૧ રતિ, મેળવી સવાર સાંજ દસ પંદર દિવસ આપવું.
બાળકની ઉંમર પ્રમાણે ઔષધોની માત્રાનો નિર્ણય કરવો.
નાનું બાળક હોય તો ઉપર બતાવેલ ઔષધોથી અર્ધી માત્રા આપવી.
વિડંગારિષ્ટ જમ્યા પછી આપવો. કબજિયાત હોય તો એક ઝાડો થાય એટલું દિવેલ આપવું.
આ ઉપરાંત કૃમિકુઠારસ, બાલચાતુર્ભદ્ર ચૂર્ણ, પુનર્નવામંડૂર, તાપ્યાદિ લોહ, કુમારી આસવ, વિડંગારિષ્ટ, ગોદંતીભસ્મ આમાંથી એક કે બે પસંદ કરી લાંબો વખત આપવું.
જરૃર જણાય તો ચિકિત્સકનું માર્ગદર્શન લેવું. ગુદાની ખુજલી બંધ કરવા માટે લીંબોળી તેલ અને એરંડ તેલ મેળવી લગાવવું.