Get The App

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન

ગ્રંથાલયોની ગઈકાલ અને આજ... પ્રત્યેક પુસ્તક વાચક શોધે છે...

લાઈબ્રેરીમાં પુસ્તક

Updated: Nov 29th, 2017

GS TEAM


Google News
Google News

૧.
જેમ ઢળતી બપોરે
કોરા ભૂરા સૂના આભમાં ઊડે
સમડી સરતી હોય
જેમ કોરા કાગળ પર
પહેલું વાક્ય શ્વાસ લેતું હોય
જેમ ગાઢ દૂધ જેવી ધોળી પીઠ પર
એક તલ ઝબકતો હોય
તેમ લાઈબ્રેરીની ઘેરી ચળકતી મેજ પર
એક પુસ્તક પડયું છે.
૨.
લાઈબ્રેરીના આ ઓરડામાં
પાછળની બારીમાંથી રેલાતો સાંજનો કૂણો અજવાસ છે
મેજ પર દિવસોથી ઠરેલી ધૂળની ગંધ છે
પુસ્તક પર વીતેલાં વર્ષોના સ્પર્શ છે
આસપાસ પાનાનાં પલટાવાનો રવ
પુસ્તક સામે હું
પુસ્તકમાં હું
પુસ્તકમાંથી હું.
૩.
લોખંડના ઠંડા રેકની ઉપરની અભરાઈ પરથી
એક પુસ્તક ઉતારું છું
હાર્ડ-બાઉન્ડ, કથ્થઈ, જીર્ણ
પાસેની બારીના ઉજાસમાં સહેજ તપાસું છું
પાનાની ઉપરની ધાર પર
દાયકાઓથી બાઝેલી ધૂળ છે
અંદર કાર્ડ પર કોઈની સહી નથી
વર્ષોથી આ પુસ્તક અહીં જ પડયું હશે
વણસ્પર્શ્યું, એમ ને એમ
ખરીને પડી રહેલા બાળપણનાં કોઈ દુ:ખની જેમ
પહેલા પ્રેમની સ્મૃતિની જેમ
ઉનાળામાં ઊપસી આવતા અવસાદની જેમ
પલંગ પર પડી રહેલી વૃદ્ધ માની જેમ
વીસરાઈ ગયેલા કોઈ સંજોગની જેમ.

- અજય સરવૈયા

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન 1 - imageદરેક પુસ્તકને તેનો વાચક મળવો જોઈએ. દરેક વાચકને તેનું પુસ્તક મળવું જોઈએ. ગ્રંથાલય શાસ્ત્રનો આ નિયમ વર્ષો પહેલા મનમાં ઘૂંટાયાનું યાદ છે. આજે ગુજરાતી પ્રકાશકો અને સર્જકોની એક જ ફરિયાદ છે. પુસ્તક ક્યાં વંચાય છે ? ક્યાં વેચાય છે ? મને યાદ છે બાળપણથી શહેરના જાણીતા ગ્રંથાલયોને જોતો આવ્યો છું. એક સમયે વાચકો ઉભરાતા હતા. આજે પરિસ્થિતિ સાવ જુદી છે.

હા, ઘણાં ગ્રંથાલયો આધુનિક થઈ ગયા છીએ. હવે કમ્પ્યુટર ઉપર ટાઈટલ ઈન્ડેક્સ, ઓથર ઈન્ડેકસ, સબજેકટ ઈન્ડેક્સ હોય છે પણ વાચક ક્યાં ? ગુજરાતી પુસ્તકો અને ગુજરાતી સાહિત્ય વાંચવામાં કોઈને રસ જ નથી રહ્યો. લાઈબ્રેરી સુધી જવામાં આળસ છે. બધું જ કમ્પ્યુટર ઉપર અને મોબાઈલમાં હાથવગું છે. માત્ર ડીગ્રીઓ અને પરસનટેજનું મહત્વ છે ત્યારે લાઈબ્રેરી સાથે આપણે કેટલા ટકા ?

પુસ્તકોના મહત્ત્વ વિશે અનેક કવિઓએ અનેક કાવ્યો લખ્યા છે. પરંતુ આજે ગ્રંથાલયોની સ્થિતિ ધુ્રજી જવાય એવી છે. દુ:ખી થઈ જવાય તેવી છે. લાઈબ્રેરીઓની હાલત જોઈને હચમચી ઉઠાય છે. લાઈબ્રેરીમાં પુસ્તક વિશે અજય સરવૈયાએ ત્રણ ચિત્રો દ્વારા ત્રણ ખંડમાં એક સુંદર કાવ્ય આપ્યું છે. આકાશમાં સમડી ઊડતી હોય છે ગમે તેટલી ઊંચાઈએ પણ તેની નજર હોય છે જમીન ઉપર શિકારને ઝડપવામાં.

કોરા કાગળ ઉપર પહેલું વાક્ય લખાયું હોય અને એ વાંચનારની પ્રતિક્ષામાં હોય કે કોઈ આગળ કશુંક લખશે કે નહીં તેમ ઝોલા ખાતું હોય, સફેદ પીઠ ઉપર એક કાળો તલ ઝબકતો હોય બસ એમ જ લાઈબ્રેરીના સુંદર ટેબલ ઉપર એક પુસ્તક પડયું છે. સમડી સજીવ છે. લખેલું વાક્ય શ્વાસ લઈ રહ્યું છે. કાળો તલ ધબકે છે એટલે જીવંત છે પરંતુ પુસ્તક હવે લાઈબ્રેરીનો મધ્યાહન નથી તપતો એવા સમયે સાવ નિર્જીવ પ્રતિક્ષામાં પડયું છે.

બીજા ખંડમાં લાઈબ્રેરીની સાંજ કાં તો સાંજના સમયે લાઈબ્રેરીની વાત થઈ છે. દિવસોથી ટેબલ ઉપર ધૂળ બાઝેલી છે. જૂની ધૂળની પણ એક ગંધ હોય છે. પાછલા વર્ષોમાં એ પુસ્તક વારંવાર વંચાયેલું હશે પણ આજે કવિ એકલા-એકલા પુસ્તકના પાના ફેરવે છે અને એ પાના ફરવાનો અવાજ પુસ્તકમાંથી આવે છે. કવિ પુસ્તકમાં છે, પુસ્તકની સામે પણ છે અને પુસ્તકમાંથી પણ ક્યાંક બ્હાર નીકળી ગયેલા છે.

હજારો પુસ્તકો વચ્ચે ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં મેં ઘણાં વર્ષો ગાળ્યા છે. ક્યા વિષયનું ક્યું પુસ્તક કઈ બાજુ ક્યા ખાનામાં હશે એ એક સમયે કડકડાટ આવડતું હતું. રંગનાથી વર્ગીકરણ મોંઢે હતું. નવા આવતા પુસ્તકની પ્રોસેસ ખબર હતી. એક પુસ્તક લેખક લખે અને લાઈબ્રેરી દ્વારા વાચક સુધી પહોંચે તેની યાત્રા રોમાંચક હોય છે. ગ્રંથાલયોનો સુવર્ણકાળ મેં જોયેલો છે. હવેના બદલા સમયમાં પુસ્તકનું જગત કેવું હશે એ કલ્પનામાં નથી આવતું.

કવિતાના ત્રીજા ખંડમાં વર્ષોથી ધૂળ બાઝેલું વર્ષોથી કોઈએ ય હાથમાં ન સ્પર્શેલું પુસ્તક જોઈને હૃદય કેવું કંપી ઊઠે છે એ વાત થઈ છે. બાળપણનું કોઈ દુ:ખ એવું હોય છે જે હજુએ એટલું જ તાજું હોય છે અને એટલું જ સૂનું હોય છે. પહેલો પ્રેમ મોટાભાગે ઉપરછલ્લા આકર્ષણથી વધારે ના હોઈ શકે અને છતાંય તે ભૂલાતો નથી હોતો અને એ એટલો જ દુ:ખદ પણ હોય છે.

પલંગમાં મૃત્યુની પ્રતિક્ષામાં સૂતેલી વૃદ્ધ માતાની જેમ કે ભૂલાઈ ગયેલા કોઈ સંજોગની જેમ જાણે પુસ્તકો પડયા છે. વાચકની પ્રતિક્ષામાં. કવિતામાં જે કહેવાયું હોય છે તેના દ્વારા એક ન કહેવાયેલું વિશ્વ ઉઘડતું હોય છે. કોઈ એક સમયે પુસ્તક વિશે લખેલી મારી કવિતા આ ક્ષણે યાદ આવી રહી છે.

પુસ્તક મિત્ર છે.
આપણા એકાંતનું.
તે વડીલ છે, સંસ્કારનું.
પુસ્તક તમે ખોલો છો તેની સાથે જ
ખૂલવા લાગે છે તમારુ હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તમને અરીસાની જેમ
જોઈ શકો છો.
પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા
અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.
જ્યારે શ્રધ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જીવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તક દીવાદાંડી છે.
પુસ્તક હૂંફ છે, ટેકો છે.
પુસ્તક બહાર અને
ભીતરને જોડતો સેતુ છે.
પુસ્તક વિનાનો માણસ
ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય
તે પહેલાં ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :