Get The App

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

બિછડકે તુઝસે, બહુત દૂર એક વાદીમેં બબાઈ હૈં તેરી યાદોંકી અંજાુમન મૈંને

Updated: Sep 20th, 2017

GS TEAM


Google News
Google News
સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી 1 - image

જિંદગીના ગણિતમાં ક્યારેક જેને સરવાળો માન્યો હોય, એ બાદબાકી બનીને રહી જાય છે, અને જે પ્રસંગને ગુણાકાર માન્યો હોય એ ભાગાકારનો ભાર બનીને રહી જાય છે. ન સમજાયું ને ? જો કે મને ય ઘણું મોડું સમજાયું છે....

...હું ગૌરવી રાજલ, એટલે રાજરમતમાં નિપુણ ગણાતી એક ઉચ્ચ કોમની રૃપાળી નજરમાન રમણી. ખેલ પૂરો થઈ ગયા પછી ખિલૌનાને પગની ઠેસ વડે હસતાં હસતાં હડસેલી દેવાની કળા તો મને વારસામાં મળેલી છે.

એટલે તો બત્રીસ વર્ષની યુવાનવયે ઉજ્જવળ કારકિર્દીના અગણિત પગથિયાં સડસડાટ ચડી જઈને હું એક મસમોટી ફાઈનાંસ કોર્પોરેશનની એરકન્ડીશન્ડ એકઝીક્યુટીવ બની જઈ શકી હતી. મારી મહેતાબી ખૂબસુરતની મહેકમાં મદહોશ બનીને મારી આસપાસ મંડરાતા ફરતા બેવકૂફ પુરુષ-ભ્રમરોએ હંમેશાં મારી કારકિર્દીના પગથિયાં પર લાલજાજમ બિછાવ્યા કરી હતી અને એના પર પગ મૂકી મગરૃર કદમે એક પછી એક શિખર સર કરતાં હું ઝડપથી એકઝીક્યુટીવી આસમાન પર બિરાજી શકી હતી.

દર શનિવારે સાંજે કલબ હાઉસમાં મારા જેવી વ્યવસાયી સ્ત્રીઓના વૃંદમાં હું રાજરાણીનાઠાઠથી વિરાજતી હતી, તેમ તે દિવસે પણ બિરાજેલી હતી.

''જેણે 'કરીઅર' બનાવવી હોય એણે પ્રેમ અને લગ્ન જેવી ક્ષુલ્લક લાગણીવેડાથી ભરેલી ફાલતુ બાબતોમાં રસ જ ન લેવો જોઈએ.'' એક ચર્ચા દરમ્યાન મેં મારું દ્રષ્ટિ-બિંદુ રજૂ કરેલું, ને જેમ હંમેશાં બનતું તેમ મિસીસ નોવિસે ''ગૌરવની વાત સાચી છે. લગ્નજીવનની પળોજણ કારકિર્દીમાં આડખીલીરૃપ બની જાય છે.'' કહી મારી વાતને ટેકો આપેલો અને બાકી બધાંએ પણ ટેકામાં માથું હલાવીને. પણ એના વિરોધમાં સામાન્ય સરકારી હેડકલાર્ક ગણાતી શ્રીમતિ સૌરભી સાગરની શબ્દ-ચાબુક મારા અહમ્ પર જનોઈવઢ ઘા કરી ગયેલા,

''કોઈ ઑફિસનો વહીવટ કરવો અને કોઈના પ્રેમ-પુષ્પની સુગંધ માણવાની ક્ષમતા હોવી એ બે વચ્ચે બહુ મોટું અંતર છે મિસ રાજલ. પ્રેમ એકેરીયરીસ્ટોનું નહીં, જાતને દાવ પર લગાવી શકે તેવા જુગારીઓનું કામ છે.''

અને એ ઘાથી સમસમી ગયેલી મેં જાણે સૌરભીની એ ચેલેંજ ઉપાડી લીધી. ત્યારે અલગ સાથે મારે નવી નવી ઓળખાણ થયેલી. અલગ એક સુપ્રસિદ્ધ ગઝલ-ગાયક હતો એને સ્વયં એટલો જ અદ્ભૂત ગઝલકાર. અને આંખોના આકાશને મેં સહેજ ખુલ્લું મૂકતાં, છત્રીસમા વર્ષે પણ આંખમાં સપનાં આંજી એકલા વિહરતા અલગારી અલગને મારી મધુર મુસ્કાનમાં એની કલ્પનામૂર્તિ સજીવન થતી લાગી, ને તોફાની સમંદરની જેમ એની લાગણીઓ મારા પર ઘુઘવી રહી-ઝળુંબી રહી.

અને ફરી એકવાર સૌરભીની હાજરીમાં જ મેં વાત કાઢી, ''અલગ આઝાદને તમે કોઈ ઓળખો છો ખરા ?'' ''પેલો ઘેરા સ્વીટ વોઈસવાળો ગઝલ-ગાયક છે એ ?'' મિસીસ નોવિસે કીધું ''ટી.વી.ના પરદે ઘણીવાર જોયો-સાંભળ્યો છે એને, પણ રૃબરૃમાં નહીં સૌરભીએ ઉત્સુક સ્વરે કહ્યું.''

''હા એ જ. હમણાં આવતો જ હોવો જોઈએ મને લેવા. દુનિયા એની પાછળ પાગલ છે, અને એ મારી પાછળ'' મેં સહેજ ગરૃરભેર કહ્યું

અને રેશમી રંગીન ઝભ્ભા-પાયજામામાં સજ્જ, ઊંચા સોહામણા અલગ સાથે હાથમાં હાથ પરોવીને વિદાય થતી વેળાં મેં સૌરભી તરફ જે વિજય ટંકારભરી નજર નાંખી હતી એ હજી ય મને યાદ છે. અને એ પણ યાદ છે કે તે દિવસે જ અલગે પ્યારથી મારી જાુલ્ફોંને રમાડતાં પ્યારભર્યાં વિહ્વળ સ્વરે મને કહ્યું હતું કે....

''ગૌરવી ! ચાલ હવે આપણે જલ્દી પરણી જઈએ. તારી ક્ષણ માત્રની દૂરી મારા લાગણીશીલ મનને વિહ્વળ કરી મૂકે છે. બસ પછી તું મારી સામે હીંચકા પર ઝુલ્યા કરજે, ને તારી આંખોનો ખુમાર મારા સ્વરમાં ઘુંટી-મારી કલમમાં પૂરી, હું મારા શ્રેષ્ઠ સર્જનો દુનિયાને ભેટ ધરતો રહીશ. બોલ ક્યારે તારા મમ્મી-ડેડીને મળવા આવું હું ?''

લગ્નબંધનને એકાએક ગળે વળગવા આવતું જોઈ હું સતર્ક બની ગયેલી, ને એક 'એક્ઝીક્યુટીવી' ઠંડાશથી મેં અલગને ઉત્તર આપેલો,

''જોઉં ! ડેડી 'મૂડ'માં હશે ત્યારે હું જ પૂછી લઈશ.'' અને મારી ઠંડાશથી ઠંડા થઈ ગયેલા અલગને અવઢવમાં અટવાતો મૂકી હું ચાલી ગયેલી.

સૌરભીની સામે હું જીતી ચુકી હતી. અને એક અસાધારણ પ્રતિભાશાળી યુવાનને મારી પાછળ ઘેલો બનાવી મૂકવાનો મારો અહમ્ સંતોષાઈ ચુક્યો હતો. એટલે અલગ મારા માટે હવે નકામું થઈ ચુકેલું રમકડું હતું. અને ધીમે ધીમે સ્મિતભરી સિફતથી મેં અલગથી અળગા થવા માંડયું. મારા એ અલગાવથી બહાવરો બની ગયેલો અલગ મને મોબાઈલ કરતો ને.....

''અલગ સોરી ! આજે નહીં મળી શકાય. મારા જેવી એક વ્યસ્ત એક્ઝીક્યુટીવને પ્રેમ સિવાય પણ ઘણાં કામ હોય છે'' જેવો સુક્કો ઉત્તર આપી, જેવી ઠંડાશથી હું ફોન કાપી નાંખતી તેવી જ રીતે અલગ સાથેનો સંબંધ પણ કાપતી ગઈ.

મારામાં ધીમી પણ ચોક્કસ ગતિએ આવી રહેલો એ ફેરફાર અલગને ઘણો મોડો પણ ધીરે ધીરે સમજાતો ગયો. સૌરભીને અલબત્ત જ્યારે ખડખડાટ હસતાં હસતાં મેં આ કહ્યું ત્યારે એ ગંભીર બની ગયેલી, અને એણે મને કહેલું,

''ગૌરવી ! વધુ મોડું થઈ જાય તે પહેલાં પાછી ફર. અલગ જેવા અલગારી આદમીનો ઈશ્ક બધાંને નથી મળતો. એને તારા એક્ઝીક્યુટીવી અહમ્ની આગમાં ભરખાવા ન દે. અશ્કખ્વાર અલગ તો એની વેદના એના સ્વરોમાં - સર્જનોમાં ઢાળી જશે. પણ ઢળતી ઉંમરે માથું ઢાળવા માટે જ્યારે કોઈ ખભો તને ખાલી નહીં મળે ત્યારે તું મહેસુસ કરીશ કે, તકલાદી કારકિર્દી અને અહ્મના આ અગન-ખેલમાં તું પોતે જ એક જલતો ખિલૌનો બનીને રહી ગઈ છે.''

સૌરભીની એ ગંભીર વાતને ત્યારે તો મેં 'શીટ્' કહીને મોઢું મચકોડીને ઉડાવી દીધી હતી. પણ આજે આ એકસઠની એકલવાઈ રિટાયર્ડ ઊંમરે મને એમ લાગે છે કે સૌરભી સાચી હતી.

અલગ તો પછી વિદેશ ચાલી ગયેલો ને ત્યાં જ સફત ગૌહર નામની કોઈ નવોદીત ગઝલ-ગાયિકા સાથે પરણી ગયેલો. એનાં આ સમાચાર મેં અખબારો થકી જાણેલાં. પણ અત્યારે આ ધુમ્મસી એકલવાઈ સાંજે, મારી સામે પડેલી અલગની ગઝલોની નવી ઓડિયો સી.ડી. 'અકેલી શામ' પરનો એનો હસતો ફોટોગ્રાફ જાણે મને કહી રહ્યો છે,

''ગૌરવી ! જિંદગીના ગણિતમાં ક્યારેક જે 'સરવાળો' લાગે એ પછી 'બાદબાકી' બની જાય છે. પણ એ જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હોય છે.'' અને હું અલગની ઓડીયો સીડી 'ઓન' કરું છું. અને મને લાગે છે કે, શાયર નઝર સિદ્દીની એ ગઝલના શબ્દો અલગના ઘેરા પૌરુષેય સ્વરમાં ઘુંટાઈને જાણે મને જ મુખાતિબ થઈને, મારા ધુમ્મસી એકાંતને વધુ ઘટટ બનાવી રહ્યાં છે.

બિછડકે તુઝસે, બહુત દૂર એક વાદીમેં,
બનાઈ હૈ તેરી યાદોંકી અંજાુમન મૈંને....
 

Tags :