રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
હું તો પ્રેમભરી મીઠી વાતો કરવા આવ્યો છું, લાગણીનાં વાવેતર કરવા આવ્યો છું ! - સૌરભ
વાતોથી પેટ ન ભરાય. મન પણ ન ભરાય ! પેટ રોટલો માગે, ને જવાની જવાબ માગે !
સ્માઇલ પરિન્દાની આદત છે, ને આદત એનો ગુણ બની ગઈ છે !
(ગતાંકથી ચાલુ)
'સૌરભજી ગમી જાય એવા છે. ફિલમનો હીરો જ જોઈ લો. કમાતા-ધમાતા માણસ છે પાછા, દીદીની ઓફિસમાં જ નોકરી કરે છે' ઇશાની વિચારી રહી. 'કેવા દીદીની જેમ હસીને વાત કરે છે ? કદાચ સ્માઈલ દીદી અને એમની આદત છે, ને આદત એમનો ગુણ બની ગઈ છે !
વાહ, આવા યુવાનને જોઈને કોણ ન આકર્ષાય ? હાશ, હવે તાળો મળી ગયો ! હવે બધો ખ્યાલ આવી ગયો ! દીદી વારંવાર આયનામાં જોયા કરે છે, કેમ ? દીદી કપડાંની બાબતમાં બેશક એલર્ટ છે, કેમ ? દીદી બહાર નીકળે છે ત્યારે ખાસ ગુલાબી કલરની સાડી જ શા માટે પહેરે છે ? કપડાં ને સ્પ્રે શા માટે કરે છે ? વાળ આગળ સ્ટાઇલથી હોળે છે, ને લટોનું કૂમતું લલાટ પર રમતું મૂકે છે, કેમ ?'
જવાબ મળી ગયો.
દીદીના મનની ધરતી પર યૌવનના લીલા તૃણાંકુરો ફૂટયા છે. દીદીનું ભીતર ફણગાયું છે, અંકુરિત થયું છે ! દીદી ચહેરા પર પાવડર છાંટીને જ બહાર નીકળે છે, શા માટે ? નોકરી કરવા ?
માત્ર નોકરી કરવા ?
નોકરીને અને પાવડરને શો સંબંધ ?
નોકરીને અને સ્પ્રે ને શો સંબંધ ?
નોકરીને અને ગુલાબી સાડીને શો સંબંધ?
નોકરીને અને લલાટ પર ખાસ સ્ટાઇલ રમતા મૂકાતા ફૂમતાને શો સંબંધ ?
સવાલો છે,
જવાબો નહોતા.
પણ હવે ?
જવાબ જડી ગયો છે.
જવાબ છે : મિ. સૌરભ !
ઓફિસમાં મિ. સૌરભ છે. સૌરભ સ્મિતાળ વ્યક્તિ તત્ત્વવાળા માણસ છે. તો દીદીય સ્માઈલીંગ ફેસ ધરાવે છે. બે સ્મિત સામસામે ટકરાય છે. એક સ્મિત કહે છે : 'પરિન્દા, આવી ગઈ તું ?'
'હા.'
'હું તારી જ રાહ જોતો હતો !'
'ને હું ય એટલી જ અધીરી હતી.'
'કેમ ?'
'તને મળવા ! જો, મારી સામે જો, ધારી ધારીને જો. લલાટ પર રમતા વાળના ફૂમતા સામે જો, ચહેરા પર ચળકતા-ચમકતા પાવડર સામે જો. સૂંઘી જો. તને ખાસ ગમતી સુગંધી સ્પ્રે કરીને આવી છું...!'
'વાહ !'
'ગમ્યું ?'
'ગમતા માણસનું બધું જ ગમે !'
ઇશાનીના મનમાં વિચારો ચાલી રહ્યા છે. કાલ્પનિક દ્રશ્યો વિઝયુલાઇઝ થઈ રહ્યાં છે. એક પછી એક દ્રશ્યો પસાર થઈ રહ્યાં છે. તો આ બાજુ પરિન્દાનું મન હજી સૌરભ સાથેની યાદોને વાગોળી રહ્યું છે. સૌરભે ઘેર આવીને કહ્યું હતું : 'પરિન્દા, લે, તુમને બુલાયા, ઔર મૈં આ ગયા !'
'આવી ગયો, તો બેસ.'
'શું કરીશું ?'
'વાતો.'
'માત્ર વાતો ?'
'બીજું તો શું હોય ? વાતો સિવાય થઈ પણ શું શકે ?'
'પણ એનો અંત આવે તેમ તું કેમ વિચારતી નથી ? માત્ર વાતોથી પેટ ન ભરાય. પેટ રોટલો માગે, ને જુવાની જવાબ માગે ! પરિન્દા, મારી જુવાની વારંવાર મારી પાસે જવાબ માગ્યા કરે છે ને હું એકાદ સરસ મજાનો વાયદો આપી દઉં છું.'
'પહેલા ચાલ, એકબીજાની એંઠી કોફી પી નાખીએ. પછી જ તું કહે છે એવી ગંભીર ચર્ચા આપણે કરીશું.'
'ભલે.'
કોફી આવી. એક જ કપ...પ્રેમીપંખીડાંને એંઠી કોફી પીવી બહુ ગમે છે. કહે છે કે : 'એથી પ્રેમ વધે છે !'
એંઠી કોફી પીવાઈ ગઈ. પછી પરિન્દા બોલી : જમવાનું બનાવી દઉં છું.
'કેમ ?'
'જમવું તો પડશે ને ?'
'એવો સમયનો બગાડ ન પાલવે. હું તને મળવા આવ્યો છું. બે ઘડી દિલ હળવું કરવા આવ્યો છું. પ્રેમભરી મીઠી વાતો કરવા આવ્યો છું. લાગણીનાં વાવેતર કરવા આવ્યો છું.'
'વાહ, મારા કિસાન પ્રેમી' તમે તો વાવેતર પણ કરી જાણો છો ? વાહ, વાહ ! આપણે સાથે જ લાગણીનો પાક લણીશું.
'હા, લણીશું. પણ તું રસોઈ બનાવવા માટે કીચનમાં ગોંધાઈ રહે, ને હું અહીં એકલો જ બેસી રહું, એ મને નહિ પાલવે. ચાલો, આજે હોટેલમાંથી ટિફિન જ મંગાવી લઉં છું...'ને સૌરભે પરિન્દા પર નજર નાખી : 'આજે તો તમે મસ્ત લાગો છો ને કાંઇ ? માથાના વાળમાં ફૂલ ખોસ્યાં છે ને કાંઈ ?'
'તું આવવાનો હોય એટલે હું બની ઠનીને જ બેસું છું, સમજ્યો ?'
'સમજી ગયો !'
'શું ?'
'તમે આજે અપ્સરા જેવાં કેમ લાગો છો તે !' ને પછી અચાનક એણે પૂછી નાખ્યું : 'ઢોલ ક્યારે વગાડવવાં છે ? શરણાઈના સૂર ક્યારે છેડવા છે ?'
'કહું ?'
'કહે.'
'નાનીનું પતે એટલે'
'પતાવી દઈએ.'
'જુઓ નાનીને સત્તર વર્ષ તો ક્યારનાંય થઈ ગયાં છે આવતી પાંચમી તારીખે અઢાર પણ પૂરાં થઇ જશે !'
'પછી ?'
'એનાં લગ્ન !'
'કોની સાથે ?'
'લતિકાના ભાઈ સૌહાર્દ સાથે. હું બધું જ જાણું છું. એનાં લગ્ન કરી નાખીએ.'
'પછી ?'
'આપણી વાત.'
પરિન્દા એ કહ્યું : 'ઇશાની, તારી પસંદગીનો કોઈ યુવક હોય તો કહેજે ?'
'છે !' ઇશાનીની સાથે આવેલી લતિકાએ તે દિવસે કહ્યું.
'તેને લઇને આવ. તારાં મા-બાપને વાત કરીશું.'
'જરૃર.'
ને એ દિવસે બધુ જ પતી ગયું. સૌહાર્દ હેન્ડસમ યુવાન હતો. ઇશાની અને સૌહાર્દ એક મેકને પસંદ કરતા હતાં. એક જ જ્ઞાાતિ હોવાથી સૌહાર્દનાં મમ્મી-પપ્પાને ય કશો વાંધો નહોતો. તારીખ પણ નક્કી થઈ ગઈ !
'અને દીદી, તમે ?'
'અમારુંય પતી જશે !'
'સૌરભજી રાજી છે ને ?'
'આવી વાતમાં કોણ રાજી ન હોય ?'
ને માનશો ?
એ દિવસે માંડવો બંધાયો. બાજોઠો મૂકાઈ ગઈ. સાજનમાજને ગીત ગાયાં. બંને વરરાજા પણ રજવાડી વેશભૂષામાં સજ્જ થઈને આવી ગયા. બાજોઠે બેઠા. સરખી સાહેલીઓએ ગીતો ગાયાં. ગોર મહારાજે કહ્યું : 'કન્યાના મામા કન્યાને પધરાવે.'
કન્યાઓના મામાઓ બે કન્યાઓને લઈને માંડવે આવ્યાં. હસ્તમેળાપ થયા. મીંઢળ બંધાયાં ફેરા ફરાયા ને બંને બહેન માંડવા નીચે કંકુ આળી થઈ ગઈ.
ઈશાનીએ પરિન્દાને કાનમાં કહ્યું : 'દીદી, મારું પતી ગયું !'
'હવે મને તારી ચિંતા નથી. એટલે મારું ય પતી ગયું !'
ને બેય બહેનો સુહાગી સપનાંમાં સરી પડી.