Get The App

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

રૃપ અને યૌવન જોઇને ભલભલા મુનિવરો ભલે ચળે, નાગજીભાઇ નહીં !!

મને ના ઓળખી? હું છું કંચના ! તમારી કંચના !!

Updated: Nov 29th, 2017

GS TEAM

Google News
Google News
રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ 1 - image

'નાગજીભાઇને ઓળખો છો ?'

'લો કરો વાત, નાગજીભાઇને ન ઓળખું ? બને જ નહિ ! એક જ નાગજીભાઇ તો છે આ ગોશાલા ગામમાં !'

'એ કેવા ?'

'નંબર વન !'

'તો ય ?'

'ચારિત્ર્યમાં નંબર વન. અખંડ બ્રહ્મચર્યના ઉપાસક સ્વભાવના નંબર વન. જીવદયા આચરનારા. મળતાવડા ! એમાં ય પાછા ગાયો તો એમને જીવ કરતાં ય વહાલી. એ નીકળ્યા હોય ને સામે ગાય મળે તો ય બે હાથ જોડી દે : 'પ્રણામ માતાજી !' આખા ય ગામમાં કોઇની પણ ઊંચનીચ વાત થઇ શકે, પણ નાગજીભાઇની નહિ. કારણ કે એ માણસ જ એવા છે. એ પરણ્યા નથી, પરણવા માગતા નથી અને પરણશે પણ નહિ ! એ કહે છે કે 'હું મરતાં પહેલાં વીલ કરતો જઇશ કે મારી તમામ સ્થાવર-જંગમ મિલકત ગૌશાળા બનાવવામાં તથા ચલાવવામાં વાપરવામાં આવે !'

સંવાદ છે, ગોશાલા ગામના બે જણ વચ્ચેનો. પણ આવો જ સંવાદ ગામના કોઇપણ બે જણ વચ્ચેનો હોઇ શકે ! એનું ય કારણ છે : નાગજીભાઇ આ ગામના છે. 'ગૌભવન' નામે એમનો ગામની છેવાડે બંગલો છે. એમાં એ રહે છે. ગાયો માટે એમના મનમાં આદર છે. એ કહે છે : 'ગાય તો માતા છે. ેએનાં જેટલાં માન જાળવીએ એટલાં ઓછાં. ગાયો માટે હું બધું જ કરી છુટીશ.'

'પણ નાગજીભાઇ-'

'બોલો.'

'તમારાં પત્નીને નહિ ગમે તો ?'

'પત્નીને નહિ ગમે ને ? પણ મારે ક્યાં પત્ની છે ?'

'આજે નહિ તો કાલે..'

'ના ! આજે ય નહિ, ને કાલે ય નહિ ! હું ક્યારેય લગ્ન કરવાનો નથી ! મારું જીવન તો ખુલ્લી કિતાબ છે. એ કિતાબમાં મેં જે કથા લખી છે, એમાં 'લગ્ન'' શબ્દ ક્યાંય આવતો નથી. કારણ ? હું ક્યારેય પરણવાનો વિચાર કરવાનો નથી !'

'ને ધારો કે કાલે વિચાર બદલાય તો ?'

'લખી રાખો, મારે વિચાર આ બાબતમાં ક્યારેય નહિ બદલાય.'

વાત તો એમની સાચી છે. એક મિશન લઇને બેઠા છે નાગજીભાઇ ! બસ, ગાયોની સેવા કરવી ! કોઇ ગૌશાળાવાળા ફંડ માટે એમની પાસે આવે તો રાજી રાજી થઇ જાય.

બેસાડે.

જાતે ગાયના દૂધની ચા બનાવીને પીવડાવે.

પછી હાથ જોડીને કહે : 'બોલો, હું તમારી શી સેવા કરી શકું ?'

'નાગજીભાઇ-'

'બોલો. બોલો. અચકાવ નહિ !'

'અમે  ગૌશાળાના ફંડફાળા માટે આવ્યા છીએ.'

'એટલે માતાજી માટે ?'

'હા.'

'તો લખી નાખો.'

'કેટલા ?'

'જે ઈચ્છા હોય તે. ગૌસેવા માટે મારાં દ્વાર હંમેશાં ખુલ્લાં છે !'

'પાંચ હજાર એક રૃપિયા લખીએ છીએ.'

'ભલે.'

ને નાગજીભાઇ અંદર જાય, પછી બહાર આવે ત્યારે એમના હાથમાં ચેકબુક હોય. જરૃરી રકમનો ચેક લઇને આગંતુકોના હાથમાં મૂકી દે : 'લો. જુઓ, માતાજીની સારી સેવા કરજો હોં ! માતાજીના આશીર્વાદ ૂઊતરશે તો, તમે બધા ય જરૃર સુખી થશો.'

ગાય પ્રત્યે એમને જબ્બર આદર. ખૂબ માન, ગાયને માતા સમાન ગણે. ગાયને જુએ, તો રાજી રાજી થઇ જાય ! એટલે તો ગામમાં તેઓ 'ગૌભક્ત નાગજીભાઇ' તરીકે ઓળખાતા. કદાચ બીજો કોઇ નાગજીભાઇ નામનો માણસ ગામમાં હોઇ શકે.

પણ 'ગૌભક્ત નાગજીભાઇ' તો એક જ. લોકોને એમના માટે માન. એ પારકી છઠ્ઠીના જાગતલ. ગામમાં કોઇ દુ:ખી હોય, તો નાગજીભાઇ દોડે ! ગામમાં કોઇ ગરીબનો ચુલો ન સળગ્યો હોય, ને ખબર પડે તો નાગજીભાઇ દોડે ! ક્યાંક તકરાર થઇ હોય, ને પાડોશીઓ ઝગડયા હોય તો નાગજીભાઇ દોડે.. દોડે એટલું નહિ, સમાધાન કરાવે, દુ:ખ ફેડે અને ચુલો સળગે એ માટે ધાન્ય પણ આપે : 'લે, સળગાવ ચુલો. ને ઘરનાંના પેટભર !'

આમ જુઓ તો પરદુ:ખભંજક રાજા વિક્રમ જેવા ભગવાને આપવામાં કશી જ કસર રાખી નહોતી. દોઢ સો વીઘાં જમીન, એય કાચું સોનું પાકે એવી ! બે બે તો ંબંગલા જેવાં મકાનો ! શહેરમાં ત્રણ ત્રણ તો દુકાનો, જેનું ભાડું મહીને ત્રીસ ચાલીસ હજારથી ઓછું નહોતું આવતું ! ને એય ઓછું હોય તેમ ઉપરવાળાએ એમને દિલ પણ દરિયા જેવું આપયું હતું એમનો તો એક જ નિયમ : 'આપ્યું છે તો આપો, ને કોકના આંસુ લૂછો ! કોકનાં દુ:ખડાં કાપો ! કોકનો ચુલો જલતો રાખો ! આવો માણસ બીજે મળે ખરો ? આવો દરિયાવ દિલવાળો માણસ બીજે મળે ખરો ?

પણ હા, એ લગ્નનો વિચાર કદી કરતા નહોતા. જાણે લગ્નનો વિચાર ખરાબમાં ખરાબ વિચાર હોય તેમ એ શબ્દથી જ દૂર ભાગતા ! 'ના' કહીને ઊભા રહેતા ! નહિતર ચાલીસ વરસની ઉંમરે ઘોડે ચઢવા થનગની રહેતા હોય એવા તો આ ગામમાં ઘણા ય  હતા. પાછા કહેતા હોય : 'ચાલીસ વરસ કંઇ બહુ ન કહેવાય !'

પણ નાગજીભાઇ મક્કમ છે. એ વાત જ નહિ ! આખાય ગામને પાક્કો વિશ્વાસ હતો કે, નાગજીભાઇ ક્યારેય નહિ પરણે ! સૌને ખાતરી હતી કે, નાગજીભાઇ આ ભવે તો લગ્ન નહિ જ કરે ! અરે, એમનાં નજીકનાં સગાં વહાલાં પણ માનતાં હતાં કે, નાગજીભાઇ ક્યારેય પરણશે નહિ !

સો ટકા વિશ્વાસ હતો.

કારણ કે ?

નાગજીભાઇની 'ના' એટલે પથ્થર પરની લકીર !

એય લોખંડી વિચારના, અને એમનો નિર્ણય પણ લોખંડી ! ને જે સાચા દિલથી નિર્ણય કરે, એને કોણ ચળાવે ? રૃપ અને યૌવન જોઇને મુનિવરો કે ભલભલા તપસ્વીઓ ભલે ચળે, નાગજીભાઇ નહિ ! ભલભલાનાં બ્રહ્મચર્ય વ્રત ભલે તૂટે, નાગજીભાઇનું નહિ !

કારણ ?

જગ જાહેર છે.

સૌ કોઇ જાણે છે.

નાગજીભાઇ મક્કમ છે.

એમનો નિર્ણય ઢીલોપોચો નથી !

એમનો નિશ્ચય છિદ્રાળું નથી !

ઢાળ જોઇને ઢળી જાય એવા નાગજીભાઇ નથી !

પકવાનનો થાળ જોઇને અખંડ ઉપવાસ તોડે એવા નાગજીભાઇ નથી !

એમની તો એક જ વાત છે : 'આ જીવનમાં ગાયોની સેવા કરવી. મારું એક સ્વપ્ન છે. એક સરસ ગૌશાળા શરૃ કરવી ને ગાય માતા માટે થાય તેટલું કરી છૂટવું !' બસ, એમના દિલમાં સતત 'ગાય' શબ્દ ઘુંટાય છે, ઘુંટાઇને ઘટ્ટ બને છે.. સ્વપ્ન સર્જાય છે. નાગજીભાઇ સ્વપ્નદ્રષ્ટા છે. સ્વપ્નસર્જક છે. ક્ષમતાવાળા છે !

માત્ર ગાય !

સ્ત્રી નહિ !

લગ્ન નહિ !

અખંડ બ્રહ્મચર્ય !

અછિદ્રાળુ બ્રહ્મચર્ય !

કદાચ કોઇ અગમ્ય કારણ પણ હોય, નાગજીભાઇ કશું બોલતા નથી !

પણ આ તો જિંદગી છે ! જિંદગી તારા રંગ હજાર ! કેલીડોસ્કોપ જેવી છે જિંદગી ! જરાક હલી જાય તો ડિઝાઇન બદલાઇ જાય ! ક્યારે શું બનશે, એ કહેવાય નહિ ! ભાવિના ભેદ ઈશ્વર સિવાય કોણ જાણે ? ભાગ્યનો લેખ વિધાતા સિવાય કોણ ઉકેલી શકે ?

ને એવું જ બની ગયું નાગજીભાઇના જીવનમાં ! એ દિવસે તેઓ સોફા પર બેઠા હતા. ગાયના વિચારો કરતા હતા. ગૌશાળાના વિચારો કરતા હતા. વિચારો જ વિચારો આવતા હતા એમના દિમાગમાં ! વિચારોનું તેઓ વાવેતર કરતા હતા. બારણું બંધ હતું બંગલાનું ! ત્યાં જ બારણે અચાનક જ ટકોરા પડયા.
ફરીથી ટકોરા પડયા.

'કોણ હશે ?'ના પ્રશ્નાર્થ ચિહ્ન સાથે નાગજીભાઇ ઊભા થયા. બારણું ખોલ્યું... તો બારણા વચ્ચે પાંત્રીસેક વરસની એક સ્વરૃપવાન યુવતી ઊભી હતી. એણે કહ્યું :

'ન ઓળખી મને ? હું છું કંચના..! તમારી કંચના !!'

(વધુ આવતા અંકે)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :