રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
મારી કૂખે જો બાળક અવતરશે તો તે માત્ર રોહનનું, અન્યનું નહીં ! - વલ્લરી
જગતને મહોબતના માર્ગ પર કાંટા બિછાવવામાં મજા આવે છે !!
'એ આવશે ખરો ?'
સાપની ફેણ જેવો એકનો એક પ્રશ્ન તેની સમક્ષ ખડો થતો હતો. એક મન એમ કહેતું હતું કે : 'શી ખબર, ન પણ આવે !' તો બીજું મન ખાતરીપૂર્વક બુલંદ અવાજે બોલતું હતું : 'હોતું હશે ? એ આવ્યા વગર ન રહે ! હું એને જાણું ને !' જાણતી તો બધું જ હતી, પણ સમય પલટાઈ ગયો હતો : સમયે પોતાનો રંગ બદલ્યો હતો ! ને બધું જ સમય પ્રમાણે જ ચાલતું હોય છે : એણે પલંગ પર બેઠા થઇ ઉધરસ ખાધી : ખૂ...ખૂ ! આ ઉધરસ પણ... ઉધરસ રાતદિન પાછળ પડી ગઇ છે, કોઈ બૂરા વિચારની માફક !
મામીને આવી જ ઉધરસ થઇ હતી. પછી વધતી ચાલી ! પહેલાં ખૂ...ખૂ ! પછી ખૂ ખૂ.. ખૂ ખૂ ! ને પછી ડોક્ટરોએ નિદાન કર્યું : 'ટી.બી. થયો છે !' મને તો ટી.બી. નહિ થયો હોય ?
વલ્લરી મનોમન હસી પડી : આ ખેંખુ શરીરને ટી.બી. થાય એ તો ઉપરથી હરખાવા જેવું કહેવાય. એવાં નસીબ ક્યાંથી કે આપણને ટી.બી. થાય ? એક દિવસે આપણે ઉકલી જઇએ ને તમામ વેદનાઓનો અંત આવી જાય !
રોહન...
હજીય એ નામ હૈયાની ઊંડી ખીણોમાં પડઘાઈ રહ્યું છે ! એક મોજીલા-મસ્તીલા માણસનું નામ એટલે રોહન ! એક હસતા-હસાવતા ને જ્યાં જાય ત્યાં હાસ્યનો માહોલ ખડો કરી દેતા માણસનું નામ એટલે રોહન ! નદીની જેમ ઉછળતા - કુદતા અને સૌને પોતાના રંગમાં રંગી નાખતા માણસનું નામ એટલે રોહન !
એ હસે, તો એક જુવાન માણસને શોભે એવું !
એની ચાલ... ટટ્ટાર છાતી... એનાં પડતાં પગલાં મક્કમતાથી ખખડે ! માણસ જુવાન હોય પણ પગલાં બોદાં હોય તો ? માણસ ખખડવો જોઇએ !
માણસ નથી ખખડતો, એની જુવાની ખખડે છે !
ને એ માણસને એટલે કે રોહનને દિલ દઇ બેઠી હતી વલ્લરી ! વલ્લરી એને બાહુના બંધનોમાં બાંધી દઇને કહેતી : 'રોહન, તારા સમ, હું તારા વિના નહીં જીવી શકું !' ને હાથનાં આંગળાં વડે એની પીઠ પાછળ મજબૂત ગાંઠ બાંધી દેતાં કહેતી : 'રોહન, સાચું કહું છું. મને મારી લાયકાત કરતાં વધારે મળ્યું છે. મને છોડીને તું ક્યાંય ન જતો !'
રોહન હસતો.
એના ગળામાંની ચેઇન પર આંગળી મૂકી કહેતો : 'હુંક્યાં જવાનો હતો ? હું તને નહિ છેતરું. સાચું કહું છું, હું તારી સાથે કદી દગો નહિ કરું. તું જ મારું જીવન છે, તું જ મારો શ્વાસ છે, ને તું જ મારી મસ્તી છે...'ને પછી વલ્લરીના માથા પર હાથ ફેરવતાં ઉમેરતો : 'થાય છે કે જિંદગી બસ આમ જ વહી જાય. આવ વલ્લરી, આવ ! મને તારા માથા પર ધરાઈ ધરાઈને હાથ ફેરવવા દે ! હું જાણું છું, તું દુ:ખી છે. જન્મીને તેં માનું મોઢુ પણ જોયુ નથી. ને બાપના સહારે ઉછરી છે. આવ તારા દુ:ખને હું ફૂંકો મારી મારીને ઉડાડી મૂકું !'
રોહનને જોયા વિના વલ્લરી બેચેન બની જતી.
ને વલ્લરી વગર રોહન તરફડતો.
પ્રેમની એક અખંડ-અતૂટ સાંકળ વડે બેય બંધાઈ ગયા હતા !
પણ વલ્લરીના ડેડીને આ મંજૂર નહોતું. એમને બધો જ ખ્યાલ આવી ગયો ! સમયસર ચેતી જવું સારું ને એમણે રાતોરાત બળજબરીથી બીજા કોઈ યુવાન સાથે પરણાવી દીધી : વલ્લરીએ વિરોધ કર્યો તો એમણે મૃત માના સોગંદ આપ્યા. ઝેર ઘોળવાની ધમકી આપી... ને વલ્લરી ચુપચાપ મજબૂરીથી પરણી ગઈ.
વલ્લરી બેચેન બની ગઈ.
એનાં સપનાં ધૂળમાં મળી ગયાં.
ખ્વાબોની રંગરંગીલી દુનિયા ઊજડી ગઈ.
ગમતું નહોતું, તો બની ગયું !
એક અણગમતી જિંદગીનો પડછાયો બની જવાનું દુ:ખ એનો કેડો છોડતું નહોતું ! એના મનની કુંવારી ધરતી પર એક છોડ ઊગ્યો હતો.
એને ફૂલ બેઠાં હતાં.
એ ફૂલ સામે જોઇને તો એ જીવતી હતી.
પણ જગતને એ મંજૂર નહોતું ! જગતને પ્યારના રસ્તા પર કાંટા બિછાવવામાં મજા આવે છે.
વલ્લરી એ કાંટાને પણ ચૂમી લીધા.
અણગમતી જિંદગી !
અણગમતો સથવારો !
વરસો વીતતાં ગયાં પાણીના રેલાની જેમ !
સમય સરકતો ગયો, નદીની રેતની જેમ !
કેલેન્ડરનાં પતાકડાં ફાટતાં ગયાં !
કૈંક સૂરજ ઊગ્યા !
કૈંક સૂરજ ડૂબ્યા !
ભીનાં ભીનાં કૈંક ચોમાસાં વહી ગયાં !
વલ્લરી માતા ન બની શકી !
એ બનવા પણ ઇચ્છતી નહોતી !
એના મનમાં હતું : 'મારી કૂખે બાળક અવતરશે, તો તે માત્ર રોહનનું ! અન્યનું કદી નહિ !' મનના આ વિચારે જબરદસ્ત પડઘો પાડયો ! ને એણે જાણે માતૃત્વની ક્ષમતાને ફંગોળી દીધી ! મનમાં પ્રગટતી ઇચ્છાનો એ પ્રભાવ હતો !
પતિ બાળક ઇચ્છતો હતો.
વલ્લરીએ બાળકની ક્ષમતાને નકારી દીધી હતી.
બંને વચ્ચે આ બાબતમાં ક્યારેક કંકાસ પણ થતો.
'વલ્લરી !'
'શું છે ?'
'તું બાળક નહિ આપી શકે ?'
'એમાં હું શું કરું ?'
'તારામાં કોઈ ખામી છે ?'
'એ તો તમારામાં પણ હોઈ શકે !'
'ચુ...પ્પ !'
'કેમ, ન ગમ્યું ?'
'આવું કેમ બોલે છે ?'
'તો શું બોલું ?'
'ખામી તારામાં છે. હું જોઉં છું...તું અધ્ધર હૈયે જીવે છે... મન વગર જ તું મારો સાથ આપે છે. મનનો કોઈ ઉમંગ તારામાં જોવા મળતો નથી ! એક ચાવી આપેલા રમકડાની જેમ તું જીવે છે ! યંત્રવત્ જિંદગી !'
'પણ એમાં મારો દોષ શું ?'
'કદાચ એવું પણ બને કે તારું મન મારામાં ન હોય !'
'બીજું ?'
'કુંવારી જિંદગીમાં તારો કોઈ યાર હોય... ને તારું મન એનામાં ભમતું હોય !'
વલ્લરી વિચાર કરતી થઇ ગઇ : પતિની વાત તો સાચી છે... જે વાત હું દિલના ઊંડાણમાં ઢબૂરી દઇને જીવું છું, એ વાત બહાર આવશે શું ?
પણ લાંબા વિચાર કરવાની જરૃર ન પડી. એક દિવસે પતિએ તેને 'વાંઝણી' કહી ને એ રડી પડી.
પતિ બોલ્યો : 'રડવાનું નાટક ન કર, વાંઝણી ! તું બાળક નહિ આપી શકે મને ! આપી શકે તેમ પણ નથી ! હા ! પણ તેનો એક ઉપાય છે.'
'શો ?'
'તું મને બીજું લગ્ન કરવા દે. પ્રશ્ન પતી જશે !'
'ને હું ?'
'તું છુટ્ટી થઇ જા.તારા માટે બારેય દરવાજા ખુલ્લા છે !'
'ભલે.'
ને એક દિવસે વલ્લરીએ કોર્ટમાં જઇને ડાયવોર્સના પેપર પર દસ્તખત કરી દીધા... ને અલગ મકાનમાં રહેવા લાગી. ભાઈ હતો નહિ, એટલે બાપની બધી જ મિલ્કત એના ભાગે આવી હતી, તેથી ચિંતાનું કારણ નહોતું !
હવે તો એના સમગ્ર અસ્તિત્વમાંથી એક જ અવાજ આવતો હતો : 'રોહન... !!'
(વધુ આવતા અંકે)
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar