રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
સાગરભાઈને એ ન સમજાયું કે ધનજીભાઈ આવું જૂનું ખખડધજ મકાન કેમ ખરીદવા માગે છે ?
બંગલો તો જરૃર બનાવવો છે પણ પૈસા ક્યાં છે ? અહીં તો ત્રણ સાંધે છે, ને તેર તૂટે છે !
'એક વાત પૂછું ?'
'પૂછો.'
'તમારે ઘર વેચવાનું છે ?'
'સારા પૈસા ઉપજે તો વેચી દેવું છે... કેમ પૂછવું પડે છે ?'
'મારે લેવાનો વિચાર છે !'
'વિચારું.'
સાગરભાઈ વિચારમાં પડી ગયા. આ ધનજીભાઈને બબ્બે તો બંગલા છે એય મોટા મોટા ! કરોડોનો ભાવ ઊપજે ! પણ એમને વળી મારું મકાન શું કામ લેવું છે ? મારું મકાન તો સાવ સાધારણ છે. એક માળ છે... પણ સંધુંય ઈંટચૂનાનું ! મારે ક્યાં બંગલો છે ? ને મકાને ય બાપુજીએ એમના દાદા પાસેથી જ લીધું છે... આમ ગણો તો એમનું જ ગણાય ! પણ આજે એમણે આવું કેમ પૂછવું પડયું ? આ ગામમાં તો બીજા સારા સારા મકાનો છે, બંગલા જેવાં. કેટલાક તો વેચવાનાં ય છે, તો પછી આ મકાનનું જ તેમણે કેમ પૂછ્યું ?
પ્રશ્નો તો થતા હતા સાગરભાઈના મનમાં, પણ એકેયનો જવાબ મળતો નહતો ! હશે, એમના મનમાં જે હોય તે. બાપીકું મકાન છે, એટલે મળતા હોય તે સ્વાભાવિક છે... એમના દાદા આ મકાનમાં રહેતા... એમના બાપુજીનો જન્મ પણ આ જ મકાનમાં થયો હશે. બધુંય ખરું ?
પણ હવે ?
હવે નથી આ મકાન એમનું.
મારા બાપુજીએ ખરીદી લીધું છે. તો આપ્યા પછી આટલો બધો મોહ શાનો ? એમનાં દીકરાઓને ફાવે આ મકાનમાં ?
ના.
એમનાં ઘરવાળાં ને ફાવે ?
ના.
અરે, ખુદ ધનજીભાઈને ફાવે ?
ના.
તો પછી ? સવાલોનો લાંબો તાંતણો આવીને ખડો થઈ જતો !
તો પછી કેમ ખરીદવા માગે છે ધનજીભાઈ ?
હા, એ વાત સાચી છે કે પોતે આ ઘર વેચી નાખવા માગે છે, એ વાત પણ સાચી છે કે પોતે ગામની બહાર નવો પ્લોટ ખરીદીને સરસમજાનું સગવડયુક્ત મકાન બનાવવા માગે છે... ગામમાં ઘણાય ગામ બહારના પ્લોટોમાં મકાન બનાવ્યાં છે... સાગરભાઈ પણ એ જ કરવા માગે છે !
પણ પૈસા ?
પૈસા નથી.
પૈસા હોય તો બંગલો ન બનાવી દે ?
એમને તે દિવસે ઘેર આવેલો પેલો જ્યોતિષી યાદ આવી ગયો. કહે : 'હાથ બતાવો.'
સાગરભાઈએ હાથ બતાવ્યો હતો.
'બોલો મહારાજ, શું લખ્યું છે મારા ભાગ્યમાં !'
'ભાગ્ય ઉત્તમ છે.'
'એવું લાગતું તો નથી.'
'હવે ખૂલશે.'
'ક્યારે ?'
'થોડીક ધીરજ ધરો. હવે લાંબો સમય રાહ નહિ જોવી પડે. કદાચ એકાદ વર્ષમાં -'
'શું ?'
'બંગલો બનશે, બંગલો !'
'સપનામાં તો જરૃર બનશે.'
'ના, સાગરભાઈ, જમીન પર બનશે. એ ય સરસ મજાનો બંગલો હશે. તમે જોજોને. બંગલો બનીને જ રહેશે, ને એ બંગલો તમારો પોતાનો હશે.'
દક્ષિણા આપી, એટલે મહારાજ રાજી થતા થતા ચાલ્યા ગયા. સાગરભાઈ વિચારી રહ્યા : 'મારે તો શી ખબર બનશે કે નહિ બંગલો, પણ મહારાજને દક્ષિણાનો યોગ તો બની જ ગયો ! હા, તમે મારા દિલમાં બંગલાનું સપનું જગાડી તો ગયા જ !'
વાત સાચી છે !
આવું કંઈ બને છે ત્યારે માણસ સપનાં રમાડવા લાગી જાય છે : લાખો રૃપિયાનું સ્વપ્ન ! ગાડીનું સ્વપ્ન ! બંગલાનું સ્વપ્ન ! ધનવાન બનવાનું સ્વપ્ન ! કેટલાક જ્યોતિષીઓ સપનાનાં વાવેતર કરે છે. કોઈની દુ:ખત્રસ્ત જિંદગીમાં સપનું વાવી દે છે ! રચ્યા કરો સપનાં ! રમાડયા કરો સપનાને !
સપનાં એટલે સપનાં !
મજાનાં સપનાં !
રચવા ગમે તેવા !
રમાડવાં ગમે તેવાં !
માણસ એનું સર્જન કરે ! એને રમાડે ! એને લાડલડાવે ! સ્વપ્ન એટલે સ્વપ્ન !
સાગરભાઈ પણ સપનાને રમાડવા લાગી ગયા હતા.
પ્લોટ લઈશું !
બંગલો બનાવીશું !
- અને ક્યારેક એમને થતું. આ જૂના પુરાણા ઘરને કોણ ખરીદે ? કોણ લે ? એનું ઊપજે શું ? સાવ જૂનું છે. એની કિંમતમાં કંઈ બંગલો ન બને, બીજા પૈસા ઉમેરવા પડે. પણ પૈસા ક્યાં છે ? કટલરીની સામાન્યદુકાન છે. માંડ બસો-ત્રણસોનો ધંધો થાય છે. શું મળે ! માંડ ઘરનું ગાડું ચાલે છે. માંડ માંડ ઘરખર્ચ નીકળે છે, એમાં વળી છોકરો કોલેજમાં ભણે છે. એનો ખર્ચો ઝાઝો છે. બે છેડા ભેગા શી રીતે કરવા ? દુકાન ડગુમગુ ચાલે છે. ત્રણ સાંધે છે, ને તેર તૂટે છે !
બચત નથી.
બીજી આવક નથી.
બંગલો ક્યાંથી બને ?
હાથની રેખાઓમાં બંગલો હોય ? જન્મકુંડળીમાં બંગલો હોય ?
સપનું છે.
બંગલાનું સપનું.
ત્યાં જ પ્રાગજીભાઈ મળ્યા. કહે : 'ધનજીભાઈ, સાંભળ્યું છે કે તમારે ઘર વેચવાનું છે !'
'વિચાર તો છે !'
'મારે લેવું છે.'
'સારા પૈસા ઊપજે તો આપીશું.'
ધનજીભાઈને ઘર લેવું છે.
પ્રાગજીભાઈને ઘર લેવું છે.
ઘર તો છે પ્રાગજીભાઈને પણ દીકરો જુદો રહેવા માગે છે. સસ્તામાં મળે તો લઈ નાખીએ !
તો ધનજીભાઈને ય લેવું છે -
બાપીકું મકાન છે.
એમના દાદાએ વેચ્યું છે.
હવે પાછું લેવા માગે છે.
પૈસાદાર છે ધનજીભાઈ.
ધનની દેવી લક્ષ્મીના ચારેય હાથ છે ધનજીભાઈ પર !
ધનજીભાઈનો પાક્કો વિચાર છે. ઘર લેવું છે એટલે લેવું છે. બાપીકું મકાન છે. એના પર પહેલો હક મારો. પૈસા ? પૈસાની ચિંતા નહિ ! પૈસા ગમે તેટલા થાય પણ ઘર લેવું છે એટલે લેવું છે ! હું ઘર લઈને જ રહીશ !
એમનાં પત્ની સવિતાબહેન કહે છે : 'પણ એ જ મકાન કેમ લેવું છે ?'
'તને ખબર ના પડે !'
'પણ કારણ શું છે ?'
'બાપીકું મકાન છે એટલે.'
'હવે આપી દીધા પછી આવો મોહ ન રખાય. વેચ્યું એટલે વેચી જાણવાનું ! એ એક સમયે આપણું મકાન હતું, એ વાત જ ભૂલી જવાની !'
'ભૂલાય એવી નથી.'
'કેમ ?'
'નજીક આવ.'
'લો, આવી.'
'તારો કાન લાવ.'
'લો, લાવી મારો કાન.'
'તો સાંભળ મારી વાત...'
(વધુ આવતા અંકે)