Get The App

ઓફબીટ - અંકિત ત્રિવેદી

Updated: Oct 18th, 2017

GS TEAM

Google News
Google News

''સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે
આ દુનિયા તને એકીટસે જોઈ રહી છે.'' -મરીઝ


એક જ ડાળી ઉપર ઊગેલા બે ફૂલોને ક્યારેય ઇર્ષા કે સ્પર્ધા કરતાં જોયા છે ? જો એવું હોત તો આપણને એ ફૂલો જોવા જ ન ગમત !

ઓફબીટ -  અંકિત ત્રિવેદી 1 - imageતમને જ્યારે બધા જ જોતાં હોય ત્યારે તમારે શું કરવું એની વાત ક્યારેય આપણે વિચારી છે ? આપણે જે કંઇ કરીએ છીએ એ અસ્તિત્વ આપણને કરાવે છે. પરંતુ એ બધું જ આખી દુનિયા જોતી હોય છે ! આપણે સભાન થઇને આગળ વધવાનું છે. ક્ષણનો ચૂક્યો સદી વિંધે - એ સાચું પણ એ ક્ષણ પણ દુનિયા જોતી જ હોય છે !

બધા જ આપણી સામે એકીટસે, નજરમાં નજર મિલાવીને આપણી ગતિવિધીઓ ઊપર ધ્યાન રાખતા હોય ત્યરે આપણી જવાબદારી વધી જતીહોય છે. દુનિયામાં રહીને દુનિયાને જીવવાની નથી ! આપણી દુનિયાને આપણામાં જીવવાની હોય છે. સારું કરીશું તો પણ અને ખરાબ કરીશું તો પણ સંભાળવાનું આપણે જ છે. આપણો મુંઝારો બીજાનો અવસર બનતો હોય છે.

આપણને એ જ વાતનું ટેંન્શન, ડિપ્રેશન, ઉચાટ રહ્યા કરે છે કે આપણે જે કરીએ છીએ - એ વાતને દુનિયા કેવી રીતે લેશે ? હું આ મતલબથી મારી વાતને મૂકી રહ્યો છું દુનિયા એને કયા મતલબથી જોશે ? અરે ! એટલે જ તો એ દુનિયા છે. આપણે પ્રેમ કરીશું તો એને લફરું લાગવાનું ! આપણે અજાણ્યા ને પોતાના ગણીને સેવા કરીશું તો એમને એમાં એમની આપણે નથી પચાવવાના તે મિલકત દેખાવવાની !

કોઇકનો સહારો બનવાની વાત ફેસબુકમાં કરીશું તો આપણે ભક્ત એ મસિહા લાગવાના ! આપણે જે કશું પણ કરીશું એમાં જો આપણે પૂરેપૂરા ઊગીને, આપણી નિષ્ઠાને એમાં મન પરોવીને કરીશું તો એ બધું જ દુનિયાને હંમેશા તકવાદી અને તકલાદી જ લાગવાનું ! એનો મતલબ સ્હેજ પણ એવો નથી થતો કે આપણે કશું જ ન કરવું !

આપણી ચિંતા તો ત્યાં વધે છે જ્યારે આપણે જે કામમાં આનંદ આવે છે એની સરખામણી બીજા જોડે કરવા માંડીએ છીએ. આપણે જ આપણો પ્રતિસ્પર્ધી ઊભો કરીએ છીએ. વાસ્તવમાં એ આપણને આપણા સ્પર્ધી તરીકે જોતો જ નથી ! એક જ ડાળી ઉપર ઊગેલા બે ફૂલોને ક્યારેય ઇર્ષા કે સ્પર્ધા કરતાં જોયા છે ?

જો એવું હોત તો આપણને એ ફૂલો જોવા જ ન ગમત ! દુનિયાનું કામ છે ખોડખાંપણ કાઢવાનું, સલાહો આપવાનું, એ જે નથી કરી શકી એ બધું જ આપણી ઉપર થોપી બેસાડવાનું ! એનો મતલબ એ નથી કે આપણે જે કંઇ કરીએ છીએ એને અટકાવીને દુનિયા કહે છે તેમ વર્તવાનું !

તો, પછી આપણી નોંધ દુનિયાની નથી એવી જ રહેશે ! આપણે આપણને ઓળંગવાના છે. આપણી આગળ વધવાનું છે. જે મળ્યું છે એમાંથી સંતોષ મેળવવાનો છે અને આગળ વધીને આપણી અંદર ઉછરી રહેલા આનંદને ભેટવાનું છે. સંભાળવાનું તો આટલું જ છે !

બને એવું કે કોઇક નિર્ણય લેતાં આપણો જીવ ના ચાલે ! વળી, એ જ નિર્ણય દુનિયાએ જ લેવાની સલાહ આપી હોય ! બને એવું કે ક્યારેક ખૂબ ઘેરાયેલા હોઇએ અને વરસવાનું મન ના પણ હોય ! ત્યારે ન વરસીને પણ તમે તમારું માન્યું - એમાં તો વરસી જ ગયા હોવ છો !

બને એવું કે તમે ગમા-અમગમા ત્યજીને કોઇકને મળો છો અને બને એવું કે જેને મળો છો એને તો અણગમાની ગંભીર બીમારી થઇ હોય ! વાસ્તવ જુદું છે જ નહીં, આપણો વર્તાવ અને દુનિયાનો દેખાવ જુદો હોય છે. માટે પળેપળ કટોકટની ઘડીનો સામનો કરવો પડે છે.

આ સામનો કરીએ ત્યારે મરીઝ સાહેબના શેરની પહેલી પંક્તિની જેમ આપણે જ આપણા દિલ જોડે દોસ્તી કરી લેવાની ! એજ આપણો સાચો મિત્ર છે. એની જોડે દોસ્તી કરી લેવાની ! એજ આપણો સાચો મિત્ર છે. એની જોડે સંવાદ કરવાનો કે હું તો સંભાળું છું પણ આપણે બંને સાથે મળીને આ કટોકટી ઘડીને સંભાળીએ !

પછી બનશે એવું કે આખો કાફલો આપણી સંગતમાં આપણને દોસ્ત માનતો આવશે ! દુનિયા એકીટશે જોવે તો એની આંખોમાં આંખો પરોવીને જવાબ આપ્યા વગર એને ચૂપ કરવાનું સામર્થ્ય કેળવાશે ! 'ગત' બધું યે જગતમાં છે... એને એનામાં રહીને સંભાળવાનું છે. અને જાતને જે કરવું છે - એના દ્વાર ખોલી આપવાના છે. પ્રત્યેક આજ આ જ કહેવા માંગે છે.

ઑન ધ બીટ્સ

કેટલાક સપનાો જેતી વખતે આપણને ખ્યાલ પણ નથી હોતો કે જ્યારે એ સપનાઓનું Bill આવશે ત્યારે એ રકમ EMI થી ચૂકવવી પડશે. સપનાઓ જોવા ઉપર પણ Tax લાગતો હોય, એવી તો કલ્પના પણ કોને હોય ? મકાન કે દુકાન ખરીદ્યા હોય તો વખત આવે, વેચી પણ શકાય. સપનાઓ કોને વેચવા ? કેટલાક સપનાો આંખોને પાયમાલ કરી નાંખે છે. સપનાઓ દાદાગીરી કરે, ત્યારે તેમને સ્તબ્ધ બનીને જોવા સિવાય આંખો પાસે બીજું કોઈ Option પણ નથી હોતું.

- ડૉ. નિમિત ઓઝા

'માટીનો માણસ'માંથી
 

Tags :