ડાર્ક સિક્રેટ્સ - રાજ ભાસ્કર
ફુલ પોઝ
આ આખીય રમત, એની પાછળનું કારણ અને ગુનેગારને જાણવા માટે સૌ આતુર હતા
'હેલ્લો, સર મેં એડવોકેટ મીણા બોલ રહા હું. આપને કુછ દિનો પહેલે અખબાર મેં એક ઈસ્તેહાર દીયા થા જીસમેં એક લડકી કી ફોટો થી ઔર વો ગુમ હો ગઈ ઐસા લિખા થા. વો લડકી યહાં હૈં સર !'
ભાગ-૩
વહી ગયેલી વાત...
(એક વિસ્તારમાંથી ઈન્સપેક્ટર ઘેલાણીને એક સ્ત્રીની બળેલી લાશ મળે છે. ત્યાંથી મળેલા પર્સ, દુપટ્ટો અને ઝાંઝરને આધારે સરનામું મળે છે. એ છોકરીનું નામ આરતી છે. એ વિધવા મા શાંતાબહેન સાથે રહેતી હોય છે.
આરતીના પિતા ઘણા વરસો પહેલાં મરી ગયા છે. એ કાલુપુરમાં સિવણનું કામ કરતી હતી. એના એક પિતરાઈ ભાઈ સાથે એને ગામના મકાન બાબતે ઝઘડો પણ ચાલતો હતો. ઈન્સપેક્ટર ઘેલાણી ઈન્વેસ્ટીગેશન કરે છે. એ કામ કરતી હતી એ કારખાનાનો માલિક ખીરુમલ, જેની સાથે ઝઘડો થયો હતો એ પિતરાઈ જેરામ, પાડોશીઓ બધાની પૂછપરછ કરે છે.
પણ કોઈના વિરુદ્ધ એક પણ પુરાવો મળતો નથી. આરતીની કોલ ડિટેઈલ અને બીજી પણ તપાસ થાય છે પણ પરિણામ શુન્ય. એક મહિનો આમ જ વીતી જાય છે. એક દિવસ ઈ. ઘેલાણી આરતીની ફાઈલ જોતા હોય છે. આરતીનો ફુલ પોઝ ફોટો અને બળેલી લાશનો ફોટો જોતા એમના મનમાં એક તર્ક સુજે છે. એ તર્ક એમને કાતિલ તરફ ઈશારો કરે છે. હવે આગળ...)
ઈન્સપેક્ટર ઘેલાણીનું મગજ ભમ્મર ભમ્મર ફરતાં વલોણા જેમ ફરી રહ્યું હતું. નાથુ તો સાહેબની તર્કશક્તિ પર આજે એટલો બધો ફીદા થઈ ગયો હતો કે એમના વખાણ કરતાં થાકતો નહોતો.
'અલ્યા, હવે વખાણ કરવાનું બંધ કર. આ તો માત્ર તર્ક છે. કદાચ ખોટો પણ હોય. એને સાચો કે ખોટો સાબિત કરવા માટે આપણે પુરાવાઓ શોધવા પડશે, કામ કરવું પડશે.'
'ફિકર નોટ સર ! મેં હું ના ! તમે મને રાહ બતાવી છે, હવે હું મંજિલ સુધી પહોંચાડી દઈશ.'
'તો દોડવા માંડ ! મેં તને સમજાવ્યું તેમ હવે આપણી તપાસનું રુખ એક્સોને એંસીની ડિગ્રીએ ફરી જાય છે. આપણે જે શોધતા હતા એ હવે શોધવાનું નથી. પણ જે નથી શોધવાનું એ શોધવાનું છે.' ઘેલાણીએ આસપાસ બેઠેલાં કેટલાંક ચાપલુસ પોલીસોને કારણે નાથુને મોઘમમાં વાત કરી. સાંભળનારાને સમજાતું નહોતું કે આ શોધવાનું અને ન શોધવાનું બધું શું બકી રહ્યાં છે સાહેબ ! પણ એક માત્ર નાથુ બધું જ સમજી ગયો હતો.
નાથુએ સાહેબે સુચવેલા રાહ પર ઈન્વેસ્ટીગેશન ચાલુ કરી દીધું. આરતીના હત્યારા માટે પહેલાં પોલીસ સ્ટેશન પર ફોટા મોકલવામાં આવ્યા હતા. પણ એ બધા જ ફોટો પાસપોર્ટ સાઈઝના હતા. હવે નવેસરથી આરતીનો ફુલ પોઝ, પગથી માથા સુધીનો ફોટો પોલીસ સ્ટેશનનોએ મોકલવામાં આવ્યો અને એક જુદા જ પ્રકારની સૂચના આપવામાં આવી.
પોલીસ સ્ટેશનોમાંથી ઈન્ચાર્જ ઈન્સપેક્ટરના ફોન આવ્યા, 'અરે, ઘેલાણી ! તમે આરતીનો ફોટો તો પહેલાં પણ મોકલ્યો હતો અને હવે પણ મોકલ્યો છે. એને તો કોઈએ સળગાવીને મારી નાંખી છે. અને હવે તમે સૂચના આપો છો કે આ છોકરી ગુમ થઈ છે. એને શોધી લાવનારને એક લાખ રૃપિયાનું ઈનામ આપવામાં આવશે. મને નથી સમજાતું કે મરી ગયેલી છોકરીને કોઈ કેવી રીતે શોધી લાવે ?'
એ પછી જવાબમાં ઘેલાણીએ એમને એવી માહિતી આપી કે પૂછનારા સૌ અચંબામાં પડી ગયા.
એટલું જ નહીં બીજા દિવસના દેશભરના અખબારોમાં આરતીનો ફુલ પોઝ ફોટો અને કેટલીક વિગતો છાપવામાં આવી અને લખવામાં આવ્યું કે, 'આ છોકરી ફલાણી તારીખના રોજ ગુમ થયેલ છે. એ એક મોટા ગુનામાં સંડોવાયેલી છે. અને સમાજ માટે જોખમી છે. એને શોધી લાવનારને એક લાખનું ઈનામ આપવામાં આવશે.'
જે લોકો આરતીના મૃત્યુ વિશે જાણતા હતા એ લોકો છાપામાં આરતી ગુમ થઈ છે એવી જાહેરાત જોઈને મુંઝવણમાં મૂકાયા, પણ જે લોકોએ નહોતી જોઈ એ લોકોને એક લાખનું ઈનામ દેખાયું. ખાસ કરીને પોલીસ બેડા માટે કામ કરતાં ગુજરાત બહારના ખબરીઓની નજરમાં આ તસવીર આવી ગઈ. આરતીના મમ્મી અને પાડોશીઓએ બીજા દિવસે પોલીસ સ્ટેશને આવીને પૂછપરછ કરી. ઘેલાણી કંઈ બોલ્યા નહીં, નાથુએ ટૂંકો જવાબ આપ્યો, 'ફિકર નોટ ! જે થાય એ જોયા કરો !'
ઈન્સપેક્ટર ઘેલાણીએ તેમના તર્કના તીર પર એક મોટી ગેઈમ ખેલી હતી. ખબર નહોતી કે એ ગેઈમ સક્સેસ થવાની હતી કે નહીં. ફરીવાર દિવસો વીતતા ગયા પણ કોઈ કહેતા કોઈ જ સગડ ના મળ્યા. નાથુ મુંઝાઈ રહ્યો હતો અને ઘેલાણી ચિંતામાં હતા. જે છોકરી મરી ગઈ હતી, જેની હત્યા થઈ ગઈ હતી એના ફોટા સાથે ગુમ થયાની વિગતો છપાવીને એમણે ભૂલ તો નહોતી કરીને ? એવા પ્રશ્નો એમના પોતાના જ મનમાં ઉપસવા લાગ્યા.
પણ એક મહિના પછીના એક દિવસે આખરે એમના તર્કનું તીર નિશાના પર લાગ્યું. બપોરનો સમય હતો.
ઘેલાણી અને નાથુ અકોલી પોલીસ સ્ટેશનની ખખડધજ ખૂરશીમાં સ્ટાન્ડર્ડ મગજ લઈને કેસ વિશે વિચારી રહ્યા હતા. ત્યાં જ એમનો મોબાઈલ રણક્યો.
અજાણ્યો નંબર હતો. ઘેલાણીએ ફોન ઉપાડયો, 'હેલ્લો !'
'હેલ્લો, સર મેં એડવોકેટ મીણા બોલ રહા હું. આપને કુછ દિનો પહેલે અખબાર મેં એક ઈસ્તેહાર દીયા થા જીસમેં એક લડકી કી ફોટો થી ઔર વો ગુમ હો ગઈ ઐસા લિખા થા. વો લડકી યહાં હૈં સર !'
'વ્હોટ !' ઈન્સપેક્ટર ઘેલાણી ખુરશીમાંથી ઊભા થઈ ગયા, 'કહાં હૈ આપ ? મુજે અરજન્ટ બતાઈએ !'
'સર, મેં રાજસ્થાન કે ભીમાજીનગર સે બોલ રહા હું. કુછ હી દીન પહેલે યે લડકી ઔર એક લડકા મેરે પાસ આયે થે. વો લોગ ગુજરાત સે ભાગે હુએ થે. લવ મેરેજ કરની થી. લેકીન કુલ ડોક્યુમેન્ટ મે ક્વેરી થી. તો મૈને બાદમે આને કો કહા હૈ. યહાં, પાસ હી મેં ભાડે સે રહેતે હૈ. મેં પહેચાનતા હું ઉનકો.'
'ઠીક હૈ, મેં આતા હું. લેકીન તબતક આપ ઉન પર નજર રખ્ખો ! કહીં ભાગ ના જાયે !'
ઈન્સપેક્ટર ઘેલાણી અને કોન્સટેબલ નાથુ એમની ટીમ સાથે બીજા દિવસે રાજસ્થાન પહોંચ્યા. પણ ત્યાં સુધી ખેલ ખતમ થઈ ગયો હતો. એ લોકો થોડાક દિવસ પહેલાં જ એ ઘર ખાલી કરીને જતાં રહ્યાં હતા. ઘેલાણીએ મકાન માલિકને ઘર ખાલી કરવાની તારીખ પૂછી. જે દિવસે છાપામાં એમની તસવીર છપાઈ હતી એના ત્રીજા જ દિવસે એ લોકોએ ઘર ખાલી કરી દીધું હતું. ઘેલાણીએ કહ્યું, 'આરતીને ખબર પડી ગઈ છે કે આપણને ખબર છે કે એ જીવતી છે. હવે એને શોધવી મુશ્કેલ પડશે !'
એડવોકેટ મીણા ત્યાં સુધી આખા મામલાથી માહિતગાર થઈ ગયા હતા. એમણે કહ્યું, 'ઈન્સપેક્ટર સહાબ, એક બાત હૈ કી ઉન દોનો કા રજિસ્ટર્ડ મેરેજ અભી તક નહીં હુઆ. ઉનકો જ્યાદા જલ્દી થી લેકીન ડોક્યુમેન્ટ્સ મેં કવેરી થી. મૈંને ઉનકો બતાયા થા કી કુછ જુગાડ કરકે મેં ઉનકો ફોન કરુંગા. મેરે પાસ ઉનકા નંબર હૈ. મૈં ઉનકો ફોન કરકે બતાતા હું કી કામ હો ગયા હૈ. કોર્ટ મેં આ જાઈએ. ઉન લોગો કો શાદી કી બહોત જલ્દી થી સર. મેં બોલુંગા તો આ જાયેંગે. આપ ટેન્શન મત કીજીયે.'
એડવોકેટ મીણાએ બતાવેલો એક માત્ર રસ્તો જ હતો હવે આરતી સુધી પહોંચવાનો. એ રસ્તે પોલીસ ચાલી નીકળી. આરતીને ફોન કરવામાં આવ્યો. સ્પીકર ફોનમાં બધાએ આરતીનો અવાજ સાંભળ્યો પણ ખરો. પોલીસ શોધી રહી છે એવો આરતીને ખ્યાલ હતો પણ એડવોકેટ મીણા પણ પોલીસ સાથે ભળી ગયો હશે એવો સપનેય અંદાજ ના હોય. આરતી અને એક યુવક બીજા દિવસે સવારે જ સીટી સિવીલ કોર્ટ પર આવ્યા. મીણાને મળ્યા, 'સહાબ, જલ્દી સે હમારી શાદી કરવા દીજીયે !'
ત્યાંજ બીજા રૃમમાંથી ઈન્સપેક્ટર ઘેલાણી આવ્યા, 'આરતી તારી શાદી હવે હિન્દીમાં નહીં ગુજરાતીમાં થશે. ગુજરાતની સેન્ટ્રલ જેલમાં તારા માટે સરસ ચોરી તૈયાર કરી છે. ચાલો !!!'
પોલીસને જોઈને આરતી પડી ભાંગી, પેલો યુવક પણ ફસડાઈ પડયો.
માત્ર આરતીની મા શાંતાબહેન, એમના પરિચિતો કે અકોલી વિસ્તાર જ નહીં આખા ગુજરાતમાં હાહાકાર હતો કે જે યુવતીની હત્યાના સમાચાર હતા, જેની બળેલી લાશ મળી હતી એને ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુએ પકડી પાડી હતી. આ આખીય રમત, એની પાછળનું કારણ અને ગુનેગારને જાણવા માટે સૌ આતુર હતા.
આરતીને અને એની સાથેના યુવાનને એક ઓરડામાં બેસાડવામાં આવ્યા હતા. ત્યાં એના મમ્મી શાંતાબહેન અને અંગત પાડોશી કનુભાઈ અને જીગર પણ હતા. આરતી સાથેના યુવકનું નામ હરેશ હતું. એને કોઈ ઓળખતું પણ નહોતું. આરતીની મમ્મીએ અનેક વખત એને પૂછ્યું કે આ બધું શું છે પણ એ મુંગી બની નીચું મોં ઘાલીને બેઠી હતી. આખરે એમણે ઈન્સપેક્ટર ઘેલાણીને પૂછ્યું, 'સાહેબ, આરતી જીવતી છે એ તમને કેવી રીતે ખબર પડી ? તો પછી પેલી લાશ કોની ? આ બધી રમત શું છે ? અમને કંઈ સમજાતું નથી.
નાથુ બોલ્યો, 'ફિકર નોટ ! સાહેબ બધ્ધું જ કહે છે !'
ઈન્સપેક્ટર ઘેલાણીએ બોલવાનું શરૃ કર્યું, 'હું જેટલું જાણું છું એટલું કહું. અનેક પ્રયત્નો અને અનેક લોકોની ઝડતી અને પૂછપરછ છતાં આરતીનો કાતિલ કે કતલનું કારણ મળતું નહોતું. એક દિવસ હું આરતીના ફોટા જોતો હતો ત્યારે ફોટામાં જોયું કે આરતીના જમણા પગના અંગુઠા સિવાયની ચારે ચાર આંગળીઓ કપાયેલી છે.
તમે પણ તપાસમાં એક વખત ઉલ્લેખ કર્યો હતો કે આરતીના એક પગે ઈજા થયેલી હતી. આ તસવીરની બરાબર બાજુમાં લાશનો આખો ફોટો હતો. એ બળી ગયેલી લાશના હાડપીંજરમાં જમણો પગ અરધો જ બળ્યો હતો. પગની બધી આંગળીઓના હાડકા દેખાતા હતા. હું ચોંકી ગયો. એનો મતલબ એમ હતો કે એ લાશ આરતીની નહોતી.
મને વિચાર આવ્યો કે આ તો મોટી રમત છે. આરતીની વસ્તુઓ લાશ પાસે છે. દુપટ્ટો, પર્સ, ઝાંઝર બધું જ છે. એટલે કે આરતી જીવે છે અને કોઈ એને મરી ગઈ છે એમ સાબિત કરવા માંગે છે. મારો તર્ક કહેતો હતો કે આ કામ આરતીનું જ છે. તો જ આરતીની બધી વસ્તુઓ લાશ પાસે પહોંચે. કાતિલે જ એનું પોતાનું કતલ કર્યું હતું.
આ તર્કના આધારે મેં અખબારોમાં આરતીનો ફુલ પોઝ ફોટો છપાવી ગુમ થઈ હોવાની જાહેરાત કરી અને એક લાખનું ઈનામ જાહેર કર્યું. આખરે રાજસ્થાનના એડવોકેટ મીણા પાસે લવ મેરેજ કરાવા ગયેલી આરતી પકડાઈ ગઈ. આરતી હવે એ કહે કે તેં આ બધું શું કામ કર્યું ?' ઈ. ઘેલાણીએ આરતી સામે જોઈ વાત પૂરી કરી.
ઈન્સપેક્ટર ઘેલાણી બોલ્યા ત્યારે આરતી ધુ્રસકેને ધુ્રસકે રડી રહી હતી. ઘેલાણી બોલ્યા, 'આરતી, જે થયું હોય એ કહી દે. મને લાગે છે કે તારા રિમાન્ડ નથી લેવા.'
પાણી પીને આરતીએ બોલવાનું શરૃ કર્યું, 'હા, સાહેબ ! મારા કતલનો પ્લાન મારો જ હતો. આ હરેશ છે. હું રોજ બસમાં જતી હતી એમાં એ પણ સફર કરતો હતો. અમે બંને પ્રેમમાં પડયા. અમારે લગ્ન કરવા હતા પણ મારી મમ્મી અમારી રાહમાં પથરો હતી.
જોકે મેં એને હરેશની વાત નહોતી કરી પણ મને ખબર હતી કે હું કરીશ તો પણ એ ના જ પાડી દેશે. મારી ઉંમર પચ્ચીસ વર્ષની થઈ. પણ મમ્મીએ લગ્ન જ ના કર્યા. પોતે કોઈ વાત ના ચલાવે, પણ કોઈ સારા માણસો વાત લઈને આવે તો પણ ગમે તે કારણોસર ના પાડી દે. હું કંટાળી ગઈ હતી. મમ્મી વરસોથી સ્વાર્થી અને આળસુ છે.
કામ માટે ભણવા ના દીધી. અરધેથી ઉઠાવીને સિવણમાં લગાવી દીધી. અને મોટી થઈ એટલે લગ્ન ના કર્યા, એને એમ હતું કે હું સાસરે ચાલી જઈશ તો પછી એને કામ કરીને ખાવું પડશે. હું હોઉં તો કમાવાની જરૃર જ ના પડે. એટલે એ મારા લગ્ન નહોતી કરતી. મને તો એને મમ્મી કહેતાંયે શરમ આવે છે. મારે ને એને આ બાબતે ઘણીવાર ઝઘડા પણ થતાં.
એ કહેતી લગ્ન તો નહીં જ કરવા દઉં. અને જો ક્યાંય ભાગી ગઈ તો પણ પાછી પકડી લાવીશ. સાહેબ, આ મા નથી ડાકણ છે, જે પોતાની દીકરીના જીવનના આનંદને, હકને ભરખી જાય છે. જો હું હરેશ જોડે ભાગીને લગ્ન કરત તો પણ પોલીસ અથવા મારી મમ્મી અમને શોધી કાઢત. આથી અમે પ્લાન કર્યો કે મારી હત્યા થઈ ગઈ છે એવું સાબિત કરીને પછી બીજા રાજ્યમાં જતાં રહીએ. ઘણા મહિનાઓથી અમે પ્લાન કરી રહ્યાં હતા પણ કોઈ લાશ નહોતી મળતી.
આખરે હરેશના એક દોસ્તે એમના વિસ્તારમાં મરી ગયેલી એક ગાંડી સ્ત્રીની લાશ લાવી આપી. બીજા દિવસે હું ઘરેથી ભાગી હરેશ પાસે પહોંચી. રાત્રે અમે મારા કપડાં એને પહેરાવી દીધા, ઝાંઝર, પર્સ બધું જ એની પાસે રાખ્યું અને લાશને બાળીને ત્યાં ફેંકી દીધી. પછી સીધા રાજસ્થાન પહોંચી ગયા. બસ આટલી જ વાત છે...'
ઈન્સપેક્ટર ઘેલાણી બોલ્યા, 'આરતી, તારા ફુલ પોઝ ફોટાએ તારો ફુલ પ્રુફ પ્લાન ફેઈલ કરી દીધો. મારી એક ભૂલ કે મેં તારા અવર-જવરના રસ્તે તપાસ ના કરી. નહીંતર હરેશનો પતો લાગી જાત. તારા મોબાઈલમાં પણ એનો નંબર નથી.'
'અમે એક બીજા સાથે વાત કરવા બીજો નંબર વાપરતા હતા. અને અમારો મોબાઈલ પણ સીમ તોડીને સાબરમતીમાં પધરાવી દીધો હતો.'
ઈન્સપેક્ટર ઘેલાણી પછી શાંતાબહેન સામે જોઈ રહ્યા, 'બેન, દીકરી તો પારકી થાપણ કહેવાય. એને સ્વાર્થ માટે આવી રીતે બાંધી રાખો તો આવું જ પરિણામ આવે.'
આરતી અને શાંતાબહેન બધા જ રડી રહ્યાં હતા. આરતી અને હરેશને સજા થઈ અને શાંતાબહેન વગર જેલે જેલ જેવું જીવન ભોગવી રહ્યાં.
થોડા દિવસ બાદ એડવોકેટ મીણાએ ઈનામના એક લાખ રૃપિયા માટે ઈન્સપેક્ટર ઘેલાણીને વાત કરી. ઘેલાણીએ આનંદથી કહ્યું, 'ચોક્કસ, તમે જ આરતીને શોધી આપી છે. તો તમને એક લાખ ચોક્કસ મળશે. હું આજે જ કમિશ્નર સાહેબને વાત કરું છું.'
એ જ દિવસે સાંજે ઘેલાણીએ કમિશ્નર સાહેબને વાત કરી, 'સાહેબ, પેલા એક લાખ રૃપિયાનું ઈનામ આપણે જાહેર કર્યું હતું એ એડવોકેટને આપવાનું છે !'
'ક્યા એક લાખ ? મેં તમને કોઈ એવી છૂટ નથી આપી. કોઈ લાખ-બાખ નહીં મળે.' ઈ.ઘેલાણીએ કમિશ્નર સાહેબને મૌખિક પૂછીને પછી જ આ કેસમાં લાખ રૃપિયાનું ઈનામ જાહેર કર્યું હતું પણ એ ફરી ગયા. આખરે ઘેલાણીએ પોતાના પરસેવાની બચતમાંથી મીણાને લાખ રૃપિયા આપ્યા. લાખ અને શાખ બંને ગુમાવીને ઈ. ઘેલાણી અને નાથુ એમના હાથમાં ઊગેલી અપજશની રેખાની કાતિલતાને જોતા બેસી રહ્યાં.
(સમાપ્ત)