ચેતના- હિતેન્દ્ર ગાંધી
મનની શાંતિ ક્યાંથી અને કેવી રીતે મળી શકે ?
વ્યક્તિ પોતે જ પોતાનું મન શાંત રાખી શકે છે. પોઝીટીવ વિચારો હકારાત્મક વર્તન શુધ્ધ વાણી અને સમતોલ આહાર જો વ્યક્તિ પોતાના આચરણમાં ઉતારે તો ચોક્કસપણે મનથી શાંત રહી શકાય છે
'કૌશિકભાઈ ૪૭ વર્ષના છે. પૈસે ટકે સુખી છે, ઘરમાં પણ દેખીતી શાંતિ છે. સારી નોકરી છે - બે દીકરા છે. એક દીકરાની સગાઇ થઇ ગઈ છે. બીજો ભણ છે. છેલ્લા એક બે વર્ષથી કૌશિકભાઈ ને મનથી બરાબર લાગતું નથી. પહેલાં જેવી મઝા નથી આવતી.
કોઇની સાથે વાતચીત કરવી ઓછી ગમે છે. પોતાને જ એવું લાગે છે કે કાંઇક ખુટે છે પહેલાં જેવી જીંદગી રહી નથી. ક્યારેક એવા વિચાર પણ આવે છે કે મન હળવું કેવી રીતે થઇ શકે ? ક્લીનીકમાં આવીને ફક્ત એક જ ફરિયાદ કરતાં હતાં કે બરાબર લાગતું નથી. ક્યાંક કશું થઇ તો નહિં જાય ને ? કૌશિકભાઈ અવારનવાર ગભરાઈ જાય છે'
'રીમાની ઉંમર ૩૯ વર્ષની છે. લગ્ન થયે ૧૪ વર્ષ થયાં. એક દીકરી છે - સ્કુલમાં ભણે છે. તેના હસબન્ડને સારો બીઝનેસ છે. પરંતુ આખો દિવસ વ્યસ્ત રહે તો હોય છે. કુટુંબમાં અત્યારે ફક્ત ત્રણ જ જણા છે. રીમાના સાસુ-સસરા ગુજરી ગયાં છે. રીમાને પણ કોઈ ભાઈ-બહેન નથી એ તેના હસબન્ડ પણ એકનો એક છોકરો છે. રીમા છેલ્લા એક વર્ષથી શરીરમાં કાંઇકની કાંક નાની મોટી તકલીફથી હેરાન થાય છે.
તેનો હસબન્ડ તેની કાળજી તો લે છે પરંતુ રીમાને એવું લાગતું હોય છે કે તે ફક્ત તેની ફરજ જ બજાવે છે. ક્લીનીકમાં રીમા એવું જ કહેતી હતી કે ઘર ખાલી ખાલી લાગે છે. હસબન્ડ કાળજી લે છે - પરંતુ ઉપર છલ્લી હોય તેવું જ દેખાય છે. રીમા સતત મનથી અશાંત રહે છે. એક સવાલ એવો પણ હતો કે કોઈ દવા હશે કે જેનાથી મન શાંત રહે - કોઈ વિચાર જ ના આવે.'
વાંચકમિત્રો - ઉપર જે બે કિસ્સાનું વર્ણન કર્યું તેવી જ તકલીફ અત્યારે ઘણા બધા લોકોની હોય છે. જ્યાં ને ત્યાં માનસીક શાંતિ માટેની કથાઓ ચાલતી હોય છે. વ્યાખ્યાનો ચાલતાં હોય છે. શીબીરો યોજાતી રહે છે. પ્રવચનો ગોઠવાય છે.
મનની શાંતિ માટે અસંખ્ય લેખો વાંચવા મળે છે. પુસ્તકો છપાય છે. ધાર્મિક સ્થળોમાં જાતજાતની પ્રાર્થનાઓ, ભજન, કિર્તન, વિ.વિ. સતત ચાલતાં જ હોય છે. ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગેલા હોય છે કે મનની શાંતિ માટે ભાગ લો આનો શું અર્થ થયો ? અત્યારની જીંદગીમાં મોટાભાગના લોકો ક્યાં ને ક્યાં, ક્યારેક-માનસીક અશાંતિથી પીડાતા હોય છે. બધી જ રીતે સુખી હોવા છતાં મનની શાંતિ મળતી હોતી નથી. આનાથી ઊધું જે લોકો પાસે કશું જ નથી તે લોકોને કોઈ જ અશાંતી નથી. આરામથી ફુટપાથ ઉપર ઘસઘસાટ ઉંઘતા હોય છે.
મુળ સવાલ એ છે કે આપણે મનથી શાંતિ જોઇતી હોય તો ક્યાંથી અને કેવી રીતે મળી શકે ? ક્લીનીકમાં જેમ શરૃઆતમાં બે કેસનું વર્ણન કર્યું તે ફક્ત દાખલાઓ જ છે. અસંખ્ય લોકો ને મન શાંત રાખવું છે. બહાર અનેક પ્રયત્ન કરવાં છતાં મનની શાંતિ મળતી નથી. અથવા કામચલાઉ સમય માટે મન શાંત રહે છે.
હકિકતમાં મન શાંત રાખવું હોય તો એ આપણાં જ હાથમાં છે. મનોચિકિત્સા શાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિ પોતે જ પોતાનું મન શાંત રાખી શકે છે. પોઝીટીવ વિચારો હકારાત્મક વર્તન શુધ્ધ વાણી અને સમતોલ આહાર જો વ્યક્તિ પોતાના આચરણમાં ઉતારે તો ચોક્કસપણે મનથી શાંત રહી શકાય છે.
જરૃર જણાય તો નિષ્ણાત અથવા અનુભવી વ્યક્તિઓની સલાહ સુચન લઇ શકાય. પણ અંતે તો જાતે જ વ્યક્તિ પોતાની જ રીતે મન શાંત રાખી શકે છે. સારી ટેવો, યોગ્ય કસરત, યોગ, સંગીત, અથવા અન્ય શોખ દ્વારા પણ મન શાંત રહી શકે છે. ટુંકમાં બહાર મનની શાંતિ મળતી નથી. મનની શાંતિ જાતે જ મેળવી શકાય છે.