ચેતના- હિતેન્દ્ર ગાંધી
સિઝોફ્રેનિયા કઈ બીમારીનું નામ છે?
સિઝોફ્રેનીયાની બીમારી તાજેતરમાં ખુબ જ સામાન્ય બની રહી છે. તેની જાણકારી લેવી જરૃરી છે
માનસીક બીમારીઓમાં સીઝોફ્રેનિયાની બીમારી થોડી ગંભીર ગણી શકાય અને શરુઆતથી જ તેને કાબુમાં લેવી જોઈએ. સામાન્ય રીતે નાની ઉંમરથી જ તેનાં લક્ષણો જોવા મળે છે. અને ધીમે ધીમે બીમારી વધતી જાય છે. હકિકતમાં આ બીમારીમાં દર્દીના વિચારો આડાઅવળા થઈ જાય છે અને વિચારોની તકલીફને કારણે સ્વાભાવિક રીતે, બોલવું-ચાલવું અને વર્તનમાં પણ વિચિત્રતા જોવા મળે છે. એક કેસનો દાખલો આપું તો થોડી જાણકારી મેળવવામાં સહેલું પડશે.
''૧૪ વર્ષનો જોલી શરૃઆતથી જ થોડો શરમાળ હતો. ઘરમાં મમ્મી-પપ્પા અને જોલી સિવાય કોઈ હતું નહિં. આખો દિવસ જોલી સ્કુલમાં, ટયુશનમાં વ્યસ્ત રહેતો હતો. ભણવામાં હોંશિયાર હતો પરંતુ આ સિવાય તેના બીજા કોઈ શોખ નહોતાં. ફક્ત ભણવામાં જ તેનું ધ્યાન કેન્દ્રીત રહેતું હતું. ક્યારેક નવરાશના સમયે ટી.વી. તેમજ ગેમમાં ટાઈમ પાસ કરતો હતો. ઘણી વકત તેની મમ્મીના કહેવા મુજબ ટી.વી. જોતાં જોતાં વિચારમગ્ન થઈ જતો હતો. ક્યાંક ઉંડા વિચારોમાં ખોવાઈ જતો.
એકાદ બે વાર તો સોફા ઉપરથી ઉભો થઈ જાય અને એક કોર્નરમાં જઈને વિચારમગ્ન થઈ જતો. જોલીને કાંઈ ખબર રહેતી નહોતી. તેની મમ્મી બુમ પાડે ત્યારે તરત જ મુળ જગ્યાએ આવી જતો હતો. થોડાક સમય પછી ક્યારેય ગુસ્સે નહિં થતો જોલી નાની નાની વાતમાં ગુસ્સો કરતો હતો. વાતમાં કોઈ દમ ના હોય તો પણ અકારણ ચીડાઈ જતો હતો. જોલીના મમ્મી-પપ્પાને એવું હતું કે ભણવાના ટેન્શનના કારણે તેનું વર્તન થોડું બદલાયેલું લાગે છે. થોડાક દિવસ ચેન્જ માટે ફરવા જઈ આવ્યા.
સીમલા ગયા. ચાર દિવસનું રોકાણ હતું. હોટલમાં રોકાયા હતાં. બીજા દિવસે જોલીએ તેના પપ્પાને કહ્યું કે હોટલના એક વેઇટર ઉપર તેને શંકા છે. તે વેઈટર જોલીનો પીછો કરતો હોય તેવું તેને લાગે છે. શરૃઆતમાં વાત હસી કાઢી. સાંજે જોલીએ કહ્યું કે તે વેઇટર તેને ધમકાવવાનો પ્રયત્ન કરે છે. વાત થોડી લાંબી ચાલી. રીસેપ્શનમાં ફરિયાદ થઈ. બધાને એવું લાગ્યું કે વાત ખોટી છે. વેઇટર ખુબ જ સારો છે.
વર્ષોથી કોઈને ફરિયાદ નથી. પરંતુ જોલી અને તેના મમ્મી-પપ્પાને સંતોષ ના થયો. વેકેશન પતાવીને ઘરે આવ્યા. દસ પંદર દિવસ પછી જોલીમાં ખાસા ફેરફાર જોવા મળ્યા. ક્યારેક બે ચાર દિવસ સુધી નહાતો નહોતો. એકાદ વખત તેના પપ્પાએ જોયું તો જોલી કોઈ કારણ વગર ખડખડાટ હસતો હતો. એક દિવસ જોલીએ એવું પણ કહ્યું કે બાજુના બંગલાવાળાનો સીક્યુરીટી માણસ તેનો પીછો કરે છે, વૉચ રાખે છે. જોલીના ઘરમાં હવે લાગ્યું કે જોલીને ખરેખર કોઈ તકલીફ છે. છેલ્લા રીઝલ્ટમાં પણ ધબડકો હતો.
જોલીના પપ્પાએ તેમના ફેમિલી ડોક્ટર સાથે ચર્ચા કરી. ફેમીલી ડોક્ટરે જોલી સાથે પણ વાતચીત કરી. ડોક્ટરને લાગ્યું કે જોલીમાં ખરેખર કોઈ માનસીક તકલીફ છે. કારણ કે ઘણા સમય પહેલાંથી (છ મહિનાથી) જોલીના વર્તનથી માંડીને વિચારોમાં તકલીફ દેખાતી નથી. સીમલાનો અનુભવ અને ત્યારબાદ બાજુવાળા સીક્યોરિટી માણસ ઉપરનો વહેમ વિ.વિ. સામાન્ય વ્યવહાર ના લાગ્યો.
જોલીને માનસચિકિત્સક પાસે લાવવામાં આવ્યો. વિગતવાર તપાસને અંતે જોલી સિઝોફ્રેનિયાની માનસિક બીમારીથી પીડાય છે એવું નિદાન થયું. સારવાર કરવામાં આવી. થોડાક દિવસમાં જ જોલી ઝડપથી સારો થવા લાગ્યો.
ટુંકમાં સિઝોફ્રેનીયાની બીમારી તાજેતરમાં ખુબ જ સામાન્ય બની રહી છે. તેની જાણકારી લેવી જરૃરી છે. તેનો ઈલાજ પણ શક્ય છે. જો વર્ષો સુધી તેની સારવાર ના થાય તો ગંભીર થઈ શકે છે અને ક્યારેક દર્દી હિંસક પણ બને છે અથવા આત્મહત્યા પણ કરી શકે છે.