Get The App

અનાવૃત - જય વસાવડા

એ કાશ કભી ઐસા હોતા... નવતર પ્રોડક્ટ આઇડિયાઝ !

Updated: Oct 25th, 2017

GS TEAM


Google News
Google News

ફોનમાં એવું એલાર્મ હોવું જોઇએ કે એલાર્મ વાગે ને તમે ઊઠો પછી પથારીમાં જ બેઠા બેઠા ફોન ને મેસેજ મચડયા કરો, ત્યારે થોડી મિનિટે બાદ ફરી એલાર્મ વાગે (ને સ્ક્રીન ઑફ થઇ જાય !) એટલે તમને બ્રશ કરવાનું યાદ આવે !

અમુક ફેક પ્રોફાઇલ એવા ઈન્ટેલીજન્ટ હોય કે ફોરેન મીડિયામાં એના પર સ્ટોરીઝ પણ થાય ! ભારતીય ઋષિપરંપરાની જેમ વિચારને મહત્વ આપવાનું. નામને નહિ એવી સાર્થક સાહિત્યકતા સાથે. અમુક રિયલ ઈનોવેટિવ બ્રેઇન્સ સુપેરે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે

અનાવૃત - જય વસાવડા 1 - imageવધુ એક નવું વિક્રમ સંવત આવી ગયું એના વધામણા. વરસ નવું હોય તો લેખ પણ કશોક નવતર લખવો જોઇએ ને. એ શું દર વર્ષે એકની એક ફિલસૂફીઓ ને સુખની સાયકોલોજીની વાતો ? લેટ્સ ચેન્જ ધ મોડ ધિસ ઈયર. કુછ હટકે.

વીતેલા વિક્રમ સંવતમાં રહી ગયેલું એક કામ છે. 'ટેસ્લા'ના ભેજાંબાજ ઈન્વેન્ટર ઈલન મસ્ક પર લકવાનું. વેઇટ ફોર સીરિઝ ઓફ આર્ટિકલ્સ ઓન નેક્સ્ટ સ્ટીવ જોબ્સ. જબરો ભેજાંબાજ અબજપતિ છે. ઈલેક્ટ્રોનિક ને ડ્રાઈવરલેસ કારથી શરૃ કરી વર્લ્ડવાઇડ સેટેલાઇટ વાઇફાઇ સુધીના ટેકનોપ્રોજેક્ટ્સ હાથ ધરનારો રિયલ લાઇફ આયર્ન મેન છે.

મૂળ વાત આ છે. વર્ષોવર્ષ માનવજાતની પ્રગતિ આવા કોઇ ચતુરસુઝાણ શરૃઆતમાં તોફાની પણ પછી તાકતવર લાગતા આઇડિયાઇઝને લીધે થઇ છે. એમાંથી જ સુખ વધારતી સગવડો આવી. સાધનો શોધાયા ને વધુ અપગ્રેડ થયા. આરોગ્ય અને શિક્ષણનો વ્યાપ વધ્યો. દીવાની જગ્યાએ ઈલેક્ટ્રિસિટી આવી. અખબારો સ્માર્ટફોન પર વંચાતા થઇ ગયા. સોશ્યલ મિડિયા પણ આવ્યું.

આ સોશ્યલ મિડિયામાં ઘણા લોકો એવું માને છે કે જીંદગીમાં જે પોલિટિક્સ કરવા નથી મળ્યું, એ અહીં કરવાનું હોય. ટાંટિયાખેંચના ટ્રોલ બનાવવાના હોય. માફક ન આવે ત્યાંથી નીકળી જવાને બદલે ત્યાં ચોંટી જઇને ખરેખરી જીંદગીમાં ન કર્યા હોય એવા વિરોધના વાવટા ફરકાવવાના હોય. એમને મોકળું મેદાન મળી ગયું એટલે વગર દિવાળીએ ફટાકડા ફુટતા રહે છે. ઘણા કુટિલકાયરો એમાં ફેક પ્રોફાઇલ બનાવીને કાવતરાંઓ કરીને અબૂધોને ચડ જા બેટા સૂલી પર કહ્યા કરે છે.

પણ આ પ્લેટફોર્મ ખરેખર ગ્લોબલ કનેકશનનું અને મનોમંથનની સાથે મનોરંજનનું છે. ફેક પ્રોફાઇલ બનાવીને જે મોઢા પર ન કરી શકાય એવા બેનમૂન કટાક્ષ કરી શકાય. પણ આવી ક્રિએટિવિટીની ત્રેવડ પણ હોવી જોઇએ ને !

ખટપટ કે કકળાટ સહેલા રસ્તા છે એટલે અધૂરિયાઓને મધુરિયાઓ સામે મોરચા માંડવાની ખુજલી વલૂરવા મળે છે. પણ અમુક ફેક પ્રોફાઇલ એવા ઈન્ટેલીજન્ટ હોય કે ફોરેન મીડિયામાં એના પર સ્ટોરીઝ પણ થાય ! ભારતીય ઋષિપરંપરાની જેમ વિચારને મહત્વ આપવાનું. નામને નહિ એવી સાર્થક સાહિત્યકતા સાથે. અમુક રિયલ ઈનોવેટિવ બ્રેઇન્સ સુપેરે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે.

તો એવો જ એક પ્રોફાઇલ છે 'બોર્ડ ઈલન મસ્ક'. મતલબ, જગતથી કંટાળી ગયેલો (બોર થયેલો) ઈલન મસ્ક. હવે આમ તો આ ફેક પ્રોફાઇલ છે. પણ ૨૦૧૩માં એ શરૃ થયો પછી આજ સુધીમાં ૧૬ લાખથી વધુ લોકો એને ટ્વીટર પર ફોલો કરે છે. જબરો બુદ્ધિમાન છે. જેમ પોપકોર્ન મશીનમાં ધાણી ફૂટે એમ અવનવી ફ્યુચર પ્રોડક્ટસના તરંગો એના દિમાગમાંથી ફૂટયા કરે છે.

સાચે જ કોઇ સાયન્સનો શોખીન હોય કે પછી ઉદ્યમી ઉદ્યોગપતિ હોય તો એમાંની કોઇ પ્રોડક્ટ રિયલમાં બનાવી તમામ હેપ્પી ન્યુ ઈયરની વિશિઝ સાર્થક કરીને લક્ષ્મીવંત થઇ જાય ! આ લખાય છે ત્યારે એની છેલ્લી ટ્વિટ છે : કારના વિન્ડશિલ્ડ પર જ ડ્રાઇવ ઇન ઓર્ડર આપતા પહેલા મેનૂ આવી જાય જેથી જે-તે રેસ્ટોરાંમાં જઇ  એ વાંચવામાં સમય ન બગાડવો પડે !

અમુક એના આવા આઇડિયાઝ ફની છે. જાણીજોઇને રમૂજ કરવા એ ગંભીરતાથી લખે છે. અમુક નીઅર ફયુચરમાં સાર્થક થાય એવા વાસ્તવાદી છે. અમુક પ્રેક્ટિકલી શક્ય નથી, પણ યૂં હોતા તો ક્યા હોતા (અચ્છા હોતા !) જેવા વિચારોમાં ખોવાઇ જઇએ એવા છે.

હમણા અમેરિકામાં કમનસીબ ગનફાયરમાં લાસવેગાસમાં એક સાયકોએ પાર્ટીપ્રેમીઓને સમાજશત્રુ માનીને કદાચ હણી નાખ્યા, એ પછી બોર્ડ ઈલનમસ્ક ટ્વીટયુ કે : ગનમાં એવું (કેમેરા સેન્સર) કેમ ન હોય કે એ ગોળી કોઇને જાન લે ત્યારે સત્તાવાળા / ઉત્પાદકને સીધી ખબર પડે ! આમાં કટાક્ષ ને સ્પાર્ક બેઉ છે જ !

એમાં લેટેસ્ટ ફ્રેશ એક્ઝામ્પલ્સ : હવાઇ મુસાફરી લાંબી ચાલે, ત્યારે ભાર બોરિંગ હોય. પ્લેનમાં બારી બહાર દ્રશ્યો બદલાય નહિ. બેસવાની સીટ બિઝનેસ ક્લાસ સિવાય ગીચોગીચ હોય. તો ભાઇ ટહૂક્યા. પાયલોટ ને સ્ટેન્ડ અપ કોમેડીની તાલીમ આપો.

એટલે ફૂરસદમાં લાઈવ મનોરંજન કરે બધાનું ! અમેરિકામાં બહારથી આવતા ઈમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પ સરકારે લાલ આંખ કરી તો હ્યુમરનો ફાયર થયો : દસ વર્ષ પછી ઈમિગ્રન્ટ્સને બદલે રૉબોટ બધાની જોબ લઇ લેશે.

આવી કેટલાક હમણાની ટ્વીટ્સ : એવા ગ્લવ્ઝ શોધો કે ફ્રુટ હાથમાં લે તો પારખી લે કે પાકેલું છે કે નહિ. ડિશવૉશરમાં એવી જેટ સ્ટ્રીમ રાખો જે ચોંટેલા ખોરાક ઉપર ટાર્ગેટ બનાવી ધાર કરે. ફ્રિજમાં બિલ્ટ ઈન જ્યુસર હોય જે બરફના ખાનાની જેમ જ્યુસ કાઢી આપે ફળોના.

'બ્રેકગ્રાઉન્ડ ટીવી' નામની ચેનલ બનાવો. જો તમે ફોન પર વાતોના તડાકા મારતા હો ત્યારે એમ જ ચાલ્યા કરતા હોય એવા જ પ્રોગ્રામ આવે ! મૂવી થિયેટરના બાથરૃમમાં સ્ક્રીન રાખો, જેથી ફિલ્મનો એટલો ભાગ મિસ ન થાય. પીઠ પર બીજાને સતત ભટકાતું બેકપેક લઇને ફરનારાઓ માટે બેકપેક પર રિઅર વૉચ કેમેરા રાખો.

કસ્ટમર સર્વિસમાં ફોન કરો ને લાંબુ લચક એક દબાવો, બે દબાવો વાળું રેકોર્ડેડ ભાષણ સાંભળવા મળે એને 'ફાસ્ટર' બોલીને ફોરવર્ડ કરી શકાય એવી સીસ્ટમ બનાવો. ભાષણોમાં મોટી મોટી વાતો કરનારા પણ હકીકતે લડાઇનું મેદાન છોડી ભાગી છૂટનારા માટે સિન્થેટિક સ્પાઇન બનાવો. યાને કૃત્રિમ કરોડરજ્જૂ. એવું ફીચર ફોનમાં હોય કે ટેલીમાર્કેટિંગવાળા કોલ આવે તો એની સાથે કૃત્રિમ રેકોર્ડેડ લાંબીલચ વાતો કરી એનું એવું માથું પકવે કે તમારો નંબર બ્લેકલિસ્ટ થઇ જાય .!

ફોનમાં એવું એલાર્મ હોવું જોઇએ કે એલાર્મ વાગે ને તમે ઊઠો પછી પથારીમાં જ બેઠા બેઠા ફોનને મેસેજ મચડયા કરો, ત્યારે થોડી મિનિટે બાદ ફરી એલાર્મ વાગે (ને સ્ક્રીન ઑફ થઇ જાય !) એટલે તમને બ્રશ કરવાનું યાદ આવે ! કોફીના કપ ઉપર જે ઢાંકણા હોય એ પેક સાચે જ ફિટમફિટ થાય ત્યારે એનો કલર ચેન્જ થઇ જાય !

ઈમેઈલમાં અગાઉ ડાઉનલોડ કરેલ એટેચમેન્ટ ફરી ડાઉનલોડ થઇ જગ્યા ન બગાડે એવી એપ હોય. મોલમાં શોપિંગ કાર્ટ (ટ્રોલી)માં સેન્સર હોય જે તમારા બજેટથી વધુ આઇટેમ ભરો ત્યારે બીપ બીપ થાય ! રિવર્સ સનગ્લાસ જે અંધારુ થાય ત્યારે આસપાસ અજવાળું કરે.

જૂની ટ્વીટ્સ ફંફોસો તો ય હીરાની ખાણ મળે. બ્લોગ પર લાંબા આર્ટિકલ હોય ત્યારે વાંચનારની આંખને ટ્રેક કરે એવું આઇ ટ્રેકિંગ હોય જે આખો લેખ વંચાય નહિ આંખ સામે ત્યાં સુધી કોમેન્ટ્સ પોસ્ટ કરવા ન દે ! અજાણ્યો નંબર ફોનસ્ક્રીન પર ઝબૂકે કે તરત જ એની ગૂગલ સર્ચ થવા લાગે.

રોડ પરના ટ્રાફિકમાં બીજા ડ્રાઇવર્સને (કારના નંબર પરથી) ફેસબૂકની જેમ લાઇક કે ડિસલાઇક આપી શકાય ! એવા સ્ક્રીનવાળા માઇક્રોવેવ ઑવન કે વસ્તુ એમાં જેટલી મિનિટ માટે મૂકો એટલી મિનિટનો જ ફની યુટયુબ વિડિયો શોધીને બતાવે !

એવા 'ડ્રૉન' હોય જે તમને ભટકતા રહી ગયેલા વાહનોનો પીછો કરી એને પકડી પાડે ! ફોન હાથમાંથી છટકીને પડે એ પહેલા માઇક્રોસેકન્ડમાં એનો ઈન્સ્યોરન્સ ભરાઇ જાય એવી એપ ! ફેસબૂક પર પરણેલી સ્ત્રીની પિયરની અટક શું હતી એ તમને સાચી ઓળખ માટે બતાવે એવું ફીચર હોય. એકધારા આવી ચડતા જેક મેઇલ કે બ્રોડકાસ્ટ મેસેજ નીચે 'અનસબસ્ક્રાઇબ'નું બટન હોય, તો એ લાર્જ થઇ જાય એવી એપ હોય.

છોકરાઓના મમ્મી-પપ્પાના હાથમાં એમનો મોબાઇલ હોય તો, દીકરા-દીકરીને એ લોકો કશું જુએ એ પહેલા એલર્ટ મળી જાય કે શું જુએ છે ! તમારા કાર્ડમાં જે સ્ટોરના ગિફ્ટ પોઇન્ટસ હોય, એની પાસેથી પસાર થાવ તો એ વાયબ્રેટ થાય. વેફરના એવા પડીકાં કે રાતના બધા સૂઇ ગયા હોય ત્યારે ખોલો તો અવાજ ન તાય !

ફેમિલી ગેટટુગેધરમાં કે સામાજીક પ્રસંગમાં મોઢા પર સ્મિત ચોંટાડી ''મને ઓળખો છો ?'' કહીને જે ઊભા રહે, એનું ફેસ રેકગ્નિશન કરીને નામ યાદ દેવડાવી દે, એવો સોફ્ટવેર હોવો જોઇએ. બહાર જતી વખતે થેલી ભૂલાઇ ન જાય, એ માટેનું બઝર હોય. બે ય હાથમાં વજનદાર બેગ હોય ત્યારે પેન્ટના ખિસ્સામાં ચાવી એકથી બીજા ખિસ્સામાં શિફ્ટ થઇ જાય.

(બૅટર, દરવાજો ઑટોમેટિક ખુલી જાય !) કચરાટોપલી કે જે તમે ખાધા વગર ફેંકી દો એવા શાકને નોંધે એટલે તમને એ ન ખરીદવાના એલર્ટ મળે ! વાયરલેસ પાઉચ પરિભ્રમણની ડાયનેમિક એનર્જીથી બેટરી વગર રિચાર્જ થયા કરે !

સોશ્યલ નેટવર્ક પર એવી એપ હોય કે તમે ફિદેલ કાસ્ત્રો (ક્યુબન સરમુખત્યાર) પર કોમેન્ટ કરો, ત્યારે પહેલા તમને નકશામાં ક્યુબા ક્યાં આવ્યું એ શોધવાનું કહે ! (આ ગૂગલી છે. તરત નહિ સમજાય. જેને ન સમજાય એણે કોઇ પણ સબ્જેક્ટ પર કોમેન્ટ કરતા પહેલા વાચન વધારવું.  ખીખીખી.)

એવી એપ કે રેસ્ટોરામાં ખાવ ત્યારે એ ફુડ સ્કેન કરી, એની સામગ્રીમાંથી એ ઘેર બનાવ્યું હોત તો કેટલામાં પડત એ અંદાજ આપી દે ! એવી એપ જે સોશ્યલ નેટવર્ક પર કોઇ ઓપિનિયન મોટા દેશપ્રેમી સાહિત્યક થઇને આપતા હોય ત્યારે પોતે અગાઉ કયા વિષય પર શું ઓપિનિયન આપી ચૂક્યા છે,

એની હિસ્ટ્રી સ્કેન કરીને મૂકે ! જેટલા અનરીડ વૉટ્સએપ મેસેજ હોય, એમ એ વાંચવા મુજબની જાગવાની સ્ટ્રેન્થ વધારતી સ્ટ્રોંગ કોફી બનાવે એવું કોફી મશીન. સેલોટેપના રોલમાં જ્યારે પટ્ટી કાપો ત્યારે છેડાનો કલર બદલાઇ જાય જેથી છેડો ક્યાં છે રોલમાં એની ખબર પડે !

એક એવો દિવલ જ્યાં ટ્વીટર પર રેડીમેઇડ કોપીપેસ્ટ કે લિન્કને બદલે માત્ર ઓરિજીનલ થૉટ્સ જ પોસ્ટ થાય. એવી એપ જે નવા (ગ્રેગેરીયન) વર્ષમાં તારીખ લખવામાં ભૂલ ન કરે. ઉબેર / ઓલાના ડ્રાઇવર તમે ઊભા હો ત્યાં પહોંચવામાં ખોટો ટર્ન લે તો જીપીએસમાં જોઇને જ જોરથી નાઆઆ બોલો એ એને કારમાં સંભળાય એવી એપ !

જે કોર્પોરેટ કર્મચારી સવારમાં સુંવાળા સુગરકૉટેડ સુવાક્યો ફટકારે એને એચઆર ડિપાર્ટમેન્ટ સસ્પેન્ડ કરી શકે તેવી એપ. એવું ડ્રોન જે કારની આગળ ઊડીને તડકાને બ્લોક કરે આંખમાં આવતા ! પૈસાની લેવડદેવડમાં બે ય પાર્ટીના એકદમ બોગસ દેખાતા ફોટો ય એક્સચેન્જ થાય. જેતી ઉઘરાણીના વાયદામાં એક પાછો પડે, તો બીજો એના સોશ્યલ નેટવર્ક પર એ ભંગાર ફોટો ચોંટાડવાની ધમકી આપી શકે !

પોલિટિકલ મેસેજ આવે એટલે જવાબમાં લાંબા મેસેજ ટાઇપ જ ન થાય એવી એપ. મોટી મીટિંગોમાં કલાકના હિસાબે કેટલો ટાઇમ જાય, ને એમાં પગારની કેટલી રકમ વેડફાય છે, એ ડેટા પબ્લિક કરી દે તેવી એપ ! એવી ન્યુઝ એપ. જે અમુક લેખો એક વરસ પછી જ બતાવે, જેથી ખોટા લોહીઉકાળા કેવી ફાલતુ બરબાદી હતી એ ખબર પડે ! તમારા વજન સાથે ફ્રિજનું મેચીંગ હોય એટલે જો ચોકલેટ ખાવા જાવ તો ખૂલે જ નહિ !

કંઇક વધુ પડતું જંકફુડ ખાવ કે તરત તમારી ફાંદ ને બેઠકની ચરબી સ્કીન કરી બતાવે એવી એપ. એવી એપ કે સોશ્યલ મીડિયામાં બધી જ કોમેન્ટ 'તમે સાચા છો' એવી કરી નાખે. (આપણી બીજાને, ને બીજાની આપણને ! આ તો સ્ટ્રેસબસ્ટર વિશ્વશાંતિનો ઉકેલ છે ! નહિ ?)

વેલ, આવા અમુક આઇડિયાઝ આ ટ્વીટર એકાઉન્ટમાં વાંચીને મોજ પડી જાય. ઈનફેક્ટ આપણને આવવા લાગે ! (તમે ય વિચારી શકો હોં કે.) એક મિત્રે વિચારેલું કે અમુક સાવ જડભરતો જોખમી રીતે વાહન ચલાવે તો હોર્નને બદલે એની સામે સેટિંગ મુજબની તીવ્રતાની ગાળો વાગવી જોઇએ. જેથી થોડા સખણા રહે કે કમસેકમ  ખીજવાઇને ઊભા રહે !

વેલ, નવું વર્ષ આવી લમણાઝીંક પડતી મૂકી નવી શરૃઆત કરવાનો સમય નથી. એટલે જ આવા ફન આઇડિયાઝ મૂક્યા સેમ્પલ તરીકે. મૂળ વાત છે, આઉટ ઓફ ધ બૉક્સ વિચારવાની. એમ જ અશક્ય લાગતી બાબતો શક્ય થઇ.

માણસ હવામાં ઉડયો ને પાણીના તળિયે તર્યો. ઘટના નવીન નથી, પણ સવાલો નવીન છે. એમ જ શોધખોળો થઇ. ઈતિહાસ રચાયો અને ભવિષ્યમાં પલટાયું. ધેટ્સ ક્રિએટિવિટી. આ વિક્રમ સંવતમાં ઉધાર અભિપ્રાયો ને પૂર્વગ્રહોને બદલે ગેમ ચેન્જર કે લાઇફ ચેન્જર બને એવા નાનામોટા આઇડિયાઝ વિચારો ઘરનું, દેશનું, મિત્રોનું ભલું થાય એવું કશુંક અવનવું.

નેગેટિવિટીનો પ્રતિકાર કરવાનો હોય પણ નેગેટિવ થઇ જવાનું ન હોય. બીજું કંઇ નહિ તો ય  હળવા રહીએ ને હસતા રહીએ આવી ગમ્મતો પર તો ય મોજ પડશે. આપણે બદલાઇએ નહિ તો પંચાંગ - કેલેન્ડરના દટ્ટા બદલવાથી ફેર ન પડે. નૂતન વર્ષાભિનંદન.

- ઝિંગ થિંગ -

''અછત સમસ્યાના ઉકેલની નથી, એના અમલની છે !''
(બૉર્ડ ઈલનમસ્ક)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :