Get The App

અનાવૃત - જય વસાવડા

Updated: Oct 4th, 2017

GS TEAM


Google News
Google News

રેસ્ટ ઇન પ્લેઝર, હેફનર ! સીધોસાદો લાઈફબોય કેવી રીતે બન્યો છેલછોગાળો પ્લેબોય ?

વર્લ્ડની મોસ્ટ ફેમસ બ્રાન્ડ પૈકીના એકના રણીધણી એવા હેફનરની ધંધાકીય અને ક્રિએટીવ સકસેસની લાઈફસ્ટોરી પ્લેબોયના સેન્ટરસ્પ્રેડ પર પથરાતી અનાવૃત અપ્સરાઓ જેટલી જ રસપ્રદ અને પ્રેરણાત્મક છે !

અનાવૃત - જય વસાવડા 1 - image૨૦૦૨ની સાલમાં હાર્વર્ડ જેવી જગતમાં સરટોચની યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યો : જગતના સ્ટ્રેઇટ એવા પુરૃષો રૃપસુંદરીઓની તસવીરો જોઇને ઉત્તેજિત થાય, ત્યારે બ્રેઇનમાં શું ન્યુરોકેમિકલ હલચલ થાય છે એનો. સંશોધકોએ નોંધ્યું કે મગજના જે ભાગમાં સ્વાદિષ્ટ ખોરાક, મોજ કરાવતા વ્યસનો અને પૈસા જોઇને ઝબકારા થાય છે, એ જ હિસ્સામાં રૃપવતી યુવતીનું જોંબન જોઇને પણ ઝળહળ રોશની થાય છે !

સાર : પુરુષના ચિત્તમાં ઘાટીલા વળાંકોવાળી યાને સંસ્કૃતમાં કહીએ તો પીનપયોધરા, ક્ષમોદરી, શ્રોણિભારા (અંગ્રેજી અનુવાદ : ટાઈટકૂલ બ્રેસ્ટ, નેરો વેઇસ્ટ, રાઉન્ડેડ સ્વેયિંગ હિપ્સ - પહેલો શબ્દ વેદવ્યાસનો, બીજો વાલ્મીકિનો ને ત્રીજો કાલિદાસનો છે) નારીને જોઇને 'રિવોર્ડ સર્કીટ' જાગે છે. આ એકદમ નેચરલ રિસ્પોન્સ છે.

હજારો લાખો વર્ષોના ઇવોલ્યુશન પછી પણ બ્રેઇનમાં હાર્ડવાયર્ડ છે. જે કોઈ સર્જનહાર ભગવાન છે, એને આ બાબતે કોઈ ફેરફાર કરવો જ નથી. એના એજન્ટો ભલે ઉલટું વિચારી બ્રહ્મચર્ય ને સંયમ માટે ઉંધી ગુલાંટો ખાધા કરે. 'ન્યુયોર્ક ટાઈમ્સ'માં જ્યારે ૧૫ વર્ષ પહેલાની ૧૯ ફેબુ્રઆરીએ આ રિપોર્ટ છપાયો ત્યારે એની હેડલાઈન બાંધવામાં આવેલી કે 'બ્યુટી, લાઈટ્સ અપ ધ બ્રેઇન !' સાયન્ટીફિકલી પ્રૂવન.

પણ આવા વૈજ્ઞાાનિક તારણો નીકળ્યા એના ૫૦ વર્ષ પહેલા જ આપણા ખજૂરાહો-અજન્તા તણા રસિક પૂર્વજોની માફક એક માણસને અમેરિકામાં આ સત્યનો સાક્ષાત્કાર થઇ ગયેલો. જેણે આખી દુનિયામાં આજે ય ટ્રેન્ડસેટર ગણાતી એક મુક્તિમસ્તી શરુ કરેલી. એ હતો 'પ્લેયબોય' નામનું મેગેઝીન શરુ કરી, કામણગારી કામિનીઓના ઇરોટિક ફોટોગ્રાફ્સના પ્લેઝરથી અનેક કિશોરોને નોર્મલ હીટરોસેકસ્યુઅલ (મતલબ,હોમોસ્કસ્યુઅલ નહી એવા પુરુષ) યુવાન બનાવનાર હ્યુ હેફનર !

ખરા અર્થમાં આજલસાઅવતાર જીવી જનાર 'દાદો માણસ' એવો હ્યુ હેફનર તાજેતરમાં અવતારકૃત્ય પૂરું કરીને ૯૧ વર્ષની ભરપૂર રસતરબોળ જિંદગી થકી સ્વર્ગ પૃથ્વી પર જ ભોગવીને પરલોક સંચર્યો. ઇન્ટરનેટ પર ઉપકારવશ અનેક ચાહકોએ અંજલિઓ અવનવી રમુજી રીતે આપી. મેરેલીન મનરોની કબરની બાજુમાં જ દટાયેલા આ એવરગ્રીન રસિકશ્રેષ્ઠને અપાયેલી બેસ્ટ ટ્રિબ્યુટ હતી : મર્યા પછી જન્નતમાં ૭૨ હૂરો મળે એ માટે પૃથ્વીને દોઝખ બનાવનારાઓ માટે સંદેશ કે, ધર્મ ને બદલે સુંદરતાને પ્રેમ કરતા આવડે - તો ૭૨ શું, હજાર હુસ્નપરીઓ ધરતી પર કોઇને નડયાકનડયા માર્યા વિના ય ભોગવી શકો !

તમે જલસા કરો તો જગત જલન કરવાનું જ. પણ સદાકાળ બેનમૂન સુંદરીઓથી વીંટળાયેલ ને બેસુમાર ઓપન રિલેશન્સ ઉપરાંત એક વાર પોતાનાથી ૪૦ વર્ષ નાની ને બીજી વાર ૬૦ વર્ષ નાની સ્ત્રીને પરણનાર (એ ય જેવી તેવી નહી, એના જ મેગેઝીનની પ્લેમેટ હસીનાઓ) હેફનર પાઈપ મોંમાં રાખી હસીને કહેતો 'મનોમન બધા જ પુરુષો જેનું સપનું જુએ છે,

એ જિંદગી મેં તો જીવી લીધી છે !' તો, અમુક એવા છે કે જેમણે બાપગોતર 'પ્લેબોય'નો અંક પણ હાથમાં લીધો નથી. પણ હેફનરને શેતાન ચીતરવાના જજમેન્ટ આપવામાં મેન્ટલ હોય છે. જેમાં પોતે ગાડી ચૂકી ગયાનો વિકૃત વસવસો વધુ પ્રગટ થાય છે.

હેફનરે ક્યારેય મોક્ષ કે ભક્તિની વાતોનો દંભ નથી કર્યો. એણે તો કહ્યું જ કે 'સેક્સ ને સૌંદર્ય અલ્ટીમેટ સુખ છે, એવુંકબૂલ કરતા ય લોકો શરમાય છે.' ન તો ઢોંગી કામુક બાબાઓની જેમ એણે બળાત્કાર કે ખૂન કરાવ્યા છે.

પ્લેબોય શું એ ખબર જ હતી ને સામે ચાલીને જ સ્ત્રીઓનો ધસારો થતો. ફન ફીલિંગના સેન્સેશન કુદરતે એકલા પુરુષમાં જ થોડા મુકયા છે ? સ્ત્રીને ય કીર્તિ ને એશોઆરામ પણ ગમે ને, સારો પાર્ટનર હોય ત્યારે શય્યાસુખ પણ. અમુક ચિબાવલી માનુનીઓ જગતભરમાં હોવાની જે બધું જાણતી હોવા છતાં આગળ વધે અને પાછળથી વાંધો પડે, તો કકળાટ કરી મુકે પુરુષની સામે. હવે તો ભારતની હાઈકોર્ટ પણ આવા બખાળા સાંભળતી નથી.

પ્લેબોય લાઇફસ્ટાઇલ એટલે નવીનવી રૃપસુંદરીઓ સાથે પાર્ટી કરવાની, વિલાસી મહેફીલો માણવાની, ડ્રિંક ને બીજા નશાઓ, મદહોશ કરે એવી બિકિની બેબ્સ ને ડાન્સ, નવી નવી મોજશોખની ચીજવસ્તુઓ. પ્લેબોય મેન્શન તરીકે ઓળખાતી આલીશાન હવેલી જેના વિશાળ હોલમાંથી સીધો સ્વીમિંગ પૂલમાં ધુબાકો મારી શકો અને એ પૂલ નીચે ગ્લાસ હોય ને ત્યાં નહાતી રમણીઓને તળિયેને સાઇડથી જોતાં જોતાં અલકમલકની વાતો, ઓફિસ માસ્ટર બેડરૃમમાં જ્યાં ચાર દિશાઓમાં અલગ અલગ લૂકવાળો રિવોલ્વિંગ વાયબ્રેટિંગ બેડ હોય. સિગાર ને ભાવતા ભોજન હાથવગા. ધમધમાટ મ્યુઝિક. તો અય્યાશી નહીં ?

એટલે નહિ કે આવી અય્યાશીમાં તો ભલભલાના રાજપાટ ને શહેનશાહત જોતજોતામાં ફના થઇ ગઇ. કૈંકની કારકિર્દી રોળાઈ ગઇ ને સડક પર ફેંકાઈ ગયા કે ડિપ્રેશનમાં આવી આત્મહત્યાની જેમ ગુમનામ મરી ગયા. ભોગીમાથી રોગી થઇ ગયા. અય્યાશીમાં તમે તમારું ફોકસ ગુમાવી દો, ને રૃપ કે વ્યસન પાછળ ઘેલા થઇને વિચાર ને વેપાર બે ય ખતમ કરી નાખો.

જ્યારે હ્યુ હેફનર તો પાક્કો ગણતરીબાજ પ્રોફેશનલ ઇન કન્ટ્રોલ હતો. એને ક્યાં સુંવાળી કાયાની સોડમાંથી ઉભા થઇને કામે (એટલે વર્ક વાળું) વળગવું એની પાક્કી ખબર હતી. એક જમાનામાં ૭૦ લાખ કોપીઝના સેલના આંબી ગયેલા પ્લેબોયના એક એક ઇસ્યુ, કવર ને ફોટો પર એની નજર છેક સુધી રહેતી. આર્ટીકલ્સનું સમ્પાદન, ઇન્ટરવ્યુ, ફિલ્મમેકિંગ, ટીવી શોઝ, વેબસાઇટ બધું જ એણે પહેલા પબ્લિક લિમિટેડ ને ફરી પબ્લિકમાંથી પ્રાઇવેટ કરેલી કંપનીમાં મરતે દમ તક સામ્રાજ્યની જેમ વિકસાવ્યું. અબજોની અધધ કમાણી કરીને આ જ બિઝનેસમાં સંતાનોને ય જોડી દીધા.

કોઈ અય્યાશ માણસનું આવું પ્રોફેશનલ ફોક્સ છ - છ દાયકા સુધી ન રહે. લખવાનુ (કે વોટરએવર કામ) બાકી હોય, તો સામે કપડાં ઉતારીને ઉભેલી લલના તરફ પણ ધ્યાન ન જવું જોઇએ. આ હ્યુ હેફનર પાસેથી શીખવા જેવું હતું. પાર્ટી લાંબી ચલાવવી હોય તો ક્યાં અટકાવવી એ ખબર હોવી જોઇએ !

એક્ચ્યુઅલી, વર્લ્ડની મોસ્ટ ફેમસ બ્રાન્ડ પૈકીના એકના રણીધણી એવા હેફનરની ધંધાકીય અને ક્રિએટીવ સકસેસની લાઈફસ્ટોરી પ્લેબોયના સેન્ટરસ્પ્રેડ પર પથરાતી અનાવૃત અપ્સરાઓ જેટલી જ રસપ્રદ અને પ્રેરણાત્મક છે !

જ્યારે હેફનર ગુજરી ગયો ત્યારે જેના પર અશ્લીલતાના કોર્ટ કેસ થયેલા, એના નામના તો રોડ બનેલા હતા, અરે, પ્લેયબોયથી ૧૮૦ ડિગ્રી ઉલટી સિરિયસ એડીટોરિયલ પોલિસી ધરાવતા વિશ્વના તમામ ટોચના પ્રકાશનોએ પણ સવિસ્તર અંજલિઓ છાપી ! આપણા વાંક-અદેખાઓની નજરે એક ગલગલિયાં કરાવતા 'ચીપ' મેગઝીનના સ્થાપક એવા 'ઠરકી' લાગતા બુઢા ને આવી સલામી મળે?
    
વીસમી સદીના મધ્યાહને રોમન કેથોલિક અસરમાં એ વખતનો અમેરિકન સમાજ ખાસ્સો કન્ઝર્વેટીવ હતો. ત્યારના આપણા જેવી સેન્સરશિપને વરેલા અમેરિકામાં વર્લ્ડ વોર પછીના એ અમેરિકામાં ફિલ્મોમાં એક પથારીમાં સુતેલા મેરીડ કપલને બતાવો તો ય હાહાકાર થઇ જતો. આજના ભારતની જેમ 'સંસ્કારી' છોકરા-છોકરી ભણીને તરત ભલે પોતાની ચોઇસથી, પણ તરત પરણી જતાં અને પોતાના બાળકોએ એ જ ઘરેડમાં સંસ્કારી બનાવવા એમનું જીવનકર્તવ્ય રહેતું. રંગભેદ પણ તીવ્ર હતો.

પણ ૧૯૫૦ના જ દાયકામાં અમેરિકાએ સ્પેસ પ્રોગ્રામ મજબૂત બનાવ્યો. કાળાઓના સમાન હક્ક માટેની લડત તીવ્ર થઇ. કન્ઝ્યુમરિઝમના આઈકોન જેવી બ્રાન્ડ 'મેકડોનાલ્ડસ' શરુ થઈ,વોલ્ટ ડિઝનીએ ડિઝનીલેન્ડ શરુ કર્યું ને હોલીવૂડ ફિલ્મો કલરફૂલ સાથે જેમ્સ બોન્ડ જેવી સ્ટાઈલીશ થઈ. સ્પોર્ટસ ને મ્યુઝીકમાં સદાબહાર લીજેન્ડસ આવ્યા. ને ડિસેમ્બર ૧૯૫૩માં 'પ્લેયબોય' શરું થયું.

પ્લોબોય એકચ્યુઅલી ત્યારે માત્ર ૨૭ વર્ષના યુવાન હ્યુ હેફનરનું વન મેન ડ્રીમ હતું. એને ખુદને ય એ ઈમ્પોસિબલ લાગેલું એટલે પહેલા અંકના કવર પર પોતાનું નામ કે મહીનાની વિગત પણ એણે નહોતી મૂકી! પણ સેક્સ માટે ય પરસેવો પડી મહેનત તો કરવી જ પડે, ને સેક્સી મેગેઝીન માટે ય તે!

મૂળ તો હ્યુ હેફનર એક અમેરીકન ધોરણો મુજબ કડક અને ભારતના નાના નગરોમાં જોવા મળે, એવા રૃઢીચુસ્ત મા-બાપનું શરમાળ સંતાન હતો. ઉંચો ને નમણો હોવા છતાં ટીનએજમાં એને બહુ જ ગમતી હતી એ છોકરી એની પ્રપોઝલ રિજેક્ટ કરીને એના બીજા ફ્રેન્ડ જોડે ઈશ્કમાં ગુલતાન થઈ ગઈ.

કાચી વયે હેફનરનું દિલ તૂટી ગયું. એમાં જ એને ખુદની પર્સનાલિટી પર કામ કરવાનો ને મર્દાના અંદાજ ને મિજાજ અપનાવવાનો વિચાર આવ્યો. સ્ત્રીને ઈમ્પ્રેસ કરવાનું સનાતન હથિયાર-કોન્ફિડન્સ બિલ્ટઅપ કર્યો.

બીજી ગર્લફ્રેન્ડ થઈ એ જ પત્ની બની ને એ જ હેફનર જેની સાથે સુતો એવી પ્રથમ સ્ત્રી, એ જ આજે પ્લેબોય એમ્પાયરની ૨૦ વર્ષથી સર્વેસર્વા એવી હેફનરની દીકરી ક્રિસ્ટીની માતા. આજે એ દીકરી તો બાપના ઈરોટિક બિઝનેસની ઉત્તરાધિકારી બની. એને સાવકા ભાઈઓ સંગાથે લહેરથી ચલાવે ને પિતાની રંગીનશોખીન જિંદગી પર એમેઝોન પ્રાઈમ પરનો ડોક્યુડ્રામા 'અમેરિકન પ્લેબોય' પ્રોડયુસ કરાવે!

બેક ટુ યંગ હેફનર. એ કોલેજમાં હતો ત્યારે કોલેજ માટે શાફ્ટ નામનું મેગેઝીન તૈયાર કરતો. વાચનનો શોખીન. કાર્ટૂન પણ દોરે, જોક લખે, ફની વનલાઈનર્સ લખે. કોલેજમાં જે છોકરી બ્યુટી ક્વીન ગણાતી હોય એનો (પૂરા કપડા પહેરેલા ફોટા સાથે) શોર્ટ પ્રોફાઈલ લખે. જર્નાલિઝમની એની આ તાલીમ. એ વખતે ય એને 'એસ્કવાયર' મેગેઝીન બહુ ગમે. મેન્સ મેગેઝીન એવા એસ્કવાયરનો નમ્બર વન તરીકે દબદબો. હેફનર લગ્ન પછી એમાં કોપી રાઈટર તરીકે જોડાયો એવો એનો ચાહક.

જેમ મરીના ભાવમાં પાંચ શિલિંગના દલાલોએ કરેલા ભાવવધારાને પરિણામે ભારત શોધવા ઈસ્ટ ઈન્ડિયા કંપની બની, એમ જ માત્ર પાંચ ડોલરનો પગાર વધારો ન આપતા હેફનરે એસ્કવાયરની નોકરી કડવાશના સ્વાદ સાથે છોડી દીધી. આવા મામુલી સ્ટાફ મેમ્બરના જવાની મેગેઝીનમાં કોઈએ નોંધ પણ ન લીધી.

પણ હેફનરે નક્કી કર્યું પોતાનું મેન્સ મેગેઝીન શરુ કરવાનું. ત્યારે અમેરિકામાં શિકાર, ને દારૃ ને કપડા ને એવા વિષય પર પુરુષો માટેના મેગેઝીન બહાર પડતા. હ્યુ હેફનરે ૧૯૪૮માં આલ્ફ્રેડ કિન્સેએ બહાર પાડેલો જગતમાં ખળભળાટ મચાવી દેનાર સેક્સ રિપોર્ટ વાંચ્યો હતો. ભારતમાં વાત્સ્યાયન જેવાઓએ સહસ્ત્રાબ્દીઓ પૂર્વે સેક્સ બાબતે દરેક અર્થમાં તલસ્પર્શી સંશોધન કરેલું. પણ પશ્ચિમમાં તો આ ટોપિક સાયન્ટીફિક રીતે નવો હતો ત્યારે. એમાં ખબર પડેલી કે ઉપર ઉપરથી ડાહ્યા દેખાતા અઢળક અમેરિકન સ્ત્રીપુરુષો ખાનગીમાં અફેર ધરાવે છે.

આ સપાટી પર ન દેખાતી હિડન ડિમાન્ડ હતી, જેનો વ્યાવસાયિક ફાયદો પ્રકાશનમાં કોઈએ ઉઠાવ્યો નહોતો! તદ્દન રદ્દી કક્ષાના સેક્સ મેગેઝીન ઊંટવૈદો ને વેશ્યાવૃત્તિવાળી ડાન્સ ક્લબની જાહેરાતોથી ખદબદતા હતા. એમાં કોઈ આર્ટીસ્ટીક ક્લાસ નહોતો. ન્યુડ ફોટા મોડલ ગર્લ્સના માત્ર કેલેન્ડરમાં છપાતા. એસ્ક્વાયરમાં પિન અપ ગર્લની તસવીર વાચકોના ચક્ષુને મોક્ષ આપવા મુકાતી, પણ નગ્ન નહિ.

હેફનરે એવું મેગેઝીન વિચાર્યું જે કમ્પ્લીટ મેન્સ મેગેઝીન હોય. જેમાં પુરુષની નજરે દુનિયા જોવાતી હોય ને કિશોરોને પુરુષ બનતા શીખવાડવામાં આવે. જે વિગતો ઘરમાં કે સ્કૂલમાં ન મળે. સેક્સ જ નહિ, લાઈફસ્ટાઈલની. કેવો સૂટ ક્યારે પહેરવો, કેવા શૂઝ, પાર્ટીમાં શું હોય, કોકટેલ ડ્રિંક કેમ પીવાય વગૈરાહ. ઉપરાંત, નોર્મલ પુરુષના ચિત્તમાં જેના વિચારો સૌથી વધુ કબજો કરી લે છે,

એ સેક્સ હોય. ઇન ફેક્ટ એ જોઈને બીજા વિચાર જ આવતા બંધ થઈ જાય ઘણાને! ફિલોસોફી, લિટરેચર, હ્યુમર, આર્ટની વૈવિધ્યસભર થાળી હોય. પણ ડીઝર્ટમાં ન્યુડ ફોટો હોય જરાય શરમાયા વિના કે દંભ કર્યા વિના ગમી જાય એવી સ્વીટ સુડોળ કાયા ધરાવતી જોબનવંતી રૃપરમણીનો. પોર્નોગ્રાફી નહિ, આઈકનોગ્રાફી ઓફ બોડી બ્યુટીફૂલ.

પહેલા ઈસ્યુ માટે ધમાકેદાર ફોટો જોઈએ. શિકાગો એ રહેતો હતો ત્યાં જ એક કંપની પાસે સ્ટ્રગલના ટાઈમમાં મેરેલીન મનરોએ એક કેલેન્ડર કંપની માટે રાઈટ્સ વેચી ન્યુડ ફોટા પડાવેલા. એ ફોટા માત્ર જોવા માટે ય પૈસા થતા હતા. મેરેલીન ત્યારે સ્ટાર.

ને આમ પણ આજે ય કેટલાય પુરુષોના દિલની ધડકન તેજ કરીને અટકાવી દે એવા 'ઉમ્ફ ફેક્ટર'વાળી અલ્ટીમેટ બ્યુટી આઈકોન. મોંઘા હશે તો ના પડશે. પૂછવામાં શું જાય છે એ  અભિગમ એને પછીથી ગર્લફ્રેન્ડસ મેળવવામાં ય બહુ કામ લાગ્યો. ને ધાર્યા કરતાં અડધા ભાવમાં એ ફોટા મળી ગયા.

મેગેઝીનનું નામ સ્ટેગ પાર્ટી રાખેલું. નર હરણને સ્ટેગ કહેવાય, એના લોગો સાથે. પણ કોઈ બીજાનું એ હોવાથી રાતોરાત એ ફેરવી એક કારના નામ પરથી પ્લેબોય કર્યું ને એનો માસ્કોટ બદલાવી બની (સસલું) કર્યું, જે આજે જગતના સૌથી લોકપ્રિય લોગોમાંનો એક છે! હિંમતથી અંક રેગ્યુલર મેગેઝીન્સ ભેગો ન્યુઝસ્ટોરમાં મુક્યો ને નકલો ચપોચપ વેચાઈ ગઈ!

પછી તો હેફનરે ધીરે ધીરે શાર્પ બ્રેઇનથી મેગેઝીન ઓફિસમાં પડયા પાથર્યા રહી સામ્રાજ્ય જમાવી દીધું. એમાં પત્નીનો (હા, પત્નીનો) બીજે અફેર થતાં દગાને લીધે સંસાર ભાંગ્યો. પછી અફેર કરવામાં હેફનરે પાછું વાળીને જોયું નહીં. એની જ કબૂલાત મુજબ હજારથી વધુ સ્ત્રીઓ એની શય્યાસંગિની બની. બબ્બે વાર સ્ત્રીના હાથે રિજેક્ટ થયા બાદ એણે સ્ત્રીને જ દિલ આપ્યા વિના ડીલથી સિલેક્ટ કરવાનું નક્કી કર્યું હશે.

હેફનરની નજર પારખુ. પ્લેબોયમાં દર મહીને કોઇ મોડલને બદલે ગર્લ નેક્સ્ટ ડોર ટાઇપ છોકરી 'પ્લેમેટ' બને એ આઇડિયામાં સૌથી પોપ્યુલર પ્લેમેટ એણે પોતાના જ લવાજમ વિભાગમાંથી શોધેલી. એ પુરુષ તરીકે જે સ્ત્રીને ચમકાવે, એ દુનિયાભરના પુરુષોને ગમી જાય એવો એનો યુનિવર્સલ ટેસ્ટ ! પ્લેબોયના ચાહકોને ખબર હશે કે પ્લેબોયના ફોટા માત્ર કપડાં કાઢીને ઊભી રહેતી કોઇ સ્ત્રીના ના હોય. એમાં આર્ટીસ્ટીક ટચ કે કોઇ થીમ હોય. બેકગ્રાઉન્ડ હોય. ને ફિગર પણ માંસલ હોય. દુબળુંપાતળું બીમાર નહીં. માણસનું મન ઈમેજીનેટીવ ને ઈનોવેટીવ માહોલથી ઉત્તેજિત થાય છે.

કેવળ નગ્નતાથી નહિ. હેફ્નરે આજે વિશ્વવ્યાપી બનેલો સેન્ટરસ્પ્રેડનો આઇડિયા અજમાવ્યો. મેગેઝીનમાં ફોલ્ડ કરેલું પોસ્ટર હોય જેમાં વધુ ડિટેઇલવાળી લાર્જ ઈમેજ મૂકી શકાય. આજે ગુજરાતી છાપાઓમાં રેગ્યુલર ને પોપ્યુલર એવા સેક્સના સવાલજવાબની કોલમો પણ પ્લેબોયથી લાઇમલાઇટમાં આવી.

પણ પ્લેબોય એટલે માત્ર ન્યુડ સેક્સી ગર્લ નહિ. આજે સહજ થઇ ગયેલી લિબરલ એટીટયુડનું છડીદાર. હેફનર તો ક્લીઅર હતો કે આપણે મનોરંજન માટે મેગેઝીન બહાર પાડીએ છીએ, કોઇ મહાન ક્રાંતિ કે આદર્શ આપણો એજેન્ડા નથી.

પણ તો ય પ્લેબોયની અસર ધારદાર થઇ. અમેરિકામાં જ્યારે કાળાઓ માટે ટોયલેટ પણ જાહેરમાં અલગ હોય ત્યારે પ્લેબોયે આફ્રિકન છોકરીઓને પ્લેમેટ તો બનાવી જ. ટીવી શોમાં ય બ્લેક સ્ટાર્સ બોલાવ્યા ને માર્ટીન લ્યુથર કિંગનો જીવનનો સૌથી લાંબો ઈન્ટરવ્યુ છાપ્યો ! માલ્કમ એક્સનો ય ! સેન્સરશિપ ને ભેદભાવ વિરુદ્ધ કાયમી સ્ટેન્ડ લીધું.

ઈન્ટરવ્યુઝ પ્લેબોયની લાક્ષણિકતા બની રહ્યા. બર્ટાન્ડ રસેલથી જ્યાં પોલ સાત્ર, આયન રેન્ડથી ઓર્સ્ન વેલ્સ સુધીના બેસ્ટ ઈન્ટરવ્યુઝ ખર્ચ કરીને હેફનરે લેવડાવ્યા. પ્લેબોય ઈન્ટરવ્યુઝના પુસ્તકો ય ચાર વર્ષોથી બેસ્ટસેલર છે. હેફનર મજાકમાં કહેતો કે ''ટોકિંગ એબાઉટ નિત્શે વિથ મેરેલીન ઇન યોર લેપ, ઈઝ પ્લેબોય !'' સાયન્સ ફિકશનમાં આજે ય માઈલસ્ટોન ગણાતી રે બ્રાડબ્રીની 'ફેરનહાઈટ ૪૫૧' વાર્તા હેફનરે પહેલી વાર છાપેલી.

આઈઝેક એસીમોલ જેવા વિજ્ઞાાનલેખકોથી લઇ 'લોલિતા'વાળા વ્લાદીમીર નોબોકોવ જેવા સાહિત્યકારોની વાર્તાઓ પ્લેબોયમાં છપાય ને નેચરલી અસંખ્ય વાચકો સુધી પહોંચે. સાલ્વાડોર ડાલી કે પાબ્લો પિકાસોના ચિત્રો પણ ઓફિશ્યલ રાઈટ્સ સાથે છપાય.

ટેલન્ટને વળતર આપવામાં ને સ્ટાફને મોજીલું ઓફિસ એન્વાયર્નમેન્ટ આપવામાં ય એ એક્કો. પહેલા પ્લેબોયે મોડલને પૈસા દેવા પડતા, એક તબક્કે તો હીરોઈનો પ્લેબોયને કહેણ મોકલાવતી થઇ ગઇ !

રાજાઓ કે નવાબો તો સૈનિકો ને દોલતના બળે, ખાનગીમાં મજા માણતા. પબ્લિકને એમાં શું જોવાજાણવામાણવા મળતું ? હરમના પડદા બંધ રહેતા કોમનમેન માટે. પ્લેબોયે તો ક્લબ બનાવી પાર્ટીના દરવાજા લોકો સુધી ખોલ્યા અને સુંદરીઓની કાયાના રહસ્યો ય પબ્લિક માટે ઓપન કર્યા. રામદેવબાબાએ યોગમાં ટીવીનો સ્માર્ટ ઉપયોગ કર્યો એમ જ ત્યારના અમેરિકામાં માત્ર ૩ ચેનલ્સ હતી ત્યારે '૩૩% દર્શકો તો મારો પ્રોગ્રામ જોતા જ હશે' એ સત્ય પારખીને ટીવી ઇન્ટરવ્યુમાં ઘોઘા પુરવાર થયેલા હેફનરે ખુદના ભોગના ટીવી શો બનાવ્યા. પછી તો પ્લેબોય મર્ચન્ડાઇઝિંગ એન્ડ મૂવીઝનો આખો કારોબાર વિકસાવ્યો.

ગુજરી ગયા પછી એની એક્સ વાઈવ્ઝે કહ્યું છે કે, બહારથી રંગીલો આશિક દેખાતો - એ ઈમેજ એમણે પ્લેબોય બ્રાન્ડના એક્સટેન્શન તરીકે બનાવેલી. પણ કેરિંગ જેન્ટલમેનની જેમ પેશ આવતો. સ્ત્રીઓનું રૃપ મુગ્ધ બાળકની જેમ માણવું એને ગમતું ને ધરાતો જ નહિ. પણ એમ સ્ત્રીને સુવડાવી દેવી આસાન નથી. હેફનરની વાતચીતમાં ચાર્મ હતો. એની સાથેનો સમય ઈન્ટેલીજન્ટ રમૂજોમાં જ પસાર થતો.

એની ખાસ વિશ્વાસુ સેક્રેટરી બાર્બરાએ ડ્રગમાં ફસાઇને આપઘાત કર્યો ત્યારે હેફનરના અલગ અલગ શહેરોના પ્લેબોય મેન્શનની પાર્ટીઓ પર સવાલો શરુ થયા. ન્યુડિટી ને ફિમેલ બ્યુટી સાથે કામ લો ત્યાં કોન્ટ્રોવર્સી તો હોય. જાહેરમાં ઉચ્ચ કહેવાતો વર્ગ ટીકા કરતો રહ્યો પણ ખાનગીમાં પ્લેબોયની ગ્રાન્ડ સકસેસ એવી કે હસલર, પેન્ટહાઉસ, સ્ટફ જેવા ઢગલો મેગેઝીન્સ એના ચીલે શરૃ થયા. ભારતમાં ય ફેન્ટેસી ને ડેબોનેર (ખાસ તો વિનોદ મહેતાના તંત્રીપદ સમયનું) જેવા ચાલ્યા.

પણ સમય બદલાયો. મેક્ઝીમ ને એફએચએમ જેવા નવી પેઢીના મેગેઝીન્સ છવાતા ગયા. એસ્ક્વાયરને પછાડી મેન્સ મેગેઝીનમાં એકચક્રી રાજ કરતા પ્લેબોયના અંકો વિએતનામ વોરમાં સૈનિકો ય રીલેક્સેશન માટે લઇ જતા. પણ ઇન્ટરનેટ આવતા તો હાર્ડ કોર પોર્ન સહિત બધું જ મફતમાં સુલભ થઇ ગયું. પ્લેબોય તો એની સામે રોમેન્ટિક ને સાત્વિક લાગે ! મેગેઝીન તરીકે એ હજુ ટકેલું છે, ને સાઈટ એની સફળ છે. જો કે, વેબસાઈટમાં ન્યુડ પિક્ચર્સ હોતા નથી. બ્રાન્ડની કમાણી  તો અબજોની.

પણ પ્લેબોય હવે જતો રહ્યો. ૧૯૭૦માં એણે એક લેખ મારફતે કહેલું કે ધાર્મિક મરજાદ ને ફેમિનીસ્ટ મુવમેન્ટ્સ બે ય પ્રાચીન ને અર્વાચીનના નામે સેક્સ બાબતે નાકના ટીચકા ચડાવશે, પણ હેલ્ધી ફન તો બધાને ગમે જ છે. ફિમેલ બોડી જેટલું આકર્ષક છે, એટલું મેલ નથી. કમ સે કમ, ભોગવિલાસથી ભરપૂર જિંદગી જીવો, તો ય નાઈન્ટી પ્લસની આવરદા હોઇ શકે, એ દાખલો વધુ એક વાર ખુશવંતસિંહની જેમ બેસાડવા માટે એ ઐતિહાસિક રહેશે. એ બોય હુ પ્લેય્ડ વેલ, 'બ્રેસ્ટ' ઇન પીસ !

ઝિંગ થિંગ

''આપણે બાળકોને મેચ્યોર એડલ્ટ બને એ રીતે ઘડવા જોઇએ, એને બદલે આપણે પુખ્ત લોકોને ધરાર બાળકની જેમ ડાહ્યુંડમરું જીવવા મજબૂર કરીએ છીએ !'' (હ્યુ હેફનર)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Tags :