Get The App

અનાવૃત - જય વસાવડા

ઈટાલી ડાયરી : વીનસ જેવું ખૂબસુરત વેનિસ... વો કશ્તીવાલા ભી ક્યા ગા રહા થા...

Updated: May 2nd, 2018

GS TEAM


Google News
Google News

વેનિસ ધ્યાનથી ફિલ્મોમાં જોયું હશે તો ય ખબર હશે કે એની મોટા ભાગની શેરીઓ જ એવી રીતે હોય કે ત્યાં કોઈ બાંધકામ , જેમ કે ઘર હોય તો એનો એક દરવાજો પાણીમાં પડે અને બીજો જમીન પર યાને શેરીમાં !

અનાવૃત - જય વસાવડા 1 - imageગબ્બરસિંહ જેની ચક્કીના આટાનો લેબ ટેસ્ટ કરાવવા જરૃર દોડયો જાત, એવો દેશ એટલે વેનેઝુએલા. બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેતી સૌથી વધુ રૃપસુંદરીઓ એક જમાનામાં ત્યાં પેદા થતી. આ સાઉથ અમેરિકન દેશનું નામ એટલે જ ઇટાલીના 'તરતા નગર' ગણાતા વેનિસ માટે વપરાતો સ્પેનિશ શબ્દ ! એવું તે કેવું નગર હશે, જેણે યુરોપથી અલગ બીજા જ દેશમાં એક આખા દેશને પોતાનું નામ અપનાવવાનું ઘેલું લગાડયું હશે ?

યસ, વેનિસ ઘેલા કરી નાખે એવી જ નગરી છે. આખું શહેર ૧૧૮ જેટલા નાના-નાના ભૂમિભાગોને જોડતી ૧૭૭ કેનાલ અને ૪૦૯ નાના મોટા બ્રિજનું જ બનેલું છે ! આ આંકડા શુષ્ક લાગી શકે, પણ શહેરમાં હનીમૂન માટે ય જાવ તો ડાલગને ભૂલીને એના પ્રેમમાં પડી જાવ ! વેનિસ બેશક પૃથ્વીના સૌથી વધુ અદ્ભુત સ્થળોમાંનું એક છે.

સદીઓથી આખું નગર જ પાણી પર રચાયેલું. અઢળક ફિલ્મવાળાઓ ય એના પ્રેમમાં પડી જાય એવું ! વેનિસ નગરમાં ટેક્સી પર જ  બેન છે. કાં ચાલીને ફરો, કાં થોડી મોંઘી એવી ગોન્ડોલા રાઈડ લો, કાં નદી પર ફરતી સીટી બસ જેવી ફેરી બોટ સવસમાં મામુલી દામમાં એકથી બીજા સ્ટેશને પહોંચો. બીજો કોઈ ઓપ્શન નહી. કાર કે બાઈક પણ નહિ. નેચરલી, વેનિસને માણવું જ હોય તો ટાંટિયાતોડ એક્સપ્રેસથી ચાલીને જવામાં જ સાચો જલસો છે.

વિવાલ્ડીના જન્મસ્થાન એવા વેનિસમાં એરપોર્ટ છે, પણ એ તો સીધા ત્યાં જતા હો તો. બાકી ઈટાલીમાં ટ્રેન નેટવર્ક બાકીના યુરોપની જેમ ટકાટક છે. મિલાન ( ગત સ્પેકટ્રોમીટર, ઈટાલી ડાયરી પાર્ટ વન)થી વેનિસ સ્ટેશને ટ્રેનમાં પહોંચીને સાંજે ધામા વેનીસને બદલે એને અડીને આવેલા 'મેેમાં નાખી શકાય. ક્યોં ? વો યું કિ, કાનવલથી ફિલ્મ ફેસ્ટીવલ સુધી ટુરિસ્ટસના ફેવરિટ ડેસ્ટીનેશન ગણાતા વેનિસમાં હજારો રૃમ્સ હોવા છતાં હોટલો સમર સીઝનમાં ભરચક્ક રહે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં આવ્યા પછી તો વેનિસમાં નવી હોટલના બાંધકામ પર પણ પ્રતિબંધ છે. એટલે જો ઈકોનોમી ટ્રાવેલ કરવું હોય તો નજીકના આવા સબર્બ જેવા એરિયામાં વધુ સુવિધાવાળી હોટલ સસ્તામાં મળે. અને સ્માર્ટ સિલેકશન કર્યું હોય તો થોડા ડગલા ચાલો એટલે વેનિસની ભાગોળે પહોંચાડી દેતી બસ મળે. જે ફેરીબોટ સ્ટેશન ઉતારે.

એ સ્ટેશનેથી એક મસ્તમજાનો અર્ધપારદર્શક ફાઈબરના પગથિયાં ધરાવતો બ્રિજ ઉતરો એટલે વેનિસ શરુ થઇ જાય ! ટ્રેન સ્ટેશન સૌથી પહેલા આવે. અને પછી ગલીઓની અવનવી આંટીઘૂંટી ! મોટે ભાગે બે ય તરફ ભરચક્ક દુકાનો અને કશુંક કલાત્મક શિલ્પ કે ચિત્ર. પણ આખો દિવસનો થાક માત્ર એમાં ચાલતા ચાલતા ય ઉતરી જાય એવું અવનવું જોવા મળે ! ઝગમગાટ અને રંગબેરંગી. અને આમ આડેધડ ખોવાતા ને ખુશીને પામતા પહોંચવાનું ક્યાં ? સેન્ટ માર્ક સ્ક્વેર નામના મુખ્ય ચોક કે ઈટાલીયન ભાષામાં પિયાઝામાં !

વેનિસ ધ્યાનથી ફિલ્મોમાં જોયું હશે તો ય ખબર હશે કે એની મોટા ભાગની શેરીઓ જ એવી રીતે હોય કે ત્યાં કોઈ બાંધકામ , જેમ કે ઘર હોય તો એનો એક દરવાજો પાણીમાં પડે અને બીજો જમીન પર યાને શેરીમાં ! એટલે જે દિશામાં ચાલો એમાં કોઈને કોઈ બ્રિજ ને કેનાલ તો અચૂક જોવા મળે. પણ યાદ રાખીને જોવા જેવો બ્રિજ સ્ટેશનેથી પચ્ચીસેક મિનીટ એકધારું ચાલો ( જે ટેમ્પટિંગ વેનિસમાં શક્ય નથી ) તો 'રિયાલ્ટો' બ્રિજ આવે.

જે દૂરથી સરસ દેખાય પણ એની ઉપર જાવ તો મધરાતે પણ કપલને રેડ રોઝ વેંચનારા ફેરિયાઓ સિવાય બીજી ભવ્યતા જોવા ન મળે. પણ ફોટો લોકેશન ખરું. ખરી મજા એ બ્રિજની સામે કેનાલ પર આવેલા અનેક રેસ્ટોરાંમાં ઢળતી સાંજે લેતા હો તો ઇટાલીયન વાઈન અને પછી અંધારામાં લાઈટ્સ ઝળહળે એટલે ડિનર લેવાની છે.

એ બ્રિજ આવે એ પહેલા અવનવી શોપ્સ આવે એમાંના અડધોઅડધ કાં કાચની બેનમૂન અને મેઘધનુષી ક્રોકરીઝ વેંચતી હોય કે પછી કાનવલના માસ્ક. પણ ન લેવું હોય તો જોવા ઉભા રહો આ બેઉ જણસ !  વેનિસ અને બાજુમાં આવેલ મુરાનો આઈલેન્ડ જગતભરમાં ગ્લાસ ફેક્ટરીઝનું પીઠું ગણાય. ડિઝાઈન અને કલર્સની રેલમછેલ. ખ્રિસ્તી ઈસ્ટરના ચાલીસ દિવસ અગાઉ ઉજવાતા મુખ્ય કાનવલ માટે માસ્ક તો સદીઓથી અહીં પહેરાય છે.

એનો એક હેતુ, એક જમાનામાં ઊંચનીચના ભેદભાવવાળી જિંદગીમાં સમાનતાથી લહેર કરવાના પલાયનનો હતો. પછી ીઓ આંખો પર રહસ્ય ઉભું કરવાની ફેશન રૃપે બ્લેક માસ્ક પહેરતી થઇ. અને પ્લેગના રોગચાળા વખતે 'હૈદર' ફિલ્મના સોંગમાં શાહીદ કપૂર પહેરે છે એવો લાંબી ચાંચવાળો માસ્ક ચેપ ન લાગે માટે ડોક્ટર્સ પહેરતા થયા ! મોટા ભાગના માસ્કની દુકાનોમાં સુચના મળે કે આ મેઈડ ઇન વેનિસ છે, માટે મોંઘા છે. સસ્તા ચાઇનીઝ નથી !

આવી અલગારી રખડપટ્ટીમાં સરસ મસાલેદાર ઈટાલીયન પાસ્તા ઝાપટવા મળી આવે કે પછી 'ફ્આલા'. ફ્ટ બાર ! એ વળી એવી જગ્યા જ્યાં કિસમ કિસમના મનલુભાવન તાજાં ફળો આકર્ષક ડિસ્પ્લેમાં હોય. રસ્તે ચાલતા ધ્યાન પણ પડે તો 'જી લલચાયે, રહા ન જાયે' જેવું થાય. ત્યાં બેસીને અવનવી કોકટેલ ડ્રિંક પણ લઇ શકો ફ્ટ ફ્લેવર કે ફ્ટ્સ સાથે. કે પછી ઈટાલીયન લલના સસ્મિત તમને જે કહો તે ફળો ને એમાં દહીં કે ક્રીમ નાખેલો આખો પ્યાલો જ ભરી દે !

આસપાસના નજારા જોતા ખાતા જાવ ! નજારામાં શહેર બગડતી નહિ પણ સંવારતી નયનરમ્ય ગ્રાફિટી જોવા મળે દીવાલો પર. જેમ કે રેડ હાર્ટસ. કે એક ચર્ચની દીવાલો પર રાતના ચાલતો કલાઈડોસ્કોપિક ડિઝાઈનનો લેસર શો. મારગમાં વચ્ચે એક થિયેટર પણ આવે જેમાં લાઈવ ઈટાલીયન ઓપેરા માણવા બેસી શકો. અવનવા ભપકાદાર કોસ્યુમ્સ અને વિગ સાથે ૧૫મી સદીના રાજદરબારને જીવંત કરતા સિંગર્સ.

આ બધું રાતની રખડપટ્ટીમાં. જ્યાં વેનિસના દિલ જેવા સેઇન્ટ માર્ક ચોકમાં જાવ તો પાર્ટીની જેમ ઝૂમતા યુવકયુવતીઓ જોવા મળે. ભરતીનો સમય હોય તો પાણી ય થોડું ત્યાં કિનારેથી અંદર આવે વેનિસના સિંહો કોતરેલા હોય એવા સ્તંભો પાસેથી. ને ફુવારા ય લાઈટિંગ સાથે જોવા મળે. હસીને રસ્તો બતાવતા સહપ્રવાસીઓ ય ખરા. જે બાજુ ચલો એમાં કોઈ અનોખી બાંધણી અને પાણીની કેનાલ તો દેખાય જ. રાતના બાર પછી વેનિસ ધીરે ધીરે જંપે. દુકાનો અલબત્ત નવ વાગ્યા સુધીમાં બંધ થઇ ગઈ હોય. ફિલ્મ ફેસ્ટીવલવાળો વિસ્તાર લીડો જરા ધબકતો હોય.

પણ દિવસે ઉઠીને કરવા જેવું કામ વેનિસ ફરતે ફેરીબોટમાં લટાર મારવાનું. જેમાં નગરના મૂળ ઈટાલીયન નામ વેનેઝિયાના બાંધકામની રોનક મળે. એમાં એક હોટલ પાસે પાણીમાંથી ઉભા થતા બે વિરાટ હાથ કે એક જગ્યાએ ધાતુના અશ્વો જેવા શિલ્પો જોવા મળે. અન્ય નાના ટાપુઓ પર જવા મળે. અને હવામાન ચોખ્ખું ને કુણો તડકો હોય તો વાદળીલીલી ઝાંયવાળું પાણી જોઇને જ તરબતર થઇ જવાય ! મ્યુઝીયમ કે પ્રાચીન ઇમારતો જોવાનો શોખ હોય ( ન હોય એ ઈટાલી સદેહે જાય જ શા માટે નહીં તો ? ) એમણે દિવસના સેઇન્ટ માર્ક ચોકમાં પહોંચી જવું.

વેનિસના મોટા ભાગના જોવાલાયક સ્થળો એની જ આસપાસ છે. ત્યાં ડોજ પેલેસ છે. જુના શાસકનો મહેલ અને કચેરી. કળાત્મક કોતરણી ઘણી જોવા મળે. એક સમયે જગતનો સૌથી વિરાટ એવો પીલરલેસ / થાંભલા વગરનો હોલ આ જગ્યાએ હતો. એમાં છત અને દીવાલો પરના ચિત્રો જોઇને દંગ રહી જવાય એવા. એના પટાંગણની એમાં શોભતી શ્વેત સીડી, લાયબ્રેરી રૃમ પણ મગજમાં જડાઈ જાય.

આ પેલેસની પેરેલલ એક જમાનામાં જેલ હતી. રાજદરબારમાં હમણા જોધપુરમાં થઇ એવી આજીવન કારાવાસની સજા થાય એવા કેદીઓને સીધા ત્યાં લઇ જવાતા. વચ્ચે વળી પાણીની કેનાલ. ઉપર બહુ સુંદર રીતે બંધાયેલો એક બંધ સેતુ.

જેની બારીમાંથી મરે ત્યાં સુધી કેદખાનામાં સડતા લોકો ડૂસકાં ભરી છેલ્લી વાર એમના મુક્ત નગરનો ખુલ્લો નજારો જોતા. એટલે ઉપર આસુરી તત્વોને નાથવાના ચહેરા ધરાવતા આ સફેદ સેતુનું નામ જ 'બ્રિજ ઓફ સાઈ' યાને ડૂસકાંનો પુલ એવું પડી ગયેલું ! જો કે, રોમેન્ટિક વાયકા એવી ય કે સમી સાંજે જે કપલ એની નીચે ગોન્ડોલા રાઇડ યાને નાવડીમાં પસાર થાય અને એ કિસ કરે ને ત્યારે જ જો સેઇન્ટ માર્ક ચર્ચનો બેલ વાગે, તો એમનો પ્યાર સનાતન થઇ જાય ! અહા અહા !

વેનિસ ભારતમાં તો શક્તિ સામંતના મૂવી 'ગ્રેટ ગેમ્બલર'ના 'દો લફ્ઝોં કી હૈ, દિલ કી કહાની, આધી મુહોબ્બત, આધી જવાની' ગીતમાં આમ ગોન્ડોલા યાને ખાસ શણગારેલી નાવડીમાં બેઠેલા અમિતાભ-ઝિન્નતથી જ મશહૂર થયું ! આર.ડી.એ એમાં ઈટાલીયન ફોક સોંગની જ ધુનને શણગારી હતી. એ ગોન્ડોલા રાઇડમાં આપણી ઇન્ડિયન સ્ટાઈલમાં બાર્ગેઈનિંગ થતું,

પણ હવે ત્યાં ફિક્સ પ્રાઈઝ સીસ્ટમ આવી ગઈ છે. મહાદેવના મંદિરે જાવ તો બિલીપત્ર આંખે અડાડવાનું જ હોય, એમ વેનિસ હો તો ગોન્ડોલા રાઈડ કસ્ટમરી કહેવાય. એની લિજ્જત વાંચવા કરતા માણવાની મજા આવે એવી છે. એની આસપાસ માર્કેટ ભરાયેલી હોય. જેમાં બાર્ગેઈન કરવાનું.

ફરી સેઇન્ટ માર્ક ચોકમાં આવી જાવ રાઈડ પતાવીને તો સેઇન્ટ માર્કનું ચર્ચ જોવા જઈ શકો. ઉપર ચડી શકાય. મિલાનના ભવ્ય ડયુઓમો જોયા પછી આ મોહનથાળ ખાધા પછી ચા પીધા જેવું ફિક્કું લાગે. સામે કેમ્પાનીલ નામનો ઉંચો ટાવર. લિફટમાં જઈ શકાય ત્યાં. લાઈન લાંબી લાગે પણ વારો ફટાફટ આવે. ત્યાંથી દર્શન થાય નગરના એરિયલ વ્યૂ સાથે. એ ટાવરની પાછળ જ વિશાળ માર્કેટ છે. બાંધેલી આર્કમાં મોટી શોપ્સ.

એમાં મસ્ટ વિઝિટ એટલે ફ્લોરીઅન કાફે. વિશ્વના સૌથી જૂના બે કાફેમાનું એક. છેક ૧૭૨૦થી ચાલતું ! એકદમ પ્રીમિયમ રજવાડી સુશોભન વિન્ટેજ સ્ટાઈલ. ભાવ પણ રજવાડી જ ! એમાં દિવાલો પર ભારતીય ચિત્રો પણ જોવા મળે. વેનિસ બંદર હોઈ ભારતીય મસાલાને ક્રાફ્ટની ચીજોનો વેપાર ત્યાં સુધી હતો જ. મહારાજા ફીલિંગ આવે એમાં. ત્યાં બેસી એક જ આઇટેમ ઓર્ડર કરવાની હોય તો ફ્રેશ ચીઝી ડેઝર્ટમાં એની સિગ્નેચર પ્રોડક્ટ ગણાતી હોટ ચોકલેટ ઓર્ડર કરવાની !

'મર્ચન્ટ ઓફ વેનિસ'ના મશહૂર ડ્રામેટિક વેનિસમાં રોકાઈ પડવાનું વાજબી રીતે જ મન થાય, તો પછી એક દિવસ ફાળવવાની આજુબાજુના ટાપુઓ જોવા માટે. ખાસ તો મુરાનો, બુરાનો. ગાઈડેડ ટૂર ના લેવી હોય તો ફેરી સ્ટેશને જઈ મુરાનો જતી ફેરીમાં બેસી જવાનું. એ ટાપુ પરથી વળી બુરાનો જતી બોટ મળે. અને ત્યાંથી વળી ટોર્સેલો ટાપુ પર જતી ત્રીજી કંપનીની સવસ. ગાઈડેડ ટુર કરતા સહેલું એ રીતે ય પડે કે પુરતો સમય વિતાવી શકાય.

મુરાનોમાં તો ગ્લાસ ફેક્ટરીઝ સિવાય બીજું કશું નથી. પણ ત્યાં મામુલી દરે કાચ કેમ બને, અને એને અવનવા ઘાટ કે રંગો કેમ અપાય એનો લાઈવ ડેમો ( બોટવાળા કહે એમાં નહિ તો જાતે ફરીને ય ) અચૂક જોઈ લેવો. જ્ઞાાન સાથે ગમ્મત. લાઈવ વિડીયો જ ઉતારી લેવોે. ડાયમંડ જવેલેરીની જેમ મુરાનો ગ્લાસની અવનવી છેજો વિશ્વભરમાં વખણાય. એક જુઓ, ને બીજી ભૂલો. લેવા માટે તલપાપડ થઇ જાવ. માઈન્ડ બ્લોઇંગ રેઈનબો એક્સપિરિયન્સ. પણ આ બધું કલાકેકમાં શોપિંગ ના કરવું હોય તો પતી જાય.

પણ બુરાનોમાં જલસો પડી જાય. એક તો ટાપુ પરના ઘરો જોવામાં જ પૈસા વસૂલ. એકદમ પર્સનલ ચોઈસને મેચ કરતા. મતલબ રંગબેરંગી. આપણે ત્યાં પીળી લાઈટો, બ્રાઉન ફનચર અને ધોળી-ભૂખરી દીવાલો એલીગન્સના નામે માથું પકવી દે છે. પણ અહી તો બ્લડ રેડથી રોઝી પિંક, મોરપીંછથી ખુલતા કેસરી સુધીના રંગે રગાયેલા માછીમારોના ઘરોની આખી હારમાળા ! જાણે સિમેન્ટના પતંગિયાઓ ! આ ધરતી પર પથરાયેલા મેઘધનુષથી આગળ ચલો તો બુરાનો એની લેસ માટે ફેમસ છે. જુના જમાનામાં આપણે ઝૂલ કહેતા એ. ડ્રેસ પર ટાંકવાની. બહુ જ મસ્ત મળે ત્યાં એવા ડ્રેસ પણ. લેસ વાળા કલરફૂલ સ્ટોલ્સ તો વર્લ્ડ બેસ્ટ. લઇ જ લેવાય. ભાવ પણ ખાસ નહિ. અને ઈટાલીમાં દરેક સ્થળનો પિત્ઝા તો ખાવો જ એ સંકલ્પ કરીને પાર પાડવા પિત્ઝા ખાવો ચહલપહલ નિહાળતા.

એ પછી ટોર્સેલો જવાનું. ટોર્સેલો પ્રમાણમાં શાંત ને નાનકડો હરિયાળો ટાપુ. એમાં જુના ખંડેર ને કેનાલ જોવા જેવા. પણ માહોલ ભીડ ન હોય તો બેસી પાડવા જેવો સ્પિરિચ્યુઅલ.

ઝિંગ થિંગ

'પ્રવાસ એટલે કેવળ નવા સ્થળો જોવા એમ નહિ, નવી દ્રષ્ટિ કેળવવી તે!' ( હેન્રી મિલર)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :