Get The App

તારી અને મારી વાત - હંસલ ભચેચ

એકલતા અનુભવવા એકલા હોવું જરૃરી નથી, ભરી ભીડમાં પણ એકલતા લાગી શકે !

Updated: Jul 18th, 2018

GS TEAM


Google News
Google News

તમે મોબાઈલમાં ડૂબેલા હોવ તો તમે જાણ્યે-અજાણ્યે બીજાને અવગણો છો, સામેવાળું મોબાઈલમાં હોય તો તમને અવગણે છે અને તમે બંને મોબાઈલમાં હોવ તો જોડે હોવા છતાં'ય તમે બે એકલા

!! માઇલોના માઇલો દૂર બેઠેલા સાથે કનેકટેડ અને બાજુમાં બેઠેલા સાથે ડિસ્કનેકટેડ !!

તાજેતરમાં જ પુરા થયેલા ફૂટબોલ વર્લ્ડ કપ દરમ્યાન ઘણા સમાચારોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે, બે સમાચારોએ મારુ વિશેષ ધ્યાન ખેંચ્યું. પહેલા, 'મેદાનમાં સૌથી વધુ દોડનારી પાંચ ટીમમાંથી ચાર, વર્લ્ડ-કપ નોકઆઉટ રાઉન્ડમાં જ ના પહોંચી શકી !' અને બીજા, 'વર્લ્ડ-કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશનાર સોળ દેશોની કુલ વસ્તી આપણા દેશની વસ્તી કરતા ઓછી છે

!!' પહેલા સમાચારમાંથી તો મેં ડાહપણ તારવ્યું કે 'વધુ પડતી દોડાદોડ સફળતાની ખાતરી નથી આપતી, સફળતાનાં સમીકરણો અલગ અને અંગત હોય છેતારી અને મારી વાત - હંસલ ભચેચ 1 - image

' બીજા સમાચાર વાંચીને સ્વાભાવિક રીતે જ સૌ કોઇને વિશાળ વસ્તી ધરાવતો અને તેમાં'ય સૌથી વધુ યુવાનોનો દેશ હોવા છતાં રમત-ગમતના ક્ષેત્રે આપણી દરિદ્રતાનો અફસોસ થાય, પરંતુ હવે તો મોટાભાગનાઓને આ અફસોસ પણ જૂનો થઇ ગયો હશે.

મને તો આ સમાચારથી તેમાંના ઘણા દેશોની મારી મુલાકાત દરમ્યાન મને ઉડીને આંખે વળગી હોય તેવી ત્યાંની પાંખી વસ્તીની યાદ તાજી થઈ ! ત્યાંના લોકોનું એકાકીપણું યાદ આવ્યું. આપણામાંના ઘણા તો આવા દેશોમાં પગ મુકતા જ હેબતાઇ જઇને ખાલીપો અનુભવવા માંડે, પ્રમાણમાં બધું ભેંકાર અને સુમસામ લાગે, અલબત્ત મુખ્ય બે-ચાર શહેર બાદ કરતા. આજે યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, રશિયા વગેરે દેશોમાં તો એકલતા મહામારીનું રૃપ લેતી જાય છે. માત્ર વૃદ્ધો જ નહીં, યુવાનો પણ અહીં એકલતા અનુભવે છે ! બ્રિટને તો તેને રાષ્ટ્રીય સમસ્યા ગણીને તેના માટે એક અલગ મંત્રાલય ફાળવ્યું છે -

'મિનિસ્ટ્રી ફોર લોન્લીનેસ' ! બીજા ઘણા દેશો તેમના આ મંત્રાલયની કામગીરી ઝીણવટથી તપાસી રહ્યા છે જેથી પોતાના દેશમાં આ પ્રકારનું મંત્રાલય ખોલી એકાકીપણાની સમસ્યા સામે લડવા તેઓ સજ્જ થઈ શકે ! બીજી બાજુ જાપાનમાં એકલતા સામે બાથ ભીડવા લોકો રોબોટ ડૉલ વસાવવા માંડયા છે !

ઓછી વસ્તી એક મહત્વનું પરિબળ હોવા છતાં એકલતાની સમસ્યાનો દોષ માત્ર એને જ આપી શકાય એમ નથી. હમણાં જ સેક્સટીંગની આદતે ચઢી ગયેલી એક યુવતીએ મને કહ્યું કે મારા ઘરમાં બાર સભ્યો છે પણ બધા પોતાના કામમાં બીઝી અને જ્યારે કામ ના કરતા હોય ત્યારે મોબાઈલમાં બીઝી ! કોઈ એકબીજા સાથે વાત કરવા નવરું જ નહીં પછી મેં પણ મારી એકલતાનો ઉપાય શોધી કાઢ્યો.

કોઇને સમય નથી આપવો અને મને જે સમય આપે છે તેને જે જોઈએ એ હું આપું છું એમાં હવે આ લોકોની દખલગીરી હું કેમ ચલાવી લઉં ?!' એના આ વેધક સવાલે મને ક્ષણભર માટે મૂંઝવી કાઢ્યો ! વાસ્તવમાં તો એકલતા અનુભવવા એકલા હોવું જરૃરી નથી.

ભરી ભીડમાં પણ એકલતા લાગી શકે ! જો કોઇની'ય સાથે વાસ્તવમાં જોડાઈ ના શકીએ અથવા કોઇને'ય આપણી પડી ના હોય તો માણસોની વચ્ચે પણ એકાકીપણું આપણને ઘેરી વળતું હોય છે. એમાં'ય મોબાઈલ અને સોશિયલ મીડિયાએ તો આપણને ભરી ભીડ વચ્ચે એકલા પાડી દીધા છે,

તમે જો મોબાઈલમાં વ્યસ્ત હોવ તો સ્વેચ્છાએ અને સામેવાળો જો મોબાઈલમાં વ્યસ્ત હોય તો અનિચ્છાએ તમે એકલા પડી જાવ છો. તમે મોબાઈલમાં ડૂબેલા હોવ તો તમે જાણ્યે-અજાણ્યે બીજાને અવગણો છો, સામેવાળું મોબાઈલમાં હોય તો તે તમને અવગણે છે અને તમે બંને મોબાઈલમાં હોવ તો જોડે હોવા છતાં'ય તમે એકલા ! માઇલોના માઈલો દૂર બેઠેલા સાથે કનેકટેડ અને બાજુમાં બેઠેલા સાથે ડિસ્કનેકટેડ !! લો ને અત્યારની જ વાત કરું, હું આ લખી રહ્યો છું ત્યારે મારા ક્લિનિકની બારીમાંથી દેખાતા, બસસ્ટેન્ડની બેન્ચ ઉપર ત્રણ છોકરાઓ બેઠેલા છે, ત્રણે'ય પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત. આમ તો એકબીજાની સાથે છે, પણ વાસ્તવમાં એકલા છે, સરવાળે એકલતા અનુભવવાના.

મઝાની વાત તો એ છે કે ઘણા બધાની તો એકલતાનો ઉપાય જ આ મોબાઈલ અને સોશિયલ મીડિયા હશે. તેના થકી જ તે પોતાને વ્યસ્ત રાખતા હશે અને તેમનો સમય વ્યતીત થતો હશે.

એમાં'ય ખાસ કરીને ઓછી વસ્તી ધરાવતા દેશોમાં તો ખાસ. આપણે ત્યાં પણ ઘણા નિવૃત્તો અને બેકારો, બંને, મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે પોતે ઘણા વ્યસ્ત હોવાની ભ્રમણામાં જીવતા હશે.

અમારા કુટુંબના એક વડીલ તો આ પ્રવૃત્તિમાં એટલા વ્યસ્ત રહે છે કે એમને યમરાજ લેવા આવશે તો કહી દેશે કે હાલ સમય નથી પછી આવજે ! એક પણ પોસ્ટ જોવાની રહી જાય તો જાણે મોટું કામ બાકી રહી ગયું હોય તેમ રઘવાયા થઈ જાય. ઘરના એમની આ પ્રવૃત્તિથી અકળાય તો કહે છે કે હું તો હાલ મૂકી દઉં, ચાલો તમે મારી જોડે વાતો કરવા બેસો જેથી મારો સમય જાય. એમની આ વાત સાંભળતા જ બધા સભ્યો આઘા-પાછા થઇ જાય છે,

બોલો ! બધો ખેલ વ્યસ્તતાથી વળગણ અને વળગણથી વ્યસન સુધીનો છે.

સમજાય તો વાત સરળ છતાં ગંભીર છે, એકલતા કે એકાકીપણું આવનારા સમયની મહામારી છે, પાંખી વસ્તી ધરાવતા દેશોમાં પણ અને ભારે ભરચક દેશોમાં પણ ! ક્યાંક અનિચ્છાએ અને ક્યાંક સ્વેચ્છાએ બધા મોડા-વહેલા એકલતા તરફ ધસી રહ્યા છે.

એમાં મઝાનો પેરાડૉક્સ જુઓ કે એને દૂર કરવા પાછા આપણે ટેકનોલોજીનો સહારો લેવાના, રોબોટ સાથે વાતો કરવાના અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભરોસે જીવવાના

! કારણ અને મારણ એકસરખું !

જરા પોતીકી કુદરતી બુદ્ધિ વાપરવાની વાત છે, તમને તમારા ફોન સાથે બાંધી રાખવાનો ધંધાદારીઓનો ખેલ છે, આવનારા સમયમાં એમાંથી જ દુનિયાની મોટાભાગની ઉપજ થવાની છે. તમને એકલા પણ એ જ પાડશે અને તેનો ઉકેલ પણ એ જ આપશે, બસ તમારે એને છોડવાનો નહીં.

આ બંધનમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે,

બસ નાનકડો એક સંકલ્પ - જ્યાં સુધી એકચ્યુઅલ જીવંત સંપર્કની તક છે ત્યાં સુધી વર્ચ્યુઅલ સંપર્ક હોલ્ડ પર રાખવો પરંતુ કમનસીબે આપણે ઉલટું કરતા હોઇએ છીએ !

પૂર્ણવિરામ :
મોબાઈલ અને સોશિયલ મીડિયા વૃદ્ધોની એકલતા ભાંગે છે અને યુવાનોને એકલા પાડે છે !

Tags :