રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
રેશમા! તું આવે એટલે મારે તો રૃપિયા જ રૃપિયા છે ! તું મને સાચવજે, હું તને સાચવીશ, બરાબર ?- તલકો
'શું કહ્યું ? સમજી ગઇને ? તું તો ખૂબ સમજદાર છે... તું ના સમજે એવું બને ! તું આવે એટલે રૃપિયા જ છે..હા !'
એક તો તલકાનું આ વિસ્તારમાં એકચક્રી રાજય.
એમાંય પાછો મોટામાં મોટો માલદાર. એની તિજોરીમાં પચીસ-પચાસ લાખ પડયા જ હોય. તલકચંદનું આ લાડકું નામ હતું.
તલકો ! લોકો તેને 'તલકો' જ કહેતા ! તલકચંદ તો બીજાય હશે, પણ તલકો તો આ એક જ ! એની તિજોરી રૃપિયાથી ઠાંસોઠાંસ ભરી હોય.
ને અડધી રાત્રે ય કોઇ આવે ને કહે કે :'તલકચંદભાઇ, પૈસાની જરૃર પડી છે...'
'કેમ ?'
'બહેનને ત્યાં ભાણીનાં લગ્ન છે, એટલે મામેરું કરવાનું છે.'
'કેટલા જોઇશે ?'
'પચાસેક હજાર હોય તો કામ પતી જાય !'
'એટલા બધા ?'
'એટલા તો જોઇએ જ ! બનશે ?'
'બનશે, બનશે, આ કોઇ ભાજી મૂળા જેવો મામૂલી માણસ નથી,
આ તો તલકો છે, તલકો ! તલકચંદ, સમજયો ? તલકચંદ રૃપિયાના ઢગલા પર જ સૂએ છે.
આટલા તો મારા માટે ઘાસના તણખલા જેવા કહેવાય. બોલ, આપું તો ખરો, પણ સામે ?'
'જમીન લખી આપીશ !'
સ્ટેમ્પ પેપર પર લખાણ થઇ જતું. સહી સીક્કા પણ થઇ જતા. ને શેઠ પચાસ હજાર રૃપિયાનું બંડલ પેલાના હાથમાં મૂકી દેતા :'રાજી ?'
'રાજી !'
'તો હવે કર મોસાળું તડાકા-ભડાકા સાથે.'
શેઠ એટલે શેઠ. શેઠ નામે તલકચંદ ! ઊંચા,પુરા ને કદાવર. માંજરી આંખો ને સહેજ શ્યામ વર્ણ ! પણ તલકચંદ કહેતા :'ભાઇ, મને શેઠ ન કહેતા.'
'તો ?'
'ખાલી તલકો કહેશો તો ચાલશે. મારાં મા-બાપ પણ તલકો કહીને જ બોલાવતાં. હું તો શેઠ નથી, તમારો બંધુ છું બંધું. માટે શેઠ બેઠ તો કહેતા જ નહિ, તલકો કહેશો તો મને ખોટું નહિ લાગે ! શેઠ શબ્દ મને તમારાથી જુદો પાડે છે, જ્યારે તલકો શબ્દ મને તમારો ગોઠિયો બનાવી દે છે.
એટલે તલકચંદે જ સ્વીકારી લીધું હતું. 'તલકો'
નામ !' તલકો કહે, ભાઇ તલકો !'
સમરથ શેઠાણી મોટા ભાગે તો બીમારને બીમાર જ રહેતાં ! શરીર ભારે, કાયા કોથળા જેવી, ચાલે તો ય શ્વાસ ચઢી જાય - એટલે મોટા ભાગે તો એ દવાખાનામાં જ હોય, ને તલકો તો એકલો ! ખબર કાઢવા જાય ને કહે :'મટી જશે હોં ! તું ચિંતા ન કરતી !
પિયાની કોથળી ખુલ્લી મૂકી દઇશ, તાકાત છે બીમારીની કે એ જાય નહીં ?' શેઠાણીના બીમાર ચહેરા પર ક્ષણિક હાસ્ય ફરકી જતું !
તો આ બાજુ તલકચંદ વિચારતા :'મા-બાપ કહે, પરણી જાવ ! સગાં વહાલાં ય કહે કે :પરણી જાવ ! લો, પરણી ગયા. પણ બૈરાનું સુખ ! સુખ નામની ચીજ જ જોવા મળતી નથી.
બાકી પિસ્તાલીસ વરસ કંઇ ઝાઝાં ન કહેવાય ! જુવાનજોધ છું હજી. નખમાં ય રોગ નથી. ને શરીર રાતા ચોળ ટામેટા જેવું છે. હવે જુવાન માણસને સંતોષ શી રીતે થાય ? જુવાનીનો અર્થ શો ? જોબનિયું તો આમ પાણીના રેલાની જેમ હાલ્યું જાય છે, ને આ તલકો છે હજી કોરો કોરો ! પેટ હોય તે લાગે ભૂખ, ને જુવાની હોય તે માગે સુખ ! પણ સુખ છે ક્યાં ?' ને તલકચંદના ચહેરા પર ઉદાસી છવાઇ જતી.
ધંધો ચાલે છે.
ધમધોકાર ચાલે છે.
વ્યાજના ઢગલો રૃપિયા આવે છે... ને વ્યાજ ના આવે, તો જમીન વધતી જાય છે. અઢીસો વીઘાં તો પોતાની માલિકીનાં થઈ ગયાં ! શેરબજારમાં રોકેલા રૃપિયા ભેંસની જેમ દૂઝે છે, રૃપિયાનાં બોઘરણાં ભરાય છે ! જ્યાં હાથ નાખો ત્યાં રૃપિયા જ રૃપિયા ! ગુલાબી ગુલાબી રૃપિયા ! ભગવા રંગના રૃપિયા ! લીલીછમ્મ નોટો ! તિજોરી થાય છે ઠબાઠબ ! આ નાનકા શહેરમાં પોતાના નામની હાક છે, ને ધાક છે ! લોકો જાણે છે કે શેઠ કાણિયો પૈસોય છોડે એવા નથી.
કાલુ અને માલુ જેવા બબ્બે પઠ્ઠા રાખ્યા છે, કદાવર કાયાવાળા, રાતી ચોળ આંખોવાળા અને મિજાજના ફરેલા ! જાય એટલે રૃપિયા લઇને જ આવે !
ઘર લખાવી લીધું હોય તો ઘર ખાલી કરાવીને આવે ! ને કોઇ ના આપે તો ? સાંકળે બાંધેલા કૂતરા છોડવાના ! તાકાત નથી કોઇની કે તલકાના રૃપિયા ઘાલે ! લોકો ડરે છે, ગભરાય છે તલકાના નામ માત્રથી ! તલકાના માણસો આંગણે આવીને ઊભા રહે એટલે ભલભલાનાં ગાત્રો ઢીલાં થઈ જાય !
અને આજે આવી હતી રસીલી રેશમા ! મથુરના ઘરવાળી ! મથુર તો હતો કાળા કલાડા જેવો !
કાળો મેંશ !
ને એને મળી ગઈ હતી રસીલી રેશમા !
એકદમ રૃપાળી ! અપ્સરા નેય આંટી મારી દે એવી ! પરી નેય 'પશલી' કરી દે એવી !
રૃપ રૃપની અંબાર !
એમાંય પાછી ત્રીસ વરસની જીવતી જાગતી જવાની !
એમાંય એ ગુલાબી સાડી પહેરે એટલે એને જોવા સ્વર્ગલોકના દેવોય ધરતી પર ઊતરી આવે !
તલકો તો જોઇ જ રહ્યો :થયું, આને કહેવાય જુવાની ! બાકી શેઠાણી જેવી જાડી બાઇ તો આની આગળ દાસી જેવી ય ન લાગે. ગુલાબી સાડીમાં કેવી મસ્ત લાગે છે ?'
એમાંય પાછી તે એકલી આવી હતી. એણે બહારથી જ બૂમ પાડી :'તલકા શેઠ..'
શેઠ દરવાજે આવ્યા :'તું ?'
'હા, હું. રેશમા ! મથુરની ઘરવાળી !'
'જાણું છું, પણ અંદર આવને. બહાર કેમ ઊભી છે ?'
'ભલે.'
ને તે અંદર આવી. શેઠ સોફા પર બેઠા. તો રેશમા ઊભી રહી શેઠની સામે. તલકાએ કહ્યું :'કાં ઊભી છે ? બેસ, અહીં બેસ મારી જોડે.'
'ના, હું અહીં ખુરશી પર બેઠી છું.'
'ભલે.'
પછી શેઠ પૂછયું :'કોઇ કામ માટે આવી છે ?'
'ઓવ્વે.'
'બોલ, બોલ, શું કામ છે ? અબ્બ ઘડી કરી દઉં ! તારું કામ ના કરું એવું બને ખરું ?'
'તલકા શેઠ !'
'બોલ.'
'રૃપિયા જોઇએ છે.'
'કેટલા ?'
'પચીસ હજાર. આલશો ?'
'લે કર વાત... તારા જેવી અપસરાને રૃપિયા જોઇએ ને હું ન આપું, એવું બને ?' ને શેઠે ઊભા થઈને તિજોરીમાંથી રૃપિયા કાઢ્યા. ને પછી પચીસ હજારનું બંડલ રેશમાની ગોદમાં નાખી દેતાં બોલ્યા :'લે, ગણીલે, પૂરા પચીસ હજાર છે !'
'શેઠ, ઘરની પાછલી પછીત વરસાદમાં તૂટી પડી છે. ઇંટોનું ચણતર કરાવવું છે... ને તમે તો જાણો છો કે મથુરની લારીમાંથી ખાવાનું ય નીકળતું નથી. ને બીજી વાત. તલકા શેઠ, પૈસાની સામે લખી આપવા માટે અમારી પાસે કશું જ નથી. મકાન પડવા આવ્યું છે... ને જમીન તો છે જ નહિ. મારા દાગીના મથુરની લારી લાવવામાં વેચાઇ ગયા !'
'તો તેની ચિંતા તું શું કામ કરે છે ? જા, આજથી તારી બધી જ ચિંતા મારી ! ને શેઠે એને હાથ પકડીને નજીક બેસાડી :'સમજી ગઇ ને ? તું તો ખૂબ સમજદાર છે... તું ના સમજે એવું બને ? તું આવે એટલે મારે તો રૃપિયા જ રૃપિયા છે ! તું મને સાચવજે, હું તને સાચવીશ, બરાબર ?'
સમજી ગઇ રેશમા બધું જ, ઊભી થઈ. 'ત્યારે હું જાઉં, તલકાજી ?' ને પૈસા લઇને એ બહાર નીકળી ગઈ ! જો કે એના મનમાં તલકાના છેલ્લા શબ્દો ગૂંજી રહ્યા હતા :'તું મને સાચવજે, હું તને સાચવીશ
(વધુ આવતા અંકે)