પોપે ઘરમાં બધાને કડકાઈથી કહી દીધું હતું કે, મુંબઈ 'ફલાઈટ'માં જઈએ છીએ, એવું બોલવાનું છે, વિમાનમાં કે એરોપ્લેનમાં જઈએ છીએ, એવો કાઠીયાવાડી બફાટ નહિ કરવાનો ! આપણે મુંબઈ ફલાઈટમાં જઈએ છીએ, એની જાણ આપણા સગા કે સંબંધીઓને પણ થવી જોઈએ. લોકોને લાગવું જોઈએ કે, હવે આ લોકો ફલાઈટોમાં ફરવા માંડયા છે.
ઓહ, પોપ એટલે 'પપ્પા'... ફાધર, ડેડી અને 'ડેડ' શભ્દો જૂના થઈ ગયા. 'મોમ' એટલે મૂળ નામ તો મહાલક્ષ્મીબેન, પણ ફલાઈટોમાં આવા નામો ન ચાલે, એટલે ૭૦-વર્ષે ય નામ 'મોના' રાખ્યું હતું.
આજ સુધી તો ગુજરાત મેલ કે 'દુરાન્તો'માં જતા હતા... ક્યારેક એસ.ટી. કે ક્યારેક તો બબ્બે સ્કૂટરો લઈને મુંબઈ સુધી ગયા છીએ. આ આપણી પહેલી ફલાઈટ છે.
પણ હવે બધાને લાગવું જોઈએ કે, આ લોકો ફલાઇટ સિવાય તો ઘરમાં ય ફરતા નથી ! પોપે જ અમારા ફલેટના વોશરૃમથી ડ્રોઇંગ-રૃમ સુધીની ગલીને 'રન-વે' નામ આપી દીધું હતું.
ક્યારેક વળી અમારા ઘેર આવી ગયેલા મહેમાનો માને છે કે, આ રન-વે સીધો દુબાઈ જાય છે... સ્કૂટરો ઉપર મુંબઈ ગયા પછી પોપને ઈન્ડિયાના રોડ્ઝો (એટલે કે, રસ્તાઓ) ઉપર ભરોસો નથી. મુંબઈ તો ઠીક, ફલાઇટ પકડીને મણીનગર પણ જવાતુ હોય તો રીક્ષાના ખોટા પૈસા નહિ બગાડવાના.
મોમને પણ ફલાઈટ-કલ્ચર બહુ ગમે. રોજેરોજ તો એરહોસ્ટેસના કપડાં પહેરીને રસોઈપાણી કરી ન શકે (ફિલ્મ 'બાહુબલિ'ના ભલ્લાલદેવની સાઇઝના કપડાં લાવવા ક્યાંથી ?) છતાં ય, મેહમાનોનું સ્વાગત બિલકુલ એરહોસ્ટેસો જેવું કરવાનું... એટલે કે, ખાલી સ્માઈલથી વાત પતી જાય, બાકીનું બધું મેહમાનોએ જાતે ફોડી લેવાનું. એરહોસ્ટેસો તો વર્ષોથી ગોખેલું-છાપેલું ઈંગ્લિશમાં 'વેલકમ અબોર્ડ' બોલે, એની સાથે મોમને કોઈ લેવાદેવા નહિ. એ તો જવાબમાં, 'જે સી ક્રસ્ણ' કહીને આગળ જતી રહે.
કોઈની સાથે પર્સનલ સંબંધ વધારવામાં મોમને રસ જ નહિ... પોપને એવા ખોટા અભિમાનો નહિ. એ તો હસતી એરહોસ્ટેસને સ્માઇલો આપીને પૂછે ય ખરા, ''કેમ છો... ?'' તમે તો અમારા નખત્રાણા બાજુના કે નહિ... ? બહુ દિવસે દેખાયા ને કાંઈ... ? પાછા ઉતરતી વખતે એ જ એરહોસ્ટેસને ભરચક સ્માઇલ સાથે કહેવાનું, ''ઓકે ત્યારે... મળીશું પાછા... બાઆઆઆ... ય'' ! આ 'બાય'ને એટલું લંબાવ્યું હોય કે પેલીએ ત્યાં સુધીમાં
બીજા ચાર પેસેન્જર ખાલી કરી દીધા હોય ! ટુંકમાં, 'ડીસન્સી' અમારો ફેમિલી-સ્વભાવ છે.
પોપની પાછી કડક સૂચના કે, એરપોર્ટની લાઉન્જમાં બેઠા હોઈએ ત્યારે ઘરના કિચનના પ્લેટફોર્મ પર પગ ઊંચો કરીને બેઠા હોઈએ, એવું લાગવું ન જોઈએ. અમદાવાદમાં ભલે 'શેરિંગ'માં રીક્ષા પકડતા હોઈએ. લાઉન્જમાં બેઠા હોઈએ ત્યારે એટિકેટનો ખ્યાલ રાખવાનો. બની શકે તો હાથમાં બિઝનેસને લગતું કોઈ ઈંગ્લિશ મેગેઝિન રાખવાનું... મીયાં ફૂસકી કે ટોમ એન્ડ જેરીવાળું નહિ ! બધા વચ્ચે ભાગમાં મિલ્ક-શેક મંગાવ્યો હોય તો પ્લાસ્ટિકનો ગ્લાસ વાંકો કરીને છેલ્લે છેલ્લું ટીપું ચાટી નહિ જવાનું. ગ્લાસના તળીયે થોડો મિલ્ક-શેક પડયો રહેવો જોઈએ... જાણે કે, આવા મિલ્ક-શેકો તો ભ'ઈ, બહુ પી લીધા... !
આમ તો પપ્પા-સોરી, પોપે ય પહેલા ક્યારેય પ્લેનમાં બેઠા નહોતા,
ફલાઈટ તો સાંજે સાડા સાતની હતી, પણ ઘરથી એરપોર્ટ દૂર હતું કારણ કે, એરપોર્ટો વિમાનના રન-વે ની પાસે હોવા જોઈએ, નારણપુરા ક્રોસીંગ પાસે નહિ ! આમ ફલાઈટો પકડતા હોઈએ ને આમ એ.એમ.ટી.એસ.ની બસમાં એરપોર્ટો જઈએ, એ કલ્ચર ના ચાલે. ઘેર ગાડીઓ ખરી-બબ્બે, પણ ત્યાં એરપોર્ટ પર અઠવાડીયા માટે પાર્કિંગ કરીને આવવાનું ના પોસાય. 'ઉબેર' કે 'ઓલા' ચાલે મારા ભ'ઈ !
એરપોર્ટ જવા નીકળતા પહેલા ફલાઈટમાં સાથે લઈ જવા શું શું તૈયારીઓ કરવાની, તે પોપે બધું ચેક કરી લીધું.
મહીં બેઠા પછી હવે તો એર હોસ્ટેસો પાણી ય નથી આપતી, નાસ્તો તો બહુ દૂરની વાત છે. પોપને એ જમાનો યાદ હતો કે, એક જમાનામાં તો 'લાગી' હોય ને 'જવું જ પડે એમ હોય' તો તમારે એરહોસ્ટેસને ફક્ત ઈશારો કરવાનો... આપણે બદલે એ જઈ આવે, પણ સંબંધો ના બગડે ! એ જમાનાની વાત જ જુદી હતી. હવે પહેલા જેવી એર-હોસ્ટેસો નથી થતી.
છતાં મોમ મૂળ તો કાઠીયાવાડની. રસ્તામાં ભૂખ-બૂખ લાગે તો સાથે થેપલાંનો ડબ્બો અને મેથીયા કેરીનું અથાણું રાખવું સારૃં. મોના-મોમને પાછી એટલી સમજ ખરી કે, પચ્ચા મિનીટની ફલાઇટમાં બધા વચ્ચે ભૂખો લાગી લાગીને કેટલી લાગવાની ? આટલું બધું લઈ જવા કરતા સારેવડાંનો ડબ્બો રાખવો સારો... તે લીધો ! પણ પોપને ખબર પડી એટલે સખત ગીન્નાયા, 'આ શું માંડયું છે... ? આપણે ફલાઈટમાં સીટે-સીટે ફરીને એક એક સારેવડું વેચવા નીકળ્યા છીએ ?... આવું કાંઈ લેવાય જ નહિ.
લેવા જ હોય તો શેકેલા પાપડ લઈ લો...' ધ્યાન એટલું રાખવાનું કે પાપડો ખાતી વખતે મોંઢામાંથી 'કચડકચડ' અવાજો આવવા ન જોઈએ.
એ તો મેં પોપને સમજાવી દીધું હતું એ સારૃં થયું કે, ફલાઈટોમાં હવે શૂટ-બૂટ પહેરીને જવાની જરૃર નથી હોતી. પહેલી વાર પરદેશ જતા ગુજ્જુઓ હજી ફલાઈટમાં ચકાચક શૂટો પહેરીને, ચોખા-ચાંદલા કરીને ને ખોબામાં નારીયેળ પકડીને આવે છે. હવે તો ઢીંચણ સુધીની બર્મ્યૂડા-ચડ્ડી ચઢાઈ લેવાની. કોલર વગરની બ્લેક કે બ્લડ-રેડ જર્સી ઉપર 'ૈં ચસ ુૈાર ચ ર્ર્કનદ જેવું કાંઈ પ્રિન્ટેડ હોવું જોઈએ... એન્ડ યસ... 'નાઇકી'ની કેપ ઊંધી પહેરવાની... છાપરૃં બોચી પાછળ આવવું જોઈએ, કપાળ ઢાંકે એમ નહિ પહેરવાની ? યાદ રાખો.
માથાની કેપ ઊંધી પહેરવાની છે... નીચેનો ચડ્ડો નહિ !
... આ બધી ડીટેઇલ મોમ પોતાના માટે સમજી હતી અને એ રેડ-જર્સી અને કાળો ચડ્ડો પહેરીને તૈયાર થઈ ગઈ ! ઉતાવળમાં વ્હાઇટ-શૂઝ પહેરવાનું ભૂલી ગઈ અને કિચનમાં પહેરવાની સ્લિપરો પહેરીને એરપોર્ટ આવી ગઈ હતી. પછી તો ભાઈ... એવી શરમાય, એવી શરમાય કે લાઉન્જમાં બેઠા બેઠા ય પોતાની પહેરેલી સ્લિપરો સંતાડવાના વલખાં મારે, એક પગની પાછળ બીજો સંતાડ-સંતાડ કરીને ! મારી વાઈફે મોમને બહુ સમજાવી હતી કે, હવે એરપોર્ટમાં આવી ગયા છીએ તો ગોગલ્સ કાઢી નાંખો, મમ્મી ! મોમની દલિલ સાચી હતી કે, રાતની ફિલ્મી-પાર્ટીઓમાં તો બધી હીરોઈનો ગોગલ્સ પહેરીને આવે છે... !
પોપે ખાસ કીધું હતું કે, લાઉન્જમાં બેઠા પછી જે કોઈ ઓળખીતું દેખાય, એને બોલાવવાનું જ ને એ જાણે પહેલી વાર આવ્યો હોય એમ સુખદ આશ્ચર્ય સાથે પૂછવાનું, 'ઓહ વાઉ... હાઉ નાઈસ... ! તમે અહીં ક્યાંથી ?' કેમ જાણે એ અહીં એરપોર્ટ પર કાંસકા વેચવા આવ્યો હોય ! આપણે રીપિટ કરી કરીને એને કીધે રાખવાનું કે, 'યૂ નો... અમારે તો નેકસ્ટ મન્થ... ઓહ, મોનુ ડાર્લિંગ ક્યાં જવાનું છે આપણે ?.... મોનકી જવાબ આપે એ પહેલા એને ખોટી પાડી દેવાની, 'ઓહ ન્નો, મોના... જર્મની તો આપણે ઓગસ્ટમાં જવાનું છે... યૂ સી, એ પહેલા બે વીક માટે જપેન ('જાપાન'ના બોલાય... દેસી લાગે !) જવાનું છે અને ત્યાંથી સીધી ફલાઈટ પકડીને ઓસ્ટ્રેલિયા જવું પડશે, યૂ નો... ! ઓહ, મેહતા સાહેબ, તમારે ક્યાં જવાનું છે ?''
''મારે તો વોશરૃમ જવાનું છે... તમારી વાત પૂરી થાય પછી જઉં !''
પ્લેનમાં બેઠા પછી હાર્મોનિયમ અને બે ઠીકરાં ખખડાવતો અંધ ગાયક સીટે સીટે ફરતો નથી હોતો, પણ એક કલાકની ફલાઇટમાં આઠ-દસ વખતે વોશરૃમ જનારાઓમાંથી બધાને કાંઈ લાગી હોતી નથી, પણ એ બહાને ફલાઈટમાં બેઠેલામાંથી કોક ઓળખીતું નીકળે તો 'હેલ્લો-હાય' થાય.
વનવાસમાં સીતાજીને શોધવા લક્ષ્મણ નીકળ્યો હોય, એમ કેટલાક ભૂલાભટકેલા ગુજ્જુઓ ફલાઇટમાં એક એકને જોતા જાય ને એના સદનસીબે એકાદું ઓળખીતું મળી ગયું તો ખુશ થઈને પહેલો સવાલ, ''ઓહ હો... તમે અહીં ક્યાંથી... ?'' કેમ જાણે પેલો જવાબમાં કહેવાનો હોય, 'હું તો આ ફલાઈટમાં ભીનાં પોતાં મારવાની નોકરીએ રહ્યો છું... ડયૂટી છે મારી' એમ કહેવાનો હોય !
તમારામાંથી જે રેગ્યૂલર ફલાઈટોમાં અવરજવર કરતું હશે, એમને ખ્યાલ હશે કે, ગુજરાતણો કલાકની ફલાઈટમાં પણ નાસ્તાનો ડબ્બો ખોલવાનું નહિ ભૂલે ! એનો ય વાંધો નહિ, પણ અથાણાંનું તેલ નીતરતો ડબ્બો, 'એક્સક્યૂઝ મી... આ જરા મારી ડૉટરને પાસ કરશો, પ્લીઝ ?' એમ કહીને ડબ્બો આપણા હાથમાં પકડાવી દે. આ તો પૂર્વ જન્મના સંસ્કાર સારા કે, એની ડૉટર પાસેથી ડબ્બો પાછો લેતી વખતે આપણને ડબ્બો વીછળીને આપવાનું નથી કહેતી... !
ખાસ ધ્યાન પ્લેન મુંબઈમાં લેન્ડ થાય ત્યારે ઉતાવળો કરવામાં રાખવાનું છે. ભલે લાખો વખત ફલાઇટમાં બેઠા હો, સિટી-બસની માફક ઉતરવાનું આવે ત્યારે 'હઈસો... હઈસો' કરીને બેગો ઉતારવા માંડવાની. એકબીજા શ્વાસો અડે, એમ અડી અડીને પાછળ લાચારીથી ઊભા રહેવાનું, કારણ કે મોડું આપણને એકલાને થતું હોય છે. આ એક જ ટાઇમ એવો હોય છે, જેમાં હજારવાર ફલાઇટમાં બેઠેલાઓ અને પહેલીવારવાળામાં કોઈ ફરક દેખાતો નથી...
ઊભા ઊભા ય સેલફોન ઝીંકતા રહેશે, 'હું આવી ગઈ છું... ઓકે ?... મેં બ્લ્યૂ-ટોપ પહેર્યું છે... સીધી ગેટ પર જ આવું છું, ઓકે ? ડેડને કહેજો સીમુ પહોંચી ગઈ છે... બીજા શું ખબર છે ? વરસાદ છે ?'
બસ... અહીં ઉતાવળો કરે પણ કન્વેયર-બેલ્ટ ઉપર સામાન ક્યારે આવશે, એ તો પરમેશ્વરે ય કહી શકતો નથી... ! એક સમાચાર :મોમ અને ડેડને પહેલી ફલાઇટમાં જવા દીધા છે... કહે છે કે, સાન્તાક્રુઝ એરપોર્ટ પર ઉતરીને એ લોકો બોરીવલીની બસની રાહ જોતા હજી ય ઊભા છે... !
સિક્સર
- સોશિયલ મીડિયા ઉપર હવે સેન્સર...!
- થેન્ક ગોડ... માણસ હવે પોતાની બુદ્ધિથી ય વિચારતો થશે.

