ટ્રેડિશનલ ડ્રેસ એટલે શું?
ટ્રેડિશનલ ડ્રેસ એ હકીકતે ગરબાનો વ્યાપારી એંગલ છે.
કમર્શિયલ ગરબા આયોજનો પૈકી મોટા ભાગના આયોજનોમાં પ્રવેશ માટે ટ્રેડિશન ડ્રેસ ફરજિયાત હોય છે. આ તૂત કોણે શરૃ કર્યુ હશે, એ તો રામ જાણે પરંતુ એ આયોજકોને ટ્રેડિશનલ ડ્રેસની વ્યાખ્યા ખબર હશે? બેશક ઘણા ખરા આયોજકોને ખબર નથી હોવાની.
કેમ કે ટ્રેડિશનલ ડ્રેસ એટલે સલવાર-કમીઝ એવી વ્યાખ્યા વ્યાપક બનાવી દેવાઈ છે. ગરબા ગ્રાઉન્ડના પ્રવેશદ્વારે ઉભેલા સુરક્ષા કર્મી (એ વળી ક્યાંક ક્યાંક તો ગુજરાતી સંસ્કૃતિ ન જાણતા હિન્દી ભાષી હોય) ઝભ્ભો જુએ.. એટલે પ્રવેશ પણ આપી દે! પણ ઝભ્ભો ક્યારથી ટ્રેડિશનલ ડ્રેસ બની ગયો?
ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત વસ્ત્ર-પરિધાન પ્રદેશ પ્રમાણે બદલતો રહે છે. એકલા ગુજરાતમાં જ અનેક જાતના લોકો રહે છે અને દરેકનો પરંપરાગત પોશાક અલગ છે. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ ગરબામાં આવવાનું રહેશે એવુ પાસમાં લખી દેતા આયોજકોને એટલી ય ખબર હોય એવી આશા રાખી શકાય એમ નથી. જેમ કે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચોયણી અને કડિયું પહેરાતા હતા, માથે પાઘડી તો અચૂક રહેતી. એ સૌરાષ્ટ્રની ઓળખ હતી.
એવો કોઈ આયોજક સોરઠમાં જોવા મળતો નથી, જે આવા પરંપરાગત વસ્ત્રોને પ્રોત્સાહન આપે. પ્રોત્સાહન તો દૂર કડિયું કેમ પહેરવું એ પણ હવે શીખવવું પડે એવી સ્થિતિ છે. સમય બદલાયો એમ પણ પરંપરાગત ડ્રેસની વ્યાખ્યા બદલાતી રહી છે. ક્યારેક લેેંઘા તો ક્યારેક ગાંધી ટોપી વસ્ત્રોના ભાગ રહ્યાં છે. પરંતુ પરંપરાગત ડ્રેસના નિયમો ઘડી કાઢનારાઓને એવી જાણકારી હોતી પણ નથી.
એટલે સલવાર-કમીઝ અને સ્ત્રી વર્ગમાં ચણિયા ચોળી કે ઘેરદાર ઘાઘરા જેવા વસ્ત્રો પરંપરાના નામે ચાલી જાય છે. બાકી કોઈ ગુજરાતી રોજીંદા જીવનમાં આવા વસ્ત્રો પહેરતું નથી, જેને પરંપરાગ કહેવામાં આવે છે.
ટ્રેડિશનલ ડ્રેસ એ હકીકતે ગરબાનો વ્યાપારી એંગલ છે. કેમ કે ગરબા રમવા ઈચ્છતા યુવક-યુવતીઓએ ફરજિયાત એ ડ્રેસ ખરીદવો પડે કે ભાડે લેવો પડે, એ માટે પૈસા ખર્ચે.. અને ડ્રેસના નામે માર્કેટ ધમધમે. એનાથી વધુ ટ્રેડિશનલ ડ્રેસ પાછળનો કોઈ તર્ક જણાતો નથી. ગુજરાતની વેપારની પરંપરા છે, એ પરંપરા નવરાત્રી વખતે પરંપરાગત વસ્ત્રોના નામે નિભાવાઈ રહી છે, એમ કહી શકાય.