સ્વાસ્થ્યવર્ધક સોયાબીન- વિસ્મય ઠાકર
અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા વધુ કોલેસ્ટેરોલ ધરાવતી વ્યક્તિઓને રોજીંદા ખોરાકમાં સોયાબીનને સ્થાન આપવાની હિમાયત કરવામાં આવે છે
ત્રણ હજાર વર્ષોથી ચીનમાં સોયાબીનનો વપરાશ હોવા છતાં છેક ત્રીજા વિશ્વયુધ્ધ પછી યુરોપ અને અન્ય દેશોમાં લોકોને એ વિષે જાણ થઈ. આજે આખા વિશ્વની જરૃરિયાતનું સાઈઠથી સિત્તેર ટકા જેટલું ઉત્પાદન અમેરિકામાં થાય છે. ભારતમાં એનો પ્રચાર ઘણો મોડો થયો. મધ્યપ્રદેશ સોયાબીનના ઉત્પાદનમાં આખા ભારતમાં આજે મોખરે છે, જ્યારે ગુજરાતમાં એનો વપરાશ ઓછામાં ઓછો છે.
સોયાબીન એક પ્રકારનું કઠોળ છે. બજારમાં એની ઘણી જાતો ઉપલબ્ધ છે. દરેક જાત એના કદ અને રંગથી જુદી પડે છે. એમાં પણ મોટા ગોળ અને પીળા રંગનો દાણો પ્રોટીનથી સમૃધ્ધ હોઈ ખાદ્ય તરીકે શ્રેષ્ઠ છે. હવે, સોયાબીનનો આહારમાં ઉપયોગ કરવાથી થતાં ફાયદા વિશે જોઈએ. (૧) પ્રોટીનની દ્રષ્ટિએ સોયાબીન અજોડ છે. તેમાં ત્રીસથી પચાસ ટકા રહેલું છે. અન્ય શિંબીધાન્ય (શીંગમાં પેદા થતું કઠોળ) કરતાં પ્રોટીન બમણું, ઘઉં કરતાં ત્રણ ગણું અને તુવેર કરતાં પાંચ ગણું છે.
આપણા શરીરમાં માંસપેશીઓના બંધારણ માટે તથા નવા કોષોના નિર્માણ માટે પ્રોટીનનું ઘણું મહત્ત્વ છે. સામાન્ય રીતે, શાકાહારી-વનસ્પત્યાહારીઓને ઊંચી ગુણવત્તાના પ્રોટીન મળતાં નથી. માત્ર સોયાબીન જ કઠોળ સ્વરૃપે માંસાહારમાંથી મળતાં ઉચ્ચ કક્ષાના પ્રોટીનની સમકક્ષ છે.
શાકાહારીઓના શરીરના વિકાસ માટે વિશેષ કરીને સુદ્રઢ સ્નાયુઓ માટે સોયાબીનનો ઉપયોગ લાભદાયી થઈ રહે છે. (૨) સોયાબીનમાં આયર્ન, કેલ્શીયમ, ફોસ્ફરસ અને મેગ્નેશીયમ સારા એવા પ્રમાણમાં છે. સાથે વિટામીન છ, મ્ અને ભ તો રહેલાં જ છે. તદુપરાંત તેમાં ચરબી પણ રહેલી છે. આવું વિશિષ્ટ રાસાયણિક સંયોજન અન્ય કોઈ કઠોળ કે ધાન્યમાં જોવા મળતું નથી. બાળકોનો વિકાસક્રમ ચાલતો હોય ત્યારે આવા પોષણદાયક તત્ત્વોની જરૃર વર્તાતી હોય છે.
સગર્ભા અને દુગ્ધપાન કરાવતી સ્ત્રીઓ માટે એ ઘણું લાભદાયી છે. વૃધ્ધોમાં જ્યારે સ્નાયુઓની નબળાઈ કે અશક્તિ વર્તાતી હોય ત્યારે સોયાબીનનો ઉપયોગ બળપ્રદ સાબિત થાય છે. (૩) સોયાબીનની વિશિષ્ટતા એ છે કે, તેમાં રહેલાં પ્રોટિન પચ્યા પછી લોહીનું આલ્કલીપણું (ક્ષારિયતા) વધારે છે. જ્યારે ઇંડા, માંસ અને માછલીમાં રહેલા પ્રોટીન અમ્લધર્મી (એસિડીક) બને છે.
માંસના પ્રોટીનથી લોહીમાં યુરીક એસિડનું પ્રમાણ વધે છે, જેનાથી ગાઉટ જેવા રોગ થવાની શક્યતા વધે છે અને લાંબા ગાળે કિડનીને લગતી સમસ્યાઓ થાય છે. સોયાબીનના પ્રોટીન યુરિક એસિડને શમ (ન્યુટ્રલાઈઝ) કરતાં હોઈ રોગોત્પત્તિ કરતાં નથી, ઉલટું આ પ્રકારની સમસ્યામાં સહાયક ઉપચાર ભૂમિકા ભજવે છે. (૪) સોયાબીનમાં કોલેસ્ટેરોલ ઘટાડવાનો ખાસ ગુણ છે. જે વ્યક્તિઓના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે.
એમના લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી હોય છે. જેનાથી લોહીની નળીઓની કઠણતા (આર્ટીરીઓ-સ્ક્લેરોસીસ), લોહીનું ઊંચું દબાણ, હૃદયને લગતી સમસ્યાઓ (કોરોનરી-સ્ક્લેરોસીસ), લોહીનું ઊંચું દબાણ, હૃદયને લગતી સમસ્યાઓ (કોરોનરી થોમ્બ્રોસીસ, એન્જાઈના પેક્ટોરીસ) અને પથરી જેવાં રોગો થતાં હોય છે. પ્રયોગોથી સાબિત થયું છે કે, સોયાબીનમાં રહેલું લેસીથીન કોલેસ્ટેરોલના પ્રમાણને મર્યાદામાં રાખી શકે છે.
વળી સોયાબીનમાં રહેલી સંતૃપ્ત (અનસેચ્યુરેટેડ) ચરબી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા વધુ કોલેસ્ટેરોલ ધરાવતી વ્યક્તિઓને રોજીંદા ખોરાકમાં સોયાબીનને સ્થાન આપવાની હિમાયત કરવામાં આવે છે. (૫) સોયાબીનમાં અન્ય એક મહત્ત્વનું તત્ત્વ ફાયટો ઈસ્ટ્રોજન રહેલું છે જેનું રાસાયણિક બંધારણ અને કાર્ય શરીરમાં ઉત્પન્ન થતાં ઈસ્ટ્રોજન નામના હોર્મોન જેવું છ
આ ઈસ્ટ્રોજનની ઉણપથી સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને ઑસ્ટિઓપોરોસીસ (હાડકા પોચાં અને નબળાં થઈ જવાં) જેવા રોગો થતા હોય છે. એટલું જ નહિ, મેનોપોઝ દરમ્યાન જ્યારે માસિકમાં અનિયમિતતા સર્જાય છે ત્યારે પણ શરીરમાં ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. આહારમાં સોયાબીનનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી ઈસ્ટ્રોજનની પૂરતી થાય છે અને ઉપર જણાવેલી સમસ્યાઓમાં મહદ્અંશે સહાય મેળવી શકાય છે.
સોયાબીનનો ઉપયોગ કરતાં પહેલાં આટલું જાણજો. સોયાબીનના બહારના આવરણમાં કેટલાક એન્ટિન્યુટ્રિટિવ્સ આવેલાં હોય છે જેનાથી પોષક તત્વોના પચનની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે. સોયાબીનને આઠથી દસ કલાક પાણીમાં પલાળી (આ પાણી કાઢી નાખી), ખૂબ સારી રીતે બાફવાથી આવા નકારાત્મક તત્વો દૂર થઈ જાય છે અને ત્યારબાદ એ ખાવાલાયક બને છે.
બજારમાં મળતી સોયાબીનની વિવિધ વાનગીઓ બનાવતાં પહેલાં આવી તકેદારી રાખવામાં આવતી હશે કે કેમ? આથી રોજીંદા આહારમાં ઉપર જણાવેલી રીત પછી જ સોયાબીનનો ખાદ્ય તરીકે ઉપયોગ કરવો હિતાવહ છે. બીજી મહત્ત્વની બાબત સોયાબીન ક્યારેય એકલા ખાવા ન જોઈએ. એની સાથે હંમેશા ભાત, રોટલી કે ભાખરી લેવા જોઈએ. એમ કરવાથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના સંયોજનથી આહારની પૂર્ણતા જળવાય છે.
અંતે, શિયાળા દરમ્યાન આવા સ્વાસ્થ્યવર્ધક સોયાબીનનો આહારમાં ઉપયોગ કરવાનું ચૂકશો નહિ.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar