પ્રોસ્ટેટ વૃદ્ધિ અને તેનો ઉપચાર
બ્લેડરમાં મૂત્રનો ભરાવો થઈ જતો હોય અને પેઢુમાં અસહ્ય વેદના થતી હોય ત્યારે તત્કાલ ઉપયોગી ઔષધિ તરીકે સાટોડી ઘરમાં વસાવી રાખવા જેવી છે
પુરુષના શરીરમાં પેઢુના પોલાણમાં મૂત્રાશયની મૂત્રનલિકાની ફરતે પ્રોસ્ટેટ ગ્રંથી આવેલી છે. રાતા ભૂખરા રંગની, મોટી સોપારી જેવા આકાર અને કદની આ ગ્રંથી પ્રજનનક્રિયામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શુક્રાણું (SPERM) ને ગતિ (MOTILITY) અને પોષણ આપવાનું કામ પણ આ ગ્રંથીને આભારી છે. વ્યક્તિ પુખ્ત થતાં જ આ ગ્રંથીમાં રહેલું પ્રોસ્ટેટિક લિક્વીડ કાર્યરત થાય છે. પ્રોસ્ટેટના સ્નાયુઓમાં થતાં સંકુચનને કારણે શુક્રાણું સાથે પ્રોસ્ટેટનું પ્રવાહી પણ ભળે છે. સમાગમ બાદ થતાં વીર્યસ્રાવમાં આ પ્રવાહીનો સાઈઠથી સિત્તેર ટકા જેટલો અંશ રહેલો હોય છે.
સામાન્ય રીતે પચાસ વર્ષની આયુ પછી પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથીના કદ-સાઇઝમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જેને પ્રોસ્ટાઈટીસ (પ્રોસ્ટેટનો સોજો) કહેવાય. આવી સ્થિતિ એ રોગજન્ય અવસ્થા છે. પ્રોસ્ટેટમાં વૃદ્ધિ થવાની શરૃઆત થાય ત્યારે કંઈક આવા લક્ષણો દેખાય છે.
(૧) પેટ અને પેઢુના ભાગમાં દુ:ખાવાની શરૃઆત થાય.
(૨) વારંવાર પેશાબ માટે જવું પડે.
(૩) પેશાબ ખુલાસીને ન આવે.
(૪) પેશાબ કરતી વખતે બળતરા થાય.
(૫) મૂત્રનો રંગ બદલાવા લાગે જે ક્રમશ: ગહેરો પીળો અને લાલ થતો જણાય.
(૬) ક્યારેક મૂત્રમાર્ગે પરૃ (PUS) પડતું દેખાય.
(૭) ક્યારેક પેશાબ આવતો બિલકુલ બંધ થઈ જાય અને યુરેમિક પોઈઝનીંગની સ્થિતિ સર્જાય.
આ સાથે ઝીણો તાવ, રાત્રે નિંદ્રામાં ખલેલ, ચક્કર, બેચેની, ઉબકા અને ભૂખનાશ જેવા લક્ષણો અને બ્લડપ્રેશર વધવું તથા હૃદયના ધબકારા વધવા જેવાં વિશિષ્ટ ચિન્હો જોડાયેલા હોઈ શકે છે.
પચાસ ટકાથી વધુ કિસ્સાઓમાં પ્રોસ્ટેટ વૃદ્ધિ પાછળ સ્ટ્રેપ્ટોકોકસ કોલન બેસીલસ જેવા જીવાણુઓનો ચેપ (INFECTION) જવાબદાર હોય છે. ક્યારેક સડેલા દાંતના પોલાણમાં રહેલું વિષયુક્ત પરૃ લસી દ્વારા પ્રોસ્ટેટ સુધી પહોંચી ચેપની સ્થિતિ વધુ ઉગ્ર બનાવે છે. તો ક્યારેક પ્રોસ્ટેટવૃદ્ધિ પાછળ કેન્સર જેવી રોગજન્ય સ્થિતિ કારણભૂત હોય છે. તબીબ દ્વારા થતી PR (PER RECTUM) ની તપાસથી પ્રોસ્ટેટ વૃદ્ધિનો અંદાજ આવી શકે. ઁજીછ ની લેબોરેટરી તપાસ દ્વારા પ્રોસ્ટેટ વૃદ્ધિ સાથે કેન્સર સંકળાયેલું છે કે નહિ તેની જાણ થઈ શકે.
હવે પ્રોસ્ટેટ વૃદ્ધિ અટકાવવા માટેના ઉપાય જોઈએ. પ્રોસ્ટેટ વૃદ્ધિની સમસ્યા પર કામ કરતી અનન્ય ઔષધિનું નામ છે સાટોડી. સોજો ઊતારવામાં આ ઔષધિની ઘણી પ્રતિષ્ઠા હોવાથી સંસ્કૃતમાં એનું એક નામ શોફધ્ની (શોફંહન્તી ઈતિ) પડયું.
સાટોડીના પાનમાં પુનર્નવીન નામનું આલ્કલોઈડ છે જે શરીરના કોઈપણ ભાગમાં થતાં સોજાને દૂર કરવાનું કામ કરે છે. પ્રોસ્ટેટ વૃદ્ધિ વખતે અટકી-અટકીને પેશાબ આવતો હોય, બ્લેડરમાં મૂત્રનો ભરાવો થઈ જતો હોય અને પેઢુમાં અસહ્ય વેદના થતી હોય ત્યારે તત્કાલ ઉપયોગી ઔષધિ તરીકે સાટોડી ઘરમાં વસાવી રાખવા લાયક છે. પાંચ ગ્રામ સાટોડીના ચૂર્ણનું રોજ ત્રણ મહિના સુધી હુંફાળા પાણી સાથે સવારે ખાલી પેટે સેવન કરવું.
ગોખરૃ એ પ્રોસ્ટેટ વૃદ્ધિ પર સફળ પરિણામ લાવતી બીજી મહત્વની ઔષધિ છે. ગોખરૃના છોડ ચોમાસામાં ઊગી નીકળે છે. ગોખરૃ ગુણથી મૂત્રલ હોવાથી પ્રોસ્ટેટ વૃદ્ધિ દરમ્યાન થતાં મૂત્રના અટકાવને દૂર કરી પેશાબ સાફ લાવે છે. વળી, તે બળ આપનાર હોઈ પ્રોસ્ટેટ વૃદ્ધિને કારણે રહેતી અશક્તિ, ભૂખનાશ, ઉબકા પર પણ સારું કામ કરે છે. ગોખરૃનું પાંચ ગ્રામ ચૂર્ણ સાટોડીના પાંચ ગ્રામ ચૂર્ણ સાથે લાંબા સમય સુધી સેવન કરવું.
પ્રોસ્ટેટ વ્યાધિ પર કામ કરતી ત્રીજી ઔષધિનું નામ છે ગરમાળો. ખાસ કરીને જ્યારે પ્રોસ્ટેટ વૃદ્ધિ પાછળ જૂની કબજિયાત અને મળાવરોધ જવાબદાર કારણ હોય ત્યારે ગરમાળો એ ઉત્તમ ઔષધિ પુરવાર થાય છે. ગરમાળો મૃદુ રેચક (MILD LAXATIVE) છે અને તેમાં રહેલો હાયડ્રોક્સિમિથેલ નામનો પદાર્થ કોઠાને શુદ્ધ કરી પ્રોસ્ટેટના ચેપને અટકાવવાનું કામ કરે છે.
ચોથું ઔષધ છે ગૂગળ. ગૂગળનું લેટિન નામ છે કોમીફોરા મુકુલ. ગૂગળમાં જંતુઘ્ન ગુણ રહેલો હોવાથી ચેપજન્ય પ્રોસ્ટેટવૃદ્ધિ પર તેની સારી અસર થાય છે. ગૂગળ શુદ્ધ કર્યા પછી વાપરવો હિતાવહ છે. ગરમ પાણીમાં નાખવાથી જે ઢીલો કે પોચો થાય એવો ગૂગળ વાપરવો ઉચિત છે. જૂનો થઈ ગયેલો કાળો અને ખરાબ ગંધવાળો ગૂગળ ખાવો નહિ. ગૂગળ અલ્પ માત્રામાં આશરે એકથી દોઢ ગ્રામ જેટલો પીસીને મધ સાથે લઈ શકાય.
આ ઉપરાંત પ્રોસ્ટેટ વ્યાધિથી પીડાતા વ્યક્તિઓએ ખાટાં અને તીખાં પદાર્થો ત્યાગવા. રોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું તથા ખોરાકમાં નાળિયેર પાણી, કાકડી, ગાજર, આમળા જેવા વિટામીન્સથી ભરપૂર અને એન્ટિઓક્સિડન્ટયુક્ત આહારનો ઉપયોગ કરવો.
- વિસ્મય ઠાકર