Get The App

નંદલાલ બોઝ અને રામમનોહર સિંહા

Updated: Jan 24th, 2018

GS TEAM

Google News
Google News
નંદલાલ બોઝ અને રામમનોહર સિંહા 1 - image

લખાણ આકર્ષક બનાવ્યા પછી પાનાની સજાવટ કરવા માટે બે કલાકાર પસંદ કરવામાં આવ્યા. બન્ને કલાકાર ભારતની અતી પ્રતિષ્ઠિત કળા સંસ્થા શાંતિનિકેતનમાંથી હતા. નંદલાલ બોઝ અને વ્યોહર રામમનોહર સિંહા. તેમણે મળીને બંધારણના પાનાં માટે ચિત્રો તૈયાર કર્યા. એ ચિત્રોમાં ભારતનો ઈતિહાસ-ધર્મ-સંસ્કૃતિ વગેરે પ્રતિબંબિત થાય છે.

૧૮૮૨માં જન્મેલા નંદલાલ બોઝ ભારતના વિશ્વવિખ્યાત ચિત્રકાર હતા. બોઝેે અવનિન્દ્રનાથ ટાગોર (રવિન્દ્રનાથના ભત્રીજા) પાસેથી ચિત્રકળાની ભારતીય શૈલીની તાલીમ લીધી હતી. આઝાદીની લડતમાં તેઓ સક્રિય હતા અને પોતાના ચિત્રો દ્વારા બ્રિટિશરો સામેનો રોષ વ્યક્ત કરતા હતા. તેમની સાથે કામ કરનારા રામમનોહર તેમના જ શિષ્ય હતા. બોઝે ઘણા ઉત્તમ શિષ્યો આપ્યા જે હવે ભારતના જગ વિખ્યાત કળાકાર ગણાય છે.

જેમાનાં એક શિષ્યનું નામ સત્યજીત રાય પણ  છે. ભારત રત્ન, પદ્મશ્રી વગેરે મેડલની ડિઝાઈન દોરી ચૂકેલા બોઝનું અવસાન ૧૯૬૬માં ૮૩ વર્ષની વયે થયું હતું. કળા નિષ્ણાતોએ બોઝ વિશે લખ્યું છે કે યુરોપમાં રેનેસા યુગમાં જે મહત્ત્વનું સ્થાન મહાન ચિત્રકાર આલ્બર્ટ દૂરેરનું છે, એવુ જ સ્થાન ભારતની આધુનિક કળામાં બોઝનું છે.

બંધારણ માટે અંગ્રેજી શબ્દ 'કોન્સ્ટિટયુશન' અંગ્રેજીમાં સરસ કળાત્મક રીતે લખવાનું કામ સિંહાએ કર્યું હતુ. એ લખાણ બંધારણની શરૃઆતમાં જ આવી જાય છે. એ લખાણ અમદાવાદની સિદી સૈયદની જાળીની માફક કળાત્મક ફ્રેમ વચ્ચે સોનેરી શાહીથી લખાયેલું છે. બંધારણના પાનાં પર ભારતની કળા ઉપસાવવા તેમણે સાંચી, ઈલોરા-અજંતા, સારનાથ, મહાબલિપૂર વગેરે સ્થળોનો પ્રવાસ કરી એ સ્મારકોનો અભ્યાસ કર્યો હતો.

સિંહાએ બંધારણ ઉપરાંત ભારતની ચિત્રકળા પરદેશમાં પ્રસિદ્ધ કરવાનું મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. દેવનાગીરી લીપીમાં એ પોતાના ચિત્ર સાથે 'રામ' અથવા 'રામમનોહર' એવી સહી કરતાં હતા. બંધારણના આ શરૃઆતી પાનાના ખુણામાં અત્યંત નાના અક્ષરે રામમનોહર સિંહાએ રામ તરીકે પોતાનું નામ લખ્યું છે. 

આઝાદી કાળમા ંતેઓ નિયમિત રીતે ગાંધીજી સહિતના આઝાદીના લડવૈયાઓના સંપર્કમાં રહ્યા હતા. માટે આઝાદી પછી બંધારણની રચનામાં તેમણે આ રીતે સક્રિય ફાળો આપ્યો હતો. ત્રિરંગાને સલામી આપતા સુભાષબાબુનું ચિત્ર, જબલપુર પાસે આવેલું શહીદ સ્મારક વગેરે પણ તેમના પ્રચલિક કળા-કાર્યો છે. જબલપુરમાં ૧૯૨૯માં જન્મેલા સિંહા ઈન્દોર ખાતે ૨૦૦૭માં ૭૮ વર્ષે અવસાન પામ્યા હતા.